vijay varagiya

Thriller Others

4  

vijay varagiya

Thriller Others

હવેલી

હવેલી

5 mins
45


રેડ કલરની ઈમ્પોર્ટેડ ઓડી કારે જોરદાર આંચકા સાથે બ્રેક લગાવી અને હવેલીની બરાબર સામે આવી ઊભી.

વાતાવરણમાં ધૂળની ડમરીના ગોટા બની વિખેરાયા. ઈમ્પોર્ટેડ કારમાંથી ખ્યાતનામ ડોક્ટર અને હવેલીના માલિક રાયસંગ ચૌધરી ઉતર્યા.

"આવો ડોક્ટર સાહેબ, અંદર ચાલો" - રાયસંગ ચૌધરી હવેલીનો તોતિંગ ગેટ ખોલતા બોલ્યો.

બંને વિશાળકાય હવેલીના પ્રાંગણમાં આવી ઊભા. રજવાડી હવેલી તેના સમયના તેના માલિકની જાહોજલાલીની ચાડી ખાઈ રહી હતી. ડોક્ટર સાહેબ ચશ્મા ઉતારી હવેલીને એકીટશે જોઈ રહ્યા.

"આવો ડોક્ટર સાહેબ હવેલીને અંદરથી તમને બતાવુ". - રાયસંગ ચૌધરી આગળ વધ્યો.

ડોક્ટર સાહેબ પણ પોતાના વિચારોમાં મગ્ન આસપાસનું નિરીક્ષણ કરતા આગળ વધ્યા.

રાયસંગ ચૌધરીને આ હવેલી વેચીસાટીને ઉપજ રકમમાંથી માથે તોળાતું કરજ બુરવું હતું. પિતાના અવસાન બાદ કોઈ રોકવા કે ટોકવાવાળું ના હતું અને બૈરી પણ પોતાના દાબમાં હતી. પોતાના ઉડાઉ અને નવાબી શોખને કારણે ધીરે-ધીરે બધીજ વારસાગત મિલકત વપરાતી ગઈ છતાં રાયસંગ પોતાના શોખને કાબુ ના રાખી શક્યો. પછી તો કરજ કરીને પણ પોતાના જીહજૂરિયા દોસ્તો અને ગામલોકો સામે વટ રાખવા ઠાઠ માઠ ભર્યું જીવન જીવતો હતો.

રાયસંગ ચૌધરી આ ગામનો એક માત્ર જાગીરદાર હતો. જાગીર તો કંઈ રહી ના હતી કહેવા પૂરતી માત્ર આ હવેલી બચી હતી. છેવટે મોટા કરજમાંથી ખુદને ઉગારવા હવેલી વેચી નાખવાનો નિર્ણય કર્યો. અખબારોમાં જાહેરાતો આપી થાક્યો પણ આ અંતરિયાળ ગામમાં હવેલી ખરીદવામાં કોને રસ હોય? અને આજે નસીબજોગે ડોકટર સાહેબ સામેથી જ તેની પાસે મુંબઈથી ઉડતા આવી પહોંચ્યા !

રાયસંગ ચૌધરી માટે આ સુવર્ણ તક હતી. ગમે તે રીતે ડોક્ટર સાહેબને ખુશ કરી આ હવેલી વેચવી હતી. પછી પોતાની મુશ્કેલી, તકલીફ અને નાણાંભીડ આપોઆપ ખત્મ થઇ જશે.

"ડોક્ટર સાહેબ આ તરફ જુઓ આ હવેલીનો મુખ્ય વિશાળ હોલ છે, આ ફર્નિચર પણ એકદમ એન્ટિક અને જુના જમાનાનું છે."

ડોક્ટર સાહેબ ઊડતી નજર ફેરવી આગળ વધ્યા.

"ડોક્ટર સાહેબ ચાલો તમને બધા રૂમ ખોલી બતાવું. આ હવેલીમાં નાના-મોટા બધા મળી કુલ ૩૦ ઓરડા છે અને લગભગ સોએક બારીઓ છે. હવેલીના તમામ ફર્નિચરમાં અસલ સાગનું લાકડું વપરાયું છે. અહીંના પથ્થરો પર જે કલાત્મક કોતરણી નજરે પડે છે તે માટે બહારથી અનુભવી કારીગરોને બોલાવાયા હતા."

"આ તરફ આવો.. અહીં રસોઈ ઘર છે, મારા દાદાના સમયમાં આ હવેલીમાં રોજ ચાલીસેક લોકો માટે રસોઈ બનતી હતી. સાહેબ મારા દાદા ખુબજ શોખીન હતા. તેમને ખુબજ ચીવટ અને રસપૂર્વક આ હવેલીનું બાંધકામ કરાવ્યું છે." - રાયસંગ ચૌધરી વેપારીવાણીએ હવેલીનો વિસ્તૃત અહેવાલ આપી રહ્યો હતો પણ તેનાથી બેધ્યાન ડોક્ટર સાહેબના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.

હવેલીનો પૂરો ચક્કર લગાવ્યા બાદ બંને પાછળના ભાગે આવ્યા.

"ડોકટર સાહેબ આ જુઓ આ નાનો બગીચો છે અહીં જાત જાતના ફૂલ અને ..... "- રાયસંગ થોડો અચકાયો હવે તેની પાસે શબ્દો પણ ના હતા, ડોક્ટર સાહેબનું મૌન તેને અકળાવી રહ્યું હતું.

ડોક્ટર સાહેબ બાજુ પરની ખંડેર જેવી નાની ઓરડી તરફ આગળ વધ્યા.

"ડોક્ટર સાહેબ ત્યાં કશું પણ જોવા જેવું નથી" - રાયસંગના શબ્દો ડોક્ટર સાહેબના પગને થંભાવી શક્યા નહિ.

ડોક્ટર સાહેબ ઓરડી પાસે આવી અટક્યા અને કમાડ ખોલ્યું.

"સાહેબ એ ઓરડીમાં કશું નથી." - રાયસંગ ચૌધરી દૂરથી બોલી રહ્યો હતો, છતાં ડોક્ટર સાહેબ આગળ વધ્યા.

મનમાં ને મનમાં ડોક્ટર પર તેને રીસ ચડી રહી હતી, "આ અક્કલના ઓથમીરને આવડી મોટી હવેલીમાંથી આ ઓરડીમાં શું રસ જાગ્યો?"

"રાયસંગજી તમે આ ઓરડીને સાફ-સૂફ નથી રાખતા?"- ડોક્ટર સાહેબે પ્રથમ વાર મોં ખોલ્યું.

"ના, સાહેબ મારો નોકર હવેલીને સફાઈ માટે આવે છે પણ આ ઓરડી શું કામની છે? ઓરડી હંમેશા બંધ જ રહે છે."

"કોણ રહેતું હતું અહીં?"- ડોક્ટરે પૂછ્યું.

"વર્ષો પહેલા જયારે મારા દાદાએ તેની વૃદ્ધાવસ્થામાં આ હવેલીનો પાયો નાખ્યો ત્યારે રામજી નામનો મજુર તેની પત્ની અને બાળક સાથે કામની ખોજમાં અહીં આવી ચડ્યો હતો. મારા દાદાએ તેને હવેલીના બાંધકામમાં નોકરી આપી. બંને પતિ-પત્નીએ ખુબજ મહેનતથી કામ કર્યું, તે દરેક કામ ચીવટ અને કાળજીથી કરતા હોય દાદાએ તેને હવેલીના મુખ્ય નોકર તરીકે રાખી લીધો. અને એ પતિ-પત્નીને આ ઓરડી રહેવા આપી હતી." - ડોક્ટર સાહેબ રાયસંગ ચૌધરીની વાત રસપૂર્વક સાંભળી રહ્યા હતા.

"રાયસંગજી આજે એ રામજી ક્યાં છે?" - ડોકટર બોલ્યા.

"સાહેબ બહુ તો યાદ નથી, ત્યારે હું વિલાયત હતો મારી ઉંમર પણ નાની હતી. વાતો સાંભળી હતી કે મારા પિતાજીની એક મૂલ્યવાન અંગૂઠી ચોરાઈ અને એ રામજી પાસેથી મળી આવી હતી. ત્યારબાદ બધાએ તેને ખુબ માર મારી તગેડી મુક્યો હતો. આવું કંઈક બન્યું હતું."

"રાયસંગજી મને તમારી હવેલી ગમી છે. આવતી કાલે મારી હોટેલ પર આવજો ત્યાંજ દસ્તાવેજ મારો વકીલ બનાવી આપશે." - આટલું બોલી ડોક્ટર સાહેબે ચાલતી પકડી.

"પણ સાહેબ તમે કિંમત તો બોલ્યા જ નહિ!" - રાયસંગ ચૌધરી ખંધુ હસતા બોલ્યો."

"આવતીકાલે આવો ત્યારે નક્કી કરીશું." -- ડોક્ટર સાહેબ ચાલ્યા ગયા.

રાયસંગ ચૌધરી ખુબજ ખુશ હતો તે સમય કરતા પણ વહેલો પાસેના શહેરમાં જ્યાં ડોકટર સાહેબ રોકાયા હતા તે હોટેલ પર પહોંચ્યો.

તેના મનમાં વિચારો ઘૂમી રહ્યા હતા, "આજે આ હવેલીની કિંમત તો ૩ કરોડ જેટલી થાય છે છતાં પણ બાંધ-છોડ કરીને પણ ૨ કરોડ તો વસૂલવા જ પડશે."

વકીલે જરૂરી કાગળો તૈયાર કરી આપ્યા. થોડી કાનૂની વિધિ બાકી હતી. સિવાય આ હવેલી ડોક્ટર સાહેબની હતી.

"બોલો રાયસંગજી તમારી કિંમત બોલો." - ડોક્ટર સાહેબ ગંભીરતાથી બોલ્યા.

"સાહેબ તમારી પાસે શું કિંમત કરવી? હાલના બજારભાવ પ્રમાણે ૩ કરોડ થાય છે પણ તમે ૧૦-૨૦ લાખ ઓછા આપશો તો પણ હું ખુશી-ખુશી લઈ લઈશ."

"નહિ, રાયસંગજી તમને તમારી પુરેપુરી કિંમત મળશે. પુરા ૩ કરોડ." - આટલું સાંભળતા જ રાયસંગના લાલચુ મનમાં આનંદ છવાઈ ગયો, તેણે હોંશે હોંશે દસ્તાવેજો પર સહી કરી આપી. અને ડોક્ટર સાહેબે ૩ કરોડનો ચેક રાયસંગના હાથમાં મુક્યો.

રાયસંગ ચૌધરીની ખુશી વાજબી હતી. જરૂરિયાતના સમયે જરૂરિયાત મુજબના નાણાં મળી રહેતા તેના મન પરથી અસહ્ય બોજ હળવો થયો.

"ડોક્ટર સાહેબ ખરાબ ના માનશો પણ એક વાત કહું" - રાયસંગથી રહેવાયું નહિ.

"બેશક પૂછો."- ડોક્ટર બોલ્યા.

"સાહેબ તમે ખરાબ ના લગાડશો પણ તમારી વ્યવહારિક બુદ્ધિ થોડી કાચી છે, તમે મને હવેલીની કિંમત ઓછી કરવાની તક જ ના આપી નહીંતર મારી જરૂરિયાત પ્રમાણે તો ૨ કરોડમાં પણ હું આ હવેલી તમને આપવા તૈયાર હતો.

"રાયસંગજી હું વ્યવહારમાં કાચો નથી પરંતુ તમે છો"

"હે...! એ કેવી રીતે?"

"રાયસંગજી તમારું બાળપણ વિલાયતમાં વીત્યું છે આથી તમને આ હવેલીની સાચી કિંમતનો અંદાજ નથી. તમારા માટે તો આ ફક્ત વારસાઈ મિલકત હતી પરંતુ મારા માટે તો મારા બાળપણના સ્વર્ગીય સંભારણા છે. મારા માટે આ હવેલી અમૂલ્ય છે, મેં તો ઘણી ઓછી કિંમત ચૂકવી તમારા પાસેથી આ અમૂલ્ય હવેલી ખરીદી છે."

"હા, રાયસંગજી આ જ હવેલીમાં મારો ઉછેર થયો છે, મારું બાળપણ વીત્યું છે. અહીંના એક એક ખૂણા સાથે મારી યાદો જોડાયેલી છે. મારા જ પિતાએ આ હવેલીના બાંધકામમાં પ્રથમ પથ્થર મુક્યો હતો. હું એ જ રામજી નોકરનો પુત્ર છું કે જેને તમારા પિતાજી એ વગર વાંકે મારપીટી આ હવેલી અને ગામમાંથી હાંકી કાઢ્યા હતા."

"શું કહી રહ્યા છો તમે સાહેબ?"- રાયસંગના ચહેરા પર દુનિયાભરનું આશ્ચર્ય ઉતારી આવ્યું.

"હા, રાયસંગજી હું એ જ રામજી નોકરનો પુત્ર છું. આ હવેલીના બદલામાં તમે હજુ વધારે એકાદ કરોડ માંગ્યા હોત તો પણ મેં ખુશી-ખુશી આપ્યા હોત !"- આટલું બોલી ડોક્ટરના ચહેરા પર હવેલી મળ્યાનો ગર્વ છલકાઈ આવ્યો.

આ તરફ રાયસંગ ચૌધરી ફાટી આંખે ૩ કરોડના ચેક તરફ જોઈ રહ્યો.

(- સમાપ્ત )


Rate this content
Log in

Similar gujarati story from Thriller