vijay varagiya

Tragedy Others

3  

vijay varagiya

Tragedy Others

એક રાતની જીવનભર યાદ

એક રાતની જીવનભર યાદ

6 mins
102


શિયાળાની કાતિલ ઠંડી રાત હતી. જોકે મેં લાંબો અને ગરમ ઓવરકોટ પહેર્યો હોવાથી ઠંડીમાં મને ઘણી રાહત હતી. વળી, સિગારેટનો પણ સાથ. બસ ડેપોમાં ગણીને બે-પાંચ છૂટાછવાયા મુસાફરો હતા. અમસ્તુય આવી ઠંડીમાં કોને બહાર જવું પસંદ પડે? પણ મારે નાછૂટકે અત્યારે નીકળવું પડયું. આવતીકાલે મારી એકમાત્ર લાડકી દીકરી શ્રદ્ધાની સ્કૂલ પરીક્ષા હતી અને તેની જીદ હતી કે પરીક્ષાની થોડી ક્ષણો પહેલા હું તેની સાથે રહું તેનું મનોબળ પૂરું પાડવા. મારી ઘણી નજીક હતી મારી લાડકી ! તેની મેં દરેક જીદ પૂરી કરી હતી. તેના આંખમાં આંસુ હું કદાપી સહન ના કરી શકું. માટે નાછૂટકે મારે આવતીકાલે ઘરે પહોંચવું રહ્યું. 

હું અહીં કંપનીના કામઅર્થે ભૂજ આવ્યો હતો. અને મારી બિઝનેસ મિટીંગ બહ મોડે સુધી ચાલી હતી. હવે નાછૂટકે મોડી રાતે પણ મારે ઘરે જવા નિકળવું પડ્યું. હું ઇશ્વરને મનોમન પ્રાર્થના કરતો હતો કે સમયસર હું ઘરે પહોંચી જાવ નહીંતર મારી લાડકી બહુ વ્યથીત થશે. 

આગળ જઇ ઇન્કવાર્યરી કાઉન્ટર પર હું થોભ્યો અને ફરજ પરના કર્મચારીને પૂછ્યું કે "જૂનાગઢ જવા માટેની બસ ક્યારે આવશે?" 

બીચારો કર્મચારી પણ આટલી મોડી રાતે લોકોને જવાબ આપવા તેની ફરજ બજાવી રહ્યો હતો !

તેણે મને ઉડાઉ જવાબ આપતા કહ્યું "એક બસ બે વાગ્યે બાદ સવારે સાત વાગ્યે આવશે."

મેં મારી કાંડા ઘડીયારમાં નજર કરી હજુ તો સાડા અગીયાર વાગ્યા હતા. મારી પાસે ઘણો સમય હતો. પણ આ અજાણ્યા શહેરમાં જવું પણ ક્યા? આખરે મેં ડેપોમાં જ સમય પસાર કરવાનું મુનાસીબ માન્યું. સામાનમાં એક નાની બ્રિફકેસ સીવાય હતું નહી. મે એક બેંચ શોધી અને આડો પડ્યો. 

ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધી રહ્યો હતો. આખાય ડેપોમાં સન્નાટો છવાયેલો હતો. હું વળી બેઠો થઇ ગયો, કારણકે હું લંબાવીશ તો ઊંઘ આવી જશે અને કદાચ બસ ચૂકાઇ પણ જાય અથવા તો બ્રિફકેસ ચોરાઇ જવાનો પણ ભય રહે. બ્રિફકેસમાં બીજું તો કંઇ નહીં પરંતુ કંપનીના અગત્યના કાગળો હતા. આથી મેં સૂવાનું ટાળી એક સિગારેટ સળગાવી અને લાંબી કશ ખેંચી. 

હું ચોતરફ નજર દોડાવતો હતો ત્યારે જ મારી નજર એક સીતેરેક વર્ષના ભીખારી જણાતા ઘરડા ડોસા પર અટકી. તેનું આખુ શરીર ઠંડીમાં કંપતુ હતું તેની પાસે એક ફાટેલા ધાબળા સીવાય કશુંય ગરમ કપડું ના હતું. કેમ જાણે મને તેના પર દયા આવી અને હું તેની પાસે ગયો.

"કાકા આવી ઠંડીમાં ક્યાં જવું છે?"- મે સવિનય પૂછ્યું.

"ના"- તેણે મારી સામે ધ્યાન આપ્યા વગર જ ટુંકમાં જવાબ આપ્યો.

"તો અહીં શા માટે બેઠા છો? ઘરે જતા રહો."

"ના એ આવશે."- વળી ટુંકો જવાબ. અને તેની નજર ડેપોના મુખ્ય ગેટ ભણી હતી.

"કોણ આવશે? કોની વાટ જુઓ છો તમે?"- મે ફરી પૂછ્યું.

"કિશોર....મારો કિશોર...."

"કિશોર...? કોણ કિશોર?"

"કિશોર મારો દીકરો."

"ક્યાંથી આવશે?"

"વિલાયતથી, જો અબઘડી આવી પહોંચશે."

મેં કહ્યું -"કાકા વિલાયતથી લોકો વિમાનમાં આવે બસમાં નહીં."

"અરે જાજા તને શું ખબર પડે? મારા કિશોરનો પત્ર હતો તે અબઘડી આવી પહોંચશે."

"પણ તે આવશે તો તમારા ઘરે જ, તો અહી શા માટે બેઠા છો ઠંડીમાં બીમાર પડી જશો."

આટલી વારમાં તેણે પહેલી વખત મારી સામે નજર કરી. તેની આંખોમાં એક પ્રકારની કરૂણતા અને લાચારી મેં જોઇ જે આજે પણ હું ભૂલી શક્યો નથી. તે ઘણી વાર સુધી મૌન રહી મારી સામે જોઇ રહ્યા બાદમાં ફરી તેની નજર મુખ્ય ગેટ તરફ મંડાઇ અને તેના પુત્રની રાહમાં મશગુલ બન્યા.

તેનુ શરીર હજું પણ ધ્રુજતું હતું. મેં મારી પાસેની નાની શાલ તેમને આપી તો તેઓએ લઇ લીધી. ના કોઇ પ્રકારનો આભાર કે ના આશીર્વાદ ! તેઓની નજર તો બસ અવિરત ગેટ તરફ જ હતી.

મેં આમ તેમ નજર ઘુમાવી, થોડે દુર ચાર-પાંચ ડ્રાઇવર-કંડક્ટર ઠંડીથી બચવા તાપણું કરી બેઠા હતા. તેઓનું ધ્યાન મારા તરફ જ હતું. આ ઘરડા માણસને તો બસ તેના દીકરાની રાહ જોવામાંજ રસ છે અને હોય પણ કેમ નહીં? સંતાન પ્રેમ શું હોય એ હું સારી પેઠે જાણતો હતો. હું કંટાળી પેલા ડ્રાઇવર બેઠા હતા ત્યાં પહોંચ્યો.

"સાહેબ કઇ તરફ જવું છે?"- તેમનામાના એકે મને પૂછ્યું.

"જૂનાગઢ જવું છે"- મેં ટુંકમાં કહ્યું.

"જૂનાગઢવાળી બસને તો ઘણીવાર છે, અહીં બેસી શરીરને થોડું શેકો નહીંતર ઠંડીમાં ઠરી જશો."

"હાં, એટલે જ આવ્યો છું." હું બેઠક જમાવતા બોલ્યો કે "પેલા ડોસાને પણ બોલાવી લ્યો."

"એ નહીં આવે"- બીજો જણ બોલ્યો

"કેમ?"- મેં અચરજથી પૂછ્યું.

"એ પાગલ તેના દીકરાની રાહ જુએ છે જે વિલાયત ગયાને 25 વર્ષ વીતી ગયા અને તે હવે કદીપણ નહીં આવે. પણ આ ડોસો સમજે છે કયાં?"

" એકવાર વિલાયતની ગોરીના રંગમાં રંગાયા બાદ ક્યાં ધણીને આવા ઘરડા બાપમાં રસ હોય? અને આ ડોસો તો બસ તેના પાછા આવવાની રાહ જુએ છે."

"શું ડોસો રોજ અહીં આવે છે?"- મેં પૂછ્યું.

"શું કહું સાહેબ, હવે તો આ બસ ડેપોજ તેનું ઘર બની રહ્યું છે. તમારા જેવા દયાળું મુસાફરો પાસેથી ભટકું ભોજન મળી રહે છે. ઘર ખોરડા વેંચી દિકરાને વિલાયત ભણવા મોકલ્યો જે હવે પરત ફરવાનું નામ લેતો નથી અને આ પાગલ ડોસો તો બસ તેની રાહ જુએ છે."

"તો આ ડોસાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવો જોઇએને."- મેં સલાહ આપી.

"પણ કેટલી વખત સાહેબ? અહીં સ્થાનિક સંસ્થાઓવાળા ડોસાને કેટલીવાર વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યો પણ તેં ત્યાથી નાસી અહીં જ ભરાઇ બેસે છે. હવે તો આ બાંકડાઓની જેમ જડ થઇ ગયો છે. કોઇ તેની ઉપેક્ષા પણ કરતું નથી. અહીંના લોકોતો તેની સામે નજર સુધા નાંખતા નથી, અજાણ્યા મુસાફરો થોડુંઘણું ખાવા આપી દે છે." 

"અરરરર....! બીચારાની કેવી કફોડી હાલત?"- મારાથી એક નિ:સાસો નંખાઈ ગયો.

"આવી હાલત તો થવાની જ હતી સાહેબ."- એક મોટી વયનો ડ્રાઇવર બોલ્યો- "ડોસાએ ઘણા પાપ કર્યા છે તેનું ફળ હાલ તે ભોગવી રહ્યો છે."

"એવું તો શું કર્યું તેણે?"- મેં સવાલ કર્યો.

"આ ડોસો ઘણા વર્ષો પહેલા અહીંનો મોટો જાગીરદાર હતો. જરૂરીયાતમંદોને વ્યાજે નાણા ધીરતો અને ઊંચું વ્યાજ વસુલતો હતો. કોઇ ગરીબ આ પાપીના વ્યાજચક્રમાં ફસાઈ તો વર્ષો સુધી તે છટકી ના શકે. ઘણા લોકોના ઘર, જમીન, ઝવેરાત આ ડોસાએ પચાવી પાડ્યા હતા."

"અને કોઇ ગરીબ આ ડોસાનું વ્યાજ ના ચુકવી શકે તો આ પાપી તેની બહેન- દીકરીની આબરૂ સાથે મજા કરી પોતાના પૈસા વસુલતો હતો. કોઇપણ નીચ કામ નહીં હોયજે આ ડોસાએ કર્યું નહીં હોય આથી જ ઇશ્વર તેના કર્મોનું ફળ આવી સજારૂપે આપી રહ્યો છે. ધીરે-ધીરે તેનું બધું જ વેચાતું ગયું અને ડોસો રસ્તા પર આવી ગયો. અત્યારે સાવ કંગાળ ભીખારી બની ગયો છે."

મેં ફરી એ ડોસા સામે જોયું. તે તો બસ ગેટ સામેજ આશાભરી નજરે પુત્ર આગમનની રાહ દેખી રહ્યો હતો. આજે આ ડોસાની આવી હાલત જોઇ કોઇ કહીના શકે કે આ ડોસો ક્યારેક ક્રુર પણ રહ્યો હોય. ખરેખર કોઇએ સાચું જ કહ્યું છે કે ઇશ્વર જ્યારે લાકડી વિંઝે ત્યારે તેનો અવાજ નથી હોતો.

ત્યાં બેસેલા બધા અન્ય વાતોમાં મશગુલ બન્યા. પણ મારું ચીત તો પેલા ડોસામાંજ ચોંટેલું હતું. 

આમને આમ કલાકો વીતી. જૂનાગઢ જવા માટેની બસ પણ આવી ગઇ. પરંતુ હુંતો પેલા ડોસા વિશે જ વિચારી રહ્યો હતો ત્યારેજ ત્યાં બેસેલા પૈકી કોઇ બોલ્યું- "સાહેબ તમારી બસ આવી પહોંચી." અને મારી તંદ્રા તૂટી. 

હું બધાનો આભાર માની મારી મંઝિલ તરફ ઉપડ્યો. આખા સફર દરમિયાન પેલા ડોસાની આંખોની કરૂણતા અને લાચારી મને દેખાયા કરતી હતી. તેનો પુત્ર તેને મળી રહે તેવી ઇશ્વરને મેં મનોમન પ્રાર્થના કરી. અને સમયસર મારા ઘરે પહોંચ્યો.

ઘરે પહોંચ્યા બાદ ફરી મારી જિંદગીમાં પરોવાઇ ગયો. મારી લાડકી દીકરી, મારી પત્ની, મારી કંપની, મારા મિત્રો બધું ફરી મારા જીવનમાં પૂર્વત વણાઈ ગયુ.

વર્ષો બાદ ફરી ભૂજ જવાનું થયું. બસ ડેપોમાં આવી પહોંચતાજ અનાયાસે મારું ધ્યાન પેલા સ્થાન પર પડ્યું કે જ્યાં ડોસો બેસતો હતો અને ફરી મને વર્ષો પહેલાની એ શાંત પણ કાતીલ ઠંડી રાત યાદ આવી ગઇ.

આજે એ સ્થાન ખાલી હતું. કોઇ ડોસો તેના પુ્ત્રની રાહ જોતો બેસી રહ્યો ન હતો. બધા મુસાફરો બસમાં ચઢ-ઉતર કરી રહ્યા હતા. છાપાના ફેરીયા બારીઓ પર છાપા વેંચવા પડા પડી કરી રહ્યા હતા. ચોતરફ કોલાહલભર્યું વાતાવરણ હતું. દિવસમાં તો બસ ડેપો ધમધમતો હતો.

મેં બાજું પરના ચ્હા ના સ્ટોલ પર જઈ એક ચ્હાનો ઓર્ડર આપ્યો અને ચ્હાવાળાને પૂછ્યું કે- "અહીં એક ડોસો બેસતો હતો તે ક્યાં છે?"

ચ્હાવાળાએ જવાબ આપ્યો કે "સાહેબ તે ડોસાને મર્યાને તો બે વર્ષ વીતી ગયા. બીચારાને શરીરમાંથી જીવ કાઢવામાં બહું તકલીફ પડી હતી. છેલ્લા દિવસોમાં તો તેણે અન્નજળનો પણ ત્યાગ કર્યો હતો. તેના મુખમાં તો બસ તેના દીકરાનુંજ નામ હતું."

આટલું કહી ચ્હાવાળો તેના ગ્રાહકોમાં વ્યસ્ત બન્યો.

આજે એ ડોસાનું અસ્તિત્વ ન હતું ! અને તેના હોવા કે ન હોવામાં આ દુનિયાને કશો જ ફરક નથી પડતો. બધાજ પોતપોતાની જિંદગીમાં મશગુલ છે બધા દોડતા જાય છે, બધાએ આગળ જ વધવું છે કોઇપણ ભોગે પોતાની મંઝિલ સુ઼ધી પહોંચવું છે. પણ બધાની મંઝિલ એક જ છે. સૌ એ છેવટે તો અહીં જ વિલીન થઈ રહેવાનું છે!

---(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy