vijay varagiya

Comedy Romance


4  

vijay varagiya

Comedy Romance


દીપા સુંદરી

દીપા સુંદરી

4 mins 5 4 mins 5

એનું નામ તો દિપક હતું પણ અમે બધા મિત્રો તેને દીપા કહી સંબોધતા હતા. દીપા કહેતા જ દિપક બિચારો બહુ ચિડાતો હતો. જો કે એનું પણ એક કારણ હતું. દીપા નામની એક સુંદર અને તીખા મિજાજની છોકરી અમારી સાથે અભ્યાસ કરતી હતી તેમજ અમારી સાથેજ કોલેજ જવા બસમાં અપડાઉન કરતી હતી. અમારા મિત્રમંડળમાં બધાંઓને એ ગમતી હતી, બધા તેની એક નજર પર ફિદા થતા પણ કોઈ તેને બોલાવવાની હિંમત કરતા નહિ.

એક દિવસ અમારામાંનો એક મિત્ર સુરેશ બસ આવતાજ ભીડના કારણે જગ્યા રોકવા માટે બસની બારી વાટે સીટ પર તેનો રૂમાલ રાખી સીટને પોતાના બેસવા માટે અનામત કરી. બાદમાં તે બસમાં ચડ્યો અને જોયું તો તેણે રૂમાલ રાખ્યો હતો એ સીટ પર પેલી દીપા સુંદરી બેસી ગઈ.

' અહીં સીટ પર મારો રૂમાલ.....' હજુ તો સુરેશ તેનું વાક્ય પૂરું બોલે તે પહેલાજ પેલી દીપા સુંદરી એ સુરેશના રૂમાલને બારી વાટે રસ્તા પર પડેલા ગાયના પોદરા પર ફેંક્યો અને મોટી મોટી આંખો નચાવતા બોલી કે 'રૂમાલ રાખવાથી જગ્યા પોતાની થઇ જાય તો જાઓ પેલા પોદરા પર બેસો; તમારા માટે એ જ જગ્યા યોગ્ય છે.' આટલું બોલી તે તેની બીજી સહેલીઓ સાથે ખડખડાટ હસવા માંડી અને અમારો મિત્ર ગમ ખાઈ ગયો.

ત્યારબાદ અમારામાંથી કોઈપણ એ દીપાસુંદરીને બોલાવવાની હિંમત કરતુ નહિ પણ દિપકને 'દીપા' સંબોધી આડકતરી રીતે વ્યંગબાણ છોડતા અને દીપાડીને છેડતા હતા.

'શું વાત છે દીપા આજે તો બહુ ખુશ લાગે છો ? કેમ દીપા ગઈકાલે તો તારા દર્શનજ થયા નહિ.' આવું તો ઘણું ઘણું બોલી અમો બધા પેલી દીપા સુંદરીને સંભળાવતા અને અમારી આ ટીખળમાં અમારો ભોળો મિત્ર દિપક કંટાળી જતો હતો. અમે બધા કોલેજ જવા આઠ વાગ્યાની બસ જતા હતા. એક દિવસ કોલેજ જવા માટે અમારો મિત્ર દિપક આઠ વાગ્યાની બસમાં ના આવતા વહેલી બસમાં ચાલ્યો ગયો. તે દિવસે અમારો રોજનો ક્રમ તૂટ્યો. અમારામાંથી કોઈજ કશું બોલી શક્યા નહિ. કોઈ પેલી દીપાસુંદરીને આડકતરી રીતે ખીજવી શક્યા નહિ. બધા એકબીજા સામે વીલા મોંએ ગુપસુપ વાતો કરતા રહ્યા. પણ મેં જોયું કે પેલી દીપાડીને પણ ગમ્યું નહિ તે પણ વ્યાકુળ જણાતી હતી. જાણે અમારી રોજની મશ્કરી તેને કોઠે પડી ગઈ હતી.

ત્યારપછીતો લગભગ રોજ આવુજ બનવા માંડ્યું. અમારો મિત્ર દીપો( દિપક) અમારી મશ્કરીથી કંટાળી રોજ વહેલી બસમાં જ જવા લાગ્યો. હવે તો અમારા બધાની મજા જ જાણે વિખરાઈ ગઈ અને દીપાસુંદરીને પણ ગમતું નહિ. અને એક દિવસ આશ્ચર્ય વચ્ચે દીપાસુંદરી પણ દિપક જોડે વહેલી બસમાં જવા માંડી. તેને ધાર્યું હશે કે અમે બધા મિત્રો પણ તેની મશ્કરી કરવા તેને અનુસરશું. અમારા બધા માટે તો આ નવાઈની વાત થઇ. ત્યારબાદ એ મારુ ફાઇનલ વર્ષ હતું માટે મેં મારુ ધ્યાન અભ્યાસમાં પરોવ્યું.

વધુમાં તો ખાસ કઈ યાદ નથી પણ દીપા સુંદરીના લીધે અમે અમારા એક સારા મિત્ર દિપકનો સંગાથ ગુમાવ્યો. ઘણા વર્ષો બાદ એટલે કે ગયા મહીને જ મારો અકસ્માત થયો. મેં મારી બાઈક પરથી કાબુ ગુમાવી રસ્તાની બાજુ પર ઉભી રહેલી પોલીસની કાર સાથે અથડાવી દીધી. અકસ્માત સામાન્ય હતો મને કે તે કારમાંના પોલીસ જવાન બેમાંથી એકપણને કોઈજ ઇજા ના થઇ પરંતુ કારમાંથી બહાર નીકળતા જ એ પોલીસ અધિકારીને હું ઓળખી ગયો. હા, એ અમારો કોલેજકાળનો મિત્ર દીપો હતો. સાવ શરમાળ અને ગભરુ દીપો આજે તો ઇન્સ્પેક્ટર દિપક રાઠોડ બની ગયો હતો. તે પણ મને તરતજ ઓળખી ગયો અને આગ્રહ કરી પોતાના ઘરે લઇ આવ્યો ત્યારે મને એક બીજો અને બહુ મોટો આંચકો લાગ્યો. પેલી દીપાસુંદરી મારા મિત્ર દીપકની ધર્મપત્ની બની બેઠી હતી. દીપાભાભી પણ મને તરતજ ઓળખી ગયા અને બંનેએ મારી સારીએવી મહેમાનગતી કરી.

મેં નોંધ્યું કે તેજ અને તીખા મરચા જેવા સ્વભાવવાળી દીપા આજે ગભરુ ગાય બની ગઈ હતી. કદાચ મારા મિત્ર દીપકની સોબતનું પરિણામ હશે ! અમે ત્રણેય સાથે ભોજન લીધું અને કોલેજકાળની વાતો વાગોળી.

બાદ મેં આશ્ચર્યસહ દીપાભાભીને પૂછ્યું કે, 'તમારા અને મારા મિત્રના લગ્ન કેવી રીતે થયા?'

તેઓ બોલ્યા 'હા સુધાકરભાઈ, વાત એમ બની કે એ દિવસોમાં તમે અને તમારું મિત્ર મંડળ મને ખુબજ ચીડવતા હતા અને તમારી રોજની ટીખળ મને પણ કોઠે પડી ગઈ હતી પરંતુ આ તમારા મિત્ર દિપકને બહુજ કંટાળો આવતો હતો આથીજ તેઓ વહેલી બસમાં જવા મંડ્યા ત્યારે હું પણ તેઓને અનુસરી તેમની સાથે જવા લાગી અને વિચાર્યું કે તમે બધાજ ટીખળ કરવા અમારી સાથે બસમાં આવશો પણ મારી ધારણા ખોટી પડી એવું બન્યું નહિ બાદમાં મેં તમારા મિત્રની ટીખળ ચાલુ કરી એ પ્રેમમાં બદલાઈ ગઈ અને અમે બંનેએ જીવનભર સાથે રહેવાનું નક્કી કર્યું.,'

વચ્ચેજ દિપક બોલ્યો, 'જો સુધાકર હું તો તમારા બધાનો આભાર માનું છુ કે તમારી એ નાની ટીખળને કારણે મને આટલી સુંદર જીવનસંગીની મળી એ વાત અલગ છે કે મને તમારી ટીખળ પસંદ નહતી. પણ ત્યારે કોઈને ક્યાં ખબર હતી કે એ નાની ટીખળના કારણે અમારા બંનેનું ઘર વસી જશે.'

અમે ત્રણેય ફરી હસી પડ્યા.

ખરેખર આ દુનિયામાં ચમત્કારો સર્જાતા રહે છે. બે ભિન્ન વ્યક્તિત્વવાળા માનવીઓ પણ ક્યારે એક બીજાના બની રહે એ કહેવાય નહિ. ત્યારે દિપક અને દીપાભાભીનો સુખી સંસાર નિહાળી હું ખુબજ આનંદિત થયો અને હસતા-હસતા મેં વિદાય લીધી.


Rate this content
Log in