lina joshichaniyara

Inspirational Others

4.7  

lina joshichaniyara

Inspirational Others

હું તમને શું કહી બોલાવું ? - ૨

હું તમને શું કહી બોલાવું ? - ૨

12 mins
320


કોયલ આજે એના લગ્નના દોઢ મહિના પછી ફરીથી ઓફિસે આવી. એનો લંચઅવર સુધીનો ટાઈમ તો બધાની સાથે લગ્ન પ્રસંગની વાતો કરવામાં, લગ્નના વધામણાં મેળવવામાં પસાર થઇ ગયો. લંચ અવરમાં એ મને મળી.

"કેમ છો મેડમ ? હું તમારી સાથે લંચ લઇ શકું ? આ મીઠાઈનું બોક્સ ખાસ મમ્મીએ તમારા માટે મોકલ્યું છે." એમ કહી એ મારી સાથે જમવા બેસી ગઈ.

"અરે, કોયલ આની શું જરૂર હતી ? અત્યારે તો તારા મમ્મીને મારા તરફથી મીઠાઈ માટે થેન્ક યુ કહી દેજે. પછી હું નિરાંતે એમની સાથે વાત કરીશ. તો કેવી ચાલે છે તારી મેરિડ લાઈફ ? તારા લગ્ન ખુબ જ સરસ હતા. અમને ખુબ જ મજા આવી." આમ અમારી વાતો ચાલુ થઇ.

મેં કોયલ ને મજાક માં પૂછ્યું" તો આજે નવી દુલ્હન લંચમાં શું લાવી છે ?"

"અરે, આજે તો આંટીએ આલૂ પોષ્ટો અને પુરી બનાવી આપ્યા છે. લો તમે પણ ચાખો. આંટીની રસોઈ ખુબ જ સરસ થાય છે."

"કોયલ, તારે હજી થોડી વધુ રજા લઇ લેવી હતી ને ? તારા સાસુને ગમેને ?"

"ના, ના મેડમ. આંટીએ જ મને કહ્યું કે હવે તારે નોકરી ચાલુ કરવી હોય તો કરી દે. ઘરમાં તો કંટાળી જઈશ. આમ પણ અમારા બંગાળીલોકોમાં લગ્નના એક વર્ષ સુધી નવી વહુ એ ખાલી રીતભાત જ શીખવાની હોય છે. ખાસ કામ કાજ કરવાનું હોતું નથી."

પહેલી વાર જ્યારે આંટીનો ઉલ્લેખ થયો ત્યારે તો મને લાગ્યું કે હશે કોઈ એના ઘરે કામ કરતા હશે જેને કોયલ આંટી કહેતી હશે પરંતુ બીજી વાર આંટી શબ્દથી મને થોડું અજીબ લાગ્યું. એટલે મેં એને એના ઘર અને ફેમિલી વિષે પૂછ્યું.

" તો કોયલ, હવે એ કહે કે સાસરે તારા ફેમિલીમાં કોણ કોણ છે? તારા પતિનો સ્વભાવ કેવો છે? તારા સાસુ નો સ્વભાવ કેવો છે?"

"મેડમ, ઘરમાં બધા ના સ્વભાવ સરસ છે. ફેમિલી માં તો હું, સૌરવ, સૌરવનો ભાઈ અને આંટી જ છે. અંકલ તો ઘણા સમય પહેલા જ સ્વર્ગે સિધાવી ગયા."

હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો. એટલે મેં પૂછ્યું," તો સૌરવના માતા-પિતા ક્યાં છે?"

"અરે મેડમ, મેં કહ્યું તો ખરી કે આંટી અમારી સાથે જ રહે છે."

હવે હું બરાબર મૂંઝાણી હતી. એટલે મેં ચોખવટ કરતા પૂછી લીધું," કોયલ, તું તારા સાસુને આંટી કહે છે?"

કોયલ બોલી," હા. કેમ?"

"એટલે તું એમને મમ્મી કે મમ્મીજી નથી કહેતી? શું બંગાળી લોકોમાં સાસુ ને આંટી કહે છે?"

કોયલ બોલી, "ના, ના મેડમ. બંગાળીલોકો પણ સાસુને માઁ જ કહે છે. આ તો હું એમને આંટી કહું છું.”

"તો તારા હસબન્ડ એટલે કે સૌરવને કઈ વાંધો નથી આ બાબતે? "

"ના, અમે બંને એ એકબીજાને આ બાબતે ચોખવટ કરી લીધી છે. મેં સૌરવને ચોખ્ખું જ કહી દીધું છે કે હું તારા મમ્મીને લગ્ન પછી પણ આંટી જ કહીશ અને તારે પણ સામે મારા મમ્મી ને આંટી જ કહેવું. હા જો તારે મન હોય અને મમ્મી કહેવું હોય તો મને કોઈ વાંધો નથી."

"સૌરવ માની ગયો?"

"હા. હું શું કામ એમને મમ્મી કહું. મારી તો એક જ મમ્મી છે."

અમારી આ વાત ચાલતી હતી ત્યાં જ લંચ અવર પૂરો થયો અને મેં કોયલ અને એના પતિ સૌરવને રવિવારે ઘરે લંચ માટે આવવાનું નિમંત્રણ પાઠવી દીધું.

કોયલ બંગાળી બ્રાહ્મણ છે. ૨ વર્ષ પહેલા એ મારી ઓફિસમાં મારી નીચે ટ્રેનિંગમાં આવી હતી અને આજે મારી સાથે જ કામ કરે છે. હું મૂળ તો ગુજરાતી છું પરંતુ મારુ જન્મસ્થળ કોલકાતા છે. એટલે મને મારા જન્મસ્થળ તથા ત્યાંના લોકો પ્રત્યે વધુ લગાવ છે. બંગાળી મીઠાઈઓ મને અતિ પ્રિય છે. એટલે જ લગ્નબાદ કોયલના મમ્મીએ મારા માટે બંગાળી મીઠાઈઓ મોકલાવી છે.

હું કોયલ ના પરિવારને પણ સારી રીતે ઓળખું છું. બે-ત્રણ વખત એમના ઘરે વેજીટેરીઅન બંગાળી વાનગીઓ ચાખવા માટે એમના ઘરે પણ જઈ આવી છું. આમ તો કોયલ મારી જુનિયર છે પરંતુ અમારી વચ્ચે સિનિયર જુનિયર કરતા સખીભાવ વધુ છે. કોયલ કોઈ પણ વિષય ઉપર મારી સાથે એકદમ ખુલી ને વાત કરે છે. એ દેખાવે તો અત્યંત સુંદર અને આકર્ષક છે જ પણ વાતો માં પણ એકદમ મીઠડી છે. એના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોવાના કારણે અતિશય લાડકોડમાં ઉછેરેલી છે. એના માતા-પિતા પણ આધુનિક વિચાર સરણી વાળા છે.

કોયલના પરિવારમાં કોયલના માતા-પિતા, કોયલ ના નાનીમા, કોયલના માસી અને એની દીકરી પૂજા છે. હવે તમને આશ્ચ્રર્ય થશે કે નાનીમા સુધી તો બરાબર પણ આ માસી અને એની દીકરી પણ સાથે રહે છે? જી હા, જયારે કોયલે મને એના પરિવાર વિષે જણાવ્યું ત્યારે મને પણ આવું જ આશ્ચ્રર્ય થયું હતું.

કોયલના પિતાજી એ એના માતા-પિતાની છત્રછાંયા નાનપણથી જ ગુમાવી દીધી હતી. લગ્નબાદ કોયલના પિતાજી, કોયલ ના નાનાજી ની તબિયત સારી ન રહેતા, નાનાજી-નાનીમાને ગામડેથી હંમેશા માટે પોતાની સાથે રહેવા લઇ આવ્યા હતા. નાનાજી ના અવસાન વખતે અંતિમવિધિ પણ કોયલના પિતાજી એ કરી હતી.

કોયલના માસી દિલ્લી રહેતા હતા. કોયલના માસા કેન્સરની બીમારી સામે લડતા લડતા અવસાન પામ્યા અને કોયલના માસી અને એની ૬ વર્ષની દીકરી પૂજા એકલા થઇ ગયા. કોયલના પિતાજી, માસી અને પૂજાને પણ હંમેશા સાથે રહેવા માટે ઘરે લઇ આવ્યા. પૂજાના ભણતર થી લઈને લગ્ન સુધીની બધી જ જવાબદારી પોતાના ઉપર લઇ લીધી. પૂજાનું કન્યાદાન પણ કોયલ ના માતા-પિતા એ જ કરેલું. એવું ન હતું કે કોયલના માસી કોઈ ઉપકાર હેઠળ જીવતા હતા પરંતુ કોયલના માસી અને પૂજાનો પણ એ ઘર ઉપર પૂરો અધિકાર હતો. ઘરના તમામ નિર્ણયો બધાની સાથે સ્વતંત્ર વિચારસરણી થી લેવામાં આવતા. 

મેં આવો પરિવાર પહેલી વાર જોયો હતો. હા, જમાઈ સાસુ-સસરાને સાથે રહેવા લઇ આવે એ તો જોયેલું પણ વિધવા સાળી અને એની દીકરીની જવાબદારી ઉપાડી, એક પરિવાર થઇ ને રાજી ખુશીથી રહે એ પહેલી વખત જોયું હતું. 

કોયલના પરિવારની વાત એટલા માટે કરી કે કદાચ ઉપરનો આંટી વાળો સંવાદ વાંચીને તમે એવું ન વિચારો કે કોયલ કોઈ મિજાજી, મોર્ડન અને આપણા સમાજમાં એક શબ્દ ખાસ વપરાય છે એ "આજ કાલની છોકરીઓ" જેવી છે કે જેને સંબંધોની કોઈ કિંમત નથી. જેના પરિવારમાં સંબંધો ઉપર શ્વાસ ચાલતા હોય એ પરિવાર ની દીકરી વિષે ખોટા વિચારો આવી જ ન શકે.

રવિવારે કોયલ અને એના પતિ સૌરવ અમારે ત્યાં લંચ માટે આવ્યા. જમી લીધા પછી હું, મારા પતિ, કોયલ અને સૌરવ વાતો કરવા બેઠા. શરૂઆતમાં તો સામાન્ય વાતો ચાલી. પણ પછી મારાથી રહેવાયું નહિ એટલે મેં કોયલ અને સૌરવ ને સીધા જ સવાલ કરવાના શરુ કરી દીધા.

"કોયલ, સૌરવ મારે તમને કંઈક પૂછવું છે. મને ખબર છે કે આ બાબત તમારી અંગત છે પણ..."

"હા, હા પૂછો ને મેડમ. ચિંતા ન કરો મેડમ. સૌરવ પણ એકદમ નિખાલસ છે. એને કોઈ વાત નું ખરાબ નહિ લાગે." કોયલ ટહુકી.

"કોયલ, તને યાદ છે મેં તને પૂછ્યું હતું કે તું તારા સાસુ ને મમ્મી કે મમ્મીજી કેમ નથી કહેતી? આંટી કહેવું શું યોગ્ય છે? તે કીધું હતું કે સૌરવ ને કંઈ જ વાંધો નથી આ બાબતે. તો શું આપણે આ બાબતે થોડી વધુ ચર્ચા કરી શકીએ?"

"હા મેડમ. શા માટે નહિ?" સૌરવ બોલ્યો.

" તો સૌરવ, તમને ખરેખર કોઈ જ વાંધો નથી કે કોયલ તમારા મમ્મીને આંટી કહે તો? તમારા મમ્મીને પણ કોઈ વાંધો નથી?"

"મેડમ, મને ખરેખર કોઈ જ વાંધો નથી. એ કોયલની મરજી છે. એને મારા તરફ થી બધી જ આઝાદી છે. આ વાત ખાલી આંટી કે મમ્મી પૂરતી જ નથી, મેં તો ત્યાં સુધી કહ્યું છે કે જો કોયલ ને મન થાય તો જ મમ્મીને વારે તહેવારે પગે લાગવું. જો મન ન થાય તો પણ ફરજીયાત પગે લાગવું એવું જરૂરી નથી." 

ત્યાં જ કોયલ બોલી, "મેડમ, તમે જ મને કહો. જન્મ આપનારી માઁ તો એક જ હોય ને? હા માઁ જેવી વ્યક્તિ આપણને મળી શકે પણ માઁ તો એક જ હોય. તો જેને મને દિલ થી માઁ કહેવાની ઈચ્છા ન થતી હોય એને હું માઁ કેવી રીતે કહી શકું. આંટી એ માઁ જેવા હોઈ શકે પણ મને જન્મ આપનારી માઁ તો ન જ હોઈ શકે ને?

ગર્ભના ૯ મહિનાથી મારા જન્મ સુધીનો કષ્ટ, હું બીમાર પડતી તો રાત ના ઉજાગરા, મારા ભણતર થી લઈને ભવિષ્યની ચિંતા એ બધું જ મારા મમ્મીએ કરેલું છે. મને સારા સંસ્કાર આપી મોટી કરી, મારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારા મમ્મીએ ભોગ આપેલો છે. માઁ નું સ્થાન જીવનમાં શ્રેષ્ઠ છે અને બીજું કોઈ ત્યાં સુધી કે ભગવાન પણ માઁ નું સ્થાન તમારા જીવન માં લઇ નથી શકતા તો હું આ કિંમતી સ્થાન કેવી રીતે કોઈ ને આપી શકું? એ પણ એવી વ્યક્તિ કે જેને હજુ હું નથી બરાબર ઓળખી શકી કે નથી એ મને ઓળખી શક્યા. લગ્ન કરી ને મારા સાસુને દીકરી મળી અને મને પણ એક આંટી મળ્યા એ વાત સો ટકા સાચી પણ એ મારી માઁ તો ન જ થઇ શકે. તો જે મારી માઁ નથી એને હું માઁ કેવી રીતે કઈ શકું? હા, હું ચોક્કસ પણે એમને એક માઁ એટલે કે સૌરવના મમ્મી હોવાનું માન આપું છું. જેમ મારા મમ્મીએ મારા માટે ઘણા ભોગ આપ્યા છે એમ કદાચ સૌરવના મમ્મીએ પણ ભોગ આપ્યા જ હશે. સૌરવને ભણાવી, સારા સંસ્કાર આપી એમણે મોટા કર્યા છે એ બાબત માટે હું એમણે દિલ થી માન સમ્માન આપું છું. એમના પરિવારને અપનાવી એમાં મારુ સ્થાન બનાવી પ્રેમ પૂર્વક જીવન જીવવાની કોશિશ કરું છું. હું જે કઈ પણ કરું છું એ દિલ થી , પ્રેમ થી કરું છું, શું આટલું કાફી નથી? પણ હા, મારી મમ્મી નું સ્થાન હું કોઈને પણ આપી શકીશ નહિ. જો એ સ્થાન આપી શકીશ નહિ તો "મમ્મી" એવો શબ્દ આપવાનો શો મતલબ? મેડમ, મને લાગે છે કે હવે તમને બધા જવાબ મળી ગયા હશે. " 

"પણ, સૌરવ તમારા મમ્મી આ વાત માની ગયા?"

"મેડમ, મારા મમ્મીને દીકરી નથી એટલે એમણે દીકરીઓ બહુ જ ગમે. શરૂઆતમાં તો એમણે મને ફરિયાદ કરી હતી પરંતુ જયારે કોયલે જેમ તમને સમજાવ્યા એમજ એમને સમજાવ્યા તો એ પણ આ બાબતે સહમત થયા. એમને એ વાતની ખુશી થઇ કે કોયલ એમને દિલ થી, માનથી, પ્રેમથી બોલાવે છે તો પછી આંટી કહે કે મમ્મી કહે શું ફેર પડે? સંબંધોમાં પ્રેમ તો છે. તો આખરે પ્રેમની જીત થઇ અને એ માની ગયા. સાથે સાથે કોયલને કહી પણ દીધું કે જયારે કોયલ ને એમને માઁ કહેવાની ઈચ્છા થાય ત્યારે જરા પણ સંકોચ રાખ્યા વિના કહી દેવું અને જે વસ્તુ માટે કોયલ નું દિલ ના પડે એ વસ્તુ ન કરવી. મેડમ, કોયલના ફેમિલી વિષે એ પણ સારી રીતે જાણે છે અને સમજે પણ છે કે કોયલ ના પરિવારમાં સંબંધો નું શું મહત્વ છે."

મને લાગ્યું કે હા, એ વાત માં સચ્ચાઈ તો છે. જે સંબંધોને આપણે દિલ થી અપનાવી ન શકીએ એ સંબંધોને ખાલી નામ આપવાનો શો મતલબ? કોયલ અને સૌરવ સાથે એ વાર્તાલાપ ત્યાં જ પૂરો થયો.

આ મુલાકાત પછી હું મારી ખાસ સહેલી અનુપ્રિયાને મળી. વાત વાત માં મેં કોયલની વાત કરી તો એ પણ કોયલની વાત સાથે સહમત થઇ.

અનુ બોલી" હું તો કોયલની વાત સાથે સંપૂર્ણ સહમત છું. આજે મારા લગ્નને ૧૨ વર્ષ થઇ ગયા. જયારે મારા લગ્ન થયા હતા ત્યારે મારી નણંદ કોલેજ કરતી હતી. એ કોલેજ થી આવે એટલે મારા સાસુ એની સરભરામાં ઉભાપગે હોય. અરે મારી દીકરી થાકી ગઈ હશે, શું જમીશ દિકા.. એવા લાડ લડાવવાના ચાલુ થઇ જાય. જયારે હું ઓફિસેથી શાકમાર્કેટ થઇ શાક અને જરૂરી સમાન લઇ ને આવું ત્યાં જ એમના ઓર્ડર અને બકબક ચાલુ થઇ જાય કે હવે શાંતિથી બેસતી નહિ જલ્દી રસોઈ બનાવજે અને એવું તો ઘણું બધું. હું ઘરનું પણ કરું અને ઓફિસનું પણ કરું તો પણ મારા માટે એને જરાય લાગણી ના થાય. હું પિરિયડમાં હોય તો મને કમર, પેડુમાં બહુ જ દર્દ થાય. ગરમ પાણી ની કોથળી કરું, દવા લઉં ત્યારે છેક ફરક પડે. ગરમ પાણીની કોથળી એની સામે જ કરું તો પણ પૂછવામાંથી પણ જાય કે બેટા, શું થયું છે? મજા નથી તો રસોઈની ચિંતા ન કરતી આજે હું બનાવી દઈશ અથવા તો બહાર થી માગવી લેશું. એની બદલે ઉલટું ઓર્ડર આવી જાય કે હવે આમ પડી ન રહેતી હો! રસોઈ પણ કરવાની છે. શું આવી વ્યક્તિ માઁ કહેવા યોગ્ય છે? જયારે મારી મમ્મીને દૂર બેઠા મારા પીરિયડ્સની તારીખ પણ યાદ હોય અને ફોન કરે તો મારા અવાજ ઉપરથી ખબર પડી જાય કે મને શું થયું છે. મેં દવા લીધી કે નહિ, જમી કે નહિ એની ચિંતા કરતી રહેતી હોય.

 નવી વ્યક્તિ ને ઓળખવામાં ૧ થી ૨ વર્ષ લાગે. મારા લગ્ન ને તો ૧૨ વર્ષ થઇ ગયા છે. તો પણ મારા સાસુને મારા ઉપર વિશ્વાસ નથી આવ્યો. આજે પણ ઘરમાં નિર્ણય લેવાય તો મને એમાંથી બાકાત જ રખાય છે.લગ્ન બાદ મારી નણંદ જયારે ઘરે આવે ત્યારે એ શું લાવી છે, મારા સાસુ એને શું આપે છે , શું વહેવાર થાય છે એની મને કશી જ ખબર ન હોય. શું હું એટલી પરાઈ છું? શું મને લાગણી જેવું કંઈ હોય જ નહિ? આવી સાસુને મારે જયારે મમ્મી કેહવું પડે ત્યારે મને મારાથી નફરત થાય છે કે હું મારી માઁ ની જગ્યા આવી લાગણીહીન વ્યક્તિ ને આપી રહી છું અથવા તો મારી માઁ ની સરખામણી આવી લાગણીહીન વ્યક્તિ સાથે કરી રહી છું.

જયારે હોય ત્યારે બસ એમ જ કહ્યા રાખે ‘મારો શ્રવણ જેવો દીકરો તને કેમ મળી ગયો? એને સરખો સાચવજે. અમને તો એની બહુ જ ચિંતા રહે છે. ‘ મને તો એવું કહેવાનું મન થઇ જાય છે કે શું ખરેખર? તમારો દીકરો શ્રવણ જેવો છે તો હું શું પૂતના છું? હું પણ મારા માતા પિતાની એકની એક લાડલી છું. મારી મમ્મીએ પણ મને જન્મ આપ્યો છે હું કંઈ ઉપરથી અમસ્તી જ નથી આવી પડી. મારા માતા-પિતાએ મને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, મને સારા સંસ્કાર આપ્યા,મને મારા પગભર કરી, મારી મરજીથી મારા પ્રેમ લગ્ન તમારા દીકરા સાથે કરાવ્યા. આ તો હું તમારા દીકરાને પ્રેમ કરું છું એટલે બાકી તમારા જેવા સ્વાર્થી અને લાગણી હીન લોકો ના ઘરમાં રહે કોણ?

શું મારા માતાપિતા એ મને તમારા મહેણાં ટોણા સાંભળવા માટે મોટી કરી છે? તમે મને હેરાન કરો, મનમાં આવે એમ બોલો, શું એના માટે મારા માતા-પિતાએ મારા લગ્ન કરાવ્યા? જેમ તમારી દીકરી છે એમ હું પણ કોઈની દીકરી છું. તમે મને કદાચ તમારી દીકરી જેટલા લાડ ન લડાવો પણ મારી માંદગી વખતે કે દુઃખ વખતે માણસાઈ તો રાખો. એટલું પણ ન કરી શકતા હોય એને માઁ કહેવું શું યોગ્ય છે? માઁ જેવો પવિત્ર શબ્દ લાગણી વગરના માણસો માટે વાપરવો એ માઁ શબ્દ નું અપમાન છે. માઁ એટલે તો લાગણી નો ધોધ કે જેમાં વહેવાની મજા અલગ છે. પણ મારા માતા-પિતાએ એવા સંસ્કાર મને નથી આપ્યા કે હું એમની સામે બોલું.

મારા પતિ નો સ્વભાવ બહુ જ સારો છે. એ મને સમજે છે અને એટલે જ મારી સાથે હંમેશા ઉભા રહે છે. મને કહે છે કે તું બધું જતું કર. એક દિવસ એવો આવશે કે એને પોતાની ભૂલ સમજાશે.

ખબર નહિ એ દિવસ ક્યારે આવશે તો શું ત્યાં સુધી મારે આમ જ જીવવાનું? સાચું કહું મને મારા સાસુને મમ્મી કે મમ્મીજી કહેવું બિલકુલ નથી ગમતું. મારા સાસુ માટે મમ્મી શબ્દ મને કાંટા લાગે એવું ચુભે છે પણ શું કરું, કહેવું પડે છે. આપણા સમાજ માં લગભગ બધી વહુઓ માં, મમ્મી કે બા જેવું પવિત્ર સંબોધન કરે છે પરંતુ કેટલી સાસુ વહુ ને ખરા દિલ થી દીકરા, બેટા, લાડલી એવું સંબોધે છે?

હું અને સંજય આખરે કંટાળીને ૨ વર્ષ પહેલા એમના થી અલગ થઇ ગયા. એ બંને માં અને દીકરી અમારા ઘરે આવે, ખાલી ૧૫ દિવસ રહેવા એ પણ ૨-૩ મહિને એક વાર, છતાં આવતા ની સાથે જ મારા ઘરમાં એમના ખાંખાંખોરા ચાલુ થઇ જાય. એને મન ફાવે એમ બધી વસ્તુઓ ગોઠવી નાખે. પછી ભલેને મેં મારી સગવડતા માટે અલગ ગોઠવી હોય અને એની ગોઠવણથી મને અગવડતા પડે. ઘણીવાર નવી વસ્તુ મેં સંગ્રહીને રાખી હોય કે જૂની વસ્તુ બગડે તો બજારમાં લેવા ભાગવું ન પડે તો એ બધી નવી વસ્તુ મને પૂછ્યા વિના વાપરવા કાઢી નાખે અને બધી વસ્તુઓ બગાડીને જ એમને શાંતિ મળે. એ દરવખતે કેમ ભૂલી જાય છે કે આ મારુ ઘર છે, મારુ અને સંજયનું. જ્યાં ઘરની એક ચમચી થઇ લઈને એક-એક વસ્તુ અમે અમારા પસીનાની કમાણી માંથી વસાવેલી છે. અમારે શું પૈસાના ઝાડ ઉગ્યા છે? અમે બંને ખુબ મહેનત કરીએ છે ત્યારે અમને પૈસા મળે છે. શું માઁ ક્યારેય એવું કરતી હોય? જે વ્યક્તિ સાથે તમને એક છત નીચે રહેવું નથી ગમતું એને માઁ જેવું પવિત્ર સ્થાન કેમ આપી શકાય? મારુ તો છોડો પણ પોતાના દીકરા સંજયના સુખ દુઃખ નું પણ નથી વિચારતા. શું માઁ આવી હોય?

જ્યારે કોઈ દીકરી તમારા ઘરની દીકરી-વહુ બનવા તૈયાર હોય ત્યારે જ લગ્ન કરીને પોતાના માતા-પિતા,ભાઈ-બહેન ત્યાં સુધી કે પોતાના નામ પાછળની અટક, પોતાની ઓળખ બધું જ છોડીને તમારી થવા માટે આવે છે. એ દીકરી પાસે માઁ કહેવડાવા ની આશા રાખતા પહેલા શું તમે એની માઁ બનવાની યોગ્યતા કેળવી?

જૂઠી લાગણીઓનું મુખોટું પહેરી, માઁ કે મમ્મી કહેવું એના કરતા તો આંટી કહેવું સારું. આંટી શબ્દ હંમેશા તમને એહસાસ કરાવશે કે એ તમારી માઁ નથી તો તમે એની પાસે માઁ જેવા વર્તનની આશા કે અપેક્ષા પણ નહિ રાખો. તમારા સંબંધોમાં પારદર્શકતા સર્જાશે.” અનુપ્રિયા સાથેની ચર્ચાને મેં અહીં જ વિરામ અપાવ્યો કેમ કે સાસુ-વહુની ચર્ચાનો કોઈ અંત જ નથી.

અનુ અને કોયલ બંને સાચા છે. પરંતુ મને કોયલની એક વાત બહુ જ ગમી કે તમે કોઈ પણ વ્યક્તિ ને પ્રેમ થી , માન થી , લાગણી થી સંબોધો તો સંબોધનમાં, સંબંધોમાં અનેરી મીઠાશ ભળી જાય છે.

સાસુમાં ને આંટી કહો કે મમ્મી કહો, જો પ્રેમથી, માન થી , લાગણી થી કહો તો આંટી શબ્દ પણ માઁ જેવા પ્રેમનો એહસાસ કરાવે છે. જયારે લાગણી વિના, નફરતથી, ગુસ્સાથી બોલાયેલો માઁ જેવો પવિત્ર શબ્દ પણ કાંટાની જેમ લાગી આવે છે.

 - લીના જોશી ચનિયારા 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational