હું માનવ છું
હું માનવ છું
ગંગોત્રીના પ્રચંડ પ્રવાહમાં રુદ્રાક્ષની માળા પધરાવી સ્વામી તારકેશ કંઇક અનોખી હાશ અનુભવતા ગંગાના વહેણમાં પગ બોળીને બેસી રહ્યા.
સ્વામીજી મરિયમના બકરીના બચ્ચાને કતલખાનેથી છોડાવીને લઈ આવ્યા એમાં તો ખોબા જેવડા ગામમાં હોહા થઈ ગઈ. અને આ કંઈ પહેલી વાર નહોતું બન્યું. સ્વામી તારકેશ ક્યારેક નગરશેઠના નેપાલી ચોકીદારને ઉકાળા બનાવીને પીવડાવતા, ક્યારેક ગામના એક માત્ર ચર્ચની બહાર ભીખ માંગતા જોસેફને પોતાની સાથે જમવા લઈ જતા..
આવી દરેક ઘટનાનો ગામમાં જોરશોરથી વિરોધ થતો કે, ભગતડો બધી જાતપાત ભેગી કરીને ભ્રષ્ટ થઈ ગયો છે.
આ વખતે પણ ગામની પંચાયતમાં ધર્મ વિશે ચર્ચા ચાલી,
“બીજી જાતિની બકરીને બચાવવાની શું જરુર?”
“અરે! બકરીના એ બચ્ચાની જાત નક્કી કરવાવાળા આપણે કોણ? એ અબોલની ફરિયાદ કોણ સમજે?”
સ્વામીજીની દલીલ કોઇને ગમી નહીં, પણ સ્વામીજી પોતે જ ધર્મના પ્રખર હતા એટલે પંચાયતે બે હાથ જોડીને તારકેશને ઠંડા શબ્દોમાં ચેતવણી આપીને ઘટના પર પડદો પાડી દીધો.
એ સાંજે ગંગોત્રીના પ્રવાહમાં માળા પધરાવતાં સ્વામી તારકેશ સ્વગત્ બોલ્યા..
“જેનાથી માણસની જાતપાત ઓળખાય છે એવી દરેક ઓળખને આજથી હું તિલાંજલી આપું છું. હું માનવ છું અને મારે એટલી જ ઓળખ રાખવી છે. મારો એક જ ધર્મ- હું માનવ છું..”
બીજે દિવસે સવારની આરતીમાં ભેગા થયેલા ભક્તોએ મંદિરમાં સૂનકાર જોયો..ઈશ્વર આજ એકલા હતા..
