હું અને હિમજા V/s આપણે
હું અને હિમજા V/s આપણે


“વાહ રે! નસીબ લખનાર,
અજબ વ્યવસ્થા તારા રાજમાં !
મારી હથેળીમાં રેખાઓ, અને
રિમોટ કન્ટ્રોલ તારા હાથમાં !”
નેવાર્ક એરપોર્ટ પરથી ઉપડેલું એર ઇન્ડિયાનું પ્લેન મને અને હિમજાને લઇને હદ અને સરહદ જ નહીં એવા અનંત વાદળોના પ્રદેશમાંથી પસાર થતું હતું ત્યારે મારા મનમાં વિચારોનાં વાદળ ખડકાયે જતાં હતાં.
ક્યાં હું અમદાવાદની પોળનો ચુસ્ત પંડિતના ઘરનો દીકરો અને ક્યાં અમેરિકાની સંપૂર્ણ ભૌતિક ધરતી ! હિમજાએ હંમેશાં સાથ આપ્યો નહીંતર અત્યારે કોણ જાણે કેવી પરિસ્થિતિમાં હોત! બાજુમાં હિમજા ઘસઘસાટ ઉંઘતી હતી. મને પણ તંદ્રા ઘેરી વળતી હતી એમાં અતીતના કેટલાંય સંસ્મરણો ડોકિયાં કરતાં રહ્યાં.
અમારા અમદાવાદની વિશિષ્ટતા એવી પોળની ભૂગોળમાં એક સુખપોળમાં કતારબંધ ઘર હતાં. એમાં એક ઘર મારું. હું ત્રિલોક પંડિત. પપ્પા પ્રકાંડ પંડિત હતા. એમની જિંદગી યજમાનોની કૃપા પર જ ચાલતી રહી હતી. મમ્મી બહુ સંતોષી એટલે સત્યનારાયણની કથામાં આવેલું ફળ પણ એને સંપૂર્ણ રાજીપો આપી જાય. બંનેનું એક માત્ર સંતાન હું. મારા જન્મથી બંનેને ત્રિલોક પામ્યાનું સુખ મળ્યું એટલે મારું નામ ત્રિલોક પાડ્યું હતું.
થોડા અભાવ-થોડાં સમાધાન-થોડી સુખની પળ-થોડા આનંદના બનાવો. બસ, આ ઘટમાળમાં હું બાવીસ વર્ષનો થયો. હું હજી બરાબર સ્થાયી નહોતો થયો ત્યાં બંનેની વિદાય મને બહુ વસમી લાગી રહી હતી પણ પોળની આ પણ ખાસિયત છે કે એનો દરેક રહીશ અલૌકિક સંબંધથી જોડાયેલો હોય..
બસ, હું અહીં જ સ્થિર થઈ ગયો. માસ્ટર્સ કર્યા બાદ વેદમાં પી.એચ.ડી. કર્યું અને યુનિવર્સિટીમાં સાહિત્યના પ્રોફેસર તરીકે કારકિર્દી શરુ કરી. નજીકના સગાઓની મદદથી હિમજા સાથે દાંપત્યજીવનમાં પગલાં પાડ્યાં.
વેદમાં ડોક્ટરેટ હોવાથી મારું સ્ટેટસ પપ્પા કરતાં થોડું ઉંચકાયું હતું. પોળમાં મને “બહુ ભણેલો
પંડિત” એવું ઉપનામ આપવામાં આવ્યું હતું. હિમજા પણ આર્થિક જવાબદારી નિભાવવામાં ટ્યુશન કરીને બને એટલી મદદ કરતી. પોળમાં દરેકના મહેમાન પોતાનાજ લાગે. શાસ્ત્રીકાકાની દીકરી પૂજા અમેરિકાથી આવી તો આખી પોળ આનંદના હિલોળે ચડી. રોજ રાત્રે શાસ્ત્રીકાકાને ત્યાં બેઠક થાય.
એક રાત્રે બેઠકમાં પૂજાએ બધાને પોળ છોડીને બહારની અત્યાધુનિક દુનિયામાં વસવું જોઇએ એવા પ્રતિભાવ દર્શાવ્યા અને એક ચર્ચાનો વિષય છેડી દીધો. મોટી પેઢી એમ કહીને અટકી કે,
“હવે આ ઉંમરે બહારની રહેણીકરણી ન ફાવે.” તો નવી પેઢી પેલી ચમકતી દૂનિયાના સપને ચડી.
પૂજા અહીં રહી એટલા દિવસ મને બહુ સમજાવતી રહી કે વિદેશમાં ડોક્ટર એન્જિનિયર જેટલીજ માંગ કર્મકાંડી બ્રાહ્મણની છે. એ મજાકમાં કહેતી, “બામણ તું તો ડોલરમાં કમાતો થઈ જઈશ તો અમારા કરતાં વધુ માલદાર હોઈશ.” અને સંગ તેવો રંગ એ ન્યાયે મને પણ ચમકતી ધરતી પર પગ મુકવાનું મન થવા લાગ્યું. અને પછીના બે મહિનામાં અમારા જવાની તૈયારીઓ થઈ. પૂજાએ વાયદો પાળીને એક
મોટા સર્વધર્મ મંદિરના પૂજારી તરીકે નિમણૂક કરાવીને પ્રિસ્ટ માટેની કેટેગરીમાં વિઝા તૈયાર કરાવ્યા. અને શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવના આશિર્વાદ માંગીને મેં અને હિમજાએ પ્રયાણ કર્યું.
પૂજા એરપોર્ટ પર લેવા આવી હતી. પછી મંદિરના મેનેજમેન્ટ તરફથી અપાયેલા ઘરમાં અમે સ્થાયી થયાં. એક અઠવાડિયામાં નવી દૂનિયાના લગભગ બધા રીત-રિવાજો સમજાઈ ગયા. ધીરે ધીરે હું કર્મકાંડી નિષ્ણાત છું એ વાત આસપાસ જાહેર થવા લાગી એટલે મંદિરનો સમય પૂરો થયા બાદ ઘેર પણ યજમાન આવવા લાગ્યા. હું અને હિમજા રાત્રે બધા સાવ નવા નવા અનુભવ વાગોળીને હળવાં થતાં કે, “અહીયાંના પેઢી દર પેઢીથી વસી ગયેલા ભારતીયોમાં ધાર્મિકતા હજી જળવાઈ રહી છે એ જ મોટી વાત.”
વચ્ચે વચ્ચે પૂજાના ફોન આવતા રહેતા. ક્યારેક મંદિર પણ આવી ચડતી. પણ જાણે અજાણે મને એના વર્તનમાં મારા માટે એક અલગ ભાવ અનુભવાવા લાગ્યો હતો. મારી સાથે વાત કરવાનાં બહાનાં શોધતી રહેતી તો હિમજાને સતત ટાળ્યા કરતી.
એક સવારે એ મંદિર આવી પહોંચી.
“હું સેટરડે નાઈટ મારે ત્યાં પાર્ટી છે એનું આમંત્રણ આપવા આવી છું. ચોક્કસ આવજે. ઉફ્ સોરી બંને આવજો.” સંપૂર્ણ વિદેશી માહોલ હતો. ચડકભડક લાઈટ્સ, એવાં જ રંગબેરંગી પણ સાવ મર્યાદાવિહિન પરિધાનમાં પૂજા આવી અને અમને અંદર લઈ ગઈ. મને રહીરહીને વિદેશના મોહમાં રંગાઈ જવાનો પારાવાર અફસોસ થતો હતો. ફિલ્મોમાં હોય એવી પાર્ટી ચાલતી રહી. જાતજાતનાં ડ્રિન્ક્સની ટ્રે લઈને પૂજા ઝૂમતી આવી અને મારો હાથ પકડીને બોલી,
“ત્રિલોક મેં ક્યારેય તને કહ્યું નહીં પણ હું તને પસંદ કરતી હતી અને હજી કરું છું. ચાલ કમ સે કમ આજે મારી સાથે ડાન્સ કરીને મને કંપની તો આપ ! હું બહુ એકલી છું.”
અને હિમજાએ પહેલી વાર મારી સામે ધારદાર નજરે જોયું. હું કંપી ઊઠ્યો. જેમતેમ કરીને મેં પૂજાનો હાથ છોડાવીને કહ્યું, “પૂજા તમારું અને અમારું જગત બહુ અલગ છે. હા, અહીંયા લોકો હજી પણ દેશની સંસ્કૃતિ અને પરંપરાનું પાલન કરીને એ બહાને દેશને યાદ કરી લે છે પણ તું તો ત્યાં જ જન્મીને મોટી થઈ તોય સાવ બધા જ આચારવિચાર ભૂલી ગઈ છો. ભલે એ તારી જિંદગી છે. પણ મને માફ કર.”
અને અમે બંને ત્યાંથી રીતસર ભાગી છૂટ્યાં. એ રાત બહુ અજંપામાં વિતી. સવારે હિમજાએ ચા આપતાં કહ્યું, “મેં ક્યારેય તમારા ફેંસલાનો વિરોધ નથી કર્યો ત્રિલોક. પણ આ ફેંસલો કદાચ વિનાશ તરફ ધકેલી જશે એવો હવે મને ડર લાગી રહ્યો છે.”
“હા હિમજા તું સાચું કહે છે. એક નબળી પળ કદાચ મને આ ખોટા ફેંસલા તરફ ખેંચી ગઈ અને મેં મંદિરના ટ્રસ્ટીઓને મળીને ફરી દેશ જવાનો ફેંસલો જણાવ્યો.
અમદાવાદની ધરતી પર પગ મુકતાં મને ડૂસકું આવી ગયું. મેં મનોમન ઈશ્વરનો આભાર માન્યો. ઘરનું તાળું ખોલીને મેં હિમજાને કહ્યું, “આપણે આપણી જ વિરુધ્ધ એક નૈતિકતાનો જંગ ખેલીને આવ્યાં હોઈએ એવું લાગે છે. પહેલા નિર્ણયમાં હું અને તું હતાં. તું મારી પાછળ હતી પણ પછી આપણે એક થયાં તો આજે આપણી દૂનિયામાં પરત થઈ શક્યાં.
મેં સ્વગત્ કહ્યું,
“હું અને હિમજા V/s આપણે”
“આપણે” આજે જીતી ગયાં.
બીજે દિવસે આંગણામાં મુકેલા નાના એવા ચબુતરામાં ફરી કોયલ ટહુકી ઉઠી. ચકલાં, પારેવાંની જમાત ઉડાઉડ કરીને વાતાવરણ જિવંત બનાવવા માંડી. અને વસંતરુતુ પણ પૂરબહારમાં ખીલી ઉઠી.