હરીફ
હરીફ


આજે શક્તિસ્વરૂપા મહિલામંડળ સંચાલિત શ્રી ગૃહઉદ્યોગનો વાર્ષિક ઉજવણીનો અવસર હતો. પ્રમુખ લીનાબહેનનો ૫૦મો જન્મદિવસ ઉજવીને એમને સરપ્રાઈઝ આપવાનું આયોજન નીતાએ કરવાનું હતું. નીતાએ મહામહેનતે એમની માટે સુંદર વક્તવ્ય તૈયાર કર્યું હતું. જેમાં લીનાબહેને બધા માટે કરેલી અથાગ મહેનતની સંઘર્ષગાથા હતી. આયોજનની તડામાર તૈયારીઓમાં નીતા વક્તવ્યની સ્ક્રિપ્ટ ઘરે ભૂલી ગઈ.
કાર્યક્રમનો સમય થયો, નીતાને યાદ આવતાં જ ચિંતા થઈ કે હવે શું કરવું? સીમાબેન જે ખુબ જ સરસ વક્તા હતા, નીતાને પોતાની હરીફ ગણતા તેમને આ વાતનો અણસાર આવ્યો, કાર્યક્રમની શરૂઆતમાં માઈક સાચવીને સુંદર રીતે વક્તવ્ય આપીને નીતાનો આભાર માનતાં કહ્યું, "નીતાના આયોજનના વખાણ કરીએ એટલા ઓછા, એને ક્યાંય ગર્વ નથી." નીતા મનોમન
સીમાબેનને વંદી રહી, એમની ગૌરવભરી વર્તણુક માટે. જો આજે સીમાબેને માઈક ન સાચવ્યું હોત તો?