STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

હોસ્પિટલનું અડધું બિલ

હોસ્પિટલનું અડધું બિલ

4 mins
179

બહેનો પિતાની સંપત્તિનો અડધો હિસ્સો લે છે, તો હોસ્પિટલનું અડધું બિલ ચૂકવે છે ખરી ?

આ સવાલ દરેક દીકરીઓ માટેનો સવાલ છે. ધારો કે તમારા મમ્મી કે પપ્પા-બંનેમાંથી કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો હોસ્પિટલનાં બિલનો અડધો ખર્ચો તમારા ભાઈને આપો ખરા ? તમારો ભાઈ પૈસે-ટકે સુખી છે, એની પાસે બેશુમાર પૈસા છે, તો પણ તમારી ફરજનાં ભાગ રૂપે બિલનો અડધો હિસ્સો ભાઈનાં ગજવે મૂકી આપો ? તમારો ભાઈ તમારા મમ્મી કે પપ્પા માટે સ્પેશિયલ કેર ટેકર રાખે અથવા તો એમના માટે અલાયદો ડ્રાઈવર રાખે તો એમને ચૂકવાતા પગારમાં અડધો ભાગ તમારો પણ હોય ખરો ?

હિન્દુ સક્સેસન એક્ટ 2005 મુજબ દીકરી કુંવારી હોય કે પરણેલી-એને પિતાની સંપત્તિમાં ભાગીદાર ગણવામાં આવે છે. એટલે કે દીકરી પરણીને સાસરે ચાલી જાય પછી પણ પિતાની તમામ સંપત્તિ, પિતાએ કમાયેલા તમામ ધનની દીકરી સરખા હિસ્સાની વારસદાર ગણાય છે. આ કાયદાએ દીકરીઓને લાંબા સમય બાદ વધુ સલામત બનાવી છે. લગ્ન બાદ જે દીકરીઓનાં હિસ્સે આર્થિક સંઘર્ષ લખાયેલો રહેતો હતો-એ સંઘર્ષ આ કાયદાએ ઓછો કરી આપ્યો છે, કબૂલ. પણ આ જ કાયદાએ કેટલાક ભાઈઓનાં હિસ્સે અન્યાય પણ લખી આપ્યો છે.

અમદાવાદમાં રહેતી એક બહેન પૈસે-ટકે સંપન્ન છે. બંગલામાં રહે છે. એમની મા ગુજરી ગયેલી અને પિતા પેરેલિટિક હતા. ભાઈ અને ભાભીએ પોતાનાં આર્થિક લિમિટેશન્સ વચ્ચે પિતાની બધી જ કાળજી કરી. હવે-પિતાનાં ગુજરી ગયા બાદ બહેને પિતાનાં નાનકડા મકાનમાં અડધો હિસ્સો માંગ્યો. બહેનને અડધો હિસ્સો આપી દીધા બાદ ભાઈએ ભાડાનાં મકાનમાં જતા રહેવું પડ્યું, પણ બહેન માટે ભાઈની તકલીફો કરતા પિતાનો વારસો-પોતાનો અધિકાર વધારે અગત્યનો હતો.

મારો સવાલ એ છે કે-પિતા કે માતાની સંપત્તિમાં સરખા હિસ્સાની ભાગીદારી લેતી દીકરીઓ લગ્ન બાદ માતા-પિતા પ્રત્યેની ફરજમાં પણ સરખા હિસ્સાની ભાગીદારી નિભાવે છે ખરી ?

મમ્મીનાં મુડ સ્વીંગ્સ, પિતાનો પેરેલિસિસ કે અલ્ઝાઈમર, વૃધ્ધત્વની જિદ, સમય પર અપાતી દવા, ઘૂંટણ પર કરાતું માલિશ, રોજેરોજની રસોડાની કચકચ, પથારીમાં થઈ જતો પેશાબ, કટાઈ રહેલો સ્વભાવ, ઘરે એકલા ન મૂકી શકવાને કારણે મિસ કરાયેલી પાર્ટીઓ, ફિલ્મો, સોશિયલ ગેધરિંગ્સ, રેસ્ટોરન્ટ્સનાં ડિનર, લોંગ ડ્રાઈવ પર નહીં નીકળી શકાયાની ઘૂંટન…આ બધામાં પણ સાસરે રહેતી બહેનની સરખા હિસ્સાની ભાગીદારી હોય છે ખરી ?  

વારસાઈ જો અધિકાર હોય તો મમ્મી-પપ્પાની સરખા હિસ્સાની શારીરિક, માનસિક અને આર્થિક કાળજી એ ફરજ છે. જ્યાં અધિકાર હોય ત્યાં ફરજ આવતી જ હોય છે અને ફરજ વિનાનો અધિકાર આતંકવાદથી કમ નથી હોતો. આપણી હિન્દુ સંસ્કૃતિમાં દીકરીને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવી છે. દીકરીની આર્થિક-સામાજિક સલામતીની કાળજી ઋષિકાળથી લેવામાં આવી છે. આપણી કેટલીક સામાજિક રસમો એવી જ રીતે ડિઝાઈન કરવામાં આવી હતી-જે દીકરીઓને સલામતી બક્ષે. ધીમે-ધીમે એમાં કાયદાઓ ભળ્યા. હવે સામાજિક રસમોની સાથે-સાથે કાયદાઓ પણ દીકરીઓને સલામતી આપી રહ્યા છે. હવે દીકરીઓ પાસે એક છત્રી છે, જે તૂટી પડેલા આભનાં ટુકડાને સીધા માથે પડતા અટકાવી દે છે.

એડવોકેટ નીલકંઠ બારોટ કહે છે કે કે-‘કાયદામાં થયેલા સુધારા પ્રમાણે દીકરા-દીકરીને એકસમાન હિસ્સો મળે છે પણ કાયદાની બીજી બાજુ પણ છે. આ કાયદાને કારણે દીકરીઓ દ્વારા પોતાનાં હક-હિસ્સાની અલગ માંગણીથી ભાઈ-બહેનનાં સંબંધોમાં તિરાડો પણ પડી રહી છે.’

કલમ 498-સ્ત્રીઓ માટે બહુ જ સારો કાયદો હતો-પણ હવે એ કાયદાનો દુરૂપયોગ દિલ ખોલીને થઈ રહ્યો છે, એવી જ રીતે હિન્દુ સક્સેસન એક્ટનો દુરૂપયોગ પણ કરાઈ રહ્યો છે. દીકરો હોય કે દીકરી-પિતા કે માતાનાં વારસા પર બંનેનો સરખો અધિકાર છે, સરખો અધિકાર હોવો જ જોઈએ-પણ આ અધિકાર સમાન ફરજની સાથે આવવો જોઈએ.

દીકરી પરણીને સાસરે જતી રહે પછી જેવી રીતે એની જવાબદારી વધે છે, એવી જ રીતે દીકરો પરણે છે પછી એની જવાબદારી પણ વધતી હોય છે. પરણેલા દીકરા-દીકરીઓએ પોતાનાં મા-બાપની સાથે-સાથે સાસુ-સસરાની જવાબદારી પણ સંભાળવાની હોય છે.

મોટાભાગે માતા-પિતા દીકરા સાથે રહેતા હોય છે. આવા સમયે દીકરો અને દીકરાની વહુ-લાગણીથી-ફરજનાં ભાગરૂપે માતા-પિતાની તમામ કાળજી લેતા હોય છે. રસોડામાં ઓછા મીઠાંવાળી રસોઈ બાજુ પર કરવાથી લઈને ઈન્સ્યુલિનનાં મેનેજમેન્ટ સુધીની બધી જ જવાબદારી વહુનાં શિરે હોય છે. સાંઈઠમા વર્ષે પણ સત્તા ન છોડી શકનારી ઘણી સાસુઓ-પિસ્તાળીસ વર્ષની વહુને ઘર ચલાવવાની ટ્રેનિંગ આપતી જ રહે છે. વહુ બોલ્યા વિના અથવા તો થોડાઘણો કકળાટ કરી આ બધા વચ્ચેથી પસાર થતી રહે છે. દીકરાની સમસ્યાઓ જુદી હોય છે. એણે આર્થિક બેલેન્સ સાચવવાનું હોય છે. મમ્મી અને પત્નીની વચ્ચે બેલેન્સ જાળવતા-જાળવતા એણે તંગ દોરડાં પર સમતુલન જાળવતા રહેવાનું હોય છે. દીકરીઓએ મોટેભાગે આવો સામનો કરવો પડતો નથી. એણે દિવસમાં એકવાર મમ્મી-પપ્પા સાથે ફોન પર વાત કરવાની હોય છે, અઠવાડિયે બે-ત્રણ વાર ઘરે મળવા આવવાનું હોય છે. સાસરેથી આવેલી દીકરીનાં માન-પાન દરેક ઘરમાં જુદા જુદા હોય છે. મા-બાપ માંદા પડે અથવા તો હોસ્પિટલાઈઝ્ડ થાય ત્યારે દીકરીઓ સાસરાની જવાબદારીઓ વચ્ચે બેલેન્સ કરી શકે એનું ધ્યાન રખાય છે અને પરણેલી દીકરીનાં ઘરનું પાણી પણ ન પીવાયની સંસ્કૃતિ વચ્ચે તમામ આર્થિક જવાબદારી દીકરાનાં ખભે આવી જતી હોય છે.

કેટલાક કિસ્સાઓમાં બહેનની આર્થિક પરિસ્થિતિ કરતા ભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવું પણ બનતું હોય છે. આવા સમયે બહેને નમતું જોખવું જોઈએ. વારસા કરતા વહાલને અને સંપત્તિ કરતા સંબંધને મહત્વ આપવું જોઈએ.

આજે મારે તમામ દીકરીઓને એક અપીલ કરવી છે.

તમને તમારી પૈતૃક સંપત્તિમાંથી અડધોઅડધ હિસ્સો મળ્યો હોય કે મળવાનો હોય-તમારા અધિકારની સાથે-સાથે તમારી ફરજ પણ નિભાવજો. તમારા ભાઈનાં ખભે હાથ મૂકીને કહેજો કે, મમ્મી અને પપ્પાની જેટલી જવાબદારી તારી છે એટલી જ જવાબદારી મારી પણ છે. ભાઈ ના પાડે તો પણ એનાં ગજવે મૂકી શકો એટલી રકમ મમ્મી-પપ્પા માટે મૂકી આપજો. મારે તમામ જમાઈઓને પણ એક અપીલ કરવી છે, તમારી પત્નીને એનાં પિયર પ્રત્યેની ફરજો નિભાવવામાં થઈ શકે એટલી મદદ કરજો. આફ્ટરઓલ, એકસમાન અધિકાર સાથે-એકસમાન ફરજ બહુ અનિવાર્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational