હોમવર્ક
હોમવર્ક


“આપણે એટલે જ તો રોજ સાંજે આ જગતના કાવાદાવાથી અજાણ બાળકોની દૂનિયા જેવા આ બાગમાં ભેગા થઇને બેસીએ છીએ. અહીયાં બે કલાક બધું ભૂલીને આપણે પણ બાળક બની જઇએ છીએ.” છેલ્લા કેટલાય દિવસથી ઘરકંકાસમાં અપસેટ રહેતા પ્રવિણભાઇના ખભે હાથ પસવારીને મનુદાદા બોલ્યા.
અને પ્રવિણ વિચારમાં ગરકાવ થઈ ગયો. તેની નજર સમક્ષ ગામની ખળખળ વહેતી નદી તરવરી ઉઠી અને એ બારેમાસ બે કાંઠે વહેતી નદીના કિનારે ધમાલમસ્તી અને પાણીમાં ધૂબાકા દેતા દોસ્ત યાદ આવ્યા. ગામની નદી પાર કરતાં બાપુના ખભે બેસીને બાપુના માથે તબલાં વગાડતો પ્રવિણ દેખાયો.
પ્રવિણને આજે હળવાશ લાગી. જિંદગીના દરેક તબક્કાને માણવાની તક મળે તો વગર કંકાસે માણી લેવાની શીખ મળી.
આજે ઘેર પહોંચતાં પ્રવિણને બાળક જેવી સ્ફૂર્તિ લાગી રહી હતી. ઘેર પહોંચતાં જ પ્રવિણદાદાએ પોતરાંને વોટરપાર્ક પિકનિક પર લઈ જવાનું એલાન કરી દીધું.
પત્નીને કહ્યું,
“શહેરમાં નદી તો ક્યાંથી લાવવી પણ ખળખળ વહેતા પાણીમાં બધો કંકાસ વહાવી દઇશું.”