Sharad Trivedi

Inspirational

5.0  

Sharad Trivedi

Inspirational

હિતચિંતક

હિતચિંતક

5 mins
456


તમને પંચાવન પુરા થયાં અને છપ્પનમું ચાલે છે, વિવેક શર્મા. સનદી અધિકારી તરીકે તમે યશસ્વી કારકિર્દી ધરાવો છો. એક બાહોશ અને હોંશિયાર અધિકારી તરીકે તમારું નામ લેવાય છે. તમારા વતનના વિસ્તારમાં પણ તમે એક લોકપ્રિય વ્યક્તિ છો. એક રાજકારણીને પણ ઈર્ષા આવે એવી તમારી લોકપ્રિયતા છે, વિવેક શર્મા.

તમારી એ લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા માટે સત્તાધારી પક્ષ તમને તમારા વતનના વિધાનસભા મતવિસ્તારમાં પક્ષના ઉમેદવાર તરીકે ટિકીટ આપવા માંગતો હતો. ખુદ પક્ષપ્રમુખએ માટે તમને મળવા આવેલા. તમે એમને વિચારવા માટે બે દિવસનો સમય આપવા જણાવેલ.

એ દિવસે તમે ઘરે આવીને જમી, પરિવાર સાથે વાતચીત કરી થોડીવાર એમની સાથે સમય વીતાવી તમારા બેડરુમમાં જતાં રહેલાં. બાજુમાં તમારી પત્ની સુતાં હતાં. એ ઘસઘસાટ સુઈ ગયાં. તમે સત્તાધારી પક્ષના પ્રમુખે વિધાનસભાના ઉમેદવાર તરીકે તમને કરેલી ઑફર વિશે વિચારતાં હતાં. ત્યાં અચાનક અડધું શરીર ઘરાવતી અને એની છાતીના ભાગમાં દીવો ઝળહળતો હોય એવી એક આકૃતિ બરાબર રાત્રિના બાર વાગે તમારી સામે પ્રગટ થઈ. એણે તમને આ વખતની ચૂંટણી લડવાની સ્પષ્ટ ના પાડી અને કહ્યું 'યોગ્ય સમયે હું તને કહીશ'

આકૃતિ ગાયબ થઈ ગઈ. તમે 'હાશ, જવાબ મળી ગયો' એમ કહી નિરાંતે સુઈ ગયાં, વિવેક શર્મા

બીજા દિવસે પક્ષ પ્રમુખને તમે 'હાલ મારી ચૂંટણી લડવાની કોઈ ઈચ્છા નથી' એમ જણાવી દીધું.

હા, વિવેક તમે હંમેશા એ આત્માનું કહ્યું કરતાં આવ્યાં છો. એ આત્માએ જરુર પડ્યે હંમેશા તમારું માર્ગદર્શન કર્યું છે. પછી એ નાની વાત હોય કે મોટો નિર્ણય લેવાનો હોય. એની વાત માની એટલે તમારો બેડો પાર.

એ આત્માનો તમને પહેલો સાક્ષાત્કાર તમે બારમાં ઘોરણમાં હતાં ત્યારે થયેલો. આજે ભલે તમે નામાકીંત સનદી અધિકારી હોવ, પણ તમે એક સમયે નિષ્ફળ વિદ્યાર્થી રહી ચૂકયાં છો. હા, વિવેક તમારા મજૂર મા-બાપે તમને ભણાવવા માટે વતન છોડી શહેરની વાટ પકડેલી. તમે ભણવામાં ખૂબ હોંશિયાર હતા એટલે એમણે જુગાર ખેલેલો, પણ ઈશ્વરની ઈચ્છા કંઈ અલગ હશે એટલે દશેરાના દિવસે તમારો ઘોડો દોડેલો નહી. તમે વિજ્ઞાન પ્રવાહમાં બે વાર પરીક્ષા આપેલી અને નપાસ થયેલાં. તમને લાગી આવેલું.

એક દિવસ મમ્મી-પપ્પા સામાજિક કામે વતન ગયેલાં ત્યારે તમે એકલાંજ ઘરે હાજર હતાં. તમે જીવનને સમાપ્ત કરી નાંખવાનો નિર્ણય કરેલો. એ માટેની બધી તૈયારી કરી લીધેલી. ટેબલ, પંખો, દુપટ્ટો ત્રણ વસ્તુની જરુર હતી. પંખા નીચે ટેબલ મૂકી, દુપટ્ટાને પંખે બાંધી તમે ટેબલ પર ચડેલાં. દુપટ્ટા વડે બનાવેલો ગાળિયો તમે ગળામાં પહેરાવી દીધો. જીવન અને મરણ વચ્ચે હવે થોડીક મિનિટોનું અંતર હતું.

રાતના બારેક વાગ્યા હશે. અચાનક અડધું શરીર ઘરાવતી અને એની છાતીના ભાગમાં દીવો ઝળહળતો હોય એવી એક આકૃતિ બરાબર રાત્રિના બાર વાગે તમારી સામે પ્રગટ થઈ. એણે કહ્યું 'આ શું કરી રહ્યો છે તું ?તને કંઈ ભાન છે ?આવી રીતે હિંમત ઓછું હારી જવાય ?તારા માતા-પિતાનું તું એકમાત્ર સંતાન છે ?એમના પર શું વિતશે ?તે વિચાર કર્યો છે ? એક-બે પરીક્ષામાં નાપાસ થવાથી જીવન પુરું નથી થતું. તું હોંશિયાર છે. હિંમત હાર્યા વગર આગળ વધ, તું અવશ્ય સફળ થઈશ. હજુ ઘણા રસ્તા છે સફળ થવાના. આવો ખોટો-ખરાબ વિચાર પડતો મૂક, મારી વાત માન, હું સાચું કહું છું, તારું હિત વિચારું છું. મારા પર વિશ્વાસ રાખ'

તમે પૂછ્યું 'તમે કોણ છો ?'

એણે કહેલુ'તારો હિતચિંતક'

એટલું બોલી એ ગાયબ થઈ ગયો. તમે એ હિતચિંતકની વાત માનેલી, અને આત્મહત્યાનો વિચાર માંડી વાળેલો. એની વાત માનીને તમે ફરીથી અભ્યાસ શરુ કર્યો, અલબત્ત આર્ટસના વિષયો સાથે. તમે પેલા હિતચિંતકની વાત યાદ રાખી સખત મહેનત કરી. અઠ્યાસી ટકા માર્કસ સાથે બારમું પાસ. પછી અભ્યાસમાં તમે પાછું વળીને કદી જોયું નથી. પ્રથમ વર્ગ સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતાં તમે વહીવટી સેવાની પરીક્ષા ત્રીજા પ્રયત્ને પાસ કરી સીધાં વર્ગ એકના વહીવટી અધિકારી બની ગયેલાં. સમય સમય પર અચાનક રાત્રે બરાબર બાર વાગ્યે અડધું શરીર ઘરાવતી અને એની છાતીના ભાગમાં દીવો ઝળહળતો હોય એવી એક આકૃતિ તમારું માર્ગદર્શન કરતી રહી, તમે એના અવાજને અનુસરતાં રહ્યાં.

તમે કૉલેજમાં હતાં ત્યારે તમને એક છોકરી ગમતી હતી. તમે એને 'આઇ લવ યુ' કહેવાનું વિચારતાં હતાં. તમે તમારાં હિતચિંતકને પૂછ્યું 'શું કરું ?'

એણે હસીને તરત જ 'હા' પાડીને કહેલું'તું જે પણ કરીશ એ સારુંજ કરીશ. ઈશ્વરની મરજી હોય એમ થાય, પણ પ્રયત્ન કર નિષ્ફળ નહી જવાય' અડધી રાતે આવતો એ આત્મા તમને એટલું કહી ચાલી ગયેલો. તમે એ આત્માને અનુસર્યા. થોડી મુશ્કેલીઓ પછી અર્ચના તમારા અર્ધાંગિની બની ગયેલાં, હાલ તમારી બાજુમાં ઘસઘસાટ નિંદર માણી રહ્યાં છે. પ્રેમ લગ્નના એ મુશ્કેલ દિવસોમાં અડધી રાતે આવતો એ આત્મા તમારો રાહબર બનેલો.

બીજી સુવાવડ વખતે જ્યારે અર્ચનાને ગંભીર સુવા રોગ થયેલો, એ જીવન મરણના ઝોલાં ખાતી હતી ત્યારે તમે ખૂબ રડતાં હતાં. દવાખાનાના એ પગથિયાં પર રાત્રે બાર વાગે અડધું શરીર ઘરાવતી અને એની છાતીના ભાગમાં દીવો ઝળહળતો હોય એવી એક આકૃતિ, તમારો હિતચિંતક ફરી તમને આવીને કહી ગયેલો. 'ચિંતા ન કર, અર્ચીને કંઈ નહી થાય, તેં કયાં કોઈનું ખોટું કર્યું છે તો તારું ખોટું થાય' તમને એ પછી હિંમત આવેલી અને થોડાંજ સમયમાં અર્ચના સાજી થઈ ગયેલી.

આવા તો અંસંખ્ય દાખલાં છે, એ આત્માએ તમને મદદ કરી હોય. તમારા સનદી અધિકારીના કાર્યકાળ દરમિયાન પણ ખરા સમયે એ આત્માએ હાજર થઈ તમને અનેક પ્રલોભનોથી બચાવ્યાં છે. એના અવાજને અનુસરવાથી તમે ઘણી મુશ્કેલીઓમાંથી ઉગરી ગયાં છો.

અરે, એક વખત તમે રાત્રે બાર વાગે તમારું કોઈ વ્યક્તિગત કામ પતાવી બહારગામથી આવી રહ્યાં હતાં. બહુ રાહ જોવા છતાં કોઈ સાધન ન આવ્યું. તમે ચાર રસ્તે ઉભા હતાં, ત્યાં અચાનક એક ખાનગી કાર આવીને ઉભી રહેલી. તમે એમાં બેસવાં જતાં હતાં, ત્યાં પેલા આત્માનો અવાજ તમને સંભળાયો. એણે ના પાડી કે એ કારમાં ન બેસ. તમે તમારા હિતચિંતકનો અવાજ સાંભળી તે કારમાં ન બેઠા. દસેક મિનિટ પછી બસ આવી. તમે એમાં બેઠા. આગળ જતાં જોયું તો પેલી કારને અકસ્માત થયેલો. એમાં બેઠેલાંને ગંભીર ઈજાઓ થયેલી.

વિવેક શર્મા, આ હિતચિંતક એ બીજું કોઈ નહી તમારા અંતરઆત્મા છે. તમે તમારા અંતરઆત્માના અવાજને ઓળખતાં શીખી ગયાં છો. એ હંમેશા આપણને સાચી, સારી, આપણા હિતની વાત કરતો હોય છે, આપણે ખોટું કરતાં હોઈએ તો એ આપણને રોકવાં બૂમો પાડતો હોય છે. આપણને સાચી દિશામાં પ્રેરે છે, પણ બધા તમારી જેમ એના અવાજને અનુસરતાં નથી, સાંભળે છે તો નજર અંદાજ કરે છે. એ આપણો હિતચિંતક છે, કમભાગ્યે એ સતત સામે હાજર હોય તો પણ કેટલાકને દેખાતોજ નથી અને દેખાય તો કેટલાક આંખ બંધ કરી દે છે. આ છે આપણો અંતરાત્મા, આપણો હિતચિંતક.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational