હિસાબમાં કાચો
હિસાબમાં કાચો


ગણિત અને મારે આમ તો બારમો ચંદ્રમા. એમ થતું કે ગણિતમાં આટલા બધા સૂર્યો ચમકે છે, તો ચંદ્રની શી વિસાત ! એટલે ગણિતનો ચંદ્ર લેવાનો વિચાર માંડી વાળ્યો. આમ તો મારે એસએસસી પછી સાયન્સ જ લેવું હતું. પણ પછી થયું બીજાને ચાન્સ આપીએ. એટલે કોમર્સમાં એડમીશન લીધું.
પણ હિસાબ કિતાબમાં આમ તો હું કાચો. કોઈ મારી પાસેથી મદદ લઈ જાય છતાં પણ હું એ ભુલી જતો. એ તો કંઈ નહીં પણ કોઈ મારી પાસેથી ઉછીના લે તો પણ તેને યાદ કરાવવાનું પણ હું ભુલી જતો !છતાં એ વ્યક્તિ પાછા તો આપી દે. એક વખત એક અપડાઉન કરતા ભાઈ એ મને ખારી શીંગના પાંચ છ દાણા આપ્યા. ના પાડી છતાં કહે 'જલ્સા કરોને ! આવા જલસા કોઈ નહીં કરાવે.' અને બીજે દિવસે ટ્રેન એક કલાક મોડી હતી. પેલા શીંગવાળા ભાઈ મારી પાસે આવ્યા. અને કહ્યું કે ટ્રેન તો લેટ છે
અને ભુખ લાગી છે. જુઓ ભાઈ ગઈ કાલે શીંગનો આનંદ માણ્યો હતો ને !આજે તમારો વારો. અને ભજીયાવાળાને પચાસ રૂપિયાના ભજીયાનો ઓર્ડર આપી દીધો.
ભજીયા જમ્યા પછી કહે. કાલે હું તમને શીગોડા ખવડાવીશ. મને તો શીગોડા તો ભાવતા નથી છતાં પણ હું કશું બોલી ના શક્યો અને ભજીયાના પુરા પચાસ ચુકવ્યા. ઓફિસમાં પણ બીજી ઓફિસવાળાને ફોનથી ઓફિસની નવી આવેલી વિગતો સમજાવતો. એ વખતે મોબાઈલ બીલ ૭૦૦ થી ૮૦૦ આવતું છતાં પણ મદદ ભાવ રાખતો. અને આ બધું હું યાદ ના રાખતો. હવે યાદ એટલે આવે છે કે, જેમને ચાલુ નોકરી એ બધી મદદ કરતો એ ભાઈઓ મારા રીટાયર્ડ થયા પછી તબિયતના ખબર અંતર પણ પુછતા નથી !
આમ તો મારૂં ગણિત કાચુ જ. હજુ પણ ઓફિસના કોઈ ભાઈનો મદદ માટે ફોન આવે તો સાચું માર્ગદર્શન આપતો. છોને એ મારી ખબર અંતર ના પુછે !