હાય કોરોના
હાય કોરોના
હાહાકાર મચી ગયો.
આપણા જશુભાઈ ! પોલીસ કોન્સ્ટેબલ !
તેમના ઘરના બધા જ સભ્યો ને કોરોના પોઝિટિવ આવ્યો.
ઘરમાં હતા જ કેટલા સભ્યો ?ગણ્યાગાંઠ્યા ચાર ! જશુભાઈના ઘરડા પિતાજી, જશુભાની પત્ની રમીલા અને જશુભાનો એકનો એક દીકરો રજત અને જશુભા પોતે.
રજતને થોડો તાવ ખાંસી હતા. પણ ! આ તો મોસમ જ માંદા પડવાની, એટલે કે વરસાદની, ભેજવાળી હવાની એટલે બહુ ધ્યાનમાં નહિ લીધું. જશુભા વારે ઘડીએ દીકરાને ટકોર કરતા "મારે તો ફરજ છે એટલે બહાર જવું પડે છે. પણ તું બહાર શું કામ જાય છે ? તું બહાર જાય તો માસ્ક કેમ નથી પહેરતો ?"
પણ આ તો જુવાનીયુ વાજુ ! કોણ સાંભળે ?
અને આખરે તાવ વધતો ગયો. કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. તે પોઝિટિવ આવ્યો. હવે બધા ગભરાયા ! ઘરડા દાદા અને રમીલાબેન નો ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો.
15 દિવસથી દિવસ રાત ફરજ પર રહેતા જશુભા ! કેટલાય દિવસોથી ઘરમાં પગ મૂક્યો ન હતો. તેમણે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. પણ તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો.
ત્રણેય જણા દવાખાનામાં અને જશુભા ફરજ પર હાજર.
સવાર પડી. સાંજ થઈ. રાત પડી. પણ. ..એક સવાર એવી આવી કે જશુભા પોક મૂકીને રડી પડ્યા.
પોતાના સ્વજનોના મોઢા જોયા વગર જ અગ્નિદાહ અપાઈ ગયો.
આ તે કુદરત તારી કેવી વિટંબણા ?
ના મૃત્યુનો મલાજો, ના અર્થી, ના જનાજો,
ઘડીકમાં સ્વજન, ઘડીકમાં મૃત્યુનો તમાશો,
ના કોઈ ખભો, કે ના કોઈ આંસુ ખાળનારો,
સળગતી ચિતાને નહીં કોઈ ઠારનારો !
જશુભા સળગતા હૃદયે ઘરે આવ્યા. સુમસામ ઘર... ઘરની દરેક વસ્તુમાં સ્વજનને ભાળનારા. .જશુભા નીતરતાં નયને ઓટલે આવી બેઠા,
."હાય કોરોના"
જશુભા એકલા થઈ ગયા. એકલતાથી પીડાવા લાગ્યા. કોરોનાના ડર ને લીધે કોઈ તેમને મળવા પણ આવતું નહીં. ઘરની ચાર દીવાલો તેમને વધુ ડરાવવા લાગી અને જશુભા નીકળી ગયા. ઘરની બહાર !
ખૂબ જ ચાલ્યા. ચાલતા ચાલતા ક્યારે હાઇવે પર પહોંચ્યા તેની ખબર જ નહીં પડી ! તેમણે એક ઊંડો શ્વાસ લીધો, સાથે સ્વજનોની યાદનો ફરી એક ઊંડો શ્વાસ ભર્યો. આજુબાજુ જોયું. નાની હોટલ હતી ત્યાં ચા પીવા બેઠા.
"હોઉ.. જશુભા બહુ દાડે કંઈ આ બાજુ ?" જાણીતો ચા વાળો જશુભાની વધેલી દાઢી અને નિરાશ વદન જોઈ બોલી ઉઠ્યો. "હઘળુ હેમખેમ છે ને?"
જવાબમાં માત્ર ડોકું હલાવી જશુભા ચા પીવા બેઠા. પણ ? પોલીસની તીક્ષ્ણ નજરમાં સામે પડેલી ગાડી દેખાઈ.
"ગઢવી આ ગાડી કોની?"
"જશુભા થોડીવાર પહેલા આ ગાડી અહીં મૂકીને ડ્રાઇવર કશે ગયો છે. ખબર નહીં."
જશુભાના મગજમાં શંકા સળવળી ઊઠી. તેમણે ગાડી ચારે બાજુથી બરાબર તપાસી અને પછી પોલીસ સ્ટેશને ગાડીનો ફોટો મોકલાવી દીધો. નંબર પરથી આરટીઓને પૂછપરછ શરુ કરાવી દીધી.
" આ ગાડીના માલિક કોણ ?"
તેમણે જાતે તપાસ શરૂ કરી દીધી. આજુબાજુ દૂર... સુધી ચાલતા ચાલતા તપાસવા લાગ્યા. "ક્યાંક કોઈ પગલાનું નિશાન !" તેમને કંઈક અમંગળ થયાના ભણકારા વાગ્યા.
તેમણે મોબાઈલ પર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે અહીં જલ્દી માણસ મોકલો.
જશુભા મોબાઇલ ટોર્ચ ચાલુ કરી આગળ વધતા હતા. થોડે દૂર નદીનો પુલ હતો.
હવે તે અટક્યા. અંધારામાં આગળ કઈ રીતે જવું ? મોબાઈલની બેટરી પણ હવે ?
ત્યાં જ જોરદાર ધૂબાકો સંભળાયો.
ચારેકોર અંધારું. આકાશમાં મેઘલી રાત હતી. તારા પણ વાદળમાં સંતાઈ ગયા હતાં. તેવા ઘોર અંધકારમાં.. નીરવ ક્ષણનો વિસ્ફોટ થતો ધબાકો સંભળાયો.
જશુભા અથડાતા. .કૂટાતા..દોડ્યા.
તેમણે પુલ પર આવીને જોયું. એક હેન્ડબેગ, ચંપલ અને સાથે પર્સ. પર્સમાં મોબાઈલ. તેમણે નીચે જોયું. પુલ બહુ ઊંચો ન હતો અને નદીમાં પણ પાણી બહુ હતું નહીં.
હિંમત કરી, હર હર મહાદેવ કરી, જશુભાઈ પુલ નીચે પડતું મુક્યું અને પેલી તણાતી વ્યક્તિ તરફ તરવા લાગ્યા. ઝડપથી તેને પકડી, કિનારે પહોંચ્યા. પેલી વ્યક્તિ બેભાન હતી. જીવતી હતી. તેના શ્વાસોશ્વાસ ચાલતા હતાં. અંધારામાં જ તે વ્યક્તિને ઊંધો કરી, જશુભાએ પાણી કઢાવ્યું અને 'મદદ' માટે બૂમો પાડવા લાગ્યા.
થોડીક વારમાં જ પોલીસની જીપ આવી પહોંચી.
જશુભા ફરી બૂમ પાડવા લાગ્યા અને મદદ મળી.
ધીરેધીરે સુરજદેવ પોતાના કિરણો ફેલાવી. .ગુલાબી રંગોળી નભમાં કરી, આશીર્વાદ વરસાવતા.. પોતાના રથમાં આગળ વધી રહ્યા હતાં.
નવી સવાર થઈ.
નદી કિનારે કેટલો સમય ગયો તે ખબર જ નહીં પડી. પણ સવાર થઈ ગઈ હતી.
તે વ્યક્તિ બચી ગઈ હતી. તે હવે સ્વસ્થ હતી. તેની સામે આત્મહત્યાનો ગુનો દાખલ કરી તેને પોલીસ સ્ટેશને લાવ્યા.
પણ તેની કથની સાંભળી બધા રડી પડ્યાં.
તે વ્યક્તિનું નામ હતું વિશ્વાસ દેસાઈ. શહેરના મોટા ઉદ્યોગપતિ. બહોળું કુટુંબ ! તેમનું કુટુંબ અમેરિકા રહેતું હતું. પણ ? આ બહોળા કુટુંબને અમેરિકામાં કોરોના ભરખી ગયો. તેમનું કોઈ ના રહ્યું. અંતે માનસિક હાલત કથળી અને આત્મહત્યા કરી.
"અરે ગાંડા આવું થાય ?" જશુભાઈ ધબ્બો મારતાં બોલી ઉઠ્યા. તે પોતાનું દુઃખ ભૂલી ગયા અને બોલી ઊઠ્યાં !
"સમસ્ત સંસાર આપણો છે. પ્રભુએ જીવન આપ્યું છે. તે અમૂલ્ય છે. તો નિરાશ થયા વગર બીજાને મદદ કરો. નિરાશા કે એકલતાથી પીડાતા માણસને સહવાસ આપો. જીવન જીવવા માટેનો ઉત્સાહ આપો. એકલતા આપોઆપ દૂર થઇ જશે !"
જસુભાનો ઉત્સાહ જોઈને, વિશ્વાસ દેસાઈને એક નવું જીવન મળ્યું. એક નવી સવાર થઈ. ઉત્સાહ ભરેલી..
"કોરોના સામે અંત સુધી લડવાની તાકાત..કોરોનાને હરાવવાની..તાકાત.. દરેકમાં આપોઆપ આવી ગઈ.
