ગુણ સૌદર્ય અને પ્રીતિનો અરસપરસ સેતુ
ગુણ સૌદર્ય અને પ્રીતિનો અરસપરસ સેતુ
ખલીલ જીબ્રાને ખૂબ જ સાચું જ કહ્યું છે, "તે સુંદર ન હતી, પણ સુંદર લાગી શકતી હતી, જો કોઈ તેને એમ કહે કે તું સુંદર છે." આ વાક્ય કોઈ પુસ્તકીય વચન નથી, પરંતુ માનવીય મનોવિજ્ઞાનનું એક એવું સત્ય છે જે કોઈના અંદર છુપાયેલા સૌંદર્યને બહાર લાવવાની ક્ષમતા રાખે છે.
ગઇકાલે સાંજે મારી બાળપણની સ્નેહી મિત્ર વૈશાલી સાથેની વાતચીત મારા મનમાં ઘેરા પ્રત્યાઘાતો છોડી ગઈ. વૈશાલી અને તેનો પતિ મીલન આજે કોઈ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં જાય, તો ત્યાં 'બેસ્ટ લુકિંગ કપલ'નો એવોર્ડ જીતીને આવે છે. તેમનું આજનું આ શાહી અને આકર્ષક વ્યક્તિત્વ જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે વીસ વર્ષ પહેલાં તેમનું અસ્તિત્વ કેવું હતું.
અમારી વચ્ચે ચાલી રહેલી વાતચીતના કેટલાક અંશો આજે પણ મારા કાનમાં ગુંજે છે:
"યાદ છે તને? કોલેજના એ ફર્સ્ટ યરના દિવસો, જ્યારે ક્લાસમાં માત્ર એક જ છોકરી એટલે કે હું હતી અને સામે ચાલીસ છોકરાઓ હતા! હું લેક્ચરર સર સામે જોતી અને એ ચાલીસયે નજરો મારા પર મંડાયેલી રહેતી." મેં સ્મરણોના પટારા ખોલતા કહ્યું.
વૈશાલી ખડખડાટ હસી પડી અને બોલી, "અને તેં ભાવ માત્ર તેને જ આપ્યો, જે આજે તારો જીવનસાથી એટલે કે મીલન છે!"
"ના રે ના! મેં ક્યાં કોઈ ભાવ આપ્યો હતો? ઊલટાનું, તેણે મને ભાવ આપ્યો હતો! સાચું કહું તો, એ દિવસોમાં હું જરાય સુંદર નહોતી, ઉલટાની ખૂબ જ જાડી હતી. કોલેજનું કોઈ છોકરું મને ગંભીરતાથી લેતું જ નહોતું. બધા મારી પીઠ પાછળ મજાક ઉડાવતા." વૈશાલીએ નિસાસો નાખતા જૂની વાતો યાદ કરી.
મેં અચંબિત થઈને કહ્યું, "તું શું વાત કરે છે વૈશાલી? છેલ્લા પંદર વર્ષથી હું તને ઓળખું છું, તું તો હંમેશાંથી અત્યંત સુંદર, સ્માર્ટ અને ગ્રેસફુલ દેખાય છે!"
તેણે આંખો મીંચીને સ્મિત આપ્યું અને કહ્યું, "એ તો મેં વર્ષો જતાં જાતે જ મારી જાતને ગ્રૂમ કરી છે, બદલી છે. અને ફ્રેન્કલી કહું તો, આ મારા મીલનજી પણ ત્યારે કંઈ ઓછા નહોતા! એ જમાનામાં એ પણ જરાય ગુડલુકિંગ નહોતા. એમની લંબાઈ, પેલા મોટા ચશ્મા અને સાધારણ ચહેરો જોઈને કોલેજની કોઈ છોકરી તેમને પૂછતી પણ નહોતી!"
મેં નવાઈ પામતા કહ્યું, "અરે! મીલનભાઈ તો આજે કેટલા હેન્ડસમ અને પ્રભાવશાળી લાગે છે!"
તેણે હસીને જવાબ આપ્યો, "એ હવે સમય સાથે બદલાઈ ગયા છે, એમનું પર્સનાલિટી ટ્રાન્સફોર્મેશન થયું છે. જો તને એ કાળનો એમનો ફોટો બતાવું ને, તો તું એમને ઓળખી પણ ન શકે! ટૂંકમાં વાત એ હતી કે અમારા બંનેમાંથી કોઈને કોઈ ઘાસ પણ નાખતું ન હતું, કોઈ ભાવ આપતું ન હતું. બસ, આ જ સમાન દુઃખ અને એકલતાએ અમને એકબીજાની નજીક લાવી દીધા."
આ વાત સાંભળીને મને સંસ્કૃતના મહાકવિ ભર્તુહરિનું એક શાશ્વત સુભાષિત યાદ આવી ગયું:
यस्य स्नेहो दया शौर्यं प्रज्ञा दाक्ष्यं च राजते।
तस्य बाणैर्हता लोकाः किं नु चित्रं धनैर्जगत्।।
અર્થ: જેની પાસે સ્નેહ, દયા, શૌર્ય, બુદ્ધિ અને કાર્યદક્ષતા શોભે છે, તેનાથી આખી દુનિયા વશ થઈ જાય છે; તો પછી માત્ર ધનથી દુનિયા જીતાય તેમાં શું આશ્ચર્ય?
સાચી વાત તો એ છે કે માનવીનું બાહ્ય રૂપ સમયના થાપ સાથે ઢળી જાય છે, પરંતુ આંતરિક સ્નેહ અને સ્વીકૃતિ ક્યારેય મૂરઝાતા નથી. મીલન અને વૈશાલીના સંબંધોની આ જ સુંદરતા રહી છે. જેમ કહેવત છે ને— "આપ ભલા તો જગ ભલા." જ્યારે કોઈ તમને નબળા સમયે પણ સ્વીકારી લે છે, ત્યારે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી જાય છે. આ જ ભાવને વ્યક્ત કરતી મારી ચાર પંક્તિઓ અત્રે પ્રસ્તુત છે:
નહોતી રૂપની રેખા, નહોતો રંગનો નિખાર,
એકલા જ જીવતા હતા બે હૈયા અપાર;
કોઈએ ન જોયાં ક્યારેય એ અજાણ્યા પંખીઓને,
પછી પ્રેમ મળ્યો ને ખીલી ઊઠ્યા એ બહાર!
આ કથા માત્ર બે વ્યક્તિની નથી, પણ એક સામાજિક મનોવિજ્ઞાનની છે. મહાત્મા ચાણક્યએ નીતિશાસ્ત્રમાં બહુ સરસ વાત કહી છે:
रूपयुवनासम्पन्ना विशालकुलसंभवाः।
विद्याहीना न शोभन्ते निर्गंधा इव किंशुकः।।
ભલે કોઈ વ્યક્તિ રૂપવાન હોય, યુવાન હોય, મોટા કુળમાં જન્મી હોય, પરંતુ જો તે વિનમ્રતા કે આંતરિક ગુણોથી વિહોણી હોય, તો તે સુગંધ વગરના કેસૂડાના ફૂલ જેવી છે, જે કોઈને આકર્ષિત નથી કરી શકતી.
વૈશાલી અને મીલને ભલે કોલેજ કાળમાં બાહ્ય રૂપ કે આકર્ષણ નહોતું મેળવ્યું, પણ તેમણે એકબીજાની અંદર રહેલા સાચા આંતરિક સૌંદર્યને ઓળખી લીધું. બનેની એક બીજા માટે ગુણ સૌદર્ય ની પ્રીતિ હતી. એક બીજા માટે એક જ ભાવ હતો ‘ તું થઇ સકે છે, બની સકે છે, બદલી સકે છે’ બસ આજ વાત તેમને સફળતા તરફ લઇ ગઈ.
आपदि किम करणीयम, पुंसाम को गुणो भवति विशेषः।
व्यसने हि समत्वं यत्, तत्सुहृदय लक्षणम्।।
મુશ્કેલીના સમયમાં શું કરવું અને મનુષ્યનો વિશેષ ગુણ કયો? તો આપત્તિ કે મુશ્કેલીમાં જે સમભાવ રાખીને સાથે રહે, તે જ સાચા હૃદયવાળા મિત્ર કે જીવનસાથીનું લક્ષણ છે.
આજે આ યુગલને જોઈને જગત ભલે તેમની સુંદરતા અને સફળતાના વખાણ કરે, પણ આ સુંદરતાનો પાયો તો એકબીજાને આપેલા નૈતિક સમર્થન અને આત્મવિશ્વાસ પર ચણાયેલો છે. જેમ ગુજરાતીમાં કહેવત છે— "જેનાગાંઠે વાણી, તેનાં ભાંગે તાણી," તેવી જ રીતે જે સંબંધોમાં સાચો સ્નેહ હોય, ત્યાં નબળાઈ પણ તાકાત બની જાય છે.
