PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

ગુલાબ મોહમદ કે ગુલાબચંદ

ગુલાબ મોહમદ કે ગુલાબચંદ

6 mins
110


રાતનો અંધકાર આખા શહેરને ભરડામાં લઈને બેઠો હતો. નાનો અમસ્તો અવાજ થાય તોય એનાથી ભયના વાતાવરણમાં ઉમેરો થઈ જાય એટલી હદે સન્નાટો છવાયેલો હતો. એટલામાં ચારેકોર સન્નાટાનું વાતાવરણ જાણે ખળભળી ઉઠ્યું. શહેરની સ્મશાનવત શાંતિને ચીરતી મિલિટરી વાનની સાયરનથી શહેર કંપી ઊઠ્યું.

શહેરમાં કહેરનું વાતાવરણ છવાયેલું હતું. શહેર ભડકે બળતું હતું. રાતના અંધકારમાં આ ભડકે બળતા મકાનોથી જે પ્રકાશ રેલાતો હતો એ તો ભયાવહતામાં વધુ ઉમેરો કરતો હતો. ક્યાં કોણે આ સળગાવ્યું એ સવાલ અહીં અર્થહીન હતો. શહેરના હિંસક વાતાવરણને કાબૂમાં લેવા શહેર મિલિટરીને સોંપાયું હતું. કદાચ મિલિટરીને શુટ એટ સાઈટ અર્થાત દેખો ત્યાંથી ઠાર કરો એવી સત્તા અપાઈ ગઈ હતી. પેલી મિલિટરીની વાન એક રસ્તેથી પસાર થઈને બીજા રસ્તે વળી.

ઠપ ઠપ ઠપ… કોઈ દોડ્યું. જીવ બચાવવા સ્તો.

ઠક ઠક ઠક… દૂર પહેરો ભરતા મિલિટરીના જવાનના બુટનો અવાજ એની પાછળ પડ્યો હોય એમ સંભળાયો.

ભયથી કાંપી ગયેલો એ માણસ જીવ બચાવવા જ્યાં જે જગ્યા મળી ત્યાં સંતાવા મથ્યો. ઠક ઠક ઠક… મિલિટરીના જવાનના પગલાં દૂર થતાં ગયા. એ માણસનો જીવ હેઠો બેઠો પણ એથી કરીને જીવ બચશે કે કેમ એ નક્કી કરી શકતો નહોતો. એણે હજુ સંતાયેલા રહેવાનું જ નક્કી કરીને ત્યાં પડેલા કચરાના મોટા ડબ્બાની આડશ લીધી. માંડ શ્વાસ હેઠો બેઠો ત્યાં અવાજ આવ્યો..

“કોણ છું તું ?” માંડ હેઠો બેઠેલો પેલાનો શ્વાસ થંભી ગયો.

વળી પાછો કચરાના એ ડબ્બામાંથી અવાજ આવ્યો અને એ અવાજની સાથે એક માણસનું ડોકું પણ બહાર આવ્યું. એ પણ પેલા માણસની જેમ જીવ બચાવવા અહીં આ કચરના ડબ્બામાં સંતાયો હતો.

બીજાએ એને ફરી પૂછ્યું, “કોણ છું તું, હિંદુ કે મુસલમાન ?”

“તું કોણ છું, હિંદુ કે મુસલમાન ?”એ જ સવાલ પહેલાએ બીજાને પૂછ્યો.

બંનેના ચહેરા અને અવાજ આતંકિત હતા.

“ખબર છે ને અહીં કરફ્યૂ છે, જુવો ત્યાં ઠાર મારોનો હુકમ છે. તું ક્યાં જતો હતો ? આગ લગાડવા કે બોંબ ફેંકવા ?” હજુ ક્ચરાના ડબ્બામાં સંતાયેલા બીજા માણસના અવાજમાં શંકા હતી.

સમય જ એવો હતો કે દરેકનો બીજા પરનો વિશ્વાસ ઊઠી ગયો હતો.

“તું કેમ અહીં સંતાઈને બેઠો છું. કોઈનું ખૂન કર્યું છે કે કરવા માટે સંતાયો છું ?” પહેલાએ પૂછ્યુ.

અને એટલામાં ફરી સાયરનનો અવાજ આવ્યો અને બંનેની વાત અટકી ગઈ. શ્વાસ પણ સંભળાય એવી શાંતિમાં અવાજ તો ઘણો મોટો કહેવાય. બંને ચૂપ થઈ ગયા. સાયરનનો અવાજ દૂર થતાં ફરી એ સવાલ પર આવીને બંને અટક્યા, એક બીજાને ઓળખવા જરૂરી હતા પણ સાચી ઓળખ આપવામાં બંનેને જોખમ લાગતું હતું.

બંને એકબીજાનું નામ પહેલા જાણવાની જીદે ચઢ્યા હતા. જરા વારે પેલા પહેલા આવેલા માણસે ખચકાતા પોતાનું નામ આપ્યુ, ''ગુલાબ”.

“અરે પણ ગુલાબ મોહમદ કે ગુલાબચંદ ?” 

બીજાને હજુ વધુ ખાતરી જોઈતી હતી.

સામે જવાબ ન મળ્યો.

“ઠીક છે એ બધું, અત્યારે તો આપણે બંને વખાના માર્યા અહીં સંતાયા છીએ એ જ એક સત્ય છે.” 

કચરાના ડબ્બામાંથી અવાજ આવ્યો, “હું અહીંયા સાત-આઠ કલાકથી સંતાયો છું જો આ કરફ્યૂ બીજા બે દિવસ લંબાયો તો શું થશે ? અહીં સામે કરફ્યૂમાં ભાગવા જતા એક માણસને ગોળી મારી અને કૂતરાની જેમ ઠસડીને લઈ ગયા એ મેં મારી નજરે જોયું છે.”

“એણે કંઈક તો કર્યુ હશે ને..કોણ હતો એ ?” ગુલાબે પૂછ્યુ.

“અહીં નજીક મિલ છે એનો મજૂર જ હશે.”

“અહીં તો મજૂર કે મારાઓમાં કોઈ ફરક રહ્યો નથી.” ગુલાબે કહ્યું વળી સાયરનનો અવાજ અને હિંદુ છે કે મુસલમાન એ જાણ્યા વગર બંને એક સાથે કચરાના ડબ્બામાં સંતાયા. ભયની એક એક પળે એ એકબીજાની વધુ નજીક આવી રહ્યા હતા. જ્યારે માણસ ભયમાં હોય કે ભાવમાં એના હોઠે સાચા શબ્દો સરી પડે અને એવી કાચી ક્ષણે બીજાથી અલ્લાની રહેમ માટે શબ્દો સરી પડ્યા..

હવે એની ઓળખ તો પાકી થઈ ગઈ.

“મુસલમાન છું તું” ગુલાબ એકદમ આતંકિત બની ગયો.

“ડરી ગયો ? બીજાએ ગુલાબને પૂછ્યું.

“હા..” એકાક્ષરી જવાબ આપીને ગુલાબ ચૂપ.

“અરે, એટલું તો વિચાર કે અત્યારે એકબીજાને મારીને આપણને શું મળવાનું છે ? લોકો આ ડરથી જ એકબીજાને મારે છે.”

સાયરનોના ઉપરાઉપરી અવાજની વચ્ચે હવે બંને જણ વચ્ચે વિશ્વાસની હવા બંધાવા માંડી.

બીજાએ પોતાની વ્યથાની વાત માંડી, એ શહેરમાં બાળ-બચ્ચાં માટે કપડાં અને રમકડાં લેવા ગયો હતો. શહેરમાં એ એના એક હિંદુ દોસ્તના ઘેર રોકાયો હતો. શહેરનું વાતાવરણ થોડું સલામત બન્યું છે એવા સમાચાર સાંભળીને ઘેર જવા નીકળ્યો અને અહીં ફસાઈ ગયો .”

“હું પણ મારા મુસલમાન દોસ્ત રહેમાનના ઘેર રોકાયો છુ એવી લોકોને ખબર પડી અને એનું ઘર સળગાવ્યું. હું પાછળના બારણેથી નીકળી શકુ એના માટે સળગતો દરવાજો રોકીને એ ઊભો રહ્યો. મને બચાવવા જતા એના હાથ બળી ગયા. એ એટલો તો અચ્છો કારીગર છે પણ હવે મશીન પર કામ કેવી રીતે કરશે ?” ગુલાબની પણ પોતાની કથા હતી.

“હું ઘાટી પર સામાન ઉતારવાનું કામ કરુ છું. પૈસા મળે ત્યારે ત્યાંથી જ થોડીઘણી ખરીદી કરીને પાછો વળી જઉ છુ.પણ કાલે ઈદ છે એટલે આ વખતે અહીં મોટા શહેર સુધી આવી ગયો. બનેવી સાથે સામાન ખરીદી રહ્યો હતો અને અચાનક ભાગદોડ શરૂ થઈ ગઈ. દંગલ શરૂ થઈ ગયું . એક બાજુ હર હર મહાદેવ અને બીજી બાજુ અલ્લા હો અકબરના નારા શરૂ થઈ ગયા. હું ય એક તરફ ભાગ્યો તો ખરો પણ પછી બનેવીને ન જોતા એને શોધવા ગયો તો એ એકબાજુ લોહીથી લથબથ પડ્યો હતો. કોઈએ એને છરો મારી દીધો હતો. કોઈએ એને પૂછ્યું હશે કરું કે એ હિંદુ છે કે મુસલમાન ? બનેવીને ખભે નાખીને ભાગવા ગયો ત્યાં કોઈએ મારો હાથ પકડીને એના ઘરમાં ખેંચી લીધો. એ પારો હતી. અમારા ગામની. એણે મને બચાવી લીધો.પણ હવે અહીથી ગમે તેમ કરીને મારે નીકળવું પડશે. ઘાટી પર મારી નાવ પડી છે. ઘેર બીવી બચ્ચા રાહ જોતા હશે. એમણેય આ સમાચાર સાંભળી લીધા હશે. મને શોધવા નીકળી પડે એનો મને ડર છે. મારે અહીંથી નીકળવું જ પડશે.”

“અરે પણ અહીંથી નીકળીને જઈશું ક્યાં ?” ગુલાબે એનો ડર છતો કર્યો.

“અને અહીં બેસી રહીશું તો ય બચીશું એની ખાતરી છે ખરી ? હવલદારે જોયા તો વગર કારણના માર્યા જઈશું.”

અને બંને હિંમત એકઠી કરીને કચરાના ડબ્બામાંથી બહાર નીકળ્યા. કોણ હિંદુ અને કોણ મુસલમાન. અત્યારે તો બંને એકમેકનો હાથ થામીને જીવ બચાવવા ભાગતા હતા. રસ્તામાં પગે અથડાતી લાશ જોઈને અરેરાટી થાય પણ અત્યારે લાશની ચિંતા છોડીને જીવતાની ચિંતા કરવાનો સમય હતો. ઠેબા ખાતા ખાતાય એ ભાગતા રહ્યા.

કેવા કારમા સંજોગો હતા ! કોની ચિંતા કરે ? થોડા સમય પહેલા જીવતાં જાગતાં માનવી લાશ બનીને આમથી તેમ આથડતાં હતાં. કોને બાળવા કે કોને દાટવા ?

હવે તો પહેલો જીવ પર આવી ગયો હતો. એને જ્યાં સંતાયા હતા એ આડશની સામે થોડે દૂર દેખાતી ગલી સુધી પહોંચવું હતુ,

“બસ એક વાર ત્યાં સુધી પહોંચી જઈએ પછી વાંધો નહી આવે. એ ગલીમાંથી આપણે સીધા મારે જે ઘાટ પર જવું છે ત્યાં પહોંચી જઈશું.”

“પણ હું ત્યાં બદામતલા ઘાટ પર આવીને શું કરીશ ?” ગુલાબનો પ્રશ્ન વ્યાજબી હતો.

“તારી મરજી, પણ હું તો નીકળીશ.” બીજાના અવાજમાં આ પાર કે પેલે પાર ઝંપલાવાનું વલણ હતું. જ્યાં સંતાયા હતા એ ગલીની બીજા છેડે પહેરો દેતી પોલીસની નજરથી બચીને જો એ એના ઘર સુધી જતી ગલી સુધી પહોંચી જશે તો એ સલામત રીતે ઘર તરફ જઈ શકશે એવી આંધળૂકિયાવૃત્તિ પર એ ઉતરી આવ્યો હતો.

“હું શું કરીશ અહીંયા, સવાર થઈ જશે પછી પણ આ લોકો મને જવા દેશે એની ક્યાં ખબર છે ?” ગુલાબનો ડર વ્યાજબી હતો.

“એટલે જ મારે સવાર થાય એ પહેલા મારા ઘેર પહોંચવું છે.”

બંનેની નજર ગલીના છેડે પહેરો દેતી પોલીસ પર પહેરો દેતી હતી. બે-પાંચ મિનિટ એમની ખુરશી ખાલી જોઈને બીજાએ હિંમત એકઠી કરી.

“ગુલાબચંદ,હું જઈશ હવે.”

“અવતાર, અવતાર મારું નામ છે.હું તારી પાસે ખોટું બોલ્યો હતો.” ગુલાબે કહ્યું.

“કરીમ. મારું નામ કરીમ છે.”

હવે બંનેને સાચી ઓળખ આપવામાં ખચકાટ ન થયો.

“સાચવીને જજે ભાઈ, તું મને હંમેશા યાદ રહીશ.” 

અવતારના અવાજમાં હમદર્દીની સાથે ભાઈચારાનો રણકો કરીમને સંભળાયો.

“મને પણ તું યાદ આવીશ અને હા, અલ્લાની મરજી હશે તો ફરી ક્યારેક મળીશું. ખુદા હાફિઝ.” 

અને કરીમે હળવેથી સરકવાની પેરવી કરવા માંડી. જતા જતા એ પાછુ વળીને અવતારને જોતો રહ્યો. અવતાર એ ગલીના છેડે સલામત રીતે પહોંચે એની ફિકરમાં એને જોતો રહ્યો. એના હ્રદયના વધી રહેલા ધબકારા એ પોતે સાંભળી શકતો હતો.

કરીમ ગલીના વળાંક પર દેખાતો બંધ થયો અને એણે નિરાંતનો શ્વાસ લીધો પણ એટલામાં ઠક ઠક ઠકા ઠક…કરીમ જે ગલીમાં વળ્યો હતો એ ગલી તરફ મિલિટરીના જવાનોના બુટના અવાજ સંભળાયા.શ્વાસ રોકીને અવતાર બેસી રહ્યો..

ધાંય.. ધાંય…. ગોળીઓનો અવાજ અને ફરી સન્નાટો…

શ્વાસ રોકીને બેઠેલો અવતાર હીબકે ચઢ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational