ગરીબીનું અપમાન
ગરીબીનું અપમાન
"એય, ભિખારાં, તને એકવાર ના પાડી તો તને સમજાતું નથી ?"
"આયો મોટો ચૉકલેટ ખાવાંવાળો ! તને ભાન પણ છે આ ચૉકલેટ કેટલી મોંઘી છે ? આવી મોંઘી ચૉકલેટ ખાવાનો શોખ હોય ને તો એનાં માટે તારો એવો ઉચ્ચ ક્લાસ જોઈએ. પોતાનાં ખિસ્સામાં એટલાં પૈસા જોઈએ. તમે તો, પેલી લારી માથે મળેને, પ્લાસ્ટિકની સડેલી બરણીમાં એ ચૉકલેટ ખાવાને લાયક છો"
કરોડપતિ ગણાતાં કાનજી શેઠનાં દીકરા પાસે, પોતાની નાની બહેન માટે એક ચૉકલેટ માંગવા બદલ આવડું હડધૂત થવું પડશે એની કલ્પના પણ રામલા એ નહોતી કરી.
આઠ વર્ષનો રામલો એની પાંચ વર્ષની નાની બહેન જીવલીને પોતાનાં જીવથી એ ઘણોજ પ્યાર કરતો હતો. રામલાનાં મા બાપ પોતે બે અને બે પોતાનાં બે છોરાંનું (બાળકોનું) ડામરનાં રોડ બનાવવાની કાળી મજૂરી કરીને કુટુંબ પોષણ કરતાં હતાં. એવી કારમી ગરીબીમાં ક્યાંરેક તો બે ટંકનું ખાવાનું પણ ઘરમાં ન રહેતું. ત્યારે પોતે બંને પતિ પત્ની ભૂખ્યાં પેટે જ રહી જતાં પરંતુ રામલાનું અને જીવલીનું પેટ ભરવાં ન છૂટકે ભીખ પણ માંગતાં.
આજે રોડનું કામ નિરીક્ષણ કરવાં માટે રોડ કોન્ટ્રાક્ટર કાનજીભાઈનો દીકરો સુમિત એનાં બે વર્ષનાં દીકરાને સાથે લઈને આવ્યો હતો. એને ડેરી મિલ્કની સિલ્ક ચૉકલેટ ખાતો જોઈને જીવલીને પણ એવી ચૉકલેટ ખાવાનું ખૂબ મન થઈ ગયું. પાંચ વર્ષની જીવલીને રામલાએ એ ચૉકલેટ નહીં લઈ શકે એમ ઘણું જ સમજાવી. છેવટે અણસમજુ જીવલીની બાળહઠ પૂરી કરવા માટે રામલાએ સુમિત કોન્ટ્રાક્ટર પાસે એવી એક સિલ્ક ચૉકલેટ આપવાની આજીજી કરી. એની બદલીમાં મળેલાં એવાં કડવાં વેણે રામલાનું હૈયું વિંધિ નાખ્યું. એ વાતની એનાં માબાપને જાણ થઈ ત્યારે એમને તો પહેલાં કારમી ગરીબીને કારણે પોતાની લાચારી ઉપર અકળામણ થઈ અને ગુસ્સો પણ આવ્યો, પરંતુ પછી રામલાનાં માબાપે ગમે તેમ કરીને પણ રામલાને ખૂબ ભણાવવાનો નિર્ણય લીધો.એમાં રામલાએ પણ દિવસ-રાત એક કરીને કઠોર મહેનત કરી ભણીગણીને મોટો ઑફિસર બની ગયો.
થોડાંક વર્ષો પછી.....
આજે ઑફિસર રામચંદ્રનનું એનાં ગામમાં સમ્માન થવાનું હતું. જીવલી સહિત એનાં માબાપનાં હૈયે હરખ સમાતો નહોતો. એ સમારોહમાં મહેમાન તરીકે ગામનાં અગ્રણીઓ સહિત સુમિત કોન્ટ્રાક્ટર પણ ઉપસ્થિત હતાં. સમ્માન વેળાએ ગામવાળાં સહુંએ એને (રામલાને) એક રોડમજૂરનાં ઘરે જન્મેલો દીકરો અહિયાં સુધી કેવી રીતે પહોંચ્યો એ સંદર્ભમાં બે શબ્દો બોલવા માટે આગ્રહ કર્યો.
ત્યારે, એ રામલાએ પોતાને ઑફિસર બનવા માટે સૌ પ્રથમ સુમિત કોન્ટ્રાક્ટરનો આભાર માન્યો. તે દિવસે એમને એક સિલ્ક ચૉકલેટ આપવાં માટે કડવાં વેણ ન કહ્યાં હોત તો પોતે કદાચ આજે ઑફિસર રામચંદ્રન ન બની શક્યો હોત !
આ ઑફિસર એજ રામલો છે જેનું પોતે એક ચૉકલેટ માટે એવડું અપમાન કર્યું હતું ? એ જાણીને સુમિત કોન્ટ્રાક્ટરની આંખો ફાટી ગઈ.
સમારોહના અંતે રામલો સુમિત કોન્ટ્રાક્ટરને એકાંતમાં મળ્યો અને એને સિલ્ક ચૉકલેટનું ૧૦૦ ચૉકલેટ વાળું કાર્ટુન બોક્ષ આપતાં કહ્યું: "હજી પણ તમને જેટલી જોઈએ તેટલી સિલ્ક ચૉકલેટ અને હજુ એનાથી પણ વધારે મોંઘી ચૉકલેટ જોઈએ તો મને બિંદાસ કહેજો. હું તમને કડવાં વેણ સંભળાવ્યાં વિના ખુશીથી આપીશ."
પોતાની ભૂલ સમજાતાં સુમિત શરમથી નિઃશબ્દ થઈ જઈ રામલા પાસે માફી માંગી. એને સમજાઈ ગયું, ક્યાંરેય કોઈની લાચારી કે ગરીબીનું અપમાન ન કરવું જોઈએ.
