મઝધાર
મઝધાર
ભાવનગરમાં રહેતો ખૂબ જ સુખી સંપન્ન, પૈસેટકે અધધ જાહોજલાલીની સાથે અતિ સુંદર સંસ્કારોનો સમન્વય ધરાવતાં પરિવારમાં જન્મેલી, સ્વભાવે ખૂબ જ નિખાલસ અને ચંચળ દીકરી નિલમ, એનાં માતા પિતા સાધના બેન અને રાઘવ ભાઈ સહિત બંને ભાઈઓ ભાભીઓ, ત્રણેય ભત્રીજા, ભત્રીજીઓ સહુંની લાડકી હતી. નિલમ પણ એનાં પૂરાં પરિવારને એટલો જ સ્નેહ કરતી હતી. ઘરમાં ક્યારેક કોઈ સભ્ય ઓછું હોય તો પણ એને મજા ન આવે. ક્યારેક કોઈ પારાવારિક પ્રસંગે પૂરાં પરિવારને બહારગામ જવાનું થતું ત્યારે, એન્જિનિયરિંગનાં છેલ્લાં વર્ષનો અભ્યાસ કરી રહેલી નિલમને એકલીને જ ઘરે રહેવું પડતું એ દિવસ એનો પરાણે પસાર થતો.
આ વખતે પણ ભાવનગરથી સોએક કિલોમીટર દૂર આવેલાં રણજીતપૂરામાં નિલમની ફોઈબાને ત્યાં એમની દીકરીની સગાઈનાં પ્રસંગમાં નિલમ સિવાય બધાંજ ગયાં હતાં. ભાવનગરમાં જ રહેતાં એનાં દૂરનાં માસીનાં ઘરે એ રહી હતી. ત્રણ દિવસથી ગયેલો પરિવાર આજે સાંજે પરત આવવાનો હતો એની નિલમ ખૂબ જ બેબાકળી થઈને રાહ જોઈ રહી હતી.
પરંતુ, આ શું ?
પ્રસંગ પતાવીને, ઈનોવા કારમાં પરત આવી રહેલાં એ પરિવારને અતિ ગોઝારો અકસ્માત નડતાં, દરેકેદરેક પરિવારજનોનાં ઘટનાં સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયાં !
આવાં રુંવાડા ઊભાં થઈ જાય એવાં અતિ દર્દનાક સમાચાર સાંભળીને નિલમ સાવ દિગ્મૂઢ બની ભાંગી પડી ! એને એટલો બધો અસહ્ય આઘાત લાગ્યો હતો કે એને જરાયે રડવું પણ નહોતું આવતું ! એનાં ગામમાં રહેતા માસી સહિત બીજા સગાં સંબંધીઓ અને આડોશી પાડોશીઓને પણ નિલમ માથે અણધાર્યા ટૂટી પડેલા દુઃખનાં આભને જોઈને ઘણી જ સહાનુભૂતિ થતી હતી. પરંતુ કુદરતની સામે એ પણ બધાંજ લાચાર હતાં.
એમને એમ બે મહિના વીતી ગયા. નિલમ હવે એ માસીની સાથે જ રહેતી હતી. માસી માસા પણ એને સગી દીકરીની જેમ જ એની સંભાળ રાખતાં હતાં. હંમેશાં હસતી ને હસાવતી નિલમ છેલ્લે ક્યારે હસી હતી એ પણ કોઈને ખબર નહોતી ! ક્યારેક એકીટશે આકાશમાં કેટલીવાર સુધી નિહાળ્યા કરતી, તો વળી ક્યારેક મોબાઈલમાં બધાનાં ફોટા ને જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડતી રહેતી. પોતે પણ તે દિવસે એ બધાંની સાથે રણજીત પૂર ગઈ હોત તો આજે એકલીને આવો આત્મજનોનો વિરહ સહવો ન પડ્યો હોત ! વળી વળી ને એ વાત બધાને કહેતી હતી.
હજી થોડાંક મહિનાઓ પછી....
નિલમે ઊંઘની ગોળીઓ ખાઈને આત્મ હત્યા કરવાની કોશિશ કરી !
એ તો સારું હતું કે રોજ વહેલી સવારે જ ઊઠી જતી નિલમ તે દિવસે હજી પણ સૂતી છે તે તબિયત સારી નથી કે કેમ ? એમ સમજી ને માસી એની પાસે ગયાં ત્યારે ખબર પડી કે.....
તેથી નિલમની તાત્કાલિક સારવાર થઈ ગઈ ને એને હેમખેમ બચાવી લીધી.
નિલમ ખૂબ જોર જોરથી રડીને, "પોતાને શું કામ બચાવી ?" માસીને પૂછવા લાગી. આવું ગંભીર પગલું ભર્યાની સાથે આવી હાલત જોઈને હવે તો માસી પણ સાવ ભાંગી પડ્યાં હતાં. ત્યારે, નિલમની સારવાર કરી રહેલાં ડૉક્ટર સંજના બેને નિલમની માસીને થોડાંક દિવસો માટે નિલમને કોઈ નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાની વાત કરી. પહેલાં તો ડૉક્ટર સંજનાની વાત સાંભળીને નિલમનાં માસી ખૂબ એમની ઉપર ગુસ્સે થઈ ગયાં. એની (નિલમની) આવી દયનીય સ્થિતિમાં પોતાનાથી દૂર મોકલવાનું એ કેવી રીતે વિચારી શકે છે ?
સંજના ડૉક્ટરે નિલમનાં માસીને સમજાવતાં કહ્યું, "આવી રીતે અસહ્ય આઘાત પામેલી વ્યક્તિને એનાં જેવાં જ કે એનાંથી પણ વધારે દુઃખી વ્યક્તિની સાથે રાખવાથી, એને પોતાનું દુઃખ ઓછું છે એવો અહેસાસ થાય. ત્યારે આવી પીડિત વ્યક્તિ ધીરે ધીરે પોતાના દુઃખ, આઘાતમાંથી બહાર આવે છે. એટલે જ એકવાર નિલમની માનસિક સ્થિતિ સામાન્ય થઈ જાય પછી ફરીથી તમારી સાથે જ રાખજો.
મારી નજરમાં આવાં ઘણાં બધાં પીડિતો છે જેને આવી રીતે નવું જીવન મળ્યું છે.
સંજના ડૉક્ટરની વાત નિલમનાં માસીને ગળે ઉતરી. એટલે એમની વાતમાં સહમત થયા.
અઠવાડિયા પછી...
ભાવનગરમાં જ છેલ્લાં દસેક વર્ષથી શરૂ થયેલું સુકાની નારી સંરક્ષણ ગૃહમાં લાગતી વળગતી કાર્યવાહી કરીને નિયમનનો પ્રવેશ કરાવ્યો.
જોતજોતામાં 'સુકાની' માં આવ્યે નિલમને છ મહિના વીતી ગયા. હવે નિલમ 'સુકાની'નાં ટ્રસ્ટી સીમા બેન સહિત ત્યાંની અન્ય બહેનો સાથે ક્યારેક ખુલ્લાં મનથી વાતો કરતી હતી.
એકવાર નિલમે સીમા બેનને પૂછ્યું, "આ નારી સંરક્ષણ ગૃહનું નામ 'સુકાની' કેમ રાખ્યું છે ?"
એનો ખૂબ સુંદર જવાબ આપતાં સીમા બેને કહ્યું, "કેટલીયે એવી બહેનો, દીકરીઓ માથે કુદરતી દુઃખ પડે છે ને એ આવડી મોટી દુનિયામાં સાવ એકલી જ થઈ જાય છે. ઘણી માતાઓ, દીકરીઓનું દુનિયામાં નિકટનું સ્વજન તો નહીં, પરંતુ દૂરનાં પણ કોઈ સગાં સંબંધીઓ નથી હોતાં ! એવી સ્થિતિમાં એનું જીવન જાણે, અંધાધૂંધ વાવાઝોડાંમાં મઝધારમાં (મધદરિયે) ડૂબતી નાવ જેવું અતિ કપરું થઈ જાય છે. ત્યારે એ મધદરિયે ડૂબતી નાવ ને જેમ કોઈ સુકાની બનીને તારે છે.
એવી જ રીતે, જીવન પથનાં મઝધારમાં ઉભેલી આવી અનેક દુઃખિયારી બહેનો, દીકરીઓ માટે આ સંસ્થા જાણે 'સુકાની' બનીને એમને સંભાળી નવો જીવનરૂપી કિનારો (હૂંફ) આપે છે."
"ઓહ.... એટલે એ વાતને અનુરૂપ આ નારી સંરક્ષણ ગૃહનું નામ તમે 'સુકાની' રાખ્યું છે !
વાહ ! સીમા બેન કેટલી સરસ પ્રેરણાદાયી તમારી વિચારધારા છે ! " નિલમે ખૂબ જ હરખાતાં કહ્યું,
અહિયાં આવ્યાં પછી પહેલી વખત આવી રીતે ખુશ થયેલી નિલમને જોઈને સીમાબેનની આંખ પણ ભરાઈ આવી !
હવે, નિલમની માનસિક સ્થિતિ સામાન્ય થતી જણાતાં સીમા બેનનાં હૈયે ટાઢક વળી.
પછી સીમા બહેને ભીનાં થયેલાં પોતાની આંખોનાં ખૂણાને લૂછી લઈ, નિલમને પોતાની પાસે બેસાડીને કહ્યું, "જો બેટા, તું અહીંયાં આ બધી બહેનોને જોઈ રહી છે ને એ દરેક, કોઈક તારી જેમ કુદરતી પડેલાં દુઃખનાં કારણે જીવનપથની મઝધારમાં સાવ અટૂલી થઈ ગયેલી છે તો કોઈ સમાજ કે ઘર પરિવારથી તરછોડાયેલી બહેનો છે. તારી સાથે તારાં 'માસી માસા' જેવાં સગાં અને સંજના ડૉક્ટર જેવાં હિતેચ્છુ તો છે ! આ લોકો જોડે તો કોઈ જ નથી. તથા તારી સામે તો હજી આવડી ઉંમર પડી (બાકી) છે ! ભગવાનને જે ગમ્યું એ સાચું ! એ વાતને સમજી ને હૈયાને હળવું કરીને શેષ જીવનમાં ડગ ભરજે."
સીમા બહેનની દરેક વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહેલી ને માથું હલાવી ને 'હા' ની સહમતીમાં જવાબ વાળ્યો.
"નિલમ, હવે તું જીવનથી હારીને ક્યારેય કોઈ ખોટું પગલું નહીં ભરે, એનું મને વચન આપ" નિલમનો હાથ પોતાનાં હાથમાં લઈ ધીરે રહીને સીમા બહેને કહ્યું.
'હા',... કહેતાં નિલમનું હૈયું ભરાઈ આવ્યું ! વળી, ત્યારે જ પોતાની જાત ને સંભાળી, સ્વસ્થ થઈ ગઈ.
સીમા બહેને નિલમને નાની બહેનની જેમ ગળે લગાવી દીધી.
નિલમને મળવાં આવેલાં એનાં માસી માસાને પણ નિલમ અને સીમા બહેન વચ્ચેની વાતચીત સાંભળીને હૈયે શાતા વળી.
હવે સીમાબહેને, સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયેલી નિલમને માસી માસા સાથે એમનાં ઘરે જવાની મંજૂરી આપી.
પરંતુ,નિલમે, અહીંયા સુકાની નારી સંરક્ષણ ગૃહમાં જ રહીને, જીવનની મઝધારમાં અટવાયેલી દુઃખીયારીઓને મદદરૂપ થવાની પોતાની મનસા દર્શાવી.
નિલમની એ વાતને એનાં માસી માસા સહિત સીમા બહેને સહર્ષ વધાવી લીધી.
અંતે, નિલમનાં માસી માબાપે, નિલમની જીંદગી સુધારવા વાળા સંજના ડૉક્ટર પાસે જઈને રહ્દય પૂર્વક આભાર માન્યો.
