Tejas Shah

Classics Romance Inspirational

0.5  

Tejas Shah

Classics Romance Inspirational

ગોરંભ

ગોરંભ

10 mins
14.7K


ઊરલ: તું યાર કેટલો અંતર્મુખ હતો એ હિસાબે!

બાશ્કીર: હા, સમય જ એવો હતો. નબળી આર્થિક સ્થિતિ એ કદાચ સૌથી મોટી મજબૂરી હોય છે, કોઈ પણ માનવીના વ્યક્તિત્વને ઉજાગર કરવામાં.

ઊરલ: એનીવેઝ હવે સારું છે ને ! આજ સારી તો એને જ એન્જોય કરવાની, ભૂતકાળ રડવા માટે જ હોય છે અને રોતલ શાયરોને ઈજ્જત બક્ષવા માટે.

વાત અને ચાલવાનું બંને ચાલુ જ હતું બંનેનું, આ એક નવી જ આદત બની હતી બંનેની, ચાલવા કરતા પણ ચાલતા ચાલતા વાતો કરવી એ મોટી જરૂરીયાત બની ગઈ હતી, અત્યાર સુધી ચાલતું જ હતું અને હવે, નહોતું ચાલતું એવું નહોતું પણ શાયદ આ સમય કેવળ બન્નેનો હતો કેવળ બન્નેનો.

ઊરલ: હાય! શું કરે છે? યાર તું તો કેમિસ્ટ્રીનો માણસ છે કે સાહિત્ય નો?

બાશ્કીર: અરે યાર આપણે માણસ તો કેમિસ્ટ્રીના જ, આ તો જસ્ટ ટાઈમ પાસ.

બાશ્કીર: અરે પણ તું તો કોઈ રીઢા શાયર કે લેખકની જેમ બધું લખે છે, મને મારા પપ્પા યાદ આવી ગયા.

ઊરલ: યુ નો! એ ડોક્ટર હતા પણ બહુ જ સરસ લખતા, એમની એક બૂક પણ હતી.

આઈ વિલ શેર ઈટ.

બાશ્કીર: ઓકે, સ્યોર, મને તો ગમે વાંચવાનું. એ એક જ વ્યસન છે મેં પાળેલું, અને કદાચ હવે આ બીજું.

ઊરલ: બીજું કયું? ડ્રીન્કસ પણ લે છે તું?

બાશ્કીર: નાં ભાઈ નાં, તારી આંખો ની જે ને આદત પડે એને બીજો કયો નશો અસર કરે?

ઊરલ: તું બંધ કરશે કે ! વી આર જસ્ટ ફ્રેન્ડસ.

બાશ્કીર: ઓકે ઓકે

ઊરલ: ચલ ચા પીવા,

બાશ્કીર: ઓકે કમિંગ.... એન્ડ પ્લીઝ શાયર માટે રીઢા શબ્દ ના વાપર.

ઊરલ: હા ભાઈ ઓકે!

એ પણ આવું જ બોલતો: પૈસો મારી નાખે છે શોખ અને અરમાન બધા, જેની પાસે પૂરતું ધન નથી એને અધિકાર નથી હોતો આ દુનિયા માં સ્વપ્નો જોવાનો. સ્વપ્નો જોવા માટે આંખ જોઈએ અને જેની આંખ સખ્ત મજદૂરી ને કારણે પસીના થી ધૂંધળી થઇ ગઈ હોય એને ખુલી આંખે દુનિયા નહિ દેખાતી હોય તો સ્વપ્નો ક્યાંથી? અને ઊંઘ નાં સ્વપ્નો કેવળ પરીકથા માં સાચા પડે છે અન્યથા પરેશાન.

કેવો પરોપકારી હતો! અને છતાં એનો અહેસાસ નહોતો કરાવતો. કહેતો: જે લે છે એની મનોસ્થિતિ એટલી દરિદ્ર હોય છે કે પછી એને સમભાવ નો શબ્દ પણ ખુંચે, માટે ક્યારેય કોઈ ને આપતી વખતે કઈ બોલવું નહિ. જો કે એ બોલવાનો જ ચોર હતો. અને જે માણસ બોલે નહિ એ હસતો તો શું હશે!

એની કદાચ આ અંતરમુખતા જ આકર્ષતી હતી કે પછી કઈ પણ બોલ્યા વગર સાથ આપવાની એની આદત. જે હોય એના માટે નું ખેંચાણ હંમેશા રહેતું જાણે વાસંતી રસ્તાઓ ને પલાશ પુષ્પો નું.

ઊરલ : હેલ્લો ,

બાશ્કીર : હા, બોલ.

ઊરલ : મને થયું કે તને ખોટું લાગ્યું કે શું? આમ અચાનક ઓફલાઈન થઇ ગયો!

બાશ્કીર : ના યાર નેટ ડીસી થઇ ગયું, સો, હું તને કોલ કરવા જતો તો ને તારો કોલ આવી ગયો એઝ એક્ષ્પેકટેડ. મને ખાતરી જ હતી કે તું આટલી વાર માં તો વિચારો થી તરબતર થઇ ને શું નું શું વિચારી ચુકી હોઈશ.! નો બાબા નો, ક્યારેય ખોટું નહિ જ લાગે. હા મારે મારી આદતો સુધારવી પડશે.

ઊરલ :  હા યાર પ્લીઝ ટ્રાઈ ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે બંને ના પોતપોતાનો સંસાર અને જવાબદારીઓ છે અને બચ્ચાઓ પણ હવે મોટાં થઇ ગયા છે.મારે પતિ છે , પ્રેમ મેં કર્યો હતો એક જ વ્યક્તિ ને પહેલો અને છેલ્લો, અને તું...

બાશ્કીર : ઓકે હું તારી નોળવેલ છું જ્યારે પણ થાકે કંટાળે હારે, જસ્ટ કમ ટુ મી એન્ડ...

ઊરલ : એવું નથી યાર. આઈ મીન યુ એન યોર ફ્રેન્ડશીપ, તું મુલ્યવાન છે.

બાશ્કીર : બસ બસ હવે નો મસ્કા. આમે ય એ કામ અમારા પુરુષો નું છે.તમારું તો....

ઊરલ : નખરા કરવાનું રાઈટ? ઓકે તું કહે એમ બસ! ખુશ?

બાશ્કીર : ઓકે યાર, આઈ પ્રોમિસ , હવે પછી નહિ થાય આવી હરકત, એની વે આજે તો મારે લેઇટ થાય છે , સો કેચ યુ લેટર. મે બી ઘરે જઈ ને.

ઊરલ : યાર સોરી

બાશ્કીર : વળી પાછું આ સોરી? અરે યાર તને કહ્યું તો ખરૂ: બી રીલેકસ્ડ, વિથ મી.

યાર! દોસ્તી શું કામની ? જો મુક્ત મને મોકળા નહિ થઇ શકાતું હોય ! તારી જાત ને રેલાઈ જવા દે. હા યાર, બધા એટલા નસીબદાર નથી હોતા, અને ઘણા બધા એવા હોય છે જે જીંદગી ના જામ પચાવી જતા હોય અને ઘણા ગૂંગળાઈ જતા હોય. તારા પીક્સ જોઈ ને નહોતું લાગ્યું કે તું પણ આવી કોઈ ગુંગળામણ માંથી પસાર થતી હોઈશ, મને લાગ્યું : તું પરીકથા ની જીંદગી જીવી રહી છે: રાજકુમારી લગ્ન કરી ને સાસરે ગઈ ને સાસરે રાજમાતા ના રાજ તાપે છે,ખાધું પીધું અને રાજ કીધું. બટ એવરી લાઈફ હેઝ અ સ્ટોરી, એન્ડ યુ ટૂ હેવ ઈટ. વાંધો નઈ દોસ્ત નું હોવું જ એ માટે છે કે એ ઉભરો, એ ગુંગળામણ નીકળી જાય. બાકી પોતાની લડાઈ દરેકે પોતે જ લડવી પડે.ચલ, ગુડ નાઈટ, બી વિથ હબ્બી એન હેવ ડ્રીમ ઓફ યોર ઓન્લી લવ .

ઊરલ : ચલ શટ અપ એન્ડ ગુડ નાઈટ.

એ એટલું સરળ નહોતું, સ્કૂલ લાઈફ કે ઇવન કોલેજ લાઈફ. સ્કૂલ લાઈફ માં એટલું સારું કે સમજાવવા માટે શિક્ષકો હોય છે અને તેઓ માથું મારી ને પણ શીખવે. જ્યારે કોલેજ માં બદ્ધું તમારે જાતે જ કરવું પડે. પ્રોફેસર્સ બહુ બહુ તો રેફરન્સ બુક્સ નાં નામ આપે. અને આપણે કર્યું એ સાચું કે ખોટું એ તો જ્યારે એસાઈન્મેન્ટ સબમિટ કરવા જઈએ ત્યારે જ ખબર પડે.

અને ગુજરાતી માધ્યમમાંથી આવેલી એ છોકરી ને ત્યારે જમીન જગ્યા આપે તો અત્યારે સમાઈ જઈએ એવો સિતાભાવ જાગી ઉઠ્યો હતો, જ્યારે બોટનીના પ્રોફેસરે એની અંગ્રેજીની મજાક ઉડાવી હતી. જર્નલમાં રેડ માર્કીન્ગ્સ એના પ્રયોગમાં ભૂલ માટે નહિ પરંતુ અંગ્રેજીની ભૂલો માટે હતી. જાણે ઈંગ્લીશની એસે બૂકમાં ગ્રામરની ભૂલો.

બાશ્કીર : અને એનો બધો ગુસ્સો હવે આટલા વારસો પછી અહીં મારી પર?

ઊરલ : હોય યાર તારી પર ? તારી પર તો...

બાશ્કીર : પ્રેમ છે, એમને!

ઊરલ : વિલ યુ પ્લીઝ શટ અપ?

બાશ્કીર : જી, કરિષ્યે વચનમ તવ.

ઊરલ : નાટકિયો એક નંબરનો.

એ રાતે ના તો કઈ ખાઈ શકી, ના ઊંઘી શકી, એક તો આ અવમાનના અને ઉપરથી હવે પેટ પણ ખોરાક માગી રહ્યું હતું. અને બીજે દિવસે એનો ચેહરો ચાડી ખાવા લાગ્યો. સફેદ ઓર્કિડ ફૂલને જાણે વૈશાખી તડકો લાગી ગયો હતો. ગઈકાલની ઘટના બાદ હવે આજે ક્લાસમાં દરેકના આકર્ષણનો વિષય બની બેઠી હતી. દયા, ઉપહાસ, જેવી જેની સમજ એવી એની નજર. પણ હવે સામનો કર્યે છૂટકો. કુરુક્ષેત્ર જાતે પસંદ કર્યું તો હવે લડયે જ છૂટકો. હા, રડવા માટે એકલતાનો સહારો હતો પણ લડવા માટે તો કોઈ કૃષ્ણ એનો સારથી બનીને આવે એવી પ્રાર્થના જરૂર ઇષ્ટદેવને થઇ જતી મનોમન.

ભોળાનો ભગવાન, અને આ તો ભોળી પારેવડી હતી, ભગવાન જેવું કંઈ હશે અને એ ભગવાનનેય દયાભાવ હશે, હશે જ.

"હેલો, ઇફ યુ ડોન માઈન્ડ, મે આઈ હેલ્પ યુ?"

મનમાં કઈ કેટલાય વિચાર આવી ગયા. હવે નવી કઈ અવમાનના થશે? પણ, આ તો ગોરંભાયેલા આકાશમાં જાણે એક રૂપેરી કોર હતી.

"હેલો આયમ કાર્તિકેયન, યુ મે કોલ મી કાર્તિકેય ઓર એઝ યુ ગુજ્જુસ યુઝ ટુ કોલ ઇન શોર્ટ કાર્તિક. આઈ વિલ હેલ્પ યુ મેનેજ થિંગ્સ ઇન ઈન્ગ્લીશ."

ના પડવાના તો કોઈ હોશ જ નહોતા. કારણ સામાવાળાની નિયત શું હશે એ ચેહરા પરથી ક્યારે સમજાય છે?

 પણ જેવી એણે એની નોટસ આપી અને જાણે સાક્ષાત ત્રિભુવન લાધ્યા.

શરૂઆત તો થઇ હતી ઈંગ્લીશમાં સંઘેડાઊતાર લેખનની. મટીરિઅલથી લઇ જર્નલ્સ અને એસાઈન્મેન્ટ સુદ્ધા. શરૂઆત તો એમ જ ચલાવ્યે રાખ્યું, જ્યાં સુધી ઈંગ્લીશ મીડીઅમમાં ભણવાનું કોઠે નહિ પડે ત્યાં સુધી. અને ખરેખર હવે મહેનત રંગ લાવી રહી હતી. ખુદની મહેનત અને એની મદદ. મજાકનું પાત્ર બની ગયેલી છોકરી હવે બધાના આદર્શ અને કૈક અંશે છુપી ઈર્ષ્યાનું પાત્ર બનવા માંડી હતી. કાર્તિકની નોટ્સ જો એને મળતી રહેતી હતી.

દેશી મોગરાની કળી હવે ઓર્કિડના પુષ્પની જેમ ખીલવા માંડી હતી, અભ્યાસથી લઇ ઈતર, બધે જ એના સિક્કા પડવા માંડ્યા હતા. અને એ રામ તો એના એ જ હતા, વિરક્ત અને અનાસક્ત, એને થઇ આવતું ક્યારેક તો હસી મજાક કે અંગતતા આવે વર્તન માં..

અને સેકંડ યરમાં નવીસવી આવેલી એ છોકરી લાસ્ટ યર સુધી તો ટોપર્સમાં આવી ગઈ હતી. અને હવે તો એમની જોડી પણ કોલેજના 'હુઝ હું'માં સ્થાન પામી ચુક્યા હતા. અને એઝ યુઝવલ બંને એ સાથે જ માસ્ટર્સ માટે યુનીવર્સીટીમાં પણ પ્રવેશ લઇ લીધો. અને અહોભાવથી શરુ થયેલી આ દોસ્તી લોકોની વાતોનું કેન્દ્ર અને બંને વચ્ચે પુખ્તતા ધારણ કરી ચુકી હતી. હવે સ્ટડી સિવાયની ચર્ચા પણ થતી હતી. લગભગ પત્થર પર પાણી જેવી. લાઈબ્રેરીમાંથી નીકળતી વખતે ક્યારેક પૂછ્યું હતું કે : તને કયા શોખ?

અને પ્રત્યુત્તર આવતો: શોખ એ શ્રીમંતાઈની સિગ્નેચર છે. જેને ભવિષ્ય તો ઠીક સાંજના ભોજનની ચિંતા હોય એ શોખ પાળી ના શકે.

જો કે આ તો જુવાન હૈયાની ઊર્મિ છે અને ઊર્મિ હંમેશા સ્ત્રૈણ કે પછી સ્ત્રીલિંગ છે એટલે એ એકપક્ષી જ હોવાની, બરાબર છે સ્ત્રી પાત્રને જ સ્વપ્નો આવે, ઊર્મિશીલ સ્વપ્નો. અને ઉર્મીઓ તો અષાઢી મેઘાડંબર વચાળે પણ પલાશનું સ્વપ્નું જુવે, જ્યારે પુરુષ ને ? દુનિયાદારી ઉર્મિઓથી કે લાગણીઓથી નથી ચાલતી મારા ભાઈ. અને પુરુષે દુનિયાદારીના ખેતરમાં પરિશ્રમના હળ ચલાવવાના હોય છે. એ સતત ચિંતિત હોય છે કે જો સ્વપ્ના જોવા સુતો રહ્યો તો માથે સુરજ ચઢી જશે જે એની મહેનત કરવાની ક્ષમતા જ ઓછી નહિ કરે બલકે કામનો સમય પણ ઓછો કરી નાખશે.

બાશ્કીર: મતલબ મારી જેવો મહેનતુ હતો રાઈટ?

ઊરલ: હા તારી જેવો બસ! ખબર નહિ એ કોની જેવો હતો?

ખબર નહિ પણ કયા કારણસર બંને એટલા નિખાલસ નહોતા બની શક્યા કે એકબીજા ને અંગત રીતે જાણે. એમ તો એમની અંગતતા બંને પુરતી સીમિત હતી પણ એથી આગળ એકબીજા ના પરિવાર અથવા અંગતતા, અંતરંગતા માં ફેરવાય કે કેમ એ બાબતે બંને એ એકબીજા સાથે તો ઠીક મનોમન પણ નહોતું વિચાર્યું, બંને ને ખુદ ના પરિઘ અને સમજ હતી, મોભા,સંસ્કૃતી, પૂર્વ પશ્ચિમ તો નહિ પણ ટ્રેન ના ડબ્બા ના ક્લાસ જેવી, ઈચ્છા હોય તો પણ...

અને એ સમય પણ આવી ગયો. માસ્ટર્સ તો બંને એ ફર્સ્ટક્લાસ માં ક્લીઅર કર્યું અને હવે કોન્વોકેશન વખતે જ મળવાનું હતું , અને કોન્વોકેશન નાં આગલે દિવસે નક્કી કર્યા મુજબ કેમ્પસ નાં પછીતે દૂર નદીકિનારે ચાલતા ચાલતા નીકળ્યા,ખુબ બધી વાતો થઇ. અને સમજાયું કે એને અંગત મર્યાદાઓ ઘણી હતી, એક તો ગરીબી, જે એને હિસાબે કોઈ પણ પ્રણય નાં રંગ ને સંઘર્ષ નાં માર ક્યારેય ખીલવા દે એમ હતું જ નહિ. વાર્તામાં એવું જરૂર આવે કે પ્રેમ થી સંઘર્ષ ને પાર પાડી શકાય, પણ હકીકત માં તો સંઘર્ષ હમેશા પ્રેમ પર હાવી જ રહ્યો છે. અછત નામ ની બીમારી નો સૌથી પહેલો ભોગ પ્રેમ જ બનતો હોય છે.બસ મન માં એક જ ગીત ગુંજતું હતું : આજ જાને કી જીદ ના કરો...

એ દિવસે એવું લાગતું હતું કે સાંજ પડે જ નહિ તો સારું,જો કે આકાશ માં વાદળો હતા એટલે તડકો નહોતો અને એ રીતે સારું હતું કે નિરાંતે નદી કિનારે ચાલી શકાતું હતું. મૌસમ નો પહેલો વરસાદ આવશે એવું લાગતું હતું, બસ એક તમન્ના હતી બીજું કાઈ નહિ તો એક વાર ભેગા પલળવા મળે, બસ એ એક અહેસાસ અને માટી ની મહેક ને શ્વાસ માં ભરી લઉં પછી જિંદગી જીવાઈ જશે, ગમે ત્યાં, ગમે એમ, ગમે એની સાથે. સ્ત્રી હતી ને, જો મન નું ના મળે તો મન મારી ને પણ માવતર ની લાગણી ને માનવી પડે એ નિયતી ને જાણતી હતી. અને એમ જ એ સાંજ પણ શમણું બની ગઈ, કે પછી સંભારણું. જાણે ગુલાબ વરસો સુધી ડાયરી નાં પાન વચાળે સુકાઈ ને પણ યાદો ની એજ તાજગી આપતું રહે એવું સંભારણું. એ દિવસે તો સુરજ પણ રોયો હશે ખુબ, આથમતી વેળા એ એકદમ લાલઘુમ થઇ ગયો હતો. પણ એ દિવસે જેઠ નહિ જ વરસ્યો... અને ઘામ પીડતો રહ્યો સૂરજના લ્હાય લ્હાય આંસુની જેમ.

વરસાદ ત્યારે પણ નહોતો પડ્યો અને આજે પણ આકાશ ગોરંભાયું છે પવન પડી ગયો છે પણ....

નહિ આજે તો પડશે જ વરસાદ. છૂટકો જ નથી એને કે નહી વરસે. હવે ગોરંભાઈ ને અટકી ગયેલું કઈ જ નથી. જે કઈ હતું વરસી ગયું છે.

ને અચાનક પવન શરુ થયો અને અમિ છાંટણા પણ.

‘જોયું, કુદરત પણ મારું માને છે’ બાશ્કીર બોલ્યો.

ઊરલ: જસ્ટ શટઅપ.

બાશ્કીરને પહેલી વખત લાગ્યું હવે મજાક બેઅસર થઇ ગઈ છે.

એ ચાલતી રહી યંત્રવત પણ એના ચહેરા પર થી લાગતું હતું કે જાણે એ વીસ વરસ પાછળ ચાલી રહી છે. નદી નાં અબોટ કાંઠે માટી ની મહેક ને પામવા. શરુ થયેલા હળવા છાંટા ની જાણે એની પર કોઈ અસર જ નહોતી, જાણે અતૃપ્ત મનસા નું તર્પણ કરી રહી હતી,કે પછી એના મન નો ગોરંભ આજે વરસો પછી પ્રસવી રહ્યો હતો,અને એનું પરસેવા યુક્ત વદન હવે વધુ ચમકી રહ્યું હતું.

બાશ્કીર: ચલ જલ્દી, તું પલળી જઈશ,

પણ કોઈ પ્રતિભાવ આપ્યા વિના ચાલતી રહી, એમાં તાલ મિલાવવા ચાલ ધીમી કર્યે જ છૂટકો હતો.. અને એણે હાથ પકડી ને પાંચેય આંગળા ભીડી દીધા.

ધીમે ધીમે બંને ચાલતા રહ્યા, જ્યારે બધા વરસાદથી બચવા યા તો દોડી રહ્યા હતા કે પછી કોક આશરો શોધતા હતા ત્યારે આ બંને...

ચાલતા રહ્યા ધીમે પલળતા રહ્યા હળવે હળવે...


Rate this content
Log in

Similar gujarati story from Classics