ચોકલેટ
ચોકલેટ
સાંજે ઓફીસથી પરત થતી વેળા એણે ચોકલેટનો ડબ્બો ખરીદ્યો અને નજીકની ઝુંપડપટ્ટીમાં બાળકોને આપવાનું શરુ કર્યું. જોતજોતામાં એની આસપાસ બાળકોનું ઝુંડ ભેગું થઇ ગયું, દરેકને ચોકલેટ આપીને એ એમના ચહેરાની ખુશી જોઈને ખુશ થતો રહ્યો. એને થયું સાર્થક થઇ ગયો આજનો દિવસ.
એણે ઉંચે આકાશ તરફ જોયું અને બોલ્યો: મને ખાતરી છે ખૂબ ખુશ હોઈશ તું આજે, તારી જન્મતિથી આમ જ ઉજવવાની હોંશ રહેતી ને તને?
"હજી કોઈ બાકી છે ખાવામાં?"
"ના..." બધાં બાળકો બોલી ઉઠ્યા. અને એણે વધેલી ચોકલેટ ફરીથી વહેંચવા માંડી.
એટલામાં એક બાળકી બોલી ઉઠી: અંકલ તમે પેલા અંકલની જેમ રોજ નથી આવતા? એ તો રોજ મારી એકલી માટે જ ચોકલેટ લાવે છે.
રોજ? એને થયું, જરૂર કોઈ સજ્જન હશે!
એ અંકલ તો રોજ રાતે આવે ને મને એકલીને ચોક્લેટ ખવડાવે ને પછી ગલીપચી પણ બઉ કરે મને.
એનો હાથ અદ્ધર જ રહી ગયો ચોકલેટના ડબ્બામાં, આ સાંભળીને.
