STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

ઘનશ્યામદાસ બિરલા

ઘનશ્યામદાસ બિરલા

2 mins
151

સમાજના શ્રેષ્ઠી દ્વારા સમાજને મદદરૂપ થવાની ઘનશ્યામદાસ બિરલા સાહેબની વાત. . . ભાવનગરની સુપ્રસિદ્ધ કેળવણીની સંસ્થા દક્ષિણામૂર્તિ પર આફત આવેલી. વાત એમ હતી કે દક્ષિણામૂર્તિ લોકોના આપેલા ફંડ પર નિર્ભર હતી. ૧૯૩૦ના નમક સત્યાગ્રહમાં સંસ્થાના નિયામક શ્રી નાનાભાઈ ભટ્ટ અને બીજા અગ્રગણ્ય કાર્યકરો જોડાયેલા અને કારાવાસની સજા પામેલા. તેમની ગેરહાજરીમાં બાકી રહેલા કાર્યકરોને કોઈ ફંડ આપે નહીં. ૧૯૩૨માં જયારે બધા પાછા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે સંસ્થા ઉપર દેવું થઈ ગયું છે. નાનાભાઈ ભટ્ટે નિર્ણય કર્યો કે સંસ્થાની જમીન અને મકાનો વેચીને દેવું ભરપાઈ કરી દેવું અને સંસ્થા બંધ કરી દેવી. બધા કાર્યકરો પોતાનો રસ્તો શોધી લે. (અત્યારે બહુ પ્રચલિત છે તેવી ઈન્સોલવેન્સી જાહેર કરીને લેણદારોને રખડાવવાનો વિચાર પણ નહોતો થયો.) સંસ્થામાં ખાયકી કે બગાડ થયો હોય તેનો પણ સવાલ નહોતો. ‘દક્ષિણામૂર્તિ બંધ થવાની છે’ એ વાત ગાંધીજી પાસે પહોંચી. નાનાભાઈ પર તેમનો સંદેશો આવ્યો. ‘સંસ્થા બંધ કરો તે પહેલા હિસાબના ચોપડા લઈ મને મળી જજો. ’ દક્ષિણામૂર્તિનો હિસાબ શ્રી ગોપાલરાવ વિદ્વાંસ (જેમણે મરાઠી સાહિત્યની ઉત્તમ રચનાઓનો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે) સંભાળતા હતા.

નાનાભાઈ અને ગોપાલરાવ હિસાબના ચોપડા લઈ ગાંધીજી પાસે પહોંચ્યા. ગોપાલરાવના શબ્દોમાં કહીએ તો “ગાંધીજીનું હિસાબમાં ઉસ્તાદ એવા વાણિયામાં રૂપાંતર થઈ ગયું. તેમણે બે કલાક સુધી હિસાબના ચોપડા તપાસ્યા. પૂછતાછ કરી અને અંતે નાનાભાઈને કહ્યું “હિસાબ તો બરાબર છે. ” થોડીવાર આંખો બંધ કરી; વિચાર કરી, બોલ્યા. “સ્વરાજ અને કેળવણી માટે કામ કરતી સંસ્થા બંધ થવી ન ઘટે. ”ત્યારબાદ સાવ નાની પેન્સિલથી એક પરબીડિયાના નાના ફ્લેપ પર એક સંદેશો લખ્યો ‘ઘનશ્યામદાસજી, મૈં નાનાભાઈ ઔર ગોપાલરાવકો આપકે પાસ ભેજ રહા હું, ઠીક કિજીયેગા. ’આ કાગળ નાનાભાઈને આપી કહ્યું “આ ચિઠ્ઠી કલકતા જઈને ઘનશ્યામદાસ બિરલાને આપજો. ”આ ‘મોહનની હુંડી’ લઈને નાનાભાઈ અને ગોપાલરાવ ઘનશ્યામદાસ પાસે ગયા. ગાંધીજીનો સંદેશ લઈને આવનાર આ બંનેને તરત ચેમ્બરમાં લઈ જવામાં આવ્યા. ગોપાલરાવને વિચાર આવતો હતો કે એક વાણિયાની ચકાસણીમાં તો પાસ થયા પણ આ મારવાડી શેઠની ચકાસણી કેવી હશે ? તેમણે હિસાબના ચોપડા ધર્યા પણ ઘનશ્યામદાસે તરત કહ્યું “ઈસકી કોઈ જરૂરત નહીં હૈ, યે ચિઠ્ઠી કાફી હૈ. બતાઈએ આપકો ફૌરન કિતને રૂપયેકી જરૂરત હૈ? ”ગોપાલરાવે જણાવ્યું કે પાંચ હજાર રૂપિયા મળે તો પુરા થઈ રહેશે. ઘનશ્યામદાસજીએ તરત ચેકબુક ઉપાડી પાંચ હજારનો ચેક દક્ષિણામૂર્તિના નામે લખી આપ્યો. ચેક આપતા સાથે એક શીખ આપી. “દેખો ઔર રૂપયેકી જરૂરત હો તો ફૌરન યહાં આ જાઈએગા. ઉસ બુઢેકો તંગ મત કરના !” મોહનની હુંડી ઘનશ્યામ પર લખાય પછી ન સ્વીકારાય એવું બને ? (મોહન પણ સાત ગરણે ગાળીને હુંડી લખે હો!) કેટકેટલી વ્યસ્તતા વચ્ચે એક જે દેશના સર્વોચ્ચ નેતા છે એ અને બીજા જે ટોચના ઉદ્યોગપતિ છે તે કેળવણીની સંસ્થાની આટલી ખેવના કરે તે સમાજનું સદભાગ્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational