Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

ગાંડી

ગાંડી

3 mins
14.4K


"હે,પેલી ગાંડી દોડી સંભાળજો કોઈ બાળક તેની અડફ્ટે ન આવી જાય."

"ઊભો રહે મૂઆ મને ગાંડી કહે છે. ગાંડી તારી—-, ગાંડો તારો —-." કહીને ખડડાટ હસવા લાગી. એવી તેજ દોડીને હવામાં ઓગળી ગઈ. ઘણાં વર્ષે ગામમાં ગઈ હતી. તળાવ પાસે ફરવા જતાં આ દૃશ્યે મારા અંતઃકરણને હચમચાવી મૂક્યું.

ઘરે જઈને મારાં પૂજ્ય સાસુ બાને પૂછ્યું, "બા, આ ગાંડી કોણ છે ગામમાં?" બા કહે, "અરે તું ઓળખે છે, તેને પેલા લલ્લુ માસ્તરની લીલાવતી યાદ છે? તું અને લીલી એકજ દિવસે પરણ્યાં હતાં. સાથે હાઈસ્કૂલમાં ભણતાં હતાં. ત્યારે તેના બાપા શાળામાં ઈતિહાસ અને નાગરિક શાસ્ત્ર ભણાવતા હતા." યાદોની દુનિયાને ફંફોળી ત્યારે ચમકારો જણાયો. "લીલી? બાપરે કેટલી સુંદર અને જાજ્વલ્યમાન હતી તેના આવા હાલ કોણે કર્યા?"

બા બોલ્યાં, "બેટા તેની કરમકહાણી ખૂબ લાંબી છે. તેનું રૂપ અને તેની જુવાનીજ તેના દુશ્મન બન્યાં. તેનો પતિ ખૂબ પ્યાર કરતો પણ હંમેશા શંકાથી ઘેરાયેલો રહેતો. લીલી કહેતી ‘નટવર તારા વિનાના સર્વે મારા ભાઈ અને બાપ.’ખેર બંને ખૂબ સુખી હતા, દેવના દીધેલ, કનૈયા કુંવર જેવા બે દીકરા. ગામમાં આવતી ત્યારે ગામ આખું તેના ભાગ્યની ઈર્ષ્યા કરતું. નટવર શહેરમાં કમાયો પણ સારું. લીલી ગામમાં હતી તેથી માંડ એસ.એસ.સી. પાસ થઈ હતી. કોલેજ તેના બાપે કરવા ન દીધી અને પરણાવી નટવર સાથે. તેના પ્યારમા તે બધું ભૂલીને બાળકો ઉછેરતી પ્રેમેથી જીવતી હતી.

બાળકો ખૂબ ભણ્યાં સમય જોઈને પરણ્યાં. દીકરીઓ સારા ખાનદાન કુટુંબની જણાતી હતી. પણ નિવડે ઉપજે તે ઉક્તિ પ્રમાણે– એકવાર નટવર ધંધાના કામે દિલ્હી ગયો અને પાછા વળતાં તેના પ્લેનનો અકસ્માત થયો. લીલીને માથે આભ ટૂટી પડ્યું. દીકરાઓ ધંધામાં સાથે હતા. જુવાન સાસુ માથે પડી. વહુની ચઢવણીથી બંને દીકરાઓએ ઘર અને ધંધો પોતાના નામે કરી લીધો. લીલીતો સાનભાન ભૂલી ગઈ હતી. નટવરે તેને ખૂબ પ્રેમ અને સાહ્યબી આપ્યાં હતાં. તે તેને ભૂલી શક્તી નહી.

સાસુનું વર્તન જોઈ એવો નિર્ણય કર્યો કે ‘બા’ દેશના ઘરમાં શાંતિથી રહે. અનાજ પાણી ભરી આપવાના અને મહિને ખિસા ખર્ચીના પૈસા. બંને દીકરા માની હાલત જોઈ હેબતાઈ ગયા હતા. વહુઓ પાસે મિયાંની મિંદડી થઈ જતાં. કરે પણ શું? સંસાર માંડ્યો હતો અને બંનેને બે બે બાળકો પણ હતાં.

ખેર લીલી મન મનાવતી પણ સાસુ ગામમાં સુખેથી રહે એ વહુઓને ખમાતું નહીં. શહેરમાં થોડો વખત આવે તો તેને બે ટંકનું ધાન આપતાં પણ એમને જોર પડતું. લીલી બોલતી કાંઇ નહીં. એકલી પડતી ત્યારે રડતી અને પોતાના ફૂટ્યાં નસીબને કોસતી.

એક વાર બન્યું એવું કે તળાવ પાસે જઈને બેઠી હતી ત્યાં ઊભાં થતાં પગ લપસ્યો અને હાડકું ભાંગ્યું. દીકરાઓ આવીને લઈ ગયા અને સાજી કરી પાછા લાવ્યા. એકલતા તેને કોરી ખાતી. નહીં તેરમાં નહી તેપનમાં જેવા હાલ હતા. અજાણતા કોઈની વાતમાં ભોળવાઈ અને પગ કુંડાળામાં પડ્યો. છોકરાં વહુએ તેને બરાબરની ખોખરી કરી. આ પગલું છોકરાઓ પણ ન સહી શક્યા. બદનામ થયાનો કાગારોળ મચાવ્યો અને પૈસા મોકલવામાં પણ ઢીલ થતી. આવી અવહેલના ન સહી શકવાથી તે હંમેશાં ખોવાયેલી જણાતી. એક દિવસ અચાનક સવારના પહોરમાં સોળ શણગાર સજી મંદિરે આવી અને ભગવાનની સમક્ષ ગાતી, તાળીયો પાડતી અને નાચતી. બસ ત્યારથી ગાંડામાં ગણાવા લાગી.

કોઈકવાર ઠેકાણે હોય ત્યારે આપણે ત્યાં આવે અને તેની તથા નટવરની મીઠી મીઠી વાતો કરે. પછી અચાનક મને બોલાવે છે કહી ઘરે જતી રહે. હમદર્દી ખૂબ છે પણ શું કરવું તે સૂઝતું નથી."

આ બધી વિગત જાણીને હું જ્યારે લીલીને મળવા ગઈ તો તેણે મને તરત ઓળખી ‘બહેન તમે ક્યારે શહેરથી આવ્યા.”જાણે ડાહી ડમરી હોય તેમ ઠાવકાઈ ભરી વાતો કરી. મારા સમાચાર જાણ્યા અને ખુશ થઈ જેવું મેં નટવરનું નામ લીધું કે પાછી તેની ડાગળી ચસકી ગઈ. મને ખૂબ મન હતું કે હું એને કાંઈ મદદ કરી શકું પણ ઉલઝનમાં ડૂબેલી ઘર તરફ વળી. મનમાં થયું લીલી ‘ગાંડી’ નથી. સંજોગોની મારી છે. જ્યારે મને તેડવા અવિ આવશે ત્યારે હું એને મુંબઈ લઈ જઈ દવા કરાવી કોઈ વૃધ્ધાશ્રમમાં રખાવી દઈશ. અમે બંને એક જ દિવસ્ર પરણ્યાં હતાં, એક ગામની ‘ગાંડી’ને જો રાહ મળશે તો દુઆ દેશે ! તેના પિતાશ્રીએ નાગરિક શાસ્ત્ર જે શિખવ્યું હતું——– ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ અને ગુરૂ દક્ષિણાની તક —————


Rate this content
Log in

Similar gujarati story from Inspirational