" ગાભા ડુચા "
" ગાભા ડુચા "


"તું કેટલો બેદરકાર છે ? આદિત્ય બેટા. અને આ શું માંડ્યું છે બેટા ? આ વોર્ડ રોબમાં તારા કપડાં કેવા ગાભાડુચા જેવા છે. અને આ કેટલા જુના કપડા પણ પડી રહ્યા છે. મે કેટલી વાર કહ્યું કે તારે જે કપડાં ના પહેરવાના હોય અને જુના હોય તે મને આપ. આ પ્યાલા બરણીવાળ ને આપી દેતી. બહુ જ બેદરકાર છે."
"મમ્મી, શું આખો દિવસ જુના કપડા અને પ્યાલા બરણીવાળાની વાત કરે છે. આ પ્યાલા બરણીવાળા કેટલા બધા કપડા લઇને એક નાનું તગારૂ કે એક તપેલી, સ્ટીલની લાગે એવી ! આપે અને તું ખુશ ખુશ થાય. મારે કોલેજ જવાનું હોય એટલે અલગ અલગ કપડાં પહેરવા પડે. અને જો, મમ્મી ઠંડી શરૂ થઈ છે. મારે એક નવું જેકેટ અને સ્વેટર જોઈશે. આતો તને એડવાન્સમાં કહ્યું. મારી વ્હાલી મમ્મી, અપાવીશ ને !." હસતાં હસતાં આદિત્ય બોલ્યો.
"અરે આદિત્ય,હજુ ગઈ સાલ જ તો નવું ગરમ જેકેટ લીધું છે. તો પણ નવું ?"
"મારી વ્હાલી મમ્મી, કોલેજ જવાનું હોય છે એટલે દર વર્ષે નવું જેકેટ લાવવુંજ પડે. અને જો મમ્મી તું જુના કપડા માટે કહે છે ને ? તો કહું હું શિયાળાની રાહ જોતો હતો." આદિત્ય બોલ્યો.
"અરે પણ જુના કપડા કાઢવા માટે શિયાળાની રાહ કેમ ?"
"જો મમ્મી, હવે શિયાળો શરૂ થયો.આ રવિવારેજ મારા જુના કપડાને ઈસ્ત્રી કરાવી લાવીશ."
"પણ આ જુના કપડા તો કાઢી નાખવાના છે તો ઈસ્રી કેમ ?".
"મમ્મી હજુ તું મને ઓળખી ના શકી ? આ જુના કપડા જે હું પહેરતો નથી તે ઈસ્રી કરાવીને રવિવારે જરૂરિયાતવાળા ગરીબોને આપી આવીશ. અને મમ્મી મારૂં ગઈ સાલનું જેકેટ મારા એક ગરીબ મિત્રને આપીશ. તે જુનું ફાટેલું સ્વેટર પહેરીને કોલેજ આવે છે. મિત્ર હોય તો મારી પણ ફરજ છે જ ને."
"ઓહો હો.. મારા શાણા દિકરા... તું તો હોશિયાર થઇ ગયો.. તું તો બિલકુલ મારા જેવોજ છે."
"હા મમ્મી, તેં તારી નવીજ લાવેલી કુર્તી અને ગઈ દિવાળી એ લાવેલી સાડી કોને આપી તે મને ખબર છે. પ્યાલા બરણીવાળા ને તો નથીજ આપી ! જેવા માના ગુણ એવા દિકરામાં તો આવેજ ને !