STORYMIRROR

PRAVIN MAKWANA

Inspirational

4  

PRAVIN MAKWANA

Inspirational

એક જોડ ચંપલ

એક જોડ ચંપલ

2 mins
207

સાંભળો છો કે કનુના પપ્પા ! આ તમારી બા ના ચંપલ બાજુવાળા ચંપા કાકીને આપી દો આપણે શું કરવા છે ? પત્નીના આ શબ્દો સાંભળી રમેશને બા સાંભરી ગયા. બા ના એ બે વેણથી નજર સામે જાણે બા હયાત થઈ ગયા.

 એ દિવસ બા અને રમેશ દવા લેવા મીસરી સાહેબના દવાખાને ગયા હતા. મીસરી સાહેબે રમેશને એકલા બોલાવી માંડીને વાત કહી. બા હવે ઝાઝુ કાઢશે નહીં. જેટલી ઘરે સેવા થાય તેટલી કરો. થોડી દવા લખી દઉં છું. એમ કહી અટકી ગયા. હું અને બા મીસરી સાહેબના દવાખાનેથી નીચે ઉતર્યા. બા ના ચંપલનું એક અંગૂઠા પાસેનું નાકું તૂટી ગયું, પરાણે કીધું બા મેડીકલમાંથી દવા લઈ આવું પછી આપણે દુકાનેથી ચંપલ લઈ આવીએ.

બા બોલ્યાં; બેટા નવા નથી લેવા. કાંઈ ખોટો ખરચ નથી કરવો. મેં ઘણી આજીજી કરી પણ એક ના બે ન થયા. થોડેક સુધી હાથમાં ચંપલ પકડી ચાલતા ચાલતા આવ્યાં. મેં રીક્ષાને બસ સ્ટેશન સુધી કરાવવા રીક્ષાવાળાને બૂમ પાડી તો મારી ઉપર ખીજાણા. ક્યાં દૂર છે બેટા ? રહેવા દે ચાલી નાખીએ. એમ કહી ચાલતા થયા.  

રસ્તે ચંપલ સાંધવાવાળો બેઠો હતો. બા એ ચંપલ બતાવ્યાને કીધું ભાઈ ! કેટલા રૂપિયામાં નાકું સાંધી આપીશ. પેલાએ કહ્યું : બા પાંચ રૂપિયા, કાંઈ વધારે નહીં લઉં. આ સાંભળી રમેશે કીધું કે તમને નવા ચંપલ રાજુની દુકાનેથી લઈ આપીશ તો ખોટી માથાકૂટ શું કરવા કરો છો ? બા બોલ્યાં રહેવા દે બેટા ! નકામા પચા-પચી નથી બગાડવા. રૂપિયા ક્યાં ઝાડવે ઊગે છે. તોય મારુ માન્યા નહીં ને પાંચ રૂપિયા આપી ચંપલનું નાકું સંધાવ્યું. થોડું ચાલ્યા ત્યાં રાજુની દુકાન આવી. હું આ વખતે જોરથી બોલ્યો, ભેગુ કરીને તમારે કેટલુંક જીવવું છે. મારે તમને નવા જ ચંપલ લઈ આપવા છે, એમ કહી હું બાવડુ પકડી પરાણે ચંપલ લેવડાવવા દુકાને લાવ્યો. બા બોલ્યા એ ભાઈ ! આ રોયો માનતો જ નથી. લે એક જોડી ચંપલ બહું મોંઘા ના હોય તેવા આપ. એમ કહી સો રૂપિયાવાળા ચંપલ બતાવ્યાં. બા એ ઘસીને રકઝક કરી એંસી રૂપિયા જ અપાવ્યા. મેં કીધું ; બે જોડ લઈ લો. આ સાંભળી બોલ્યાં, ભાઈ એક જોડીમાં તો પુરુ થઈ જાશે.બે શું કામ લેવા છે. એમ કહી નવા ચંપલ સીધા પગમાં પહેરવાને બદલે થેલીમાં મૂકી દીધા. ચંપલ ના પહેર્યા તે ના જ પહેર્યા પરાણે કીધુ તો કહે ભાઈ ! આ નાકું સાંધેલા ચાલે છે ત્યાં સુધી પહેરવા દે. તૂટી જાશે પછી પહેરીશ. જો હું નહીં પહેરુ તો તારી વહુ મીના પહેરેશે. એના કામમાં આવશે. મારો બહુ ભરોસો નહીં. ઘરે આવીને બા એ બોલ્યા ચાલ્યા વગર ચંપલ માળીયે મૂકી દેવડાવ્યાં. ના પહેર્યા તે ના જ પહેર્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational