એક દબાયેલી ચીસ
એક દબાયેલી ચીસ
રાઘવે આ વખતે થોડાં મોટાં અવાજે બૂમ પાડી, "માનસી, તને સંભળાય છે કે નહીં ? બહાર આવ; રૂમમાંથી; મારે તારી સાથે વાત કરવી છે." આ વખતે પણ રાઘવની બૂમનો કોઈ પ્રતિસાદ આપ્યા વગર માનસી પોતાના બેડરૂમમાં આંસુ ભરેલી આંખે પલંગ પર સુતેલી રહી.
થોડીવાર રાહ જોઈને રાઘવ ગુસ્સામાં બેડરૂમમાં ધસી ગયો અને માનસીને ઉદ્દેશીને કહ્યું,"બસ હવે; આટલી નાની વાતમાં આમ આંસુના સરોવર ભરવાની ક્યાં જરૂર પડી ગઈ તને ? ખોટું શું કહ્યું મારી મમ્મીએ સાચું તો કહ્યું છે; આટલી નાની વાતને રડી- રડીને મોટું સ્વરૂપ શું આપી રહી છે ? તારી પાસે બીજો વિકલ્પ જ ક્યાં છે ? હવે ઊભી થા અને મારા કપડાંની ઈસ્ત્રી કરી નાખ.
બિચારી માનસી ! તેનો વાંક માત્ર એટલો જ હતો કે લગ્ન પહેલાં એણે જે સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી, તેમાં તે પાસ થયી ગઈ હતી, અને હવે કલાસ-૧ ઓફિસર તરીકે તેની નિમણૂંક થઇ હતી; તેનાજ શહેરની ઓફિસમાં રાઘવની ઉપરી અધિકારી તરીકે- જે રાઘવનાં મમ્મી કોકિલા બહેનને જરાય માન્ય નહોતું. તેમણે માનસીને રાજીનામું આપવાનું એલાન કરી દીધું. એમનાં મત પ્રમાણે આ સિવાય માનસી પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી.
માનસીના મનમાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ.
જે પરીક્ષામાં પાસ થવા માટે પોતે આટલી મહેનત કરી હતી; તેની જ્વલંત સફળતા માટે ખુશ થાય કે' પછી રાજીનામું આપવાનું છે નો શોક કરે ? મહિલા મિટિંગમાં જોરશોરથી સ્ત્રી- પુરુષને સમોવડી અને એના સમાન હકની બાંગો પોકારતા કોકિલાબહેનનું ઘરમાં સાવ અલગ જ રૂપ જોઈને માનસી ખરેખર ડઘાઈ ગઈ હતી.
બીજા દિવસે સવારે માનસી એક મક્કમ નિર્ધાર સાથે પથારીમાંથી ઊભી થઈ. તેણે તેનો વિકલ્પ હવે વિચારી લીધો હતો.
