STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

એક બિંદુની પરમ યાત્રા

એક બિંદુની પરમ યાત્રા

5 mins
0

અહંકારના આકાશે ઊડતું બિંદુ જ્યારે સંસારના ખાબોચિયામાં પટકાયું, ત્યારે જ તેને સમજાણું કે સાગરમાં ઓગળી જવું એ જ જીવનું પરમ અસ્તિત્વ છે.




ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

"તે (પરબ્રહ્મ) પણ પૂર્ણ છે અને આ (દ્રશ્યમાન સૃષ્ટિ) પણ પૂર્ણ છે. કારણ કે પૂર્ણમાંથી જ પૂર્ણની ઉત્પત્તિ થાય છે. આ આખા જગત રૂપી પૂર્ણને જો તે પૂર્ણમાંથી (પરમાત્મામાંથી) બાદ કરી દેવામાં આવે (અથવા તો લઈ લેવામાં આવે), તો પણ જે બાકી રહે છે તે માત્ર પૂર્ણ જ છે."


અનંત, અફાટ અને ગંભીર એવો એ મહાસાગર લહેરાઈ રહ્યો હતો. એ સાગરના હૃદયમાં કરોડો જલબિંદુઓ એકાકાર થઈને રહેતા હતા. એમાંનું જ એક નાનકડું જલબિંદુ (ટીપું) હતું. એ સાગરનો જ અંશ હતું, સાગરનું જ સંતાન હતું. પરંતુ, એક દિવસ ચંચળ પવનની લહેરે તેને સ્પર્શ કર્યો. પવનના સંગાથે અને સૂર્યના તાપે તે બિંદુ વરાળ બનીને આકાશ તરફ ઊડી ગયું. વાદળોની સવારી મળી અને તે ખૂબ ઊંચે પહોંચી ગયું.


ઊંચાઈ પર પહોંચતા જ બિંદુની અંદર અહંકારનો અંકુર ફૂટ્યો. તેને થયું, "હું તો કેટલું ઊંચું અને શ્રેષ્ઠ છું!" હવે તેને નીચે ઘૂઘવતા પોતાના જ જનક એવા સાગરના આંચલમાં અનેક દોષો દેખાવા લાગ્યા. તેને સાગર ખારો, બંધિયાર અને ક્ષુદ્ર લાગવા માંડ્યો.


यदा किंचिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवम् ।

तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः ॥ ભર્તૃહરિ

"જ્યારે હું થોડુંક જ જાણતો હતો (અલ્પજ્ઞાની હતો), ત્યારે હું મદમસ્ત હાથીની જેમ અહંકારમાં આંધળો થઈ ગયો હતો; અને વિચારતો હતો કે હું જ સર્વજ્ઞ (બધું જ જાણનારો) છું, જેથી મારું મન અહંકારથી છલકાઈ ગયું હતું."

અહંકાર જયારે ઈશ્વરનિષ્ઠ હોય ત્યારે તે પવિત્ર હોય છે પણ જયારે સ્વાર્થ ભળેછે ત્યારે તેમાંથી બદબૂ આવે છે.

આવા સ્વાર્થનિષ્ઠ અહંકારની  ઊંચાઈ ક્ષણભંગુર હોય છે.


એક દિવસ વાદળોનો ભાર વધ્યો અને આકાશના ગર્ભમાંથી એ જ બિંદુ નિર્દયતાથી નીચે પટકાયું. ક્યાં આકાશની ઊંચાઈ અને ક્યાં ધરતી પરનો એક ગંદો, દુર્ગંધ મારતો નાળો! બિંદુ સીધું એ ગંદા નાળામાં જઈ પડ્યું. ક્ષણભરમાં તેના બધા સપના, બધી મહત્વાકાંક્ષાઓ ચકનાચૂર થઈ ગઈ.


આ ચક્ર એક વાર નહીં, પણ અસંખ્ય વાર ચાલ્યું. તે વરસાદ બનીને નીચે આવે, નાળા-ખાબોચિયામાં ભટકે, ફરી સૂર્યના કિરણો તેને વાદળ સુધી પહોંચાડે. આ સંસારચક્રમાં ભટકી-ભટકીને હવે તે બિંદુ થાકી ગયું હતું. હવે તેને પોતાના મૂળ ઘર, એટલે કે મહાસાગરની ખૂબ યાદ આવવા લાગી. સાગરથી વિખૂટા પડવાનું દર્દ હવે તેનાથી સહન થતું નહોતું. તે મનમાં ને મનમાં ખૂબ તડપવા લાગ્યું, રડવા લાગ્યું.


હવા સંગાથે ઊડી તો ગયું પણ, 

ઘર પોતાનું ગુમાવી બેઠું,

વાદળની એ ક્ષણિક સત્તામાં, 

અમૃત છોડી વિષને ચિત્ત બેઠું;


હવે નાળાની ગંદકીમાં ઝૂરે છે એ સાગરનું વ્હાલું બિંદુ,

ભટકી ભવમાં સમજી ગયું કે, સાગર વિના નથી કોઈ સિંધુ.


બિંદુની સાચી વ્યાકુળતા જોઈ, તેના મૂળ સ્થાન પરથી વિખુટી પડેલી અને તેમાં ફરી પાછી ભળી જવાની અદમ્ય ઈચ્છા ને જોઈ વિધાતાને દયા આવી.  "ભાવના એવી સિદ્ધિ"

એક દિવસ અતિવૃષ્ટિ થતાં, એ બિંદુ વહેતું વહેતું પરમ પવિત્ર એવી ગંગા  નદીના આંચલમાં જઈ પડ્યું. ગંગા શબ્દ 'ગમ્' (ગતિ કરવી/વહેવું) ધાતુ પરથી બન્યો છે. "ગમ્યતે ઇતિ ગંગા" અથવા "ગચ્છતિ ઇતિ ગંગા" – જે નિરંતર ગતિશીલ છે, જે સતત વહેતી રહે છે અને ક્યારેય અટકતી નથી, તેને 'ગંગા' કહેવાય. ગંગાનો અંતિમ ધ્યેય સાગરમાં ભળી જવાનો છે. આધ્યાત્મિક પ્રક્રિયામાં આપણો જીવાત્મા ગંગાની જેમ વહેતો વહેતો જ્યારે પરમાત્મા રૂપી મહાસાગરમાં લીન થઈ જાય છે, ત્યારે જ તેને મોક્ષ (પરમ શાંતિ) મળે છે.


મોક્ષદાઈની ગંગા નદી પોતાની કરુણાભરી વહેતી એ બિંદુને સમાવીને સીધી મહાસાગર તરફ લઈ જવા લાગી. નદી જાણે સદ્ગુરુની ભૂમિકામાં હતી, જે ભટકેલા જીવને ઈશ્વર સુધી પહોંચાડે છે. પંચતંત્રમાં કહ્યું છે તેમ:


नद्यः पिबन्ति स्वयमेव नाम्भः स्वयं न खादन्ति फलानि वृक्षाः ।

नादन्ति सस्यं खलु वारिवाहाः परोपकाराय सतां विभूतयः ॥ પંચતંત્ર

 

"નદીઓ ક્યારેય પોતાનું પાણી પોતે પીતી નથી, વૃક્ષો ક્યારેય પોતાના ફળ પોતે ખાતા નથી, વાદળો ક્યારેય પોતાના દ્વારા ઉગાડેલું અનાજ (પાક) પોતે ખાતા નથી; બરાબર તેવી જ રીતે, સત્પુરુષો (શ્રેષ્ઠ માણસો) ની સંપત્તિ અને તેમનું જીવન હંમેશા પરોપકાર (બીજાના ભલા) માટે જ હોય છે."




सागरे सर्वतीर्थानि जनितुः पादपङ्कजे ।

मातापितृप्रदक्षिण्यां पृथिव्यां नात्र संशयः ॥

 

"પૃથ્વી પરના તમામ તીર્થો મહાસાગરમાં સમાયેલા છે (અર્થાત સાગરમાં સ્નાન કરવાથી બધા તીર્થોનું પુણ્ય મળે છે); પરંતુ, માતા-પિતાના ચરણકમળમાં અને તેમની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વી પરના તમામ તીર્થો અને સાગરનું પુણ્ય એકસાથે મળી જાય છે, એમાં કોઈ સંશય (શંકા) નથી."

ગંગાજીના  (નદી) માધ્યમથી બિંદુ જ્યારે મહાસાગરના કિનારે પહોંચ્યું, ત્યારે સામે અફાટ સાગરને જોઈને તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. અત્યંત નમ્ર થઈ, શરણાગત ભાવે બિંદુ બોલ્યું, "હે મારા ઉધારક ! હે મારા આશ્રયદાતા મહાસાગર! હું મારી ભૂલ પર શર્મસાર છું. પોતાના અહંકારની સજા હું ભોગવી ચૂકી છું. તમારાથી વિખૂટા પડીને હું એક પળ પણ શાંત નથી રહી શકી. દિવસ-રાત મેં દર્દના આંસુ વહાવ્યા છે. હવે મારી એટલી જ પ્રાર્થના છે કે આ પાપી અને ભટકેલા બિંદુને તમારા પવિત્ર આંચલમાં સમાવી લો!"


ત્યારે ગંભીર મહાસાગરે ઉદારતાથી લહેરો ઉછાળીને કહ્યું, "હે બિંદુ! તને એમ છે કે માત્ર તું જ તડપી છે? તને તો દુઃખ પડ્યું ત્યારે અહેસાસ થયો, પણ હું તો એ જ ક્ષણથી તડપી રહ્યો છું જ્યારે તેં પહેલીવાર મારો સાથ છોડીને પવનનો સંગ કર્યો હતો. તું ભલે મને ભૂલી ગઈ, પણ હું તારી રાહ જોતો હતો. અને તને ખબર છે? તને પાછી લાવવા માટે એ ગંગાજીને (નદીને) મેં જ તારી પાસે મોકલી હતી! હવે મોડું ન કર, આવ, મારા આંચલમાં સમાઈ જા!"


બિંદુ આગળ વધ્યું અને સાગરમાં સમાઈ ગયું. જેવું તે સાગરમાં ભળ્યું, તેનું બિંદુ તરીકેનું અસ્તિત્વ મટી ગયું અને તે પોતે જ મહાસાગર બની ગયું! શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ આવા જ પરમ શાંતિના મિલનનું વર્ણન કરે છે:


आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् ।

तद्वत्कामा यं प्रવિशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥ શ્રીમદ્ ભગવદ્ ગીતા ૨-૭૦ 

 

"જેવી રીતે બધી બાજુઓથી ભરાયેલા અને અચળ પ્રતિષ્ઠાવાળા (પોતાની મર્યાદા ન ઓળંગનારા) મહાસાગરમાં નદીઓના પાણી તેને સહેજ પણ વિચલિત કર્યા વિના સમાઈ જાય છે; બરાબર તેવી જ રીતે, જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં સંસારના તમામ ભોગો અને ઇચ્છાઓ કોઈ વિકાર (ચંચળતા) ઉત્પન્ન કર્યા વિના સમાઈ જાય છે, તે જ મનુષ્ય પરમ શાંતિને પામે છે, ભોગોની કામના કરનારો (લાલચુ માણસ) નહીં."


આપણે બધા જ જીવાત્માઓ છીએ. આપણે પરમ પિતા પરમાત્મા રૂપી મહાસાગરના અંશ છીએ, પરંતુ સંસારના માયા-રૂપી પવનના સંગાથે અહંકાર વશ થઈને ઈશ્વરથી વિખૂટા પડી ગયા છીએ. એટલે જ ચોર્યાસી લાખ યોનિઓના ગંદા નાળા જેવા ભવસાગરમાં જન્મોજન્મથી ભટકી રહ્યા છીએ. આપણને ખબર નથી, પણ એ દયાળુ ઈશ્વર આપણી મુક્તિ માટે આપણા કરતાં પણ વધુ તડપી રહ્યો છે અને આપણને લેવા માટે સદ્ગુરુ અને સંતો રૂપી નદીઓ મોકલે છે.

અને એક દિવસ આપણો આ જીવાત્મા પરમાત્મામાં લીન થઈને 'બિંદુમાંથી સિંધુ' બની જશે.





 

 





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational