એબોર્સન
એબોર્સન


ચાર મહિનાની એક ગર્ભવતી સ્ત્રી અંદરો અંદર ચિંતામાં મૂંઝાતી હતી. એના પતિએ એને ધમકાવી ડોક્ટર જોડે ખાનગીમાં તપાસ કરાવડાવ્યું કે આવનાર બાળક છોકરી છે કે છોકરો. અલ્ટ્રાસાઉન્ડ પરથી ડોક્ટરે કહ્યું કે આવનાર બાળક છોકરી છે. આ સાંભળીને માનું કાળજું ચિરાઈ ગયું. દાંત કચકચાવી ગુસ્સો દાઢ વચ્ચે પીસી નાખ્યો. આંખમાંથી દઝાતી વેદનાના આંસુ ટપકવા લાગ્યા. એના પતિએ એની પત્નીને બહાર મોકલી ડોક્ટર જોડે એબોર્સનની પ્રોસીજર પૂછી.
એક અઠવાડિયાની અંદર એ સ્ત્રીનું એબોર્સન થઈ ગયું.
એ રાત્રે તેના પતિએ જમીને ટીવી ચાલુ કરતાં જ બ્રેકિંગ–ન્યૂઝ સાંભળ્યા.
દિલ્હી કોમનવેલ્થ ગેમમાં ગીતા ફોગટે 55 કિલો કેટેગરીમાં ગોલ્ડ જીતીને અને બબિતા ફોગટે 51 કિલો કેટેગરીમાં સિલ્વર જીતી હરિયાણાનું નામ રોશન કર્યું ! ગીતા ફોગટ ભારતની સૌથી પહેલી એવી મહિલા છે જે આ વર્ષે ઓલમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ છે. મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પાછી પડતી નથી એ આ બન્ને ફોગટ બહેનોએ સાબિત કરી બતાવ્યું....
ટીવીમાં ન્યૂઝ–રીડર આગળ ન્યૂઝ વાંચે એ પહેલા જ... તેના પતિએ તરત જ ટીવી ઓફ કરી ગુસ્સાથી છૂટ્ટુ રિમોટ ફેંકયું!