એ ચબુતરો
એ ચબુતરો




“એય એય ચાલ હટ હટ. પાછો ધાબળો પાથરીને બેસી ગયો ?”
“પણ...પણ... મ..ને અહીં ..” અને એ બોલવામાં થોથવાયો.
ચાર રસ્તા પર ઉભેલા ટ્રાફિક હવલદારે એ પાગલ જેવા માણસને હટાવવા પ્રયાસ શરુ કર્યા. નવો આવેલો હવલદાર હેરાન હતો. આ પાગલ દર બે-પાંચ દિવસે અહીં ડાબી તરફ આવેલા ચબુતરાની નીચે આવીને કલાકો સુધી બેસી જાય છે. અને બસ ચબુતરા પર બેઠેલાં પંખી સામે જોયા કરે છે. હા, એક વાત બહુ વિચિત્ર હતી કે એ ચબુતરા પરથી કોઈ માણસ પંખીને ઉડાડે તો ગુસ્સાભરી નજરે અને અસ્પષ્ટ શબ્દોમાં જોરદાર વિરોધ કરતો.
હવલદારે આસપાસમાં વસતા લોકો પાસેથી જાતજાતની વાતો સાંભળી હતી. પણ એક વાત દરેક જણે સમાન કહી હતી. ચબુતરાનું ધ્યાન રાખતા કબીરચાચાએ કહ્યું, “એનું નામ શ્યામ છે. અહીં ચબુતરો બન્યો ત્યારથી આ સોસાયટીવાળાઓએ મને રાખ્યો છે. પંખીઓને કોઈ હેરાન ન કરે, પોતાના સ્વાર્થ માટે કોઈ અહીયાંથી પક્ષી ચોરી ન જાય, આવતાં પંખીઓ પર કૂતરાં-બિલાડાં તરાપ ન મારે એ બધું હું ધ્યાન રાખું છું. હું આવ્યો ત્યારથી શ્યામને જોતો આવ્યો છું. એ એની ધૂનમાં સવારે ચબુતરે આવે. પંખીઓને દાણા નાખે અને પછી ઓટલે બેસીને બે-ચાર વાક્ય બોલ્યા કરે,
“મારી કોયલ ઊડી ગઈ. મારી મેનાને પેલો બિલાડો ભરખી ગયો.” દુ:ખી થઈને સાંજે એ પાછો સાંજે ક્યાંક ચાલ્યો જાય.”
હવલદારે હવે આતુરતાથી પૂછ્યું, “તે એ પહેલેથી પાગલ છે ?”
“ના ના આ સોસાયટીવાળા કહે છે કે શ્યામ બહુ હોંશિયાર હતો. એની પેલા સરકારી આવાસમાં દુકાન હતી. એ મશીનથી રેશમનું કામ બહુ સુંદર કરતો. આસપાસના લોકો અને પછી તો મોટા શો-રુમવાળા પણ એની પાસે કપડાં પર રેશમવર્ક કરાવી જતા. એનું કામ ધમધોકાર ચાલતું. રેશમવર્કમાં પણ એ મોર, પોપટ, મેનાની આકૃતિઓ બહુ જ સુંદર રીતે કાપડ પર ઉપસાવતો.”
હવલદારે અકળાઈને પૂછ્યું, “તે પણ આ ચબુતરાને શું લાગેવળગે ?”
કબીરચાચાએ ગળું ખંખેરીને કહ્યું, “સાહેબ, આ ચબુતરો છે ત્યાં પહેલાં એક ઘર હતું. એક સુખી પરિવાર રહેતો હતો. મનસુખ એની પત્ની વસુ અને બે દિકરી રેવતી અને પાર્વતી. મનસુખ કપડાંની ફેરી કરતો. જથ્થાબંધ બજારમાંથી સસ્તા ભાવે કપડું લઈ શ્યામ પાસે રેશમનું કામ કરાવી મોટી મોટી દુકાનોમાં જઈ સારા ભાવે વેચતો. બે પૈસા પોતે કમાતો અને બે પૈસા શ્યામ પણ કમાતો. લગભગ શ્યામની દુકાને કપડાંનો ગાંસડો લઈને રેવતી અને પાર્વતી જતાં. શ્યામભૈયા પાસેથી કાયમ ચોકલેટ, પિપર કે બિસ્કીટ લઈને જ પાછાં આવતાં .
વર્ષો સુધી આ સિલસિલો ચાલ્યો. હવે રેવતી અને પાર્વતી મોટાં પણ થયાં હતાં. હવે શ્યામભૈયા પેન્સિલ રબર પણ આપતા. સમજણ આવ્યા પછી બંને બહેનો શામને રાખડી બાંધતી થઈ હતી. શ્યામ બંનેને રક્ષાબંધન ઉપર સરસ કપડાંની જોડ આપતો. એક દિવસ બંને રોજની જેમ બાપુએ મોકલાવેલ કપડાં લઈને શ્યામની દુકાને જવા નિકળ્યાં. હવે શહેરમાં ટ્રાફિક પણ વધી ગયો હતો. એમાં એક ટેમ્પોવાળાએ બંનેને ટક્કર મારી. કંઈ સમજે એ પહેલાં બંને ઉછળીને રસ્તા પર પછડાયાં અને પાછળથી આવતી બસ એમના પર ફરી વળી. એ ઘટના મા-બાપ કે શ્યામ કોઈ જીરવી ન શક્યાં.
પંખી જેવી ચહેકતી બે બે દીકરીઓની અચાનક વિદાય સહન ન કરી શકેલાં મનસુખ અને વસુ શહેર છોડીને એમના વતન સ્થળાંતર કરી ગયાં. શ્યામ અનાથ હતો. થોડાં વર્ષો સનાથ થયો અને ફરી નાથ થઈ ગયો. એ આ આઘાત પચાવી ન શક્યો. મનસુખનું ઘર પડી ગયું અને પંખીઓની ચહેલપહેલથી વાતાવરણની ઉદાસી દૂર થાય એ આશયથી ત્યાં સોસાયટીના સભ્યોના મતાનુસાર એક ચબુતરો કરવામાં આવ્યો.
શ્યામની દુકાન બંધ થઈ ગઈ. કોઈએ કેટલાય દિવસો સુધી એને જોયો નહીં. પછી અચાનક એક દિવસ એ ચબુતરા પર લઘરવઘર દેખાયો. એ માનસિક સમતુલા ખોઈ બેઠો હતો. બસ.. ત્યારથી રખડતો ભટકતો એ દર બે-ચાર દિવસે અહીં બેઠેલો જોવા મળે છે. સવારે ચબુતરે આવે. પંખીઓને દાણા નાખે અને પછી ઓટલે બેસીને બે-ચાર વાક્ય બોલ્યા કરે, "મારી કોયલ ઊડી ગઈ.
મારી મેનાને પેલો બિલાડો ભરખી ગયો.”
હવલદારને અનુકંપા થઈ આવી. “અરેરે! માનવજીવન સુંદર ચાલતું હોય અને પળ બે પળમાં આટલું બદસુરત થઈ જાય !”
ત્યાર બાદ માનવતાની દ્રષ્ટિએ કબીરચાચાની મદદથી હવલદારે અગમના ઓલિયા બની ગયેલા શ્યામની કાળજી લીધી. મનોચિકિત્સકની સારવાર શરુ કરાવી.
છ મહિના બાદ..
શ્યામની દુકાન ફરી નવા રંગરોગાન સાથે ચમકી ઉઠી છે. આજે રક્ષાબંધન છે. શ્યામે પોતાના શ્રેષ્ઠ રેશમવર્ક સાથે બે સુંદર પંજાબી સુટ પેક કરીને ચબુતરા પર મુક્યા અને રેવતી પાર્વતીને મનોમન યાદ કરીને અંજલિ અર્પણ કરી.