દુવિધા
દુવિધા
પથારીમાં પડ્યા પડ્યા રાકેશ આમથી તેમ પડખા ફેરવી રહ્યો હતો. શરીરમાં આખા દિવસનો થાક અને માનસિક તણાવ હોવા છતાં પણ આંખમાં ઊંઘનું નામોનિશાન ન હતું. એના મનમાં ચાલી રહેલી દુવિધા એની ઊંઘ હાવી થઈ ગઈ હતી.
"અરે, એમાં આટલું બધું શું વિચારવાનું ? જ્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય."
રાકેશના અંતરમાંથી એક અવાજ આવ્યો. હજી તો રાકેશ પોતાના અંતરમાંથી આવેલા એ અવાજને સહમત થાય ત્યાં જ તો વળી પાછો એક બીજો અવાજ આવ્યો,
"વિચારવું તો પડે જને. એમ કંઈ નિર્ણય લઈ લેવાય. માનું છું કે મને આ નોકરીની સખત જરૂરત છે. પણ એનો મતલબ એ થોડી થાય કે મારે કોઈ બીજા સાથે અન્યાય કરવો."
એના અંતરમાંથી ઉદભવેલ એ બીજા અવાજ સામે પહેલા અવાજે ફરી દલીલ કરી,
"અરે એમાં અન્યાય કેવો ? આજકાલના જમાનામાં તો બધા જ કામ આ રીતે જ થાય. આખરે તારો ઇન્ટરવ્યૂ તારા પપ્પાના ખાસ મિત્ર મિસ્ટર શાહ એ લીધો હતો. તો પછી એ નોકરી તને જ મળેને. આખરે ઓળખાણ ક્યારે કામ આવે ?"
ફરી એના અંતરમાં બેઠેલા બીજા અવાજે પહેલા અવાજને જવાબ આપ્યો,
"અરે ઓળખાણ છે એનો મતલબ એ થયો કે હું જ આ નોકરી માટે લાયક ઉમેદવાર છું. મારી સાથે મારી બાજુમાં બેઠેલો બીજો ઉમેદવાર મારા કરતાં વધુ હોશિયાર, વધુ લાયક અને વધુ જરૂરતમંદ પણ હતો. બધા દ્રષ્ટિકોણથી જોઈએ તો એ જ ઉમેદવાર એ નોકરી માટે યોગ્ય હતો. બસ એક માત્ર ઓળખાણને કારણે એ નોકરી મને મળી રહી હતી. મારે જીવનમાં સફળ થવા માટેનું પહેલું પગથિયું આમ ખોટી રીતે નથી ચડવું. આખરે નીતિમત્તા અને પ્રમાણિકતા જેવી પણ વસ્તુ હોયને. અને જો હું ખરેખર જ લાયક હોઈશ તો આજે નહીં તો કાલે મને મારા લાયક નોકરી જરૂર મળી જશે. પરંતુ આમ ખોટી રીતે તો હું બીજાનો હક છીનવીને તો નોકરી નહીં જ મેળવુ."
રાકેશની અંતરાત્મા જાણે બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી. એની અંતરાત્મામાંથી ઉઠતા બંને અવાજ એકબીજા સાથે દલીલો કરી રહ્યા હતા. ક્યારેક રાકેશને એક અવાજ પર વિશ્વાસ થતો જે એને ગેર માર્ગે લઈ જવા માટે પ્રેરતો હતો તો ક્યારે એને બીજા અવાજ પર વિશ્વાસ થતો જે એને સચ્ચાઈના રસ્તા પર ચાલવા માટે મજબૂર કરતો હતો. અને આખરે એ બંને અવાજો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બીજા અવાજ ની જીત થઈ અને રાકેશ એ મનમાં એક નિર્ણય કરી લીધો. અને નિર્ણય લઈ લીધા પછી એના મન પરથી એક બોજ હળવો થઈ ગયો અને એ શાંતિથી સુઈ ગયો.
સવારે ઉઠતાની સાથે એણે મિસ્ટર શાહ જેમણે એનો ઇન્ટરવ્યૂ લીધો હતો એમને ફોન કરીને એમની માફી માંગી અને એમને જણાવી દીધું કે "એ નોકરી નહીં સ્વીકારે કારણકે એને લાગે છે કે એના કરતાં તેની સાથે આવેલો બીજો ઉમેદવાર નોકરી માટે વધારે લાયક હતો. એને ખબર હતી કે આ નોકરી એને માત્ર એની ઓળખાણના લીધે મળી રહી હતી. માટે જીવનમાં સફળ થવાનું પહેલું પગથિયું એ કોઈનો હક છીનવીને ચઠવા નથી માગતો."
મિસ્ટર શાહ રાકેશની વાત સાંભળીને એનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. એ વાતને થોડા દિવસ વીતી ગયા પછી અચાનક એક દિવસ મિસ્ટર શાહનો રાકેશ પર ફોન આવ્યો. એમની કંપનીમાં એક ખૂબ જ સારી પોસ્ટ માટે એક જગ્યા ખાલી હતી જેના માટે એ રાકેશને લેવા માંગતા હતા. એમના તરફથી આવેલી એ ઓફર સાંભળીને રાકેશ ખૂબ જ ખુશ થઈ ગયો અને એણે ઓફર તરત જ સ્વીકારી લીધી. એણે ભૂતકાળમાં ખોટી રીતે નોકરી ના સ્વીકારવા ના લીધેલા નિર્ણય પર ગર્વ થયો.
