Purnendu Desai

Inspirational

4  

Purnendu Desai

Inspirational

દીકરીને પત્ર બાવીસમાં જન્મદિવસે

દીકરીને પત્ર બાવીસમાં જન્મદિવસે

3 mins
397



(પુત્રી પણ તું, દોસ્ત પણ તું, તું જ અમારી માતા)

જીવનસફરનું વધુ એક વર્ષ વીતી ગયું,  

ને એકદમ નિર્ધારિત રીતે, તારા જીવનનો વધુ એક પડાવ પણ આવી ગયો.

....બાળપણ ને જીવતું રાખી, ઘરનો ઉંબર વટાવીને, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને હવે વ્યવસાયિક દુનિયા તરફ જઈ રહી છો, બસ અહીંથી હવે આગળ અને આગળ જ વધવાનું છે અને એવા અમારા આશીર્વાદ પણ છે.

 ના...હું એવું બિલકુલ નહિ કહું કે તારા જીવનમાં કોઈ અડચણ ન આવે, કારણકે એ શક્ય નથી ને જો હોત તો દુનિયાના કોઈ માં-બાપ એમના સંતાનોના જીવનમાં કોઈ તકલીફ આવવા જ ન દેત, પણ હા એટલું ચોક્કસ કહીશ કે જીવનની કોઈ પણ ક્ષણે, કોઈપણ તકલીફમાં તારી આત્મસૂઝથી તું માર્ગ કાઢી શકે એવી કુનેહ કે શક્તિ ઈશ્વરે તને જરૂર આપી છે અને જીવનના દરેક તબક્કે અમે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી તારા પથદર્શક બની હંમેશા ઊભા છીએ, એક મજબૂત સહારો બનીને.

સલાહ, શિખામણ કે ખિજાવા ના પડાવ ને તે પાર કરી જ દીધો છે ને અમને ગર્વ છે કે અત્યાર સુધી અમારે એનો ખાસ ઉપયોગ પણ કરવો નથી પડ્યો.

હવે પછીના સમયમાં, તમારી જિંદગી કેમ જીવવી એ તમારે નક્કી કરવાનું છે, ઘણા તબક્કાઓમાં અમે સાથે નહીં હોઈએ ને તમારે જ જાતે નિર્ણયો લેવા પડશે, ત્યારે એક માં-બાપ તરીકે, અમારો અનુભવ તારી સાથે શેર કરીએ છીએ, તને જેટલું યોગ્ય લાગે એટલું તું લઈ શકે છે અને એને ન માનવાનો પણ તને પૂરો હક્ક છે.

.. તમારા વિચાર, આચાર, વાણી અને લીધેલા નિર્ણયો જ તમારા ભવિષ્ય ને નક્કી કરશે અને બીજાના મનમાં તમારી છબી ઊભી કરશે, માટે હંમેશા કોઈપણ નિર્ણય લેતા પહેલા ફક્ત દિલ કે ફક્ત દિમાગ થી ન વિચારતા બંને વચ્ચે બેલેન્સ રાખી નિર્ણયો લેવા.

....જીવન આનંદ કરવા માટે છે ને ભરપૂર જીવવા માટે છે...નિઃસંકોચ.. સમાજનો ડર રાખ્યા વગર અને તમારો અંતરાત્મા જેમ કહે તેમ જ જીવવું...જે ઉંમરે જે કરવાનું હોય, માણવાનું હોય એ માણી પણ લેવું, ઉંમર વીતી ગયા પછીનો અફસોસ કરવા કરતા એ સારું જ છે....સાથે સાથે તમારી શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક મર્યાદાઓ ને પણ ન ઓળંગવી.

....વિચારો અને દેખાવ વિશે સંપૂર્ણ સભાન અને સ્પષ્ટ રહેવું, દયાળુ પણ રહેવું અને જરૂર પડે લુચ્ચાઈ કરતા પણ શીખવું, બીજાને અને બીજાના વિચારોને પણ માન આપવું, હું જ સાચી છું એવો હઠાગ્રહ ક્યારેય ન કરવો, કોઈની વાતોમાં અંજાઈ પણ ન જવું, ચર્ચા અને દલીલના ફર્ક ને સમજવો. શબ્દોની કિંમત ને સમજવી એનો વેડફાટ બિલકુલ ન કરવો, શબ્દોમાં ક્યાં અને ક્યારે, કેટલું વજન આપવું, ક્યાં અને ક્યારે અટકવું એ કળા જીવનમાં હર મોરચે કામ આવશે. વિશ્વાસ બહુ જ મોટો શબ્દ છે....બધામાં વિશ્વાસ કરવો અને હકારાત્મક વલણ રાખવું... છતાં ભોટ ન બનવું....એક વાતમાં હંમેશા સચેત રહેવું કે..વિશ્વાસઘાત પણ ત્યાં જ થાય છે જ્યાં વિશ્વાસ હોય છે...પણ છતાં પણ જ્યાં સુધી સૃષ્ટિ છે ત્યાં સુધી ઈશ્વરને માણસ પર ભરોસો છે એ વાત યાદ રાખવી...બાળકનું જન્મવું કે ફૂલોનું ખીલવું એના બેસ્ટ ઉદાહરણો છે.

....અમે એવું ઇચ્છીએ કે અમારી ભૂલોમાંથી પણ તમે શીખો..જેથી તમે એનું પુનરાવર્તન ન કરો.

અમને, આજની તમારી આ 'યો' વાળી પેઢી પર પૂરો ભરોસો છે, તમારામાં સમયની સાથે પોતાની જાતને ઢાળવાની અને જવાબદારી લેવાની આવડત પર માન છે, તમે અમારું ભવિષ્ય છો અને જોઈ શકીએ છીએ કે અમારું ભવિષ્ય એક સુરક્ષિત પેઢીના હાથમાં છે.

....આખી વાતનો નિચોડ એટલો જ છે કે...ખુલ્લા આ આકાશમાં ઊડો.મન ભરીને ઉડો..પુરી તાકાતથી અને બધી જ શક્યતાઓ અને તકને ઝડપી ને ઉડો..માત્ર વિનય અને વિવેક જાળવીને ઉડો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational