દીકરી
દીકરી
પ્રસુતિની પીડાએ સોનુને હરાવી દીધી. આ ત્રીજી પ્રસુતિ વખતે તે બસ શરીરથી જ સહમત હતી. પ્રથમ બે દીકરીઓના જન્મથી તેને સંતોષ હતો પણ બકુલ માની ઈચ્છાને માન આપીને ને થોડે ઘણે અંશે પોતાની મહેચ્છાને લીધે ત્રીજી વખત સોનલને રાજી કરવામાં સફળ થયો હતો. બસ હવે છૂટકારો થયો ને રડવાનો અવાજ આવ્યો,ને કલાકમાં વિરમી ગયો એ અવાજ.
બને દીકરીઓના લગ્ન લેવાના હતા ને કન્યાદાન સોનલ એકલી કરશે એ શરતે જ લગ્ન ગોઠવાયા હતા. બહુ સરસ રીતે ભણેલી હતી બંને દીકરીઓ. આજે સોનલની આંખ સામે આવી ગઈ એ છૂટકારાની રાત જ્યારે બકુલ કહેતો હતો કે ' કાંઈ વાંધો નહીં દીકરી જ હતી, બહુ શોક કરમા'. ને સોનલ બંને દીકરીઓને લઈને નીકળી ગઈ એ અકળાવનારા ઘરમાંથી થીજી ગયેલા આંસુ સાથે. બકુલ જોતો રહ્યો તેની પીઠ તરફ બસ થીજી ગયેલ લાગણી સાથે.
