ધનતેરસ
ધનતેરસ


મિત્રો, આપણાં જીવનમાં આપણને ઘણીવાર કોઈ વ્યક્તિ, તેની કોઈ વસ્તુઓ, તેનો વૈભવ વિલાસ, તેની પ્રગતિ જોઈને ઇર્ષા થતી હોય છે, જે સ્વભાવિક પણ છે, પણ જ્યારે મને આવી કોઈ ઇર્ષા અનુભવાય તો હું તેને પોઝિટિવલી લઉં છું, હું અહી મારી સાથે બનેલ ઘટનાં વર્ણવું છું.
દિવાળીનો તહેવાર આવી રહ્યો હતો, હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે ધનતેરસનું ખુબ જ મહત્વ રહેલું છે, આ દિવસે લોકો સોનું લેતાં હોય છે, તો અમુલ લોકો પોતાની મનપસંદ નવી કાર કે બાઇકની પણ ખરીદી કરતાં હોય છે.
એક વર્ષ અગાઉની ધનતેરસને દિવસે મારા એક મિત્રએ મારુતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર કાર ખરીદી, જે મારા ઘરની બાજુમાં જ રહેતો હતો, આ જોઈને મને આનંદ તો થયો અને સાથે - સાથે મને થોડી ઇર્ષા પણ થઈ...એવામાં મારા પત્નીએ પણ મને પૂછયું કે, "આપણે ક્યારે નવી કાર લઈશું....?"
એ સમયે મારી પાસે મારી પત્નીએ મને પુછેલાં પ્રશ્નનો જવાબ હતો નહીં...આથી મેં તેને "આવતી ધનતેરસ પર આપણે નવી કાર લઈશું...!" - એવું કહી દીધું.
મિત્રો એ ધનતેરસથી માંડીને આ ધનતેરસ સુધીમાં મેં મારો વધારાનો જે કંઈ ખર્ચો હતો તે ઓછો કરી નાખ્યો, અને જાણે એક વર્ષ માટે મેં મોજ - શોખ કરવાનું જ બંધ કરી દીધું.
આ ધનતેરસ સુધીમાં મારી પાસે સાત લાખ રૂપિયા સુધીની બચત થઈ, આથી હું ધારત તો મારી પસંદગીની કાર એટલે કે સ્વીફ્ટ ડિઝાયર રોકડેથી લઈ શકુ તેમ હતો, પરંતુ મિત્રો જ્યારે આપણને કોઈ પ્રત્યે ઇર્ષા થાય ત્યારે આપણું મગજ કામ કરવાનું ઓછું કરી દે છે..અને આપણે તાત્કાલિક અમુક નિર્ણયો લઈ લેતાં હોઈએ છીએ, જેના ભવિષ્યમાં આપણે ખરાબ પરિણામ ભોગવવાની નોબત પણ આવતી હોય છે.
પરંતુ મને જે ઇર્ષા થઈ હતી તેને મેં પોઝિટિવલી લીધી અને મારી પાસે જે સાત લાખ રૂપિયા બચત થઈ હતી તેમાંથી એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કર્યું, અને બાકીનાં 6 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝીટમાં મૂકી દીધા...અને આ ફિક્સ ડિપોઝીટનું જે કંઈ વ્યાજ આવતું હતું, તેમાંથી મને કારનાં હપ્તા ભરવામાં પણ ઘણી સરળતા રહી...! અને મેં મારી પત્નીને આ ધનતેરસ પર કાર લેવાનું જે વચન આપેલ હતું તે વચન પણ પૂરું કર્યું.
મિત્રો આપણને ઇર્ષા થાય તે સ્વાભાવિક છે, અને દેખાદેખીમાં આપણે આગળ - પાછળનો પણ વિચાર કરતાં નથી હોતાં, માટે જ્યારે ઇર્ષા થાય ત્યારે મગજ શાંત અને કાબુમાં રાખીને જ કોઈ નિર્ણય લેવો...પછી એવું ના બને કે જેને લીધે આપણે ભવિષ્યમાં મુશ્કેલીઓ વેઠવી પડે.