Arjunsinh Raulji

Inspirational Others

4.8  

Arjunsinh Raulji

Inspirational Others

ખુદા દેતા હૈ તો

ખુદા દેતા હૈ તો

9 mins
878


કંદર્પે સમય સૂચકતા ના વાપરી હોત તો હમણાં જ તેનો અને પાછળ બેઠેલા પેસેંજરનો ઘડો-લાડવો થઇ જાત. એકદમ પૂરપાટ વેગે રોંગસાઈડમાંથી આવેલી ટ્ર્ક તેની રીક્ષાનો કચ્ચરઘાણ કાઢી નાખત. આમ તો કંદર્પ પોતે પણ વિચારોમાં જ હતો, વિચારોમાં શાનો ? ચિંતામાં જ કહોને ! અને એકાએક તેનું ધ્યાન રોંગસાઇડમાંથી આવતી ટ્ર્ક ઉપર પડ્યું. તેણે રીક્ષાને નેવું અંશના ખૂણે વાળીને બચાવી લીધી પાછળ એટેચી લઇ બેઠેલા ભાઇ રજનીકાંત તો બોલ્યા પણ ખરા 'અરે ! ભાઇ ધીરે શાંતિથી રીક્ષા ચલાવો તમે તો મરશોજ પણ સાથે મારા જેવો નમાણિયો પણ કૂટાઇ મરશે. હજુ તો મારે દિકરી પરણાવવાની છે, ઉતાવળ તો મારે પણ છે પણ તે જીવના જોખમે નહીં.! મેં તમને કહ્યું કે 'મારે ઉતાવળ છે ,જલ્દી ચાલો ? ન. માટે ખોટી ઉતાવળ ના કરશો ભાઇ ..પ્લીઝ ઘેર તમારાં બીવી-બચ્ચાં પણ રાહ જોતાં હશે ..પ્લીઝ.


કંદર્પને કહેવાનું મન થયું કે –સાહેબ , ઉતાવળ તો મારે પણ છે. મારો એકનો એક દિકરો જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે, તેની ચિંતા પણ છે. પણ હું રીક્ષા ચલાવવામાં ઉતાવળ કરી ગફલત કરું એવો નથી. પણ આમ અજાણ્યા માણસ પાસે પોતાના ઘા ખુલ્લા કરવાનો શું અર્થ ? વિચારી તે ચૂપ રહ્યો. માત્ર એટલું જ બોલ્યો –'સાહેબ ,આપણો કોઇ વાંક નથી. એ ટ્રક જ રોંગ સાઇડથી આપણી ઉપર ધસી આવી એટલે આપણે શું કરી શકીએ ? છેલ્લી મિનિટે મારી નજર પડી એટલે મેં રીક્ષાને એકદમ વાળી લીધી. બચી ગયા આપણે બંને ! ભગવાને બચાવી લીધા બાકી ..આજે તો આપણા બંનેના રામ રમી જાત ! રજનીકાંતને તેની વાત સાચી લાગી. તે કંદર્પના ચહેરા સામે તાકી રહ્યા અને વિચારોમાં ખોવાઇ ગયા.


તીર્થ કંદર્પનો એકનો એક દિકરો હતો. લાડકવાયો લાડકોડમાં ઉછરેલો. પાણી માગે તો તેની સેવામાં દૂધ હાજર થઇ જતું. તે પોતે રીક્ષા ફેરવતો હતો તેમ છતાંય દિકરાને તો રાજકુમારની માફક જ ઉછેર્યો હતો. તેને કોઇ વાતની ખોટ પડવા દીધી નહોતી. તે પોતે તકલીફો વેઠતો હતો, ફાટેલાં થીગડાંવાળાં કપડાં પહેરતો હતો, તેની ઘરવાળી પણ જુની સાડીઓથી ચલાવી લેતી હતી પણ દિકરા તીર્થને તો તે નવાં તેને ગમતાં કપડાં લઇ આપતો હતો. કોલેજમાં ભણતો હતો એટલે પેટે પાટા બાંધીને પણ તેને બાઇક લઇ આપી હતી. બાઇકના હપ્તા તે ભરતો હતો, હપ્તા ભરવામાં પૈસા ખૂંટતા હોય તો કોઇ કોઇ વાર રાતપાલી પણ રીક્ષા ચલાવતો હતો. તીર્થને એવું લાગવા દેતા નહોતાં કે તે ગરીબ મા બાપનો દિકરો છે. તેની પત્ની પણ ચાર-પાંચ ઘરનું કામ કરતી હતી કચરાં-પોતાં અને વાસણો ! પણ એ લોકો તીર્થની બધી જ ઇચ્છાઓ પૂરી કરતાં હતાં.


તેમના એ લડકવાયા તીર્થને ગઇકાલ સાંજે ટ્યુશન ક્લાસમાંથી આવતાં ભયંકર એક્સિડન્ટ થયો હતો. સામેથી આવતી બાઇક સાથે એ અથડાયો હતો. જમણી બાજુ પડી ગયો હતો. માથામાં જમણી બાજુ વધારે વાગ્યું હતું. જમણી આંખ ઉપર જબરજસ્ત સોજો આવી ગયો હતો, જમણી આંખ ખુલતી નહોતી. તે પોતે બેભાન હતો. હાથપગ પણ હલાવી શકતો નહોતો. ડોક્ટરે તેને આઇ.સી.યુ.માં રાખેલો હતો અને ક્યાં સુધી આઇ.સી.યુ.માં રાખવો પડશે તે નક્કી નહોતું .સીટી સ્કેન કરાવ્યો હતો, એમ.આર.આઇ. પણ કઢાવ્યો હતો. મગજમાં લોહી લઇ જતી ધોરી નસ ડેમેજ થઇ ગઇ હતી. મોટાભાગે ઓપરેશન જ કરવું પડે એમ હતું. ડોક્ટરે બોતેર કલાકની મહેલત આપી હતી. જો બોતેર કલાક વિના વિઘ્ને પસાર થઇ જાય તો પછી કોઇ વાંધો નહોતો. તે આઉટ ઓફ ડેન્જર હતો. પણ આ બોતેર કલાક જ મહત્વના હતા !


તેમાંથી બાર કલાક તો પસાર થઇ ગયા હતા પણ, કંદર્પને જે ચિંતા હતી તે પૈસાની ચિંતા હતી. ડોક્ટરે કહ્યું હતું કે ઓપરેશન કરવું પડશે. નસનું ઓપરેશન હતું એટલે તેમાં જોખમ પણ એટલું જ હતું. અને કાઢી નાખતાં પણ ઓછામાં ઓછો લાખ રુપિયા ખર્ચ થાય તેમ હતું. તેના કરતાં વધારે થાય પણ તેના કરતાં ઓછો ખર્ચ થવાની તો કોઇ શક્યતા જ નહોતી. ડોક્ટર પોતાની ફી તો ગણતા જ નહોતા, બહુ સેવાભાવી હતા ડોક્ટર ! પણ કંદર્પ માટે તો આ રકમ પણ ઘણી મોટી હતી. તેની પાસે ન તો કોઇ બચત હતી કે ના દાગીના હતા. બીજી પણ કોઇ સ્થાવર કે જંગમ મિલ્કત નહોતી કે જેના અવેજમાં તે લાખ રુપિયા મેળવી શકે ! અને એટલે જ તેને ચિંતા હતી કે ક્યાંક પૈસાના અભાવે તેને દિકરો ગુમાવવાનો વખત ના આવે ! તેનો લાડકવાયો તીર્થ ! તેને પોતાના જીવ કરતાં પણ વધારે વહાલો હતો. તીર્થ પોતે પણ મા-બાપની કેટલી બધી લાગણી કરતો હતો ! તે વખતે તેને ટાઇફોઇડ થયો હતો અને દવાખાનમાં દાખલ કર્યો હતો ત્યારે પહેલા દિવસે રાત્રે તાવ ચઢ ઉતર થયા કરતો હતો. ત્યારે તીર્થજ દવાખાનામાં રહ્યો હતો. તેની મમ્મીને પણ રહેવા દીધી નહોતી. આખી રાત તેણે બાપના માથે પોતાં મૂક્યાં હતા. આંખનું મટકું પણ માર્યું નહોતું.આવા દિકરા તો પેલા ભવમાં પુણ્ય કર્યાં હોય તો જ મળે.


આખા દિવસનો થાકેલો હોય ,વાંચવાનું હોય તો પણ તે રાત્રે અડધો કલાક તો પપ્પાના પગ દાબેજ કંદર્પ ના પાડે તો પણ ! ગયા વેકેશનમાં તેની કોલેજમાંથી નેપાળની ટુર ગઇ હતી. પપ્પા પૈસા ક્યાંથી લાવશે એવું વિચારી તેણે ટુરમાં જવાનું તો માંડીજ વાળ્યું હતું. પણ ટુરમાં જવાની વાત પણ ઘરમાં કરી નહોતી. કે કદાચ પપ્પા જાણશે તો સગવડ નહીં હોય તો પણ પૈસાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરશે. કંદર્પને તો ખબર પણ ના પડત પણ એ તો કોલેજ જતો નહોતો એટલે કંદર્પને શંકા પડી કે તીર્થ કોલેજ કેમ જતો નથી ! આથી તેણે પૂછ્યું તો જાણવા મળ્યું કે .કોલેજની ટુર ગઇ છે એટલે કોલેજમાં લેકચર નથી. આવો માબાપની લાગણી કરનારો દિકરો જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો હતો. તેને કોઇપણ હિસાબે બચાવવાનો હતો –ગમે તે રીતે એક લાખ રુપિયાની વ્યવસ્થા કરવાની હતી પણ કેવી રીતે વ્યવસ્થા કરવી તેનો કોઇ માર્ગ કંદર્પને દેખાતો નહોતો. પત્નીનાં થોડાંઘણા દાગીના હતા પણ તે તો વેચીને તેણે રીક્ષા લીધી હતી ! શું કરવું ?-તેની કોઇ સમજ કંદર્પને પડતી નહોતી. તે બહાવરો બની ગયો હતો. ખાવા-પીવાનું પણ કાંઇ ભાન નહોતું. ખાવાનું ભાવતું જ નહોતું,જાણે કે લોચા વળતા હતા. જ્યારથી તીર્થને આઇ.સી.યુ.માં દાખલ કર્યો હતો ત્યારથી તેણે અનાજનો એક પણ દાણો મોંમાં મૂક્યો નહોતો. આંખોની નીંદર પણ વેરણ થઇ ગઇ હતી અને ક્યાંથી ઉંઘ આવે ? પોતાનો એકનો એક લાડકવાયો દિકરો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય તો ક્યા બાપને ઉંઘ આવે ? ગઇકાલે તો તે અને તેની પત્ની આખી રાત જાગ્યાં હતાં. દવાખાનાના વેઇટીંગ રુમમાં બેસી રહ્યાં હતાં અને એજ વિચારતાં હતાં કે એક લાખ રુપિયાની વ્યવસ્થા કેવી રીતે કરવી ? તેમણે બધી જ શક્યતાઓ વિચારી જોઇ હતી પણ કોઇ ઉકેલ મળતો નહોતો. સવાર સવારમાં પણ તે રીક્ષા લઇ એટલે જ નીકળી પડ્યો હતો કે રખેને કોઇ ઓળખીતું મળી જાય અને તેને રસ્તો બતાવે. તે દવાખાના તરફ જ જઇ રહ્યો હતો અને પેસેન્જર મળી ગયું-રજનીકાંત.


'બસ ભાઇ',કંદર્પ વિચારોમાં જ હતો અને પાછળથી રજનીકાંત બોલ્યા. તેણે જોરથી બ્રેક મારી, રીક્ષા ચુ..ર..ર અવાજ સાથે ઉભી રહી એટલે રજનીકાંત દોડીને સામે દેખાતા ‘શ્યામસદન‘માં ઘુસી ગયા. કંદર્પે રીક્ષા દવાખાના તરફ વાળી. દવાખાનું આવતાં જ તેણે રીક્ષા ઉભી રાખી અને રીક્ષામાંથી ઉતરીને તે દવાખાનામાં પ્રવેશવા જ જતો હતો ત્યાં રીક્ષાની પાછલી સીટ ઉપર તેની નજર પડી. રજનીકાંત એટેચી ભુલી ગયા હતા. તેણે એટેચી ખોલીને જોયું તો આશ્ચર્યથી તેની આંખો પહોળી થઇ ગઇ. આખી એટેચી પાંચસો પાંચસોની નોટોથી ભરેલી હતી. ઓછામાં ઓછા પાંચથી છ લાખ રુપિયા હશે. ઘડીભર તો તેના મનમાં હાશ થઇ ગઇ કે ચાલો પૈસાની ચિંતા હલ થઇ ગઇ. ભગવાને તેના તરફ જોયું ખરું ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. ચાલો હવે તીર્થનું ઓપરેશન વિના વિઘ્ને થઇ જશે અને તેનો તીર્થ બચી જશે ! માત્ર એક જ સેકન્ડ આ વિચાર આવ્યો. એક જ સેકન્ડ હાશ થઇ, પણ બીજી જ સેકન્ડે આ વિચારનું બાષ્પીભવન થઇ ગયું. આ પૈસા ઉપર તેનો અધિકાર છે ખરો ? આ હરામના પૈસાથી થયેલ તેના દિકરાનું ઓપરેશન સફળ થશે ખરું ! તેનો તીર્થ આ પૈસાથી નવું જીવન મેળવી શકશે ખરો ? ના..ના.. આ પૈસા જો ઓપરેશનમાં વપરાશે તો તીર્થ બચતો હોય તો પણ નહીં બચે ! આ પૈસા ઉપર તેનો કોઇ જ અધિકાર નથી .તીર્થના ઓપરેશન માટે પૈસાની સગવડ થાય કે ના થાય –એ ગૌણ બાબત હતી પણ આ પૈસા ઓપરેશનમાં ના વપરાય ! તેના મનના જાણે કે બે ભાગ પડી ગયા હતા.એક ભાગ આ પૈસા લેવાની ના પાડતો હતો તો બીજો ભાગ દલીલ કરતો હતો કે તેં ક્યાં ચોરી કરી છે કે ધાડ પાડી છે ? માટે આ હરામના પૈસા ના ગણાય ! ભગવાને સામે ચાલીને તને આ પૈસા પહોંચાડ્યા છે. દિકરાના ઓપરેશન માટે. તેમાં કશું ખોટું નથી. ઓપરેશન સારી રીતે પતી જાય પછી એ પેસેન્જરને મળી આવવાનું એટેચીમાં તેનું એડ્રેસ તો હશે જ ! વધેલા પૈસા તેને પાછા આપી આવવાના અને બાકીના પૈસા પણ હું પાછા આપી દઇશ. એવી હૈયાધારણ આપવાની ! એમાં શું ખોટું છે ? પણ તેનું મન કબુલ કરતું નહોતું. આખરે તેના મનના ઇમાનદાર ભાગનો વિજ્ય થયો. તે એટેચી લઇ, રીક્ષામાં બેઠો. રીક્ષા સ્ટાર્ટ કરી અને ‘શ્યામસદન પહોંચી ગયો .ત્યાં લોબીમાં જ પેલા પેસેન્જર રજનીકાંત બેઠા હતા. માથે હાથ મૂકી તે રડવા જેવા જ થઇ ગયા હતા. તેને ખ્યાલ આવી ગયો કે નક્કી તે પૈસા ગુમાવ્યાના શોકમાં જ છે. તેણે જઇને તેમના હાથમાં એટેચી આપી. ઘડીભર તે તેના તરફ તાકી રહ્યા. તેમની આંખમાં આંસું આવી ગયાં. અને કંદર્પને કાંઇ પણ કહ્યા વિના તેઓ અંદર દોડી ગયા.


કંદર્પ નિરાશ થઇ ગયો. તેને હતું કે તેઓ તેને ઇનામ આપશે 'કંઇ કામકાજ હોય તો કહેજો'એવું કહેશે તો પોતે પોતાના પુત્રના ઓપરેશનની વાત કરશે. મદદ માટે વિનંતી કરશે, પણ એવું કાંઇ બન્યું નહીં. તેને ઘડીભર તો મનમાં થઇ ગયું કે ભલાઇનો તો કોઇ જમાનો જ નથી રહ્યો ! તે ઉંચા મને આખો દિવસ આમતેમ ભટકતો રહ્યો. પણ કોઇ જ્ગ્યાએથી પૈસાની વ્યવસ્થા થઇ શકી નહીં.


સાંજે છ વાગ્યે દવાખાનામાંથી તેની પત્નીનો ફોન આવ્યો કે હવે અત્યારેને અત્યારે જ તીર્થનું માથાનું ઓપરેશન કરવાનું છે. તમે જલ્દીથી દવાખાને પહોંચો. પૈસાની વ્યવસ્થા તો થઇ નહોતી. હવે શું થશે ? તેની ચિંતા તો હતી, તેવામાં તે અધ્ધર જીવે જ દવાખાને પહોંચ્યો.


 તે દવાખાનામાં પહોંચ્યો ત્યારે તીર્થ તો ભાનમાં નહોતો જ આવ્યો પણ તેને ઓપરેશન માટે લઇ જવાની તૈયારીઓ ચાલતી હતી. તેને હતું કે તીર્થને ઓપરેશનમાં લઇ જતાં પહેલાં હોસ્પીટલનો સ્ટાફ અને ડોક્ટર પોતે પણ પૈસાની ઉઘરાણી કરશે, પણ એવું કાંઇ બન્યું નહીં. તે અને તેની પત્ની અધ્ધર જીવે ઓપરેશન થિયેટરની બહાર આંટા મારતાં રહ્યાં. જેવી પડશે તેવી દેવાશે એવો વિચાર તેણે કર્યો હતો. લગભગ ચાર કલાકના ઓપરેશન બાદ ડોક્ટર હસતા ચહેરે બહાર આવ્યા, "કોંગ્રેચ્યુલેશન્સ કંદર્પભાઇ તમારા દિકરાનું ઓપરેશન સકસેસ છે અને તમારો દિકરો હવે આઉટ ઓફ ડેન્જર છે" ડોક્ટરે કહ્યું. તે ડોક્ટરના પગે પડી ગયો. સર, તમારા પૈસા હું દુધે ધોઇને તમને આપી દઇશ. તેણે રડતાં રડતાં કહ્યું.


ડોક્ટર ઘડીભર તેની સામે તાકી રહ્યા. પછી બોલ્યા, ”તેની કોઇ જરુર નથી ભાઇ. તમારા જેવા ઇમાનદાર માણસને મેં મદદ કરી એજ મારા માટે મોટો સિરપાવ છે. તમે જે પાંચ લાખ રુપિયા પરત કર્યા એ રજનીકાંત મારા મોટાભાઇ છે અને તેમની દિકરીના લગ્ન માટે તેઓ દાગીના ઘડાવવા જ આવ્યા છે. તેઓ ખેતર વેચીને પૈસા લાવ્યા હતા. ખૂબ જ સ્વમાની માણસ છે. મારી પાસેથી પણ મદદ લેવાની તેમણે ના પાડી હતી. તેમના પૈસા પરત આપીને તમે અમારા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે એ ઉપકારના બદલામાં હું મારી ફી અને ખર્ચો ના છોડી શકું ? તમારા જેવા ઇમાનદાર માણસોના કારણે તો હજુ પણ માણસજાત હયાત છે. મારે એક પણ પૈસો લેવાનો નથી. સમજો કે મેં તમને નહીં પણ આ રીતે મેં મારા મોટાભાઇને જ મદદ કરી છે. આ મેં તમારા ઉપર કોઇ ઉપકાર કર્યો નથી, પણ મારી જાત ઉપર જ ઉપકાર કર્યો છે. નહીંતર મને લાગત કે મારા મોટાભાઇને મેં કોઇ મદદ ના કરી પણ.” ડોક્ટરની આંખમાં પણ ઝળઝળિયાં આવી ગયાં.

સાચી વાત છે કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational