Hitakshi buch

Drama Inspirational

4  

Hitakshi buch

Drama Inspirational

ડિનર ડેટ

ડિનર ડેટ

5 mins
14.8K


"ચૈતસી તું શું કહી રહી છે ? આવું તો કોઈ દિવસ બને ?" ચૈતસી ફ્લેટના પાર્કિગમાં હતી અને સામેથી આવતી કુંજલે તેના પર અચાનક જાણે કે જડતી લેતી હોય એમ બોલી ઉઠી.

ચૈતસીને આ વાતની જાણ હોય એમ કશું જ બોલ્યા વગર પાછળ ફરીને બોલી, "હમ્મ..."

"શું હમ્મ... હું તારી વાત માનવા તૈયાર નથી. હવે મને ફોડ પાડીશ કે સાચું શું છે... તું અને કૈતવ જ જાવ છો ને ? બોલ ને મારો અંદાજો સાચો છે...

"તારે મને કહેવું ન હતું તો કંઈ નહીં પરંતુ આવું બહાનું કેમ.. તે મને હર્ટ કરી છે હો." વાત કઢાવવા અથાગ પ્રયત્ન કરતી કુંજલ ત્યાં જ ઉભી રહી.

"કુંજલ તને નથી લાગતું તું કંઈક વધુ પડતું રીએક્ટ કરી રહી છે. હા આપણે સારા મિત્રો છીએ પરંતુ મને લાગે છે..."

"તને લાગે છે આ તારા ઘર ની વાત છે એમ જ ને." આ વાક્ય કુંજલે ચૈતસી પાસેથી કોણ જાણે કેટલીવાર સાંભળ્યું હશે કે હવે તો એને પણ ખબર હતી કે એ આજ બોલશે.

"હા કુંજલ એજ.. કોણ જાણે કેટલીય વાર મેં તને કહ્યું છે પરંતુ તું તો ઠેર ની ઠેર જ છે. સારૂં સાંભળ... તું જે માને છે એ ખોટું છે અને મેં જે કહ્યું તું ને એજ સાચું છે સમજી."

ચૈતસીનું વાક્ય હજી તો પૂરું થાય ત્યાં તો જાહનવીબેન નીચે આવીને ઉભા રહ્યાં. રંગે જરા એવા શ્યામવર્ણ પણ એકદમ ભપકાદાર વ્યક્તિત્વ. સ્વભાવે હસમુખા. એમને જોતા કોઈ એમની ઉંમરનો અંદાજ લગાવી શકે નહીં.

પોતાની યુવાનીમાં મિસ ગુજરાત રહી ચૂકેલા જાહનવીબેન હમેશાં ચૈતસીને કહેતા બેટા આપણી પર્સનાલિટી એવી હોવી હોઈએ કે સામેવાળા અંજાઈ જાય.

ચૈતસી પરણીને આવી ત્યારે એકદમ સાદી સીધી. કોઈ દિવસ મેકઅપને હાથ પણ નહોતો લગાડ્યો. અહીં આવી જાહનવીબેન સાથે રહી બધું શીખી ગઈ.

હા.. મમ્મી ચાલો.. આઈ એમ રેડી...

જાહનવીબેન ગાડી પાસે આવી ઉભા રહ્યાં.

"નમસ્તે આન્ટી.. તમે ખરેખર ચૈતસી સાથે..." કુંજલ થોડીવાર માટે જાણે કે આભી જ બની ગઈ હતી.

"શું...? કંઈક સમજાય એવું બોલ બેટા. કોઈ પ્રશ્ન છે જે તું મને નહિ ખાલી ચૈતસીને કહેવા માંગે છે ?" ચૈતસીને લાગ્યું કે આખી વાત આડે પાટે ચડે એ પહેલાં રોકી દેવી જોઈએ.

"મમ્મી ના, ના... તમે સમજો છો એવું કંઈ નથી. તમે તો જાણો છો ને કુંજલને, નાની અમથી વાતને કેવું મોટું સ્વરૂપ આપી દે છે. બસ આજે પણ એજ થયું છે."

"ઓહ... કેમ કંઈ વાતનું બહેશ્રીએ વતેસર કર્યું છે જરા મને પણ ખબર તો પડે."

"આન્ટી હું ચૈતસીને કાલની પૂછી રહી છું કે એ કોની સાથે જવાની છે. પરંતુ મને ચીડવવા કહે છે કે મમ્મી સાથે... એવું તે કેવું."

જાહનવીબેનને આખી વાતનો ચિતાર મળી ગયો હોય એમ ચહેરા પર હળવી મુસ્કાન સાથે બોલ્યાં, "અચ્છા તો આ વાત છે... બેટા ચૈતસી એકદમ સાચું જ કહે છે.. આજે... અલબત્ત બસ અત્યારે અમે બન્ને જ જઇ રહ્યાં છીએ. હું એટલે જ તો ફટાફટ તૈયાર થઈને નીચે આવી છું. આ ચૈતસી મારા કરતાં સારી દેખાયને એટલા માટે મને ખૂબ જ ઉતાવળ કરાવી છે હો." ચૈતસી અને જાહનવીબેન હસી પડયાં.

કુંજલ સ્થિત પ્રજ્ઞ થઈને બોલી, "પણ.... ચૈતસી તું તો કહેતી હતીને કે "ડેટ" પર જવાની છે તો..."

"હા બિલકુલ. હું ડેટ પર જ જઈ રહી છું. ફરક માત્ર એટલો જ છે કે કૈતવની સાથે નહીં પણ મમ્મીની સાથે."

"આવું તે કેવું...! ડેટ પર તો પતિ, બોયફ્રેન્ડ કે પછી કોઈપણ પુરૂષ સાથે જ જવાય ને... આમ સાસુ સાથે...? ભઈ મને તો આ ના સમજાય. સાસુ સાથે તો માત્ર રસોડે કે પછી શાક માર્કેટ જ જવાય."

"ના બેટા કુંજલ. અમારા સંબધો કંઈક અલગ, અલબેલા છે. અમે ભલે સાસુ-વહુનો સંબધ ધરાવીએ છીએ પરંતુ હું એની સાસુ થવાને બદલે મિત્ર થવાનું વધુ પસંદ કરીશ.

એક સાસુ વહુ કેમ ડેટ પર ન જઇ શકે ? મારા મતે તો દરેક સાસુએ એની વહુને ડેટ પર લઇ જવી જ જોઈએ. આના લીધે સંબધ વધુ મજબૂત બને છે. રોજ બરોજની જિંદગીમાંથી બહાર નીકળીને આવું કંઈક કરવાથી બંનેને તાજગી અનુભવાય છે. ક્યારેક પરિસ્થિતિઓના કારણે આવતી કડવાશ પણ આમ કરવાથી દૂર થાય છે. આ એક એવો સમય છે જ્યારે સાસુ અને વહુ બને દિલ ખોલીને એકબીજાની વાતો સમજવાનો અને સ્વીકારવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રી લગ્ન પહેલાં પોતાની માતા સાથે આવો સમય અચૂક વિતાવતી હોય છે તો લગ્ન પછી સાસુ સાથે શા માટે નહીં? સાસુ તરીકે મને લાગે છે કે હું જેટલી સહુલીયત આપીશ તથા વહુને સાસુ બની નહિ પણ એક દોસ્ત બની એની સાથે રહીશ તો એ પણ ઘર અને પરિવારને સારી રીતે અપનાવશે. હા, હું ચોક્કસપણે એ પણ માનું છું કે સાસુએ મા બનવાની જરૂર નથી. માત્ર મિત્ર બની ઘર સંસારને આગળ ધપાવવાની જરૂર છે. આજના આધુનિક જમાનામાં જ્યારે વહુ ઘર અને નોકરીની સાથે એક નવા કુટુંબને અપનાવી આગળ વધતી હોય તો સાસુ પણ એ કરે જ છે.

આપણે ત્યાં હજી એવી માન્યતા છે કે સાસુ અને વહુ આવી રીતે ખાલી પોતાની સાથે છતાં બંને એકબીજા સાથે રહી ક્વોલિટી સમય પસાર કરે એવું શક્ય નથી. પરંતુ હું માનું છું કે બંને વચ્ચે મનમેળ બેસાડવા માટે આવું કરવું જરૂરી છે. આજે ચૈતસી પાંચ ડગ આગળ વધે છે તો મારે પણ બે ડગ વધવું જ જોઈએ. ખરેખર જુઓ ને તો ક્યારેક આવી ડેટ કુટુંબને હસતા રમતા સાચવવા માટે અને ખીલવવા માટે જરૂરી છે. ચોરે ચૌટે બેસી ને એકબીજાની નિંદા કરી

સંબંધોમાં તિરાડ ઉભી કરવી એ ક્યાંનો ન્યાય છે?

કહેવાય છે ને કે પતિના મન સુધી પહોંચવાનો રસ્તો એના પેટ સુધી છે તો હું એવું માનું છું કે સાસુ વહુના સુમેળ સંબંધોનો રસ્તો આવી નાની ડેટ છે."

"આન્ટી ખરેખર આજે મને સમજાયું કે તમારા સંબધો કેમ આટલા સરળ અને મીઠાશથી ભરપુર છે. હું પણ આજ દિશા તરફ આગળ વધવા પ્રયત્ન કરીશ." કુંજલે કહ્યું.

"બિલકુલ બેટા..." ચૈતસી સામે જોતા જહ્નાવીબેને કહ્યું, "ચાલો વહુજી આપણે પ્રસ્થાન કરીએ. આપણને "ડિનર ડેટ" માટે મોડું થઈ રહ્યું છે."

ત્રણેય ખૂબ જોરથી હસી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama