ઢીલ
ઢીલ
એક સાધુની પાસે એક યુગલ આવ્યું અને બંને વચ્ચે થતા ઝઘડા નિવારવા માટે વિનંતી કરી. બંને વચ્ચે કઈ બાબતે માથાકૂટ થાય છે, ઝઘડા કેમ વકરે છે એની વિગતવાર વાત સાધુએ તે યુગલ પાસેથી સાંભળી અને પછી કંઈ પણ બોલ્યા વગર યુવાનની પાસે તેમણે તેનો રૂમાલ માગ્યો. યુવાને પોતાનો રેશમી રૂમાલ સાધુને આપ્યો એટલે તે રૂમાલમાં એક પછી એક ગાંઠ વાળવા લાગ્યા. એક પછી એક ગાંઠ વાળતા સાધુને જોઈને યુગલ આશ્ચર્યમાં પડી ગયું. તેમને સમજાયું નહીં કે સાધુ કોઈ ઉપદેશ, કોઈ સલાહ, કોઈ ઉદાહરણ આપવાને બદલે રૂમાલમાં ગાંઠો શા માટે વાળી રહ્યા છે ? થોડી ગાંઠો વાળી લીધા પછી સાધુએ યુગલને રૂમાલ જોવા માટે આપ્યો અને કહ્યું, ‘એને જરા ધ્યાનથી તપાસી જુઓ. તમારો જ રૂમાલ છેને ?’
યુગલે હા પડી એટલે સાધુએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘આ એ જ રૂમાલ છે જે તમે મને આપ્યો હતો ?’
યુગલે જવાબ આપ્યો, ‘મહારાજ, રૂમાલ અમે આપ્યો હતો એ જ છે.’
સાધુએ વળી નવો પ્રશ્ન પૂછ્યો, ‘રૂમાલ જેવો હતો એવો જ છે ?’
‘ના મહારાજ, રૂમાલ જેવો આપ્યો હતો એવો નથી. એમાં ગાંઠો છે.’ યુગલે ઉત્તર આપ્યો.
સાધુએ રૂમાલ પોતાના હાથમાં લઈને એને બંને છેડેથી ખેંચવા માંડ્યો અને બોલ્યા, ‘આપણે આ ગાંઠો કાઢી નાખીએ અને રૂમાલને ફરી હતો એવો જ કરી દઈએ.’
યુગલે તરત જ પ્રત્યુત્તર આપ્યો, ‘મહારાજ, આમ ખેંચવાથી ગાંઠો નહીં છૂટે. એ તો ઊલટી વધુ મજબૂત બનશે. પછી એને ખોલવી પણ ખૂબ જ મુશ્કેલ બનશે. ગાંઠો ખોલવી હોય તો એને બરાબર તપાસીને ઢીલી કરવી પડે. તો ગાંઠો ખૂલે.’ સાધુએ મર્માળું હસતાં ઉત્તર આપ્યો, ‘હું પણ તમને એ જ સમજાવવા માગું છું કે સંબંધોમાં પડેલી ગાંઠો ઉકેલવી હોય તો ઢીલ મૂકવી પડે.’
