દધીચિ.
દધીચિ.
હું આજે ૫૮માં વર્ષ સુધી પહોંચીને એ જ વિચારી રહ્યો છું, કે આખરે મારા આ જગતમાં આવવા પાછળનો હેતુ શું હશે ? જો આ સૃષ્ટિમાં ભગવાનનું તત્વ હોય તો ૭૦૦ કરોડ લોકો જીવનમાં દરેક સ્તરે સંઘર્ષ તો કરે જ છેને ! તેમ છતાં દુનિયાની નજરે તો લાખોમાંથી એક જ સફળ થાય છે.કદાચ ઈશ્વર,અલ્લાહ, ગોડ તમારે નામ જે આપવું હોય તે આપો ૯૯,૯૯૯ લોકો તો
એક પાણીના પરપોટા જેવું ક્ષણ ભંગુર, સંઘર્ષમય જીવન જીવીને રાખમાં પાછા ભળી જાય છે ! હું મારી જ વાત કરું.કચ્છના એક સાવનાના ગામના ખેડૂતનો હું દીકરો સૂકી જમીન અને આકાશી ખેતીમાં તો કોઈ ગરીબી ફિટે એવું તો મારા બાપા એ નો'તા કમાતા! તોય ગામની ધુળીયા નિશાળમાં અમને પોતાનું પેટ કાપીને ભણાવતા ! હું કાંઈ ભણવામાં ખાસ હોંશિયારનો તો, પણ તોય ખેંચે રાખ્યું અને ૧૯૮૦ના સાલમાં ભુજ આવીને કોલેજમાં ભણવા આવ્યો!
બાપા એ ક્યાં થી પૈસા કાઢ્યા એ આજ સુધી ખબર પડી નથી ! ધક્કા ખાઈ, ખાઈને બી. એસ.સી.થયો.તેમાં ગણિત સાથે તો પહેલાથી દુશ્મની,એટલે રસાયણ વિજ્ઞાન સાથે પાસ થવા જેટલા માર્ક મળ્યા હો! પછી જ્યારે નોકરી મેળવવાના પ્રયાસ કર્યા ત્યારે ખબર પડી કે બધે ઠેકાણે લાગવગ રૂપિયાનું જ જોર છે. એક સાંધો ત્યાં તેર તુટે એવા સમાચાર જાણીને જાણે મારા બાપાની જીજીવિષા તૂટી ગઈ હતી એટલે એ પણ ખેતીમાં ધૂળ ખાતાખાતા ધૂળ ભેગા થઈ ગયા!
હું તો આમેય પીઠબળ વગરનો હતો, આજે છત્ર વગરનો થઈ ગયો ! માં તો જીવતી હતી પણ ભુજમાં કયાં રાખું ? હું તો છાત્રાલયમાં અનેક મુસીબતો સહન કરીને રહેતો હતો, અને હવે તો ભણવાનું પુરું થયું એટલે એ જગ્યા પણ ખાલી કરવી પડે તેમ હતું. ત્યાં એક આકાશી મદદ મળી ગઈ. કોલેજની બહાર એક કાજલ ચાયવાળા પાસે એક ભાઈ ઉભા હતા તેને કહેતા સાંભળ્યા કે કોઈને સેલ્સમેનનીનોકરી કરવી હોય તો હમણાં રખાવી દઉં ! હું તો જઈને પગમાં પડી ગયો, મને કરવી છે
બસ તો પછી આપણી ગાડી નીકળી પડી માને બોલાવી લીધી અને ભુજમાં દુકાને દુકાને ફરીને અમારી કંપનીના માલ વેચવા માટે હું તો સાઇકલ લઇને ફરતો. એમને એમ વર્ષો નીકળવા મંડ્યા અને મને પણ એક છોકરી અમારા જ ગામની, એક ગરીબ બાપની મળી ગઈ એના તોમાં બાપ બેય મરી ગયા હતા, સાવનાની હતી ત્યારે જ મામા પાસે મોટી થઇ હતી,એટલે જેવી ખબર પડી કે મને નોકરી મળી ગઈ,એટલે મામાએ મારા હાથમાં કંકુને કન્યા આપી દીધી.
બસ આવી રીતે રેતીની જેમ સમય સરતો રહ્યો,અને પછી અમે ઘરમાં સુકોનાસ્તો બનાવીને વેચવાનું ચાલુ કર્યું,
મારી સેલ્સમેનની નોકરી તો હતી, સાથે સાથે આવું પણ કરતો રહ્યો. ત્યાં ઘરમાં એક પછી એક બે "મહેમાન" આવ્યા
મને બે દીકરા હતા. પૌત્રના મોંઢા જોઈને મા પણ જાણે હાથમાંથી રેતી સરે એમ મરી ગઈ !
અમે બે જણાં તો જાણે રોવાનીય છૂટ ન હોય એમ મૂંગે મોંએ કામ ચાલુ રાખ્યું અને પછી બેય છોકરાઓ પણ ભુજમાં નિશાળમાં ભણવાનું શરુ કર્યું. ત્યાં એક દિવસ ગોઝારો ઊગ્યો અને પ્રચંડ ધરતીકંપ આવ્યો અને અમારી આખી દુનિયા ઊથલપાથલ થઈ ગઈ, કે જે જુનવાણી ઘરમાં અમે સોનીવાડમાં ભાડે રહેતા હતા એજ દટાઈ ગયું ! અને અમે બે અનેને છોકરાઓ સાવ રસ્તા પર આવી ગયા! પણ સૂરજ કોઈ માટે રોકાતો નથી,તો પછી આપણે કેમ રોકાઈ જવાનું ?
એક સરકારી હંગામી આવાસમાં આશરો લીધો અને ફરી એકવાર એક નવી ઘટમાળ શરૂ થઈ. આજે જાણે કુદરતે સામે જોયુ હોય એમ બેય છોકરાઓ ભણવામાં ખૂબ હોંશિયારનીકળ્યા અને એક પછી એક બે જણા બારમા ધોરણમાં આખાય જિલ્લામાં પ્રથમ આવ્યા અને પછી બેય જણા કોમ્યુટર એન્જિનિયર થયા. ઇન્ફોસિસમાં બેયને ખૂબ સારીનોકરી મળી.
મોટા દીકરાને વિદેશ જવાની તક મળી, એના માટે મેં મારી બાપની ખેતીની જમીન વેચી નાંખી, અને તે જર્મની ભણવા ગયો.
નાનો દીકરો ઇન્ફોસિસમાં હતો ત્યારે ગેટની પરીક્ષામાં પાસ થઈ ગયો અને એ કર્ણાટકમાં આગળ ભણવા ગયો ત્યાં સુધીમાં અમે બેય જણાં તો સાવ નીચોવાઈ ગયાં અને પછી રાહ જોતા હતા કે હવે નિરાંતનો સમય આવશે. અને તે આવ્યો મોટા દીકરાને વિદેશમાં જ સરસ મોટી કંપનીમાંનોકરી મળી ગઈ. અને ત્યાં નાનાનું પણ ભણવાનું પુરું થયું અને એને અહીં ભારતમાં જ બહુરાષ્ટ્રીય કંપનીમાં સરસ નોકરી મળી ગઈ છે
મને તો બસ એવું લાગે છે કે હું, મારા બાપા, મારી માં, મારી વહુ બધા ય ઓલા પુરાણ કાળના દધીચિ ઋષિ જેવા છીએ! કાં ! ભૂલી જાવ છો ? જેમ ઈ ઋષિ એ દેવ દાનવના સંગ્રામમાં જીતવા માટે ઇંદ્રને પોતાના શરીરના હાડકાનું દાન કરીને વજ્ર ધનુષ્ય બાણ આપ્યું હતુંને ! અમે પણ આ જીવનસંગ્રામમાં લડવા માટે બેય દીકરાને જીવતેજીવ પોતાના હાડકાંમાંથી વજ્ર ધનુષ્ય બનાવી દીધુંને!
એક પેઢીના સર્વાગી બલિદાનમાંથી જ બીજી પેઢીને આ જીવન સંગ્રામમાં જીતવા, અને લડવા માટે બળ મળે છેને ! અને તોય યુધ્ધનો અંત ક્યાં આવે છે ? દેવ દાનવનું યુધ્ધ તો આ યુગમાંય ચાલુ જ છે, બસ દર વખતે કોઈને કોઈ દધીચિ બને તો જ દેવો આ આસુરી સંગ્રામ જીતી જશે!
અને તે પણ કંઈ આખરી સંગ્રામ થોડો છે, એ લોકો એ કોઈક પેઢી માટે દધીચિ જ બનશે !