ડાયનોસોરનું સંક્રમણ
ડાયનોસોરનું સંક્રમણ
“કમલાબાઈ, રાહુલ બાબાનો રૂમ સાફ કર્યો?” મોટેથી એણે બૂમ પાડીને પછી, “કોણ જાણે ક્યારે ડ્રોઇગ રૂમની સફાઈ કરશે?” બબડતી અનીતા પોતાના દીકરા રાહુલના સ્ટડીરૂમ સુધી પહોંચી ગઈ. કમલાબાઈ રૂમની વચ્ચે કંઇક મૂંઝવણમાં ઊભી હતી. એના હાથમાં તૂટેલા રમકડાના ચિત્ર-વિચિત્ર ભાગ હતાં.
"આ છોકરાનું મારે શું કરવું?" નીતાએ વળી લાંબી બૂમ પડી પણ તે રાહુલના કાન સુધી પહોચી નહી. એ સ્ટડી ટેબલ ઉપર મૂકેલા પી.સી. ઉપરના કોઈ જુદા વિશ્વમાં મશગૂલ હતો.
આઠ વર્ષનો રાહુલ કમ્પ્યુટરની દરેક ગલીકુચીનો ભોમિયો હતો.
સ્ક્રીન પર એક અલગ દુનિયા ઉભરી આવી હતી. પ્રાગેયેતિહાસિક સમયનાં વર્ષાવન, ઊંચા ઘટાદાર પાઈન ઓકના વૃક્ષો, ફળ-ફૂલથી લુચી ખતી વેલ. હાથીના હાથી સમાઈ જાય તેવું ઊંચું સોનેરી ઘાસ, વેગીલા ઝરણા, આવા જંગલની વચ્ચે મોટા પગ અને નાના શરીર સાથે હોડીના સઢ જેવડી પાંખો વાળા દોડતા-ઉડતા, ઝઘડતા એકબીજાને મારી ખાતા-નાના મોટા, વિરાટકાય ડાયનાસોર નજરે ચડતાં હતાં.
અનીતાને આખી વાત સમજાઈ ગઈ. તૂટેલા રમકડાના અંશો બતાવતી તે ગુસ્સા ભરી તાડુકી, "રાહુલ આ બધાના હાથ, મોં, પગ, પૂછડી ક્યાં? હે, ભગવાન. આ છોકરાને કોણ સજાવશે? આમ ને આમ રમકડા ચાવતો રહીશ તો એક દિવસ તારા પેટમાં ડાયનોસોર ઊગી નીકળશે.”
"શ... શશ મોમ, આ પાંખોવાળું ડાયનાસોર ખૂબ પાવરફુલ છે, મિસાઈલને જેમ ક્યારે આક્રમણ કરશે તે કહેવાય નહીં... હા... ! મોમ, પ્લીઝ... નો નોઈસ....!"
ચોવીસે કલાક ડાયનાસોરની દુનિયામાં રમખાણ રહેતા દીકરાને તે અચંબા અને સ્તબ્ધતાભરી તાકી રહી.
રાહુલે પોતાના સ્ટડી રૂમને 'ડાયનાસોરસ-ડેન' આવું નામ આપ્યું હતું. માંડ-માંડ સમજાવી પટાવી રાહુલને તેના સ્ટડી રૂમમાંથી સાંજે બહાર લાવી. બીજા કામમાં પરોવ્યો, પરંતુ પોતે તેની ચિંતામાં પરોવાયેલી રહી ને માંડ ઊંઘ આવી.
"રાહુલ... પાંખોવાળું ડાયનાસોર.... અહિયાં ડ્રોઇગ રૂમમાં જો, આ મારું મોંઘુદાટ ગ્લાસ પેઇન્ટિંગ તો ગયું...!" તે બેબાકળી આંખો ચોળતી, પલંગમાંથી ઊભી થઇ ગઈ. અંધકાર ભર્યા રૂમમાં કશું દેખાયું નહીં. તેના ઊંચા, ઉશ્કેરાટવાળા અવાજથી બાજુમાં સુતેલા રાહુલ સફાળો જાગી ગયો. ટેવ વશ એનો હાથ લાઈટની સ્વીચ ઉપર ગયો. ‘ને રૂમમાં વાસ્તવિકતાનું અજવાળું ફેલાયું.
અનીતા હજુ પણ વિશાળ, મહાકાય વસ્તુને રોકતી હોય તેમ, પલંગની બાજુમાં ઊભી હતી ને રાહુલ તેને જોઈ રહ્યો હતો.
