STORYMIRROR

Aartiba Gohil

Others

3  

Aartiba Gohil

Others

ચહેરાનું લીંપણ

ચહેરાનું લીંપણ

5 mins
27.6K


“કડક મીઠ્ઠી....., ચાય....., કડક. મીઠ્ઠી......, કડક, ચાય...., કડક ....!' આ નવી પ્રકારના લહેકાથી આશુતોષ જાગી ગયો, ટ્રેઇનના અપરબર્થ પર બિછાવેલી ચાદર ઘડીવાળી કુદકા સાથે નીચે આવ્યો. હાથમાં માળા, મોં પર ઉઘડતા સુરજના ઉજાસ સાથે નાનીમા બારીમાંથી પોતાના ગામને અહોભાવે જોઈ રહયા. તેમની નજરમાં છલકાતું આશ્ચર્ય ચાડી ખાતું હતું કે આખરે માદરે વતનને મળી લેવાની તમન્ના પૂરી થઇ હતી.

“આશુ, તું મારો કોલંબસ હોં ભાઈ...! સાઈઠ વર્ષના વનવાસ પછી, મારા 'માનગઢ' નું પાદર તેં દેખાડ્યું....!"

પાંચેક દિવસના રોકાણ પુરતો નાનીમાનો સમાન, આશુતોષની નાનકડી હેન્ડબેગ..! ત્રણ દિવસ પહેલા કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર મુકવા આવેલા આશુતોષના મમ્મી–પપ્પા, મામા-મામી, આશાભરી નજરે નાનીમાના મોં સામે તાકી રહેલા, કે "બળ્યું ત્યારે, હવે નથી જવું ઇન્ડિયા કે નથી જોવું માનગઢ." એવું નાનીમા બોલે છે ખરા ? પણ એ વાંઝણી આશા ફળી ન હતી.

સામાન પેક કરતા મામીને તેમણે તાકીદ કરી હતી, "મીનાક્ષી, મારા બે જોડ કપડા ઓછા મુકજો. પણ ટંકેટંકની દવા ભૂલ્યા વગર મુકો. ઇન્ડિયા સમુળગું કેમ ન બદલાઈ જાય, પણ મારું માનગઢ હજી એવું ને એવું મોડર્ન જમાનાની વાછટ લાગ્યા વગરનું, અણીશુધ્ધ દેશી ગામડું છે. આશુને મારી દવા સારું દોડાવવો ન પડે તે ધ્યાન રાખજો."

આ વાત કરતી વખતે જ માનગઢની તંદુરસ્ત હવા ફેફસામાં ભરી લીધી હોય તેમ, મુસાફરી દરમિયાન તબિયત વિશેની કોઈ ફરિયાદ આશુતોષન સાંભળવી પડી નહિ. જયારે ટોરોન્ટોમાં તો દર મહીને નાનીમા ડોક્ટર અને દવા બદલાવી નાખતા.

'એલા પુરુષોતમ, એમ દૂર ઊભા ઊભા જોયે રાખીશ તો ટ્રેઈન ચાલતી થાશે. ઉતાવળ રાખ ભાઈ, લે, આ સામાન આશુ તને ઓળખાણ પાડું, આ તારા પુરુષોત્તમ કાકા."

પપ્પા જેટલી ઉંમરની એક આધેડ વ્યક્તિને આશુતોષ તાકી રહયો. ફક્ત ફોટામાંજ જેમને પચાસ-પંચાવનની ઉંમરે પહોચતા જોયેલા તેવા તેના પિતરાઈ કાકાને નાનીમાએ આબાદ ઓળખી કાઢ્યા હતા. પુરુષોત્તમકાકા ગદગદિત થયા. સમાન નીચે ઉતાર્યો. નાનીમાનું બાવડું પકડી પ્લેટફોર્મના બાંકડે બેસાડ્યા. ચરણસ્પર્શ કરી રડવા જેવા થઇ ગયેલા.

"ઉર્મિલાકાકી... તમે મને ઓળખી કાઢ્યો. પણ મારા બાપની વાત-વાતમાં આવતા "ઉર્મીલાભાભી" ને હું ન ઓળખી શક્યો."- એમના માથા પર પોતાના બે હાથ મૂકી આશીર્વાદ વરસાવતા નાનીમા 'માનગઢ' ની આકૃતિ આંખ વડે માપવા લાગ્યા. નાકની ઇન્દ્રિય પુરેપુરી કામે લગાડી વાતાવરણને સુંઘવા લાગ્યા.

"આશુ...., આ લીમડાનો મોર, લીંબોળીની સુગંધ." બોલી નાનીમા માનગઢ રેલ્વે સ્ટેશનના પાટિયા પાછળ ઉભેલા ઘેઘુર લીમડા તરફ ચાલતા થયા. આશુતોષ અને પુરુષોત્તમકાકા તેમની પાછળ ઘસડાયા. ચશ્માની દાંડી સરખી કરી, થડની ખરબચડી સપાટી પર આંગળી ફેરવી નાનીમા લીમડાના મૂળ સુધી પહોચી ગયા. સ્વત: બોલ્યા,

"સુમનરાય, દિવસોના દિવસો, સાંજ પડ્યે તમારી રાહ જોતી અહીં ઉભી રહેતી. લગ્ન પછી બે વરસે તમે કેનેડાથી મને તેડવા આવ્યાને, ત્યારે આ લીમડો હજી મારા ખભા સમો હતો. !"

પુરુષોત્તમકાકા ઘોડાગાડીની વ્યવસ્થા કરી આવ્યા નાનીમાએ યુવાનીમાં ઘોડાગાડીની જાહોજલાલી માણી હશે, એટલે જરા જેટલા ખચકાટ વિના પાછલી સીટ પર ગોઠવાઈ ગયા. સ્ટેશનમાંથી ઘોડાગાડી બહાર નીકળી, તે સાથે પુરુષોત્તમકાકાએ લાઇવ કોમેન્ટ્રી શરુ કરી, "કાકી, આ લવજી ભગતની ધર્મશાળા આવી. તમે અને સુમનકાકા કેનેડા ગયા ત્યારે આપેલી સખાવતના કારણે હજી ટકી છે. પચીસ પચાસ વટેમાર્ગુને જમવા રહેવાની વ્યવસ્થા આજે પણ થઇ જાય છે !"

મોટા અને મુખ્ય ગણાતા રોડ પર ઘોડાગાડી ધીમી પડી. પુરુષોત્તમકાકા ખુશખુશાલ અવાજે માહિતી આપતા બોલી પડ્યા "આ, વાંઝીઓ કુવો. પચાસ વર્ષ સુધી તેમાં પાણીનું એક ટીપું ન મળે ...! ગામ લોકોએ ભેગા મળી મહેનત કરી ઊંડો ઉતાર્યો. એ પછીના ચોમાસે કુવામાં ચારે બાજુ પાણીની સરવાણી ફૂટી નીકળી. પંદર દિવસમાં કુવો નારિયેળ જેવા મીઠા પાણીથી છલો છલ ! એ પછી કદી પાણી ખૂટ્યું નથી. હા, નામ એનું એજ ! ગામના સરપંચ કહેતા, કોઈની નજર ન લાગે. ભલે વાંજીયો કુવો નામ રહ્યું !"

મીઠ્ઠી યાદોનો પટારો ખુલી ગયો. ધીમે ધીમે વાતોનો છેડો નાનીમાના જુના ઘર સુધી પહોંચ્યો. પુરુષોત્તમકાકા એ વાત કરતા સહેજ ઓજપાયા.

'ઉર્મિલાકાકી, માનગઢ ગામની ઓળખ સરીખું, મહેલ જેવું ઘર તમે દેસાઈકાકાને વેચી દીધું. એ પછી ત્રીજા વર્ષ દેસાઈકાકા બેંગ્લોર જતા રહ્યા. શબનમજીએ ઘણા ઊંચા ભાવે એ ઘર ખરીદયું. રંગરોગાન કરી આધુનીક સગવડવાળું બનાવી દીધું છે." એક હળવો નિસાસો નાખી વાક્ય પુરૂ કર્યું. 'ઉર્મિલાકાકી, ચતુર્વેદી બ્રાહ્મણનું ઘર વટલાયું !"

વાત સાંભળી નાનીમાના મોં પર અણગમા, ઉચાટનો ભાવ સ્પષ્ટ તારી આવ્યો. મનમાં વિચાર્યું હશે કે, ન ગમતું સાંભળવું, ન ધારેલું જોવું એના કરતા વળતી ફ્લાઈટ પકડી ટોરોન્ટો ભેગા થઇ જવું સારું. બે મિનીટ મૌન છવાયું. ઘોડાગાડી માનગઢની બજાર વચ્ચેથી ચાલી. નજર પરિચિત માહોલને પી રહી હતી. પુરુષોત્તમકાકાના ઘર પાસે અટકી. નાનીમા ઘરના દરેકને ઓળખપત્ર વિતરણ કરતા હોય તેમ બધાના નામ બોલી વાતે વળગ્યા. આશુતોષને થયું, હાશ નાનીમા જુના મકાનની વાત ભૂલી ગયા !

બીજા દિવસે પગ છૂટો કરવાના બહાને નાનીમાએ આશુતોષને સાથે લીધો. ઘોડાગાડી હાજર. આજે નાનીમા પોતે ઘોડાગાડીવાળા ભાઈને રસ્તો બતાવતા હતા. ભટ્ટશેરીમાંથી નીકળી, આગળ જતા ડાબા હાથે મોટી હવેલી જેવું ઘર નજરે ચડ્યું. ઘરના વાડા પાસે એક સમયે મોટો ઓટલો હશે. અત્યારે ત્યાં, લાંબી, મોટી ગાડી પાર્ક કરેલી હતી. એક છાનો, ઉનો-ઉનો નિસાસો તેમના, મોએથી નીકળ્યો, હવામાં ભળી ગયો. તે વાડા જેવી જગ્યા તરફ નાનીમા અવશ્યપણે ખેંચાયા. બારણું ખુલ્લું જોઈ અંદર ડોકિયું કરવાની ઈચ્છા રોકી શક્ય નહિ.

"અમ્મી, કોનું કામ છે ? "- પાછળથી આવેલા અપરિચિત, ઊંચા અવાજે નાનીમા ચોંક્યા. શરીરના વજનને લીધે સંતુલન ગુમાવ્યું. પડછંદ દેહાકૃતિ ધરાવતા શબનમબાનું ઝડપથી નજીક આવ્યા. સધિયારો આપી સંભાળી લીધા.નીમાને ઓળખી ગયા. પ્રેમથી હાથ પકડી અંદર દોરી ગયા.

"આવો, આવો, ઉર્મીલાબા. ઇન્ડિયા ક્યારે આવ્યા ?'. પણ..., નાનીમાનું ધ્યાન એ તરફ ન હતું. પરિચિત સ્થળ, જાણીતું વાતાવરણ, મકાનની ઈંટે ઈંટને જોઈ રહ્યા. ઘરનો દરેક ખૂણો આધુનિક વ્યવસ્થા પ્રમાણે બદલાઈ ગયો હતો. ભોયતળીયે મોજેઈક લાદીની જગ્યાએ ટાઈલ્સ, બારીમાં સ્લાઈડર ગ્લાસ. મચ્છર રોકવા પ્લાસ્ટીકની રંગબેરંગી જાળી. બારસાખની કોતરણી યથાવત. પરંતુ તેને આધાર આપવા માર્બલની પટ્ટી. બારી બારણા પર આધુનિક રેશમી પડદા ! વચ્ચે ચોકના ભોયતળીયેથી દરેક રૂમની છત સુધી સુંદર પથ્થરની કોતરણી વળી ટાઈલ્સ લાગી ગઈ હતી.

આખરે એમનું ધ્યાન એક ચોક્કસ જગ્યાએ જઈ અટક્યું. લીલાછમ પાંદડા, લૂમે ને જુમે મહોરથી લચી પડતો તુલસીનો છોડ ચોકની વચ્ચે હેમખેમ હતો ! નાનીમા પગથીયું ઉતરી ચોકમાં પહોચ્યા. જૂની ડીઝાઇન વાળો, ગેરુઆ રંગે રંગેલો તુલસી ક્યારો તેમને ખેંચતો હતો. માથુંટેકવ્યું, નમન કરી. પ્રદક્ષિણા ફરતા ફરતા મનમાં અથડાતા નાનાબાપુના શબ્દો બોલી પડ્યા. "દીકરી તો પારકા ઘરે દીવો, જેમ..., તુલસી ક્યારે ગોખમાં દીવો"-

દીવાનો પ્રકાશ ચોતરફ ફેલાયો. શબનમબાનુંનું હરખભર્યું મોં તુલસી ક્યારા પછવાડે કળાઈ રહ્યું. ચહેરાપર થયેલું લીંપણ નાનીમાને ઔર ગૌરવ આપતું હતું.

 


Rate this content
Log in