બાપ-દિકરી
બાપ-દિકરી
એ બોસની ઓફિસમાંથી બહાર આવી. ફાઈલ સાંજ સુધીમાં ફાઈનલ કરવાની હતી. ફાઈલ ખોલવા જાય ત્યાં ફોનની રીંગ વાગી. અનનોન નબર કોણ હશે ? અવઢવમાં ફોન ઉપાડ્યો ''કોણ ?
"હું બારડોલીથી બોલું છું." સામેનો છેડો ધ્રુજતો હતો. અવાજનું કંપન ટાવરમાં થઈ કાન સુધી પહોંચ્યું. બધિર મગજ સાથે અથડાઈ પાછું પડ્યું. અવાજ અજાણ્યો લાગ્યો. તેણે ફોન કાપી નાખ્યો.
દિવસભર કામની વ્યસ્તતા. ફાઈલોમાં પેપર્સની ઉથલ-પાથલ. સવારનો સૂરજ ઊંધો વળી સાંજે ડૂબી ગયો. ઓફિસથી નીકળતાં પહેલાં ફોન પર નજર કરી. ચોંકી ગઈ. સવારે આવેલા નંબર પરથી ત્રણ મિસ-કોલ જોયા. કોલબેક કરવાની પરવાહ કરી નહી પણ, કોણ હશે ? કોઈ જાણીતું કે જરૂરીયાતવાળું તો નહી હોય ને ? એવા વિચારનો ઝબકારો થયો... એવો જ બુજાઈ ગયો... !
બીજા દિવસે, એજ સમયે, એ નંબર પરથી મિસકોલ. વિચાર વંટોળે ચડ્યા. થયું આ ફોનચાળો કરવા વાળું છે કોણ ? ખોટી રીતે હેરાન કરવા વાળાને ખબર પાડી દઉં...!
ફોન હાથમાં લીધો. ઉશ્કેરાટમાં ડાયલ કર્યો. ફોન રીસીવ થયો કે ગુસ્સોને અકળામણ ઠલવાઈ ગયા "કેમ ભાઈ, ? વારંવાર ફોન કરવાનું કારણ ? કોણ છો ? ક્યાંથી બોલો છો ? પ્રત્યુતરમાં નિ:શબ્દતા સામો છેડો ગૂંચવાયેલો લાગ્યો.
તેનો ગુસ્સો કાબુ બહાર ગયો, "તમારા જેવાને જાણું છું. બપોરે એકલી સ્ત્રી જાણી હેરાન કરવાનો ઈરાદો હોય તો માંડી વાળજો. પોલીસને જાણ કરતા વાર નહી લાગે."
સામેનો છેડો સળવળ્યો "મારી દીકરીને ફોન કરું છું, બે-દિવસ થયા મુંબઈ જવા નીકળી છે. પહોંચી કે નહી સમાચાર નથી. ફોન નંબરમાં એક આંકડા નો જ ફરક છે, એટલે તારો નંબર લાગી જાય છે. માફ કરજે બેટા" વૃદ્ધ બાપની લાચારી અને નિ:સહાયતા ફોનમાં ધરબાઈ ગઈ. એ ફોન સામે તાકી રહી. સવેદના જાગી ગઈ...!
તેને પપ્પા આંખોમાં ઉતરી આવ્યાં. તેમનો આંખો પણ.
તેને ડૂમાને રોક્યો, આંખે ભરાયેલા ઝળઝળીયા ને લૂછ્યા બોલી પડી," ઓ કે... કોઈ વાંધો નહી પણ તમારી દીકરીનો સંપર્ક થયે અમુક જાણ કરજો. હું તેના ખબર પૂછીશ" પછી જાણે પોતાના પપ્પા સાથે વાત કરતી હોય તેમ તેનાથી બોલી જવાયું
"તમારું ધ્યાન રાખજો, અને હા, ચશ્માં ઠીક કરવી લે જો."
