પરમ
પરમ
રોઝી ઘરે આવી તેને વધુ દિવસ થયા ન હતા. આખો પરિવાર તેની આગળ પાછળ. રોઝી ત્યાં બેઠી, રોઝી સૂઈ ગઈ, તેણે પાણી પીધું કે નહીં ? 'મમ્મી, રોઝી મારું મોં ચાટે છે. જો ઢીંગલી લઈ બગીચામાં ભાગી.'
કોઈ બિસ્કીટ ખવરાવે, કોઈ કેક. કોઈ વળી મોઢા આગળ દૂધ મુકે. દૂધ-બ્રેડ ભેગા કરી ખવરાવવાની સલાહ પણ આપે. મારી ડોક્ટર પત્ની મીતા ચિંતા થતી. તે કહેતી – 'તમે બધા ખવરાવી ખવરાવી રોઝીને મારી નાંખશો.
રોઝીના વાળ કથ્થઈ, મટમેલા રંગના. તેમાં ગુલાબી-સોનેરી ઝાંપ. ગોળમટોળ. પેટનો ભાગ ઢળતો. ભરાવદાર લાંબુ મોં. આંખો ઊંડી, હંમેશા અધમીચી. તેના રેશમી વાળ પર હાથ ફરે અને લસરપટ્ટી ખાવા મજબુર થઈ જાય.
મીતાનું ડોકટરી જ્ઞાન રોઝી પાછળ લાગતું. કેટલા વાગે છોડવી, બાંધવી ? ખોરાક કેવો, કેટલો આપવો. રસી ક્યારે મુકાવવી. હું રોઝીને મારી રીતે તૈયાર કરતો. એક વખતે સમજાવેલી વાત, રોઝી હંમેશા યાદ રાખતી. એકવાર કરેલી ભૂલ ફરીને ન કરતી.
એક સાંજે ફરીને પાછા આવ્યાં. નોકરે ડરતા ડરતા કહ્યું, 'રોઝી હાથમાં આવતી નથી. સાંકળે કેમ બાંધવી ?' અમે બધાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ રોઝી હાથ ન આવી તે ન જ આવી. દોડતી ગેરેજમાં ભરાઈ ગઈ. મેં કહ્યું, 'તેને બોલાવવાનું બંધ કરો. એકલી છોડી દો.'
બધા પોતપોતાના કામમાં લાગ્યા. જમવાનો સમય થયો, પણ તે જમવાના વાસણ નજીક ફરકી સુદ્ધા નહી. રોઝીને બેસવાની જગ્યા ખાલી... ખાલી... રોઝી ફરાર હતી.
નોકર કામ કરીને ગયા. મીતા અને બાળકો નિંદ્રાધીન થયો. વાંચતા-વાંચતા મારી આંખ પણ મળી ગઈ, તે છેક અડધી રાતે નીંદર ખુલી.
મારી સામેની બારીમાંથી ચાંદની ઉછળતા મોજાં જેમ ઘસી આવી હતી. પલંગ પર સુતેલી મીતાની સુડોળ કાયા પર અથડાતી, ઓળઘોળ થઈ હસી ઉઠતી હતી. ચંદ્ર પૂરબહારમાં શીતળતા લુંટાવતો હતો, હું મીતાની મોહિનીમાં ઘેરાઈ ગયો હોત કે, અચાનક મને રોઝી યાદ આવી. ચિંતા થઈ મારા પગ બગીચા તરફ વળ્યા.
બગીચામાં ફૂલ, પર્ણ, લતા-વેલ બધું રૂપેરી ચાંદનીમાં નહાઈ રહ્યું હતું. ચમેલીના ફૂલ, મહેંદીના પાંદડા... બધે ચાંદનીનો ઉન્માદ સળવળતો હતો. મારી નજર બગીચાના ખૂણામાં પડી. રાતરાણીના છોડ નજીક, આગળના પગ પર હડપચી ગોઠવી રોઝી મસ્તીમાં બેઠી હતી. તેની અડોઅડ પડોશીનો 'પરમ' મોં લાંબુ કરી, અધમીંચેલી આંખે રોઝીને જોતો નિરાંતથી બેઠો હતો. તે આનંદમાં હતો.
હું બંનેને એક ટક જોઈ રહ્યો... અને પછી મીતા તરફ વળ્યો...

