PRAVIN MAKWANA

Inspirational

3  

PRAVIN MAKWANA

Inspirational

દાદુદાન ગઢવી : લોકસાહિત્ય સફર

દાદુદાન ગઢવી : લોકસાહિત્ય સફર

4 mins
108


આજે એક એવા મુઠી ઉંચેરા વ્યક્તિત્વ વિશે વાત કરવી છે જેમણે માત્ર ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો, પરંતુ એમના કામ ઉપર રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓએ પી.એચ.ડી. કર્યું છે અને હજી કરી રહ્યાં છે. 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...' અને 'કાળજા કેરો કટકો મારો...' જેવા સર્જનો દ્વારા સાહિત્યરસિકોનાં હૃદય પર એક અમીટ છાપ છોડી જનાર પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત અને લોકલાડીલા એવા 'દાદ બાપુ' ને આજે એમની જન્મજયંતિ નિમિત્તે સાદર સ્મરણાંજલિ..!

એકવડિયો બાંધો, ઝાઝી ધોળી અને થોડી કાળી દાઢી, લડતાં લડતાં જેમ સૈનિકોની ટુકડીમાંથી એક એક સૈનિક ઓછો થતો જાય એમ સમય સાથે લડતાં લડતાં ઓછાં થયેલાં દાંત… આ બધાં વચ્ચે વિસ્મય, જીવન સંતુષ્ઠિ અને ખુમારીનાં મિશ્રણથી ચમકતી આંખો એટલે કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી જે 'કવિ દાદ' અને 'દાદ બાપુ'નાં હુલામણા નામથી પ્રખ્યાત છે. આવા અવિનાશી સર્જક માટે 'હતા' શબ્દ અતિક્રમી જ જવાય.

એમનો જન્મ ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૦માં વેરાવળ તાલુકાની નજીક આવેલા ઇશ્વરીયા (ગીર) ગામ ખાતે થયેલો. એમના પિતાનું નામ પ્રતાપદાન ગઢવી જે જુનાગઢનાં રાજકવિ અને નવાબનાં સલાહકાર હતા. તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું. જૂનાગઢનાં નવાબે બે ગામનું (ઇશ્વરિયા અને સાપર) ગરાસ દાદુદાનનાં પિતાને આપ્યું હતું. એમના ચહેરા પર વહી ગયેલા સમયનાં અનેક રંગો દેખાતા. ચાર ધોરણ સુધીનું શિક્ષણ લઈ બાર જ વર્ષની વયે પિતાને ગુમાવનાર આ ચારણ જે ચોથો વેદ ગણાય છે એ પીડાનાં પાંચમા વેદને પણ પચાવી ગયેલા.

કવિ કાગનાં મામા પણ કવિતા લખતા અને સાહિત્યસર્જન કરતા. તેમને જોઈને ૧૪-૧૫ વર્ષની ઉંમરે દાદુદાને પણ લખવાનું શરૂ કર્યું. મામાના અવસાન બાદ પહેલી વખત એક છંદ લખ્યો અને બાદમાં માતાજીની સ્તુતી કરતા અનેક ભજન લખ્યા. તેમણે અનેક ફિલ્મગીત, કવિતા, દુહાછંદ અને ગીતનું સર્જન કર્યું છે. કવિ દાદે 'રા નવઘણ', 'સંપૂર્ણ રામાયણ', 'લાખા લોયણ' અને 'ભક્ત ગોરો કુંભાર' જેવી આશરે ૧૫ ગુજરાતી ફિલ્મો માટે ચિરસ્મરણીય ગીતો લખ્યા છે. 

કવિ દાદે લોકગીત ઉપરાંત અનેક ભજનની પણ રચના કરી છે. 'કૈલાશ કે નિવાસી' પ્રખ્યાત શિવજીનું ભજન દાદની કલમે જ લખાયેલું છે. તો 'હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી', 'જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત', 'મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે' જેવા ગીતો કવિ દાદબાપુએ લખ્યા છે. ગીતો અને કવિતામાં તેમનું ખેડાણ નોંધનિય છે. એમનું સંપૂર્ણ સર્જન 'ટેરવા' (૨૦૧૫) અને લચ્છનાયણ (૨૦૧૫) માં એકત્રિત કરવામાં આવ્યું છે. 

એમની અન્ય કૃતિઓ 'ચિત્તહરણનું ગીત', 'શ્રી કૃષ્ણ છંદાવલી' અને 'રામનામ બારાક્ષરી' છે. માનવીના સંવેદનોની અનુભૂતિમાં ટેરવાંનાં પ્રભાવથી સુપેરે પરિચિત કવિ દાદે પોતાના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘ટેરવાં’ રાખ્યા પછી ઉત્તરોત્તર ‘ટેરવાં ભાગ- ૧ થી ભાગ - 3’ પણ ભાવકો સુધી પહોંચાડ્યાં. ‘ટેરવા’ તેમનો સૌથી લોકપ્રિય ગ્રંથ છે જે ૮ ભાગમાં પ્રકાશિત થયો છે. 

એમનું પુસ્તક 'બંગાળ બાવની' કેન્દ્ર સરકારે પ્રકાશિત કર્યું હતું, જે તેમણે ૧૯૭૧નાં ભારત-પાક યુદ્ધ દરમિયાન લખ્યું હતું. એમણે પુસ્તકનાં વેચાણમાંથી થયેલો બધો નફો બાંગ્લાદેશ શરણાર્થીઓની રાહત માટે આપી દીધો હતો. ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે કવિ દાદની રચના 'કાળજા કેરો કટકો..' થી પ્રભાવિત થઇને 'કુંવરબાઈનું મામેરૂં યોજના' (ગુજરાત રાજ્યમાં કન્યાના માતા-પિતાને મદદ કરવા માટેની સરકારી યોજના) ની શરૂઆત કરી હતી.

કવિ દાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ છે. તેમની રચનામાં માટીની મહેક અને ગુજરાતની પરંપરાની ઝલક છે. તેથી તેમની દરેક રચના સહુ કોઈને એટલી જ પોતીકી લાગે છે. સૌરાષ્ટ્ર યુનિ. માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર પી.એચ.ડી. પણ થઈ ચૂકી છે. કવિ દાદ આ વર્ષે એનાયત થયેલ પદ્મશ્રી સિવાય અગાઉ 'ગુજરાત ગૌરવ એવોર્ડ', 'કવિ દુલા કાગ એવોર્ડ' 'હેમુ ગઢવી ઍવૉર્ડ' અને 'ઝવેરચંદ મેઘાણી' જેવા અનેક એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. 

કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો...’ એ કવિ દાદની પ્રખ્યાત રચના છે. ગુજરાતમાં કોઈ કન્યા વિદાયનો પ્રસંગ એવો નહી હોય જેમાં ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગ્યો…’ એ ગીત ન વાગ્યું હોય. આ રચના પાછળ ખૂબ ભાવાત્મક વાત વણાયેલી છે જે ભાગ્યે જ કોઈને ખબર હશે. 

કવિ દાદનાં ગામમાં જેઠા ચાવડા કરીને એક ખેડૂત રહેતા હતા. તેમનાં પુત્રી છ મહિનાનાં હતાં, ત્યારે જેઠનાં પત્નીનું અવસાન થયું. એટલે જેઠા ચાવડાએ જ તેનો ઉછેર કર્યો હતો અને તેનું લગ્ન કરાવ્યું. જ્યારે દીકરીનું આણું વળાવવામાં આવ્યું, ત્યારે જેઠા ચાવડા ઓટલા ઉપર બેસીને ધ્રૂસકે-ધ્રૂસકે રડતા હતા અને કવિ દાદ તેમની સાથે બેઠા હતા. એ સમયે જેઠા ચાવડાની સ્થિતિને ધ્યાને લઈને તેમણે આ ગીત લખ્યું અને તેમને ગીતકાર તરીકેનો પુરસ્કાર પણ મળ્યો.

નારાયણ સ્વામીનાં કંઠે ગવાયેલું ‘કૈલાશ કે નિવાસી...’ અને પ્રાણલાલ વ્યાસનાં કંઠે ગવાયેલું ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ જેવા અનેક અમરગીતોનાં રચિયતા કવિ દાદ છે. સૌરાષ્ટ્રમાં નારાયણ સ્વામીનો ડાયરો હોય અને 'કૈલાશ કે નિવાસી...' ગાવામાં ન આવે તેવું ન બને. જોકે, ડાયરામાં સાહિત્યની સમજ વગર તેમની રચના ગાવામાં આવે તેનાથી કવિ દાદ નારાજ હતા, પરંતુ તેનાથી ડાયરામાં ગાનારાઓનાં જીવનનું ગાડું ગબડે છે, એ વાતનો તેમને સંતોષ હતો.

કવિ દાદનાં કેટલાક પુસ્તકો ઘણા વર્ષોથી અલભ્ય હતા. રાજકોટની પ્રકાશન ક્ષેત્રેની સંસ્થા પ્રવીણ પ્રકાશન દ્વારા દાદનાં સમગ્ર સાહીત્યનાં બે પુસ્તકમાં પુન: મુદ્રણ કરવામાં આવ્યું છે. ગોપાલભાઈ પટેલનાં જણાવ્યા મુજબ ૮૨૪ પાનાંનાં બે પુસ્તકોમાં કવિ દાદની તમામ રચનાઓનો સમાવેશ કરાયો છે.

ટોચોમાં ટાંકણું લઇ ભાઇ ઘડવૈયા !

મારે ઠાકોરજી નથી થાવું.

ધડધીંગાણે જેના માથા સમાણે

એનો પાળિયો થઇને પૂજાવું …. ઘડવૈયા મારે …..!!

આ એક શોર્યગીત આટલું જબરદસ્ત છે, તો વિચારો દુલા ભાયા ‘કાગ’ કે જે કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા. એમના પછી સૌરાષ્ટ્રનાં બીજા કવિ કે જે દુલા ભાયા કાગની સમકક્ષ ગણાય એ છે કવિ દાદ અને એમની અન્ય રચનાઓ કેવી હશે..??

આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક

વાવો મહાભારત અને ગીતા નીકળે

હજુ ક્યાંક ધબકે છે લક્ષમણ રેખા

રાવણો જ્યાંથી બીતા બીતા નીકળે

શુ તાસીર છે આ ભૂમિની હજી રાજા

જનક જેવા હળ હાંકે તો સીતા નીકળે.

આવી અસંખ્ય લોક-કવિતાનાં રચયિતા અને ગુજરાતી સાહિત્યને તેમના શબ્દોથી અજવાળનાર પદ્મશ્રી કવિ દાદ બાપુની આ વર્ષે એપ્રિલ મહિનામાં થયેલી અણધારી વિદાયથી ગુજરાતી સાહિત્ય અને કલા જગતને કદી ન પુરાય એવી ખોટ પડી છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational