ચોકટનો રાજા
ચોકટનો રાજા


“એલી પાની, હાય રેમાઆઆ... આ શું? તે ત્રણ રાજામાં બાજી ખોલી નાખી? ફરી ગયું લાગે તારું?” મોઢા પરહથેળી દાબી આંખો ફાડી સવિતા બોલી ઊઠી.
ત્યાં સામેની બાજીમાં કંકુએ ત્રણ એકા ચતાફેંકી બાજીના બધાં પૈસા ઉસેડી ગઈ અને સવિતાની તો બોલતી જ બંધ થઈ ગઈ! કે પાની તોબચી ગઈ બાકી આજ તો સરખાઈથી સટાસટી જામત.
રાતે રમીને આડા પડ્યા પછી ભાઈને ઘરે સાતમ કરવા આવેલી પાની અને ત્યાં જ ભેગી થયેલી બચપણની સખી સવિતા વાતે વળગ્યા અને સવિતાથીરહેવાયું નહિ એટલે પૂછી બેઠી, “પાની, આપણે વર્ષોથી ગામડે સાતમ કરવા આવીએ. આજે તોઘરે વહુઓ આવી ગઈ તોય સાતમ ઉપર તીનપત્તી રમવામાં આપણને કોઈ ના પહોંચે પણ આજ હું મારખાઈ ગઈ બાજીમાં હોં, હજુ સમજાયું નહિ કે તેં ત્રણ રાજામાં બે હાલમાં કંકુભાભીને ખોલ કેમ દીધી?” કહેવું કે ના કહેવું ની અવઢવ સાથે પાની સવિતાના આતુર મોઢા સામે જોઈ રહી. પાનીને થયું, જીવતરની બાજી આટલા વરસે ક્યાંક ખોલીને હળવી થઈ જાઉં કે બંધ બાજીએ જ જીવતર પૂરું કરી નાખું? અને સવિતાની આતુરતા જીતી ગઈ ને પાનીની બંધ બાજી એક પછી એક પતા ખોલવા હારી ગઈ જાણે!
“સાંભળ સવલી, તને તો ખબર છે કે મારા લગન કેવા ધામેધૂમે થયા. એ પેલાની વાત છે આ. આપણે ચાર ચોપડી ભણ્યા ત્યારે આપણા ક્લાસમાં ભણતો કાનજીકાકાનો કેશો તને યાદ છે?”
“ઓલો બાડો કેશો? આપણે ખાનગીમાં એને ચોકટનો રાજા કહી ચીડવતાં એ?”
“હા એ જ, એની એક આંખબંધ જ રહેતી પણ બીજી આંખ? બીજી આંખ મારા પર ચોંટેલી જ રહેતી અને એ આંખમાં હંમેશામેં વહાલ જોયું.”
“હેંએ એ?...” કહેતી સવિતા પથારીમાં બેઠી થઈ ગઈ. પાની હાથનાધક્કાથી એને પાછી પથારીમાં પાડતાં બોલી, “ધીમે બોલ વાયડી, કોક ઊઠી જશે તારા આવાવાતે વાતે હાયકારાની ટેવ આટલા વર્ષેય ગઈ નહિ.” આસપાસ અંધારે નજરના પ્રકાશને ફેરવીલઈ પાનીએ ફરી શરુ કર્યું; “નિશાળ મૂકી પછી ઘણા વર્ષે એકવાર સાંજે હું દુધામામાને ત્યાં છાશ લેવા જતી હતી ત્યારે એની સાંકડી ગલીમાં કેશો સામો મળ્યો અને રીતસર મારાપગમાં પડી ગયો કે, ‘પાની, મારી હારે લગન કરીશ? તને રાણીની જેમ રાખીશ.’ ત્યારે એનીએક આંખમાં જ એની બીજી બંધ આંખની લાગણી પણ સમાઈ ગઈ હતી, પણ મને એ ઉમરે મારા રૂપનો, યુવાનીનો નશો હતો તે ઉપેક્ષાભર્યુ હસીને કહી દીધું કે, ‘રાણી જેમ રાખવાની વાતુંકરશ એ પેલા અરીસામાં જોયું ચોકટના રાજા?’ અને એક આંખ મીંચકારતી હું દુધામામાના ઘરતરફ ચાલી ગઈ. પછી તો જ્યારે સામે મળે ત્યારે કેશાની એક આંખ મને તાકતી રહેતી; કોઈ ફરિયાદ વિનાના ભાવથી, ફક્ત લાગણીમાં નીતરતી! પણ મને તો એમાં ચોકટનો રાજા દેખાતો નેઆડું જોઈ હસી લેતી.
ત્યાર પછી તો શહેરમાંથી મારું માગું આવ્યું ને તારા બનેવીના રૂપ અને લાખોના ધંધા સામે આ આંખો ઝુકી ગઈ અને મારી વિદાય વખતે એ આંખો કેશાને શોધવા આમતેમ ફરતી રહેલી એક ગુમાનથી કે, ‘જો કેશા, મારા નસીબ જોઈ લે, રાણી કોને કહેવાય એ જોઈ લે મોટરમાં જાઉં છું મારા રૂપાળા રાજા સાથે! મારી બાજીમાં હંમેશા ત્રણ એકા જ રહેશે, કેમ કે ત્રણ રાજામાં મોટાભાગે ચોકટનો રાજા આવી શકે જે મને ક્યારેય ના ગમે.’ પણ કેશો મને જોવા આવ્યો જ નહિ અને મને રાજા સામે ત્રણએકા ચતા પાડવાનો મોકો જ ના મળ્યો! મનમાં એ ખટકો પણ સાથે બેઠો મારા રૂપાળા રાજાની મોટરમાં!ભેગા રૂપાળા સપના ચાલ્યા લાલ મોટરમાં સવાર થઈને.
તારા બનેવીનો મોટો ધંધો તે રૂપિયાની તોકોઈ ‘દી ખોટ ના પડી અને રાણી જેમ રાજ કરતી હું શહેરમાં ક્લબમાં જવા લાગી ત્યાં તોબધાં મોટી-મોટી બાજી રમે ને મારે ક્યાં હાર-જીતનો સવાલ હતો? પણ જ્યારે મારે ત્રણરાજા આવે ત્યારે ખબર નહિ કેમ ચોકટનો રાજા હોય જ અને ત્યારે જીતી જ જાઉં હું! પણ જ્યારે ચોકટનો રાજા બાજીમાં ના હોય ત્યારે સામે ત્રણ એકા ખુલે ને હું હારી જાઉં!તારા બનેવી પૈસાની વાતમાં કોઈ દિ’ કઈ પૂછતાં જ નહિ અને પૂછે પણ ક્યાંથી? એને ક્યાંસમય જ હતો? અઠવાડિયામાં બે ચાર રાત માંડ ઘરે આવે બાકી તો બહારગામ જ જવાનું રહેતુંએમને. અને એ રાતોમાં હું મારી આંખોમાં એક સપનું આંજીને રાહ જોતી હોઉં કે હમણાં એમારી પાસે આવીને બેસશે, મારી આંખોના દરિયામાં ડૂબીને મને વહાલથી જોશે, એની ગેરહાજરીનો મારી આંખોમાં દેખાતો અભાવ એ વાચી લેશે અને મને સમજી શકશે. એ ખાલીપો અનેમારા આખા હૃદયનો પ્રેમ જાણે આંખોમાં ભરી એની સામે ઠાલવવા તત્પર થતી
ત્યાં તારાબનેવી તો નશીલી આંખે મારા પર તૂટી પડતા જાણે દિવસોની ભૂખ ભાંગતા હોય! અને નશામાં જઊંઘમાં જ સરી જતા, જાણે મારું કોઈ અસ્તિત્વ જ નહિ! ને સાચું કહું સવલી, એ વખતેઆંખોમાંથી સાલું જાણે હૃદય બહાર નીકળતું હોય એમ તકિયા ભીંજાતા ત્યારે એમ થતું કેજે આંખો બધાને જોઈ શકે છે, હૃદય આંખોમાં ઠાલવીને ધરી દઉં છું, એ આંખો આ બાજુમાં ઘોરી રહેલા માણસને ક્યારેય નહિ સમજાય? ક્યારેય નહિ વાંચતા આવડે? મારી આંખોને કોઈ સમજે તો કેવું સારું? એ સાથે એક જ આંખમાં બંને આંખોની લાગણી ભરેલી એ આંખ દેખાતી અને એમ થતું કે ક્યાંક આ ચોકટના રાજાની આંખના વાંચી શકી એની સજા તો નથી ને? સવલી, એમ થતું કે એ ઉમરે નખરા હોય અને જીવતરની વાટ બાકી હોય તે એક આંખવાળા માણસને ના કહીએ એ તો બરાબર, પણ એવી ઉપક્ષા કરીને કોઈની આંખના હેત ને એમ હડધૂત કરવાની તો આસજા નહિ હોય ને? પણ એ બધું ડહાપણ પછી શું કામનું?
તને તો ખબર જ હશે સવલી, મને લગન પછી ૫ વર્ષ સંતાન જ ના થયું. તારાબનેવીને એ ચિંતા રહેતી કે આટલો મોટો વારસો ને વારસદાર નહિ? પણ એ તો એના ધંધામાં ફરી ડૂબી જતાં, પણ મારું શું? એક તો સંતાન નહિ ને ઉપરથી એની નશીલી બંધ આંખોનો પ્રેમ! મારું હૃદય મરી રહ્યું હતું ને આંખ કોરી થતી જતી હતી એ હૃદયની વ્યથાએ પણ વાંચે કોણ?
એવામાં એકવાર સાતમ કરવા ગામ આવી ત્યારે ખબર પડી કે કેશાએ તો લગન જ નથી કર્યા. દિલ ચચરતું તે મને થયું એકવાર એની માફી માગી લઉં તો શાંતિ થાય આ જીવને. તે કેશાને ઘરે જ ગઈ સીધી હું તો; એ વખતે કાનજીકાકા અને વાલીકાકી ઘરે નહિ તે પેલા તોમન પાછું પડ્યું, ત્યાં કેશાનું ધ્યાન જતાં આવકારો દીધો કે, ‘ડેલીએથી આવેલ મહેમાનએમનેમ જાય તો આબરૂ જાય અમારી.’ અને કેશાએ ડીશમાં મને નાસ્તો આપ્યો. શરમની મારી હું માંડ એટલું બોલી કે, ‘તારી માફી માગવા આવી છું કેશા, તને ચોકટનો રાજા કહી તારી લાગણીની ઉપેક્ષા કરી એ ખટકો બહુ રહે છે અને ત્યાં તો મારી આંખોમાંથી વહેતા પાણી કેશાની હથેળીમાં ઝીલાતા જોઈ મેં આંખ ઊંચી કરી ત્યાં તો કેશો બોલી ઉઠયો કે, ‘આ શું પાની? તારી આંખોમાં આટલી વેદના? તે ભલે મને ના પાડેલ પણ પાની, મેં સપને પણ તારો સાથ નથી છોડ્યો. તારી આંખોની આ વેદના હું નહિ જીરવી શકું હો! અને મને ભાન નારહ્યું હું ક્યારે એ ભીની બરછટ હથેળી ચૂમવા લાગી અને મારી આંખો વાંચનાર એ કેશાનીએક આંખમાં પણ મને ચાર આંખો ભેગી થતી દેખાઈ, અને આ ખોટું થાય છે હાં પાની, એવી કેશાની આંખની આજીજી મેં મારી બંધ આંખોમાં ક્યાંય વહાવી દીધી અને એ હથેળી ખેંચીને હું બેમજબુત હાથોમાં વીંટાતી ભીંસાતી, કદાચ પહેલીવાર મારી મરજીથી ચુર-ચુર થતી રહી અને પાછી ફરી ત્યારે હું ખાલી ન’તી ફરી! મારી આંખો નેમારું હૃદય બધું જ વંચાવીને પેટમાં એ વાત સંઘરીને પાછી ફરેલ અને સાથે બીજું પણકાંઈક...” અને ‘હાય રે માઆઆ...” કરતી ફરી સવલી બેઠી થઈ અને ફરી પાનીએ કોણી મારીએને પછાડી. સવલીની આંખોની સ્તબ્ધતા જોઈ પાની બોલી, “તારા બનેવી તો વારસદારનો સંતોષ લઈ ભગવાનના ઘરે પહોંચી ગયા અને આજે કેશો પણ મારી આંખોની વેદના દુર કરી એકલો જીવતર કાઢી એની એક આંખમાં એની પાનીને સમાવી દુનિયા છોડી ગયો પણ સવલી, જ્યારે બાજીમાં ચોકટનો રાજા હોય ત્યારે જ બાજી જીતું એ સાલું દિમાગમાં ઘર કરી ગયું એ કેમેય જતું નથી કે મને જિંદગીમાં પ્રેમભરી નજરે જોનાર અને મારી જિંદગીને પ્રેમભરી કરનાર એ એક જ આંખ હતી જે હજુ આસપાસ ફરતી મને સમજે છે અને હું એ વહાલને સમજુ છું!
ભલેને વર્ષે એકવાર મારી ક્લબને ભૂલી સાતમ કરવા ગામડે આવું એકવાર આંખોથી કેશાની ડેલી જોઈ આવું અને બાજીમાં તો ત્રણ એકાથી રાજી ના થાઉં એવી ત્રણ રાજાથી રાજી થાઉંપણ એક શરતે કે એમાં ચોકટનો રાજા હોવો જોઈએ, તો ત્રણ એકા પણ સામે હરાવી દઉં એવી જીગરથી ચાલ ચાલી નાખું!” અને સવિતા બત્રીસી સાચવતાં હસી પડી એ જોઈ પાની કહે, “આવી ગંભીર વાતમાં તને હસવું કાં આવે સવલી?”
“હમમમ....તારી બાજીમાં આજ ચોકટનો રાજા ન’તો કાં પાની?” અને એક આંખ મીંચકારતા એકબીજીને ધબ્બો મારતા બેય જોરથી બોલી ઊઠી, “ચોકટનો ઓઓ... રાઆઆઆ... જાઆઆઆ” એ અવાજે કંકુની નિંદર જરા ઊડતાં ગણગણી કે, “બોલો, નણંદબા તો નીંદરમાંય પાને રમે? મારા એકા સામે એના રાજા હાર્યા એ દુઃખઆવું?” અને આજની મોટી જીતના સંતોષમાં ફરી આંખ લાગી ગઈ કંકુની, સાથે પાનીની જિંદગી જીતાડનાર પ્રેમભરી એક આંખવાળા ચોકટના રાજાની યાદના સંતોષમાં.