Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

PRAVIN MAKWANA

Inspirational


4  

PRAVIN MAKWANA

Inspirational


ચંદ્રકાંતભાઈ ચા વાળા

ચંદ્રકાંતભાઈ ચા વાળા

8 mins 167 8 mins 167

બેંગ્લોરમાં ચંદ્રકાંતભાઈ ચા વાળાનો એક જમાનો હતો ! આખાય બેંગ્લોરના કોઈપણ એરિયામાં ચંદ્રકાંત ભાઈની ચા ખૂબ જ મશહૂર હતી. બેંગ્લોરના નાના-મોટા રેસ્ટોરન્ટમાં પણ લોકો ચા પીવી હોય તો ચંદ્રકાંતભાઈ ની ચા જ માગતા. 

દસ દસ લિટરના સ્ટીલના થર્મોસ કન્ટેનર તમામ એરિયામાં ચંદ્રકાંતભાઈ પહોંચાડતા. સાઉથ ઇન્ડિયામાં ચા નું ચલણ ઓછું છે અને ત્યાં સારી ચા નથી મળતી એટલે ચંદ્રકાંતભાઈ એ બેંગ્લોરના ગુજરાતીઓમાં પોતાનું નામ કાઢેલું. સાઉથ ઇન્ડિયનો પણ ચંદ્રકાંતભાઈ ની ચા હોંશે હોંશે પિતા. અને એ પણ માટીની કુલડીમાં. 

શરૂઆત કરેલી એમણે બેંગ્લોરમાં આવતી જતી ટ્રેનો માં. સવારમાં ઘરે ચા બનાવી કન્ટેનરમાં ભરી ટ્રેનમાં નીકળી જતા અને દરેક ડબ્બામાં.... "ચંદ્રકાંતભાઈ કી ચા" " ચંદ્રકાંતભાઈ કી ચા".... બૂમો પાડતા સારું એવું વેચાણ કરી લેતા.

ચા બનાવવામાં ચંદ્રકાંતભાઈ એ પોતાની આગવી કુશળતા પ્રાપ્ત કરી હતી. જેવી તેવી ચા નહીં. એમની ચા પીધા પછી બીજી કોઈ ચા ભાવે જ નહીં. ઘણા લોકો તો સવાર સવારમાં ઘરે પણ ચંદ્રકાંતભાઈની ચા નો ઓર્ડર આપી દેતા. 

વર્ષો પહેલા બેંગલોરમાં સ્થાયી થયેલા ગીરીશભાઈ કોટકે ચંદ્રકાંતભાઈ ને બેંગ્લોર બોલાવેલા અને રાજાજીનગરના એમના મકાનની બાજુમાં જ એક નાનો ફ્લેટ ભાડે અપાવી દીધેલો.  ગીરીશભાઈ કચ્છી હતા. એમની પોતાની ત્યાં રેસ્ટોરન્ટ હતી. એમણે ચંદ્રકાંતભાઈ ને પોતાની રેસ્ટોરેન્ટમાં ચા બનાવવાનું કામ સોંપી દીધું કારણકે બેંગ્લોરમાં સારી ચા કોઈ જગ્યાએ મળતી નહોતી. 

ચા બનાવવામાં ચંદ્રકાંતભાઈ નું કૌશલ્ય જોઈ એમણે સવારના 6 થી 10 ચાર કલાક ટ્રેનમાં ચા વેચવાની સલાહ આપી. એ સલાહ એમને એવી તો ફળી કે એકના બદલે બે કન્ટેનર ચા નું વેચાણ થઈ જતું. ધીમે ધીમે ચંદ્રકાંતભાઈ એ પોતાની બ્રાન્ડ ઊભી કરી અને પોતાના ઘરે જ ચા બનાવીને આખા બેંગ્લોરમાં કન્ટેનર સપ્લાય કરવાનું ચાલુ કર્યું. ધૂમ કમાણી ચાલુ થઈ. 

પોતાના ઘરે અનેક અખતરા કરી કરીને ચંદ્રકાંતભાઈ એ ચા નો એક સ્પેશિયલ ટેસ્ટ ઉભો કર્યો હતો. એમણે એક ચોક્કસ ફોર્મ્યુલા બનાવી હતી. ચા માં નાખવાનો મસાલો એ પોતે જાતે મિક્સરમાં બનાવતા. એમના ફેમિલી માં હવે એમના પત્ની એમનો દીકરો અને દીકરાની વહૂ હતા પણ કોઈને પણ એ આ ફોર્મ્યુલા બતાવતા નહીં. એક બિઝનેસ સિક્રેટ હતું. 

એક કિલો ચા નો મસાલો બનાવવા માં કેટલા મરી, કેટલી તજ, કેટલા લવિંગ, કેટલી સૂંઠ, કેટલું જાયફળ, કેટલી ઈલાયચી અને કેટલું કેસર મિક્સ કરવું એની એક ચોક્કસ ફોર્મ્યુલા એમણે બનાવી હતી જે ચા ની અંદર એક અલગ જ ફ્લેવર ઊભી કરતા હતા. 

બારે મહિના ચા માં ફુદીનો નાખતા. આ ઉપરાંત દરરોજ આદુનો રસ કાઢી રાખતા. ચા બરાબર ઉકળી જાય ત્યારે એ ગણતરી પૂર્વકનો આદુનો રસ એમાં મિક્સ કરી દેતા. 70 ટકા દૂધ અને 30 ટકા પાણી. ખાંડનું પ્રમાણ પણ એકધારું રહેતું. એ મોળી અથવા ઓછી ખાંડ ની ચા ક્યારે પણ નહીં બનાવતા.

આખા દિવસમાં ટોટલ સો લીટર ચા નું વેચાણ થતું. જુદા જુદા એરિયામાં એમણે કેટલાક પગારદાર છોકરાઓ રાખ્યા હતા જે કન્ટેનરો લઈને નીકળી પડતા. ચંદ્રકાંતભાઈની ચા બેંગ્લોરમાં એક બ્રાન્ડ બની ચૂકી હતી. 

ચંદ્રકાંતભાઈ એ પોતાના ધંધામાં કોઈને પણ ભાગીદાર નહોતો બનાવ્યો.... કોઈને પણ પોતાની ફોર્મ્યુલા નહોતી બનાવી. ધંધાનો સંપૂર્ણ વહીવટ પોતાના હસ્તક રાખ્યો હતો. તેમના ધંધા ના તમામ કોન્ટેક્ટ પણ તે પોતે જ જાણતા હતા. છોકરા કે વહુને આ બાબતની કોઈ જ માહિતી ન હતી. 

સવારે ચાર વાગ્યે ઊઠીને ચંદ્રકાંતભાઈ કામે લાગી જતા. ૬૫ વર્ષની ઉંમર થવા આવી હતી છતાં બધું જ કામ જાતે કરવાનું. પરિણામ એ આવ્યું કે દીકરો બેઠાખાઉ બની ગયો. ધીમે ધીમે એ શેરબજારમાં રસ લેવા લાગ્યો અને નાના મોટા સટ્ટા પણ કરવા લાગ્યો. 

ચંદ્રકાંતભાઈ ને દીકરા ની વહુ બહુ સારી મળી હતી. એ રોજ રાત્રે થાકી ગયેલા સસરાના પગ દબાવતી. સાસુ સસરાના ખાવા-પીવામાં પૂરેપૂરું ધ્યાન આપતી. સસરાને જે જે વસ્તુઓ ભાવતી હોય એ ખાસ બનાવી આપતી. સાસુના પણ એના ઉપર ચારે હાથ હતા. 

સમયનું ચક્કર તો ઉપર નીચે ચાલ્યા જ કરતું હોય છે. એક સરખા દિવસ કોઈ ના કોઈ દિવસ જતા નથી. અચાનક એક દિવસ ઊંઘમાં ને ઊંઘમાં ચંદ્રકાંતભાઈ ને માસિવ હાર્ટ એટેક આવ્યો અને દેહ છોડી દીધો. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો. 

ચંદ્રકાન્ત ભાઈના ઘર ઉપર બહુ મોટી આફત આવી પડી. બીજા દિવસે ચંદ્રકાંતભાઇ ના અવસાનના સમાચાર અને શ્રદ્ધાંજલિ મોટા અક્ષરે પેપરમાં છપાઈ ગયાં. લોકો ઘરે આવીને શોક વ્યક્ત કરી ગયા. 

શેરબજારમાં પણ એ વખતે મંદીનો દોર શરૂ થયો અને એમનો દીકરો મિહિર ઘણા બધા રૂપિયા ગુમાવી બેઠો એટલું જ નહીં બે લાખ રૂપિયા તો બ્રોકર ને ચૂકવવાના આવ્યા. પત્ની પાસે થોડા ઘણા દાગીના હતા એ વેચીને દેવું તો પૂરું કરી દીધું પણ આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ. 

ચંદ્રકાંતભાઈ પોતાની હયાતીમાં બેન્કો સાથેના તમામ વ્યવહારો પણ ગુપ્ત રાખતા. કઇ કઇ બેંકોમાં એમનું ખાતું છે એ પણ કોઈને ખબર નહોતી. કોઈ એમને પૂછવાની હિંમત પણ કરતું નહીં. 

ચંદ્રકાંતભાઈ ને ઘણી બધી પાર્ટીઓ પાસેથી ચાના પૈસા લેવાના નીકળતા હતા પણ એ બધા ચૂપ હતા. સામે ચાલીને કોઈ પૈસા દેવા આવ્યું નહીં. તમામ પ્રભાવ માત્ર ચંદ્રકાંતભાઈનો હતો. એમના ગયા પછી બધું અંધારું થઈ ગયું. 

ચાનો ધંધો ફરી ચાલુ કરવાની ઘર માં કોઈનામાં આવડત ન હતી. ચંદ્રકાંતભાઈ એ કોઈને પણ ના ફોર્મ્યુલા બતાવી ના એમના ધંધાના કોન્ટેક્ટ કોઈને આપ્યા. હવે કરવું શું ? 

લગભગ એકાદ મહિનો આમને આમ ચિંતામાં નીકળી ગયો એ પછી એક દિવસ સાંજના સમયે શોક વ્યક્ત કરવા માટે ગીરીશભાઈ એમના ઘરે આવ્યા. ચંદ્રકાંતભાઈનું અવસાન થયું ત્યારે ગીરીશભાઈ દેશમાં એટલે કે કચ્છ ગયેલા. ત્યાં એમને સમાચાર મળી ગયેલા. 

બેંગલોર આવી ને બીજા જ દિવસે એ ચંદ્રકાન્તભાઈના ઘરે પહોંચી ગયા. થોડીક મિનિટો શોક વ્યક્ત કરીને એમણે એક સીલ બંધ કવર દીકરાની વહુ નેહા ના હાથમાં મૂકયું. સાથે સાથે ચંદ્રકાંતભાઈ ની 3 બેંકોની ચેક બુકો પણ આપી.

" ચંદ્રકાંતભાઈ મારી રેસ્ટોરેન્ટનો ઓફિસ તરીકે ઉપયોગ કરતા. ત્રણ બેંકોમાં એમના ખાતા હતા અને બધી ચેક મૂકો એ મારા ડ્રોઅરમાં મૂકી રાખતા. જ્યારે પણ પૈસા ઉપાડવા ના હોય ત્યારે મારી પાસે આવી ચેકબુક કાઢી ચેક ફાડીને લઈ જતા. " 

" અને બેટા આ કવર માં શું છે એ મને આજ સુધી કંઈ જ ખબર નથી. આજથી છ મહિના પહેલા તારા સસરાએ આ સીલબંધ કવર મને આપેલું. એમને હાર્ટની તકલીફ થઈ હતી. એમણે તમને કોઈને કંઈ  કહ્યું નહોતું. ...તને તો ખબર જ છે કે ચંદ્રકાંતભાઈ ને બેંગ્લોર લાવનાર હું જ હતો... એમણે મને આ કવર આપતાં કહેલું કે.. ..ગીરીશભાઈ જ્યારે મારો દેહ ના હોય ત્યારે આ કવર મારી દીકરી નેહાને આપી આવજો. "

" એણે તારા માટે દીકરી શબ્દ વાપર્યો હતો નેહા !! " 

ગીરીશ ભાઈ ની વાત સાંભળીને નેહાની આંખમાં પાણી આવી ગયા. 

" અંકલ તમે મારા પપ્પાના ઠેકાણે છો..... તમારાથી ખાનગી કંઈ જ ના હોઈ શકે !! તમે જ આ કવર ખોલો ત્યાં સુધીમાં હું તમારા માટે ચા બનાવી દઉં. " 

" ચા હમણા રહેવા દે . તુ બેસ... કવર માં શું છે તે આપણે જરા જોઈ લઈએ. ચા પછી મૂકજે " 

ગિરીશભાઈએ કવર ખોલ્યું. એમાં બે પત્રો હતા અને ૨૫ લાખ રૂપિયાનો નેહા ના નામનો તારીખ વગરનો એક ચેક હતો. 

" નેહા બેટા તારા સસરા તને ૨૫ લાખ રૂપિયા આપતા ગયા છે. તારીખ વગરનો ચેક છે એટલે ગમે ત્યારે તું ભરી શકે છે . પણ આ જે બે પત્રો છે તે વાંચવાનો મને કોઈ અધિકાર નથી એ તું જ વાંચી જા. હું શાંતિથી બેઠો છું. 

નેહાએ મનમાં પત્ર વાંચવાનું ચાલુ કર્યું. 

" નેહા બેટા... જિંદગીનો કોઈ ભરોસો નથી. વૃદ્ધાવસ્થા શરૂ થઈ ચૂકી છે. કાલ ઊઠીને મને કંઈ પણ થઈ જાય તો આપણો ધંધો બંધ ના થઈ જાય એટલા માટે કેટલીક વ્યવસ્થા હું કરતો જાઉં છું. મારો દીકરો સંસ્કારી છે પણ ધંધાની એનામાં આવડત નથી એ હું વર્ષોથી જાણું છું. એ હવે શેરબજારના રવાડે ચડ્યો છે એટલે ઘરની બધી જવાબદારી હું તને સોંપું છું. "

" તેં મારી ઘણી સેવા કરી છે. મારું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. એના બદલામાં હું જે કંઈ પણ કરી રહ્યો છું એ કંઈ જ નથી. પચીસ લાખ ધંધા માટે તને અલગથી આપતો જાઉં છું.  તારે મારો ચા નો ધંધો ચાલુ રાખવાનો છે. ગીરીશભાઈ તને એમાં પૂરેપૂરી મદદ કરશે. "

" ચાની મારી તમામ ફોર્મ્યુલા આ સાથેના પત્રમાં વિગતવાર બતાવી છે. તારે કોઈને પણ પૂછવું નહીં પડે. પાંચ લિટર ચા બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ કેટલી કેટલી નાખવી અને ચા કઈ રીતે બનાવવી એ વિગતવાર લખ્યું છે. એ પ્રમાણે તું ગમે તેટલી ચા બનાવે એમાં આ ફોર્મ્યુલા અમલમાં મૂકજે. એકધારી ચા બનશે. ચા નો મસાલો કેવી રીતે બનાવવો એનું પ્રમાણ પણ મેં અલગ બતાવેલું છે. " 

" મારા દૂધનો કોન્ટેક્ટ નંબર ગીરીશભાઈ જાણે છે. આપણા તમામ ગ્રાહકોનું કોન્ટેક્ટ લિસ્ટ હું તને નીચે ફોન નંબર સાથે આપતો જાઉં છું. તારે બધાનો એક પછી એક સંપર્ક કરવાનો છે. ગીરીશભાઈ તને એમાં પણ મદદ કરશે. " 

" આ પચીસ લાખ સિવાય જે પણ રકમ મારા ખાતામાં છે એ મારા વારસદાર તરીકે મારા દીકરાને વાપરવાનો પૂરેપૂરો હક છે. એ તારો પતિ છે, તારાથી અલગ નથી એ હું પણ સમજુ છું. પણ આ પચીસ લાખ માત્ર ધંધાના વિકાસ માટે વાપરવાના છે. મિહિરને પણ હું કહું છું કે શેર બજાર છોડી ધંધામાં તને પૂરેપૂરો સાથ આપે. "

" ત્રણ બેંકોમાં મારા ખાતા છે જેની તમામ વિગતો પણ આ સાથે તમને લોકોને આપી દઉં છું. જરૂરી દસ્તાવેજો પૂરા પાડી વારસદાર તરીકે મિહિર તમામ એકાઉન્ટ્સ પોતાના નામે કરી શકે છે..... લી. ચંદ્રકાંત ઠક્કર !! "

પત્ર વાંચીને નેહાની આંખો માં પાણી આવી ગયા. એણે પત્ર સૌથી પહેલા પોતાના પતિને વંચાવ્યો અને છેલ્લે ગિરીશભાઇના હાથમાં મૂક્યો. 

ગિરીશભાઈએ આખો પત્ર વિગતવાર વાંચી લીધો અને એમના મનમાં ચંદ્રકાંતભાઈ માટે માન વધી ગયું. 

" તમારા પરિવારના એક સાચા રખેવાળ તરીકે ચંદ્રકાંતભાઈ એ પોતાની ફરજ બજાવી છે. આ માણસ ધંધામાં એકલો ઝઝૂમ્યો, એકલા હાથે એમ્પાયર ઊભું કર્યું.... પણ એણે સમગ્ર પરિવારનું ધ્યાન રાખ્યું. "

" અઠવાડિયા પછી દિવાળી છે. દિવાળી જવા દઈએ..... દેવદિવાળી થી તમારા આ નવા ધંધાની શરૂઆત કરીએ અને ચંદ્રકાંતભાઈની ચા ફરીથી બધાને પીવડાવીએ... ત્યાં સુધી જે પણ કોન્ટેકટ નંબર એમણે આપેલા છે એ બધાનો હું સંપર્ક કરી લઉં છું..... જેમના પણ પૈસા બાકી છે એમને પણ તકાદો કરી દઉં છું કે તમારે આગળ ધંધો ચાલુ રાખવો હોય તો જુનો હિસાબ ચૂકતે કરો. " ગિરીશભાઈએ કહ્યું.  

દિવાળી પછી ગીરીશભાઈ એ નેહા ના નામે નવી કંપની બનાવી બેંકમાં ખાતું ખોલ્યું. જે જે છોકરાઓ ચંદ્રકાંતભાઈએ રાખેલા એ તમામનો કોન્ટેક્ટ કરી જુદા જુદા એરિયામાં 10 લીટર ના કન્ટેનર પહોંચાડવાની ફરી જવાબદારી સોંપી. તમામ હિસાબ કિતાબ રાખવા માટે એક એકાઉન્ટન્ટની પણ નિમણૂક કરી. 

દેવદિવાળીથી નેહાની કંપનીએ ચંદ્રકાંત ભાઈની ચા ફરી ચાલુ કરી. તમામ જૂના ગ્રાહકોનો સંપર્ક કર્યો. છ મહિનામાં ચંદ્રકાંત ભાઈ ની ચા ફરી બેંગ્લોરમાં ઘરે-ઘરે જાણીતી થઈ ગઈ. 

સપ્ટેમ્બર મહિના માં ચંદ્રકાંતભાઈના અવસાનને એક વર્ષ પૂરું થયું ત્યારે બેંગ્લોરના તમામ રેસ્ટોરન્ટ માલિકો ને અને કાયમી ગ્રાહકોને આમંત્રણ આપીને એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. ચોમાસાના કારણે એક મોટા હોલની અંદર જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. ચા નો ધંધો ફરી 100 લીટર સુધી પહોંચી ગયો હતો.

સમારંભમાં સ્ટેજ ઉપર ગિરીશભાઈએ નેહા ની ખુબ જ પ્રશંસા કરી અને તમામ ગ્રાહકોનો આભાર માની કાયમ માટે સહકાર આપવાની વિનંતી કરી. 

આભારવિધિ માં નેહા એ માત્ર એટલું જ કહ્યું કે....

" આ સમારંભ આપણા ચંદ્રકાંતભાઈનો છે. આપ સૌ પણ ચંદ્રકાંત ભાઈની ચા ના ચાહકો છો. મારા સસરા મને જે વારસો આપી ગયા છે એ એમના આશીર્વાદથી જ ફૂલ્યો ફાલ્યો છે. ચંદ્રકાંતભાઈ આજે પણ આપણી વચ્ચે હાજર છે ! " 

અને ખરેખર ચંદ્રકાંતભાઈ હાજર હોય એમ હોલની બહાર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો.


Rate this content
Log in

More gujarati story from PRAVIN MAKWANA

Similar gujarati story from Inspirational