PRAVIN MAKWANA

Inspirational

3.7  

PRAVIN MAKWANA

Inspirational

ચમનલાલ માસ્તરની શિક્ષણ સાધના

ચમનલાલ માસ્તરની શિક્ષણ સાધના

10 mins
337


માસ્તર સાયેબ. . .

ચમનલાલ સાહેબને ગામ આખું "માસ્તર સાયેબ"કઈને સંબોધે. નવી નોકરીની શરૂઆત જ આ ધનપુરા ગામથી કરેલી. આમ તો ચમનલાલનું મૂળ વતન દશ કિલોમીટર દૂર પરંતુ વતનમાં બાપદાદાદાની કોઈ લાંબી માલ મિલ્કત તો હતી નહીં એટલે આ ગામને જ વતન બનાવી દીધું. વતનની રહેઠાણની થોડી જમીન પણ બે નાના ભાઈઓને આપી દીધી. શિક્ષકનો જીવ એટલે દુનિયાદારી એને શીખવવાની ના હોય ! બંને નાના ભાઈઓને પગભર કરીને પછી જ એમની જાતનું વિચાર્યું. આમ તો એક હાથે તાળી ના પડે ! એમનાં ધર્મપત્ની જયાબેન પણ ચમનલાલના વિચારોનાં.

ધનપુરામાં ચમનલાલનાં માનપાન ઘણાં ઉતમ. માનપાન ઉતમ કેમ ના હોય ! જ્યારથી આ ગામમાં નોકરીમાં લાગ્યા એ દિવસથી જ શિક્ષણમાં જીવ રેડી દીધો. શિક્ષણ તો એમની ફરજનો ભાગ હતો પરંતુ એ ઉપરાંત ગામમાં કોઈ પણ કામ હોય, કાગળ-પત્ર, અરજી, દસ્તાવેજ, ખેતીવાડી કે ભાગીયાનો હિસાબ, લગ્નની કંકોતરી કે પછી મુહૂર્ત -ચમનલાલ સાહેબ હાજર.

તો જયાબેન ! શિક્ષણથી વંચિત મોટી દીકરીઓ, વહુવારુઓને અક્ષરજ્ઞાન આપવામાં સતત પ્રયત્નશીલ. ગામની શાળામાં એકથી ચાર ધોરણ ચમનલાલ એકલે હાથે ભણાવે તો ઘેર દીકરી વહુવારુઓનો મેળાવડો. ગામમાં આર્થિક રીતે નબળા પરિવારોમાં સુવાવડનો પ્રસંગ હોય ત્યાં જયાબેન ઘી, ગોળ, ભૈડકુ લઈ ને પહોંચી ગયાં હોય. જરુર લાગે તો બે પાંચ રૂપિયાની મદદેય કરતાં આવે.

આવાં પરોપકારી દંપતિની કદર ગામે પણ કરી. ગામલોકોએ પંચાયતની જમીન ચમનલાલ સાહેબને ફાળવી આપી. ઘર બનાવીને ચમનલાલે આ ગામને જ વતન તરીકે અપનાવી લીધું. પંદર વર્ષ વીતી ગયાં આ ગામમાં. સંતાનમાં એક માત્ર દીકરી જાગૃતિ. જે દશમા ધોરણમાં અભ્યાસ કરે.

જયાબેન અચાનક બિમાર પડ્યાં. બિમારી લાંબી ચાલતાં શહેરમાં દવાખાને દાખલ કર્યાં જયાં બ્લડ કેન્સરનું નિદાન થયું. ચમનલાલ જેવો કર્મનિષ્ઠ વ્યક્તિ મન, હૃદયથી પડી ભાગ્યો. આ અણધારી આફતને જીરવ્યા સિવાય છૂટકો નહોતો. જયાબેનને પણ ખ્યાલ આવી ગયો કે, લાંબુ જીવી શકાશે નહીં.

 એક દિવસ જયાબેને ચમનલાલને કહ્યું, 'જાગૃતિના બાપુ ! જન્મ અને મરણ તો પ્રભુના હાથમાં છે. આમ હતાશ થયે શું વળશે ? જાગૃતિ માટે કરીને પણ તમારે અડીખમ રહેવું પડશે. હવે તો તમે જ દીકરીનું સર્વસ્વ છો. એની આંખમાંથી ક્યારેય આંસુ નહીં પડવા દો એ તો મને વિશ્વાસ છે પરંતુ મારે વિનંતિથી બે શબ્દો તમને કહેવા છે.

  ચમનલાલ વધારે ઢીલા થઈ ગયા છતાંય કઠણ કાળજું કરીને બોલ્યા, બોલ જાગૃતિની મા, શું આદેશ છે મને ? 'જયાબેન બોલ્યાં, 'તમારી ઉંમર હજી પાંત્રીસ છત્રીસ છે. દીકરી તો પરણીને કાલ સાસરે ચાલી જશે. એકલવાયું જીવન બહું વસમું હોય છે. તમને અને દીકરીને સાચવે એવું કોઈ મળી જાય તો સંસાર માંડી લેજો. મારા આત્માને શાંતિ થશે. આ ગામના ચારેય હાથ માથે છે છતાંય ઘડપણ વસમું હોય છે. મારી વિનંતી પુરી કરશો ને?'ચમનલાલનો હાથ હાથમાં લઈને જયાબેન બોલ્યાં, 'વચન આપો મને. '

ચમનલાલ એટલું જ બોલ્યા,'જેવા વિધિના લેખ !આ બાબતે દીકરીને જરુર જણાવીશ પરંતુ એ બધી ભવિષ્યની આળપંપાળને છોડો. તમને કંઈ થવાનું નથી. '

જયાબેનને સારુ લગાડવા ચમનલાલ "તમને કંઈ નથી થવાનું "-બોલ્યા તો ખરા પરંતુ એમનેય ખબર જ હતી કે શું થવાનું છે. '

 જયાબેને મોં પર હાસ્ય લાવીને ચમનલાલ સામે હાથ જોડ્યા ને બોલ્યાં, 'જાગૃતિને અત્યારે કંઈ જણાવતા નહિ. '

જાગૃતિ તો મા બિમાર પડી એ દિવસથી જ બેચેન રહેતી હતી. સદા હસમુખો ચમનલાલનો ઉદાસ ચહેરો જોઈને એ સતત પૃચ્છા કરતી કે મારી માને શું થયું છે પરંતુ માબાપે આજ સુધી આ વાત કહી જ નહીં અને એટલે તો એણે છાનીછાની આજે માબાપની વાતચીત સાંભળી લીધી હતી.

 જાગૃતિનો આશય તો માત્ર માનું દર્દ જાણવાનો હતો પરંતુ આજે જે એણે સાંભળ્યું એ તો ઘણું કષ્ટદાયક હતું એના માટે. માબાપના સંસ્કાર તો એનામાં ભરપૂર હતા જ અને એટલે જ તો આંખમાંથી વહી રહેલાં આંસુને તરત જ લુંછીને "બાપુજી"-એવો ટહુકો કરીને માબાપ સામે હાજર થઈ,એ આશયે કે માબાપનું દર્દ વધારે બહાર ના આવે ! 

બે મહિનામાં જયાબેન હર્યોભર્યો પરિવાર અને માયાળું ગામને છોડીને સ્વર્ગે સિધાવી ગયાં. આખુ ગામ હિબકે ચડ્યું. ચમનલાલ ગમગીન થઈ ગયા. દુઃખને જીરવવા સિવાય કોઈ આરો નહોતો. જાગૃતિને માટે મા ગણો કે બાપ -ચમનલાલ જ હતા.

બેવડી જવાબદારી નિભાવીને ચમનલાલે જાગૃતિને પીટીસી પાસ કરાવી દીધું. એને યોગ્ય પાત્ર શોધીને સગપણ પણ કરી દીધું. વિશાલ ધનપુરા ગામથી દશેક કિલોમીટર દૂર તારાનગરનો વતની છે અને નજીકના કમાલપુર ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે એની સાથે ધામધૂમથી લગ્ન થયાં. આખુ ધનપુરા ગામ કન્યાપક્ષ બન્યું. અને આખા ગામ વતી ગામના મુખીએ કન્યાદાન કર્યું.  

 ગૌધૂલીના સમયે જાગૃતિની વિદાય ઘડી આવી પહોંચી. જાગૃતિ અને ચમનલાલના બંધ છૂટી ગયા. જયાબેનના વિરહની વેદના આજે પ્રથમવાર જાહેરમાં છતી થઈ. બાપ દીકરીનું એ વિદાય મિલન આખા ગામને રડાવી ગયું. ઘડીભર તો બાપ દીકરીને છૂટાં કરવાની હિંમત કોઈનીયે ના ચાલી. વિદાયનું ચોઘડિયું ચાલ્યું ના જાય એનું ભાન થતાં મુખી બોલ્યા, 'માસ્તર ! આમ ગાંડા ના થાઓ ! આખુ ગામ તમારો પરિવાર છે ને જાગૃતિ આખા ગામની લાડકી દીકરી છે. '

 વાસ્તવિકતાનું ભાન થતાં ચમનલાલ દીકરીને માથે હાથ મુકીને છુટા પડ્યા.  

લગ્નના બે મહિના બાદ જ જાગૃતિને કમાલપુર ગામમાં જ શિક્ષિકા તરીકે નિમણૂક થઈ. બંને પતિ પત્ની તારાનગરથી અપડાઉન કરે. રવિવારે જાગૃતિ અને વિશાલ ધનપુરા ફરજીયાત આંટો મારે. . . .

ચમનલાલ કર્મનિષ્ઠ માનવી એટલે રસોઈથી માંડીને કપડાં, વાસણ -બધું જાતે કરે. ગામની બહેનો, દીકરીઓ મદદ માટે વિનંતી કરે પરંતુ ચમનલાલ હાથ જોડીને પ્રેમ સહિત સૌને કહે,'જ્યાં સુધી કામ કરી શકું ત્યાં સુધી મને કરવા દો, ઘરડો થઈને તો તમારે સહારે છું જ ને ! 

  જાગૃતિ ધોરણ સાતની વર્ગ શિક્ષક. વર્ગમાં હાજરી પૂરી રહી હતી. વારાફરતી વિદ્યાર્થીઓ જયહિન્દ કહીને હાજરી નોંધાવી રહ્યા હતા. જાગૃતિ હાજરીની સાથે ગણવેશની નોંધ લઈ રહી હતી. વારો આવતાં એક વિદ્યાર્થિની ઊભી થઈ. જાગૃતિની નજર એના પર પડી. ગણવેશ પહેરેલો નહોતો.

  બેટા કેમ ગણવેશમાં નથી ? વિદ્યાર્થીની ચૂપચાપ બોલ્યા વગર ઊભી જ રહી પરંતુ વર્ગમાંથી બીજા અવાજો આવવા લાગ્યા, 'બેન ! એને પપ્પા નથી, કોણ લાવી આપે ? 'બેન એ ખુબ ગરીબ છે. ''બેન એને તો ભાઈ પણ નથી, ભમરાળી છે. ' જાગૃતિ સમસમી ગઈ. જાગૃતિએ આખા વર્ગનાં બાળકોને શાંત કર્યાં અને કહ્યું, 'જુઓ !એ તમારા સૌની બહેન છે અને હવે પછી કોઈ ભાઈ વગરની કે ગરીબ છે એવું નહીં કહે. જુઓ ! ભાઈ તો મારે પણ નથી,શું તમે મને ભમરાળી કહેશો ? 

જાગૃતિની છાપ આ શાળામાં હોશિયાર અને માયાળું શિક્ષક તરીકેની હતી એટલે વર્ગનાં બધાં જ બાળકો ઊભા થઈને વારાફરતી કહેવા લાગ્યાં, 'માફ કરો બહેન ! અમે હવે ભૂલ નહીં કરીએ. 'પરંતુ ખુદ જાગૃતિના મનમાં ખટકો થયો, ભાઈ તો મારેય નથી. એને એના પિતાજીનો ભવિષ્યકાળ દેખાવા લાગ્યો. પિતાજીના ઘડપણની લાકડી કોણ ?સાથે સાથે છાની રીતે સાંભળેલ માબાપની વાતચીત યાદ આવી. મા એ પિતાજી પાસે કરેલ વિનંતી યાદ આવી. "જાગૃતિને જરુર જણાવીશ" પિતાજીએ કહેલ એ શબ્દો યાદ આવ્યા.  

થોડીવારે વિચારો ખંખેરીને બાળકોને ભણાવવામાં મન પરોવ્યું. બપોરે વિશ્રાંતિમાં ગણવેશ વગરની દીકરીને જોતાં જ જાગૃતિને વાલી મુલાકાત કરવાનું મન થયું. 'ગામમાં એક ઘેર વાલી સંપર્ક કરીને પછી આવીને નાસ્તો કરીશ, તમે હાલ નાસ્તો કરી લો . '-વિશાલને કહીને જાગૃતિ પેલી દીકરી સાથે એના ઘેર પહોંચી. નાનકડા ઘરમાં પાંત્રીસેક વરસની વિધવા સ્ત્રી લાલ મરચાં ખાંડી રહી હતી. જાગૃતિને જોતાં જ એ ઊભી થઈ ગઈ. આવો બહેન ! મારી આ આશા દીકરી તમારાં ખુબ વખાણ કરે છે. ખાટલો ઢાળતાં ઢાળતાં જ આગળ બોલી. તમે ખુબ સારું ભણાવો છો એવું આશા કાયમ કહે છે. આજે તમે મારા ઘરે આવ્યાં ! અમને ખુબ આનંદ થયો. બેસો બેન હું દૂધ લાવીને ચા મૂકું.  

  ' રહેવા દો બહેન,હું ચા નથી પીતી તમે મારી પાસે આવીને બેસો. '-જાગૃતિ બોલી.  

'મારી આશાનો કંઈ ઠેસ ઠબકો છે બેન ?'

  જાગૃતિએ આશાને પુછ્યું, બેટા તારી મમ્મીનું નામ શું છે ? 

સંગીતાબેન . . . . .

 'હા, તો સંગીતાબેન ! તમારી દીકરી ખુબ હોશિયાર છે. હું કંઈ ઠેસ ઠપકા માટે નહીં પરંતુ આશાને ગણવેશ લાવવા માટે પૈસા આપવા આવી છું. તમે ના કહેતાં નહિ. '

'માફ કરજો બેન, એને ગણવેશના પૈસા તો નિશાળમાંથી મળ્યા હતા પરંતુ એ બિમાર થતાં અડધા પૈસા દવામાં ખર્ચાઈ ગયા એટલે એક જ જોડી ગણવેશ લાવી શકી. આજે આ મરચાં ખાંડવામાં સમય થઈ ગયો એટલે ગણવેશ ધોવામાં મોડું થઈ ગયું એટલે ગણવેશ વગર જ મોકલી દીધી. આ મહિનો પૂરો થતાં જ વિધવા સહાયના પૈસા આવશે એમાંથી બીજી જોડ ગણવેશ સીવડાવી દઈશ. તમે આ પૈસા આપવાનું રહેવા દો. તમે એને ખુબ સારી રીતે ભણાવો છો એ જ અમારા માટે ખુબ સારું છે '

ઘણા પ્રયત્નો છતાંય જાગૃતિની આંખો ભીંજાઈ ગઈ. સંગીતાને ભેટી પડી જાગૃતિ.

લાગણી જોઈને સંગીતાનું હૃદય ખુલી ગયું. સંગીતા બોલી, 'બેન !આ તો કરમનાં લેખાં જોખાં છે. હુંય દશ ધોરણ ભણેલ છું. ગરીબ માબાપની દીકરી એટલે લાંબું તો ક્યાંથી ભણું ?પરણીને આ ઘરે આવી ત્યારે સુખ જેવું જરુર દેખાયું. આશાના પપ્પા સારુ એવું કમાતા હતા. ભગવાને આશા જેવી દીકરી આપી. પરિવાર હર્યોભર્યો થયો ત્યાં તો દુઃખ વીજળી બનીને ત્રાટક્યું. આશાના પપ્પા મોટર સાયકલ પર આવી રહ્યા હતા. રોડ ઉપર કોઈ અજાણ્યો વાહનચાલક અકસ્માત કરીને જતો રહ્યો. પંદર દિવસ ડોકટરોએ ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ આખરે ના થવાનું થયું.

 'માયા મૂડી દવાખાને ખર્ચાઈ ચૂકી હતી એટલે તો અંતિમ શ્વાસે કહીને ગયા કે, તારો અને દીકરીનો વિચાર કરીને સારુ ઠેકાણું શોધી લેજે. એ વાક્ય એક પળ પણ ભુલાતું નથી બહેન. સતર સતર વરસના લગ્ન જીવનને કઈ રીતે ભૂલીને બીજું ઘર માંડું બહેન ! આખું ગામ અમારી જોડીને વખાણતું હતું. એમનો સ્વભાવ તો અડધી રાતે ઊભા થઈનેય બીજાંને મદદ કરવાનો હતો. આજે એ જ ગામમાં કેટલાંય "ભમરાળી "કહીને મશ્કરીઓ કરે છે. '

  મને કોઈ ગમે તે કહે એની ચિંતા નથી પરંતુ અમારા બંનેના સ્નેહની આ નિશાની આશાની ચિંતા મને સતાવે છે. કાલે બીજું ઘર કરુ પણ મારી આશાનું કોણ ? આશા તો આંગળિયાત જ ગણાયને ? એટલે જ મહેનત મજુરી કરીનેય જીવતરનું ગાડું ચલાવ્યે રાખું છું.

માફ કરજો બેન ! મારી વેદના તમારી આગળ ઠાલવી છે. આખું ગામ તમારાં વખાણ કરે છે એટલે કદાચ મારુ દર્દ તમારી માણસાઈ આગળ છતું થઈ ગયું. '

  'મારી મા બનશો સંગીતાબેન ? તમારી ઉંમર પાંત્રીસ વર્ષ છે તો મારા પિતાજીની ઉંમર પિસ્તાળીશ. દશ વર્ષનો ઉંમરમાં તફાવત છે પરંતુ તમારા વિચારો અને સંસ્કારો એને સરભર કરનારા છે. '

જાગૃતિએ પોતાના પરિવારનો ઈતિહાસ શરૂઆતથી જ સંગીતાબેનને કહી સંભળાવ્યો. અંતમાં કહ્યું, પિતાજી આ બાબતે બીલકુલ અજાણ છે. 'આ માત્ર મારુ ધ્યેય છે ને એ ધ્યેય પુરુ થશે જ એવો મને પાક્કો વિશ્વાસ છે. '

સંગીતાબેન નિરૂતર હતાં. . . . .

જાગૃતિ સંગીતાબેનના ચરણસ્પર્શ કરીને નિકળી ગઈ. થોડે દૂર પહોંચીને અચાનક પાછળ નજર નાખી.

સંગીતાબેન હાથ ઊંચો કરીને "આવજો" કહીંં રહ્યાં હતાં.  

  રવિવારે જાગૃતિ અને વિશાલ સવારે સાત વાગે ધનપુરા પહોંચી ગયાં. પિતાજીને વંદન કરીને જાગૃતિ આખા ગામમાં ફરી વળી. સવારે નવ વાગ્યે તો ગામના વડીલો ચમનલાલ સાહેબના આંગણામાં આવી ગયા. ચમનલાલ તો નિયમિત સવારે ધ્યાન, પૂજા અને ગીતા પાઠમાં મગ્ન એટલે જાગૃતિ અને વિશાલને આવકાર તો આપેલો પરંતુ આ બધા વડીલો એકઠા થયા એનાથી સાવ અજાણ.  

બેટા ! આ ગામના વડીલોને કેમ ભેગા કર્યા છે ? 

બાપુ તમે બેસો, હું બધી વાત કરુ છું.  

 જાગૃતિએ વડીલોને વંદન કર્યા અને બોલી, 'મારા સૌ વંદનિય વડીલો. આજે હું તમારા સૌની લાડકી દીકરી મારા બાપુજી માટે એક પ્રસ્તાવ લઈને આવી છું. એ પ્રસ્તાવને સૌ વધાવી લેશો અને એ પ્રસ્તાવ મારા બાપુજી સ્વિકારી લે એ માટે સૌ સમજાવશો. '

  ચમનલાલ બોલ્યા, 'શાનો પ્રસ્તાવ છે બેટા ? '

થોડા સંકોચ અને ભીની આંખે જાગૃતિએ છાની રીતે સાંભળેલ વાતચીત વડીલોને કહી સંભળાવી સાથે સાથે સંગીતાબેનની હકીકત પણ. . . . . .

 ચમનલાલે દીકરીના માથા પર હાથ મુકીને કહ્યું, 'બેટા તેં તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો ! મારુ લક્ષ્ય તો પ્રભુ ભજન અને આ ગામની થાય એટલી સેવાનું જ રહ્યું છે શિક્ષણ એ તો મારી પવિત્ર ફરજ છે. ક્યાંય એમાં અડચણ ઊભી થઈ તો હું મારી જાતને માફ નહીં કરી શકુ. '

'બાપુજી હું તમારુ સંતાન છું,તમારા આપેલા સંસ્કારો મારા લોહીમાં વહે છે. હું જે પ્રસ્તાવ લઈને આવી છું એ ઘણું જોઈ, જાણી અને વિચારીને લઈને આવી છું. 'જાગૃતિ એકદમ ભાવુક હૃદયે જેમ તેમ કરીને આટલું બોલી ગઈ.  

'વાહ દીકરી વાહ ! તેં તો આખા ગામની લાગણીને સુપેરે વ્યક્ત કરી છે. જયાબેનના ગયા પછી માસ્તર સાયેબ ઘરકામથી માંડીને બધાં જ કામ જાતે કરતા હતા. કોઈ પણ પ્રકારની મદદ સ્વિકારવા તૈયાર ના થયા તે ના જ થયા એટલે ઘણીવાર અમે બધા વડીલો આ બાબતે માસ્તર સાયેબને કહેવા માંગતા હતા પરંતુ એમની આગળ રજુઆત કરવાની અમારા કોઈની હિંમત ના ચાલી. આજે ભગવાને અમારી લાગણીને ધ્યાને લીધી છે. '-મુખી ભાવવાહી સ્વરમાં આટલું બોલતાં બોલતાં તો રડી પડ્યા. બેઠેલ સૌ વડીલો પણ એ જ સ્થિતિમાં હતા. વાતાવરણ ગમગીન બની ગયું.

છેવટે ચમનલાલ બોલ્યા,'હરિ ઈચ્છા બળવાન !'

ચમનલાલના એક જ વાક્યે સૌના મોં પર ખુશી લાવી દીધી. જાગૃતિ અને વિશાલ ચમનલાલને ભેટી પડ્યાં.

  અત્યારે જાગૃતિને બે સંતાન છે. આશા પરણીને એના સાસરે છે. સંગીતાબેન ધનપુરામાં ખુલેલ નવી આંગણવાડીમાં કોઈપણ જાતના પગાર વગર નાનાં નાનાં ભૂલકાંઓને સંસ્કાર શિક્ષણના પાઠ ભણાવી રહ્યાં છે. એ ભૂલકાંઓમાં એક ચાર વર્ષનું ભૂલકું કાલી ઘેલી ભાષામાં દરરોજ એક જોડકણું ગવડાવી રહ્યું છે. . . . . .

ચાલો બાલકો ઘલ ઘલ લમીએ,

સાથે જમીએ સાથે ભનીએ.

 ખુશીઓ કેલાં ગુંજાં ભલીએ, 

દુ:ખ દલ્દને વેચી લઈએ.   

 ચાલો બાલકો ઘલ ઘલ લમીએ. . . . . . . .  

હા, એ સંગીતાબેન અને ચમનલાલ સાયેબની ઘડપણની લાકડી "મિલન" છે.

  ચમનલાલ તો નિવૃતિના આરે હોવા છતાં એ જ લગન, એ જ ધૂનથી શિક્ષણ સાધના અને સેવાકાર્યોને પ્રજ્વલિત કરી રહ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational