ચકલીનો માળો
ચકલીનો માળો
કેવલભાઈના ઘરના ફળિયામાંમાં હીંચકા આગળ દાડમડી ઊગી હતી. શરૂઆતમાં તો બહુ દાડમ થતા, પણ પછી દાડમ આવતા બંધ થઈ ગયાં. દાડમડી ઉપર ચકલીએ માળો બાંધ્યો હતો. ચકો અને ચકી હીંચકા ઉપર અને ફળિયામાં ઊડાઊડ કરતા. કેવલભાઈના પાંચ વર્ષનાં દીકરા પીન્ટુને ચકા ચકી સાથે બહુ મજા આવતી. પીન્ટુ દાદી સાથે ચકા અને ચકીને ચણ નાખતો. દાદીમાએ હીંચકા આગળ પાણીનું નાનું કૂંડુ મૂક્યું જેથી બધા પક્ષીઓ પાણી પીવા આવી શકે.
થોડા દિવસ પછી માળામાં ઈંડા મૂક્યા હશે,એટલે ઈંડામાંથી નાના ત્રણ બચ્ચા આવ્યા. પિન્ટુને તો બહુ મજા આવી ગઈ. તેને હીંચકા ઉપર ચડાવીને દાદીમાંએ ચક્લીનાં બચ્ચા બતાવ્યા. ચક્લીનાં નાના બચ્ચા જોવાની પિન્ટુને બહુ મજા આવતી ચકલી ચાંચમાં ચણ લાવી તેના બચ્ચાના મોઢામાં મૂકતી. પીન્ટુ બાલમંદિરેથી આવીને ચકલીનો માળો જોવા હીંચકા ઉપર ચડી જતો. સાંજે દાદીમાં પીન્ટુ ને ચકા અને ચકલીની વાર્તા કહેતા.
દાડમડી લીધે ફળિયામાં બહુ પાંદડા અને કચરો પડતો હતો. આથી કેવલભાઈએ દાડમડી કપાવી અને ફળિયામાં લાદી નાખવાંનો નિર્ણય લીધો. પિન્ટુના દાદીએ દાડમડી કપાવવાની ના પાડી, અને કહ્યું કે “દાડમડી ઉપર ચકલીનો માળો છે.” કેવલભાઈએ કહ્યું “ચકલી તો બીજી જગ્યાએ માળો કરી લેશે. દાડમડી કપાવી નાખીને ફળિયામાં લાદી નાખવી છે. કાલે બે મજૂરો આવશે.”
પીન્ટુ દાદી અને પપ્પાની વાત સાંભળી ગયો. તેણે પણ પપ્પાને કહ્યું કે ”ચકલીનાં બચ્ચા બહુ ગમે છે. તમે તેનું ઘર તોડી નાખશો તો બચ્ચાનું શું થશે ?” કેવલભાઈએ કોઈનું માન્યું નહી. બીજે દિવસે મજૂરો કાપવા આવ્યાં. પીન્ટુ હીંચકા ઉપર ચડીને બચ્ચાને જોતો હતો. પીન્ટુએ દાદીને કહ્યું “હું દાડમડી નહીં તોડવા દઉં. દાડમડી તૂટી જશે તો ચકલીનો માળો પણ નહીં રહે.” આટલું બોલીને પીન્ટુ જોરથી રડવા લાગ્યો. દાદીએ મજૂરોને બીજે દિવસે આવવાનું કહી દીધું. પીન્ટુને ચકલીના બચ્ચા સાથે લાગણી થઈ ગઈ હતી. પીન્ટુ ખૂબ રડ્યો હતો આથી તેને તાવ આવી ગયો. પીન્ટુ ઊંઘમાં પણ ઝબકીને જાગી ગયો અને જોરથી રડવા લાગ્યો. કેવલભાઈને પીન્ટુની ચિંતા થવા લાગી.
સવારે કેવલભાઈએ હીંચકા ઉપર બેઠાં હતાં. તેનું ધ્યાન પણ ચક્લીનાં બચ્ચા ઉપર ગયું. તેને પણ પીન્ટુનો ચક્લીનાં બચ્ચા ઉપરનો પ્રેમ સમજાઈ ગયો. મજૂરો દાડમડી કાપવા આવ્યાં પણ કેવલભાઈએ કાપવાની ના પાડી દીધી. દાદીએ પીન્ટુને કહ્યું“ પીન્ટુ રડવાનું બંધ કર તારા પપ્પા હવે દાડમડી નથી કપાવવાનાં."
કેવલભાઈ પીન્ટુ તેડીને ચકલીના માળા પાસે લઈ આવ્યાં. પીન્ટુ ચકલીના બચ્ચાને જોઈને ખુશ થઈ ગયો.
આમ પીન્ટુનો ચકલીના બચ્ચાં પ્રત્યેનો પ્રેમ જોઈને કેવલભાઈને પણ ચકલીના બચ્ચાં ઉપર લાગણી થઈ ગઈ.
