છેલ્લી બેન્ચની મિત્રતા ભાગ ૨
છેલ્લી બેન્ચની મિત્રતા ભાગ ૨


મીત ગણિતને મૂકીને બધા વિષયમાં પાસ હતો, જ્યારે અમીત બધા વિષયમાં પાસની સાથે ૮૫% પણ લઈ આવ્યો હતો. અમીતના ઘરે બધા ખુશ હતા અને નાચી કૂદી રહ્યા હતા, એટલામાં મીતને રવિનો ફોન આવે છે અને તે મીતને જણાવે છે કે ક્લાસમાં દરવખતે પ્રથમ આવનારી અદિતિ આ વખતે ગણિત વિષયમાં નાપાસ થઈ છે.
હવે અહીથી આગળ. . . . .
“શું વાત કરે છે ભાઈ. . ? અદિતિ નાપાસ થઈ છે. હું આ વાતને નથી માનતો. આ શકય હોઈ જ ના શકે. બાલમંદિરથી લઈને અત્યાર સુધી ક્લાસની અંદર પ્રથમ આવનારી છોકરી બોર્ડની પરીક્ષામાં નાપાસ થાય, આ વાત ગળે નથી ઉતરી રહી. ” અમીતએ કહ્યું.
“ભાઈ મને પણ એ જ લાગે છે નક્કી આ વખતે પેપર ચેક કરવામાં કઇંક લોચા પડ્યા છે. કારણકે ગણિત વિષયને મૂકી ને મને બધા વિષયમાં ચિંતા હતી કે હું નાપાસ થઈશ,પણ ભાઈ ગણિત ને જ મૂકી ને હું બધામાં પાસ થયો. ” મીતએ કહ્યું.
“આપણે અદિતિને જઈને મળીએ. ?” અમીતએ મીતની સામે જોઈને કહ્યું.
“ હાં , ભાઈ મળવા તો જવું છે પણ “ મીત બોલતા બોલતા અટકી ગયો.
“ પણ , પણ શું ભાઈ . ? “ અમીતએ કહ્યું.
“ પણ ભાઈ આપણે અદિતિ પાસે ગયા અને તેને ખબર પડી કે તને ૮૫% આવ્યા છે,તો ક્યાંક એને એવું ના લાગે કે એનામાથી જોઈને તું આટલા નંબરથી પાસ થયો અને એ નાપાસ થઈ ગઈ. ” મીતએ કહ્યું.
“હાં,ભાઈ મને પણ એવું જ લાગે છે. કારણકે ગણિતના વિષયમાં જ અમે ચિટિંગ નહોતા કરી શક્યા અને અદિતિ એમાં જ નાપાસ થઈ છે. ” અમીતએ કહ્યું.
રિજલ્ટ આવ્યા પછી સૌથી વધુ ખુશ જો કોઈ હતું તો તે હતી રીયા. કારણકે અમીતને ૮૫% આવ્યા હતા અને હવે અમીત અને રીયા ના પપ્પા અમીતને હોસ્ટેલમાં નહીં મૂકે. રીયા પણ એ જ ચિંતામાં હતી કે અદિતિ કઈ રીતે નાપાસ થઈ. કારણકે આખી સ્કૂલ અને બધા શિક્ષકો જાણતા હતા કે અદિતિ એ માત્ર સ્કૂલમાં જ નહીં,પરંતુ આખા અમદાવાદમાં પ્રથમ નંબર લાવવાની ક્ષમતા ધરાવે છે. એ ગણિતમાં નાપાસ થઈ કઇંક તો લોચો હતો.
૧૦ વર્ષ પછી
“ભાઈઓ ક્યાં છો બધા. . ? ” રવિએ જન્માષ્ટમીની બપોરે પોતાના વોટ્સ-એપમાં વી. ડી. ના નમૂના ગ્રુપમાં મેસેજ મૂક્યો. આમ તો આ ગ્રુપમાં લગભગ બધા હતા માત્ર અમીત અને મીતને મૂકીને.
દરરોજ સવારે અને સાંજે કોઈને કોઈ ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટના મેસેજ આ ગ્રુપમાં કરી દેતું. પરંતુ પહેલી વખત સુવિચાર, રાજકારણ અને ટીક-ટોક ના વાઇરલ વિડિયોથી હટીને ક્યાં છો,શું કરો છોનો મેસેજ આવ્યો. ઉપરથી જન્માષ્ટમીની રજા હતી, એટલે લગભગ બધા ફ્રી હતા. જેવું રવિએ મેસેજની શરૂઆત કરી એટલે વારાફરતી બધાના મેસેજ આવવાના શરૂ થઈ ગયા.
સંદીપે કહ્યું “બકા તારી બાજુમાં જ છું ખાલી બોલાવતો ખરો”.
રિધ્ધીએ કહ્યું “હું મુંબઈ છું,સેટલ છું”.
વિકાસએ કહ્યું હમણાં તો “હું હનીમૂન માટે બાલી ગયો છું અને બાલીના બીચના ફોટો મૂક્યા”.
પંક્તીએ કહ્યું “હું તો અમદાવાદ માં જ છું અને મસ્ત છું”.
દિપ્તીએ કહ્યું “હું પણ અમદાવાદ માં છું”.
દીપે કહ્યું “બકા આપણે તો હાલ લંડન માં જલ્સા કરીયે છીએ,એક મલ્ટી-નેશનલ કંપનીમાં સારી એવી પોસ્ટ પર છું. ”
આ બધા વચ્ચે એક મેસેજ એવો આવ્યો જેમાં બધાના દિલની વાત આવી ગઈ, બધા જાણે આ વાતની જ રાહ જોઈ રહ્યા હતા. અને એ મેસેજ હતો
“ચાલો ને બધા મળીએ, કેન વી ડુ રી યુનિયન. ? ” આ મેસેજ હતો અદિતિની ખાસ મિત્ર એવી દિવ્યાનો.
“મસ્ત,જોરદાર અને દમદાર વાત કરી દિવ્યા,મજા પડી જશે. આફ્ટર સો લોન્ગ સ્કૂલની વાતો, સ્કૂલની યાદો, સ્કૂલના કિસ્સા, સ્કૂલની મસ્તી, સ્કૂલ સ્કૂલ અને બસ સ્કૂલ. સાચે આપણે બધા ૧૦ વર્ષથી આવી રીતે રી યુનિયન કરીને નથી મળ્યા. દિવ્યા “આઈ એમ ઇન” હું તારા આ વિચારથી સહેમત છું અને હું આ રી યુનિયન માટે તૈયાર છું, બોલો ક્યારે, ક્યાં, કેટલા વાગે અને કેટલા દિવસ માટે મળવું છે. . ??” રવિએ કહ્યું.
બસ પછી શું હતું, એકી સાથે જાણે ગ્રુપ માં ધમાલ મચી ગઈ. દીપએ કહ્યું “આપણે રી યુનિયન માટે ગોવા જઈએ”. તો પંક્તીએ કહ્યું “ ના ગોવા માં હમણાં બહુ વરસાદ છે નહિ મજા આવે આપણે કચ્છમાં જઈએ ત્યાં ઘણું બધુ જોવા લાયક છે, ત્યાં મારૂ સાસરું પણ છે મજા આવશે બધાને”. તો દિપ્તીએ કહ્યું “આપણે માઉન્ટ-આબુ જઈએ આમ પણ હમણાં હું ને મારી ફૅમિલી ત્યાં જવાના છીએ”. સંદીપએ કહ્યું “બકા આપણે બરોડામાં મળીએ, એમાં શું છે હમણાં હું મારી બિઝનેસ મિટિંગ માટે બરોડા જવાનો છું તો ત્યાં જ ક્યાંક મળી લઈએ”.
આ વાતો સાંભળી રવિ બોલ્યો “ મિત્રો આપણે આપણાં વ્યસ્ત સમયમાથી થોડો સમય કાઢી ને આ રી યુનિયનમાં નથી મળવાના. આપણે આપણો સમય, આપણું કામ-કાજ, આપણી ફૅમિલી આ બધુ મૂકીને મળવાના છીએ. જ્યાં આપણે આપણી અને આપણાં સ્કૂલની જૂની વાતો, જૂની યાદો, જૂના કિસ્સા, જૂની મસ્તી આ બધુ વાગોળી શકયે. બાકી આમ ફૅમિલી અને ઓફિસના કામ માટે નીકળ્યા હોયે અને મળી લઈએ એના કરતાં તો આપણે ગ્રુપમાં વિડિયો કોલ કરી લઈએ એ વધુ સારું છે”.
" ઍગઝેક્ટલી, રવિ બરોબર કહે છે. મારા મતે આપણે ૩-૪ દિવસનું પ્લાનિંગ કરી અને મળવું જોઈએ. જ્યાં માત્ર આપણે અને આપણે લોકો જ હોઈએ. આપણી સ્કૂલની યાદો આપણી મસ્તી અને આપણાં સ્કૂલની વાતો. એ ૩-૪ દિવસ આપણે પાછા સ્કૂલના એ દિવસોને, સ્કૂલના વાતાવરણને, સ્કૂલના સ્મરણોને, જે છેલ્લા ૧૦ વર્ષથી દબાય ગયા છે મરી ગયા છે તેમણે જીવતા કરીયે. ” દિવ્યાએ કહ્યું.
“ઓકે, તો બોલો શું પ્લાન કરવો છું. હું આમ પણ આવતા અઠવાડિયામાં હનીમૂન પૂરું કરી અને અમદાવાદ આવી જઈશ ” વિકાસએ કહ્યું.
“હું પણ આવતા અઠવાડિયામાં ઇન્ડિયા મારા ઓફિસના કામથી આવીશ, તો ૩-૪ દિવસની રજા આ રીયુનિયન માટે લઈ લઇશ. ”દીપે કહ્યું.
“હું પણ આવતા અઠવાડિયામાં અમદાવાદ મારા ફૅમિલી ના પ્રસંગમાં આવવાની છું” રિધ્ધીએ કહ્યું.
આ બધા મેસેજ ચાલુ હતા એમાં એક મેસેજ એવો આવ્યો જેની કોઈએ ધારણા નહતી કરી,અને એ મેસેજ હતો અદિતિનો. . .
“આપણે બધા ૫ સપ્ટેમ્બરના વી. ડી. હાઇ સ્કૂલમાં જ મળીએ તો. . ??” અદિતિએ કહ્યું.
લગભગ વી. ડી.ના નમૂના ગ્રુપના નિર્માણ પછી અદિતિનો આ પહેલો મેસેજ હતો. અદિતિ ક્યારે ગ્રુપમાં કોઈ મેસેજના કરતી, આજે પહેલી વખત અદિતિએ મેસેજ કર્યો હતો.
જેવો અદિતિએ આ મેસેજ કર્યો એટલે સૌથી પહેલો જવાબ દિવ્યાએ આપ્યો “પરફેક્ટ,હું અદિતિની વાતથી સહમત છું , આમ પણ ૫ સપ્ટેમ્બર શિક્ષક દિવસ હોય છે,અને આપણી વી. ડી. હાઇ સ્કૂલની પરંપરા મુજબ બધા નવા અને જૂના શિક્ષકો તે દિવસે શાળાના પ્રોગ્રામ માં આવે જ છે. રી યુનિયન માટે આનાથી સારી જગ્યા કોઈ પણ ના હોય શકે. ત્યાંથી આગળ ના ૨ દિવસનું પ્લાનિંગ આપણે કરીયે,બાકી રી યુનિયનની શરૂવાત તો વી. ડી. હાઇ સ્કૂલથી જ થવી જોઇયે. ”
“પ્લાન તો સારો છે,પણ વી. ડી. હાઇ સ્કૂલમાં મળ્યા પછી આપણે નજીક ની કોઈ જગ્યા પર જ જવું જોઈએ,નહિતર તો આપણો અડધો સમય મુસાફરીમાં જ જતો રહશે” સંદીપએ કહ્યું.
“ત્યાંથી આપણે માઉન્ટ-આબુ જઇએ તો. . ?”દિપ્તીએ કહ્યું.
“ના જરાય નહીં” રિધ્ધીએ કહ્યું.
“તો ક્યાં જઈશું. . ??”દીપએ કહ્યું.
“ મારા મામાના ફાર્મ હાઉસ પર જઇએ તો. . ?. આમ પણ એ અમદાવાદથી કઇંક ૮૦ કિલોમીટર દૂર છે. ત્યાં પૂલ , રહેવા માટે જગ્યા રમવા માટે મોટું ગાર્ડન અને બીજું પણ ઘણું બધુ છે. અને હાં ત્યાંથી નજીક એક જંગલ પણ છે તો ત્યાં આપણે ટ્રેકિંગ માટે પણ જઈ શકયે છીએ” રવિએ કહ્યું.
બસ પછી શું હતું વારાફરતી બધા ના મેસેજ આવવાના શરૂ થઈ ગયા. કોઈએ કહ્યું બેસ્ટ,મજા આવશે. તો કોઈએ કહ્યું “યે,હુઇ ના બાત ”. તો કોઈએ કહ્યું “જોરદાર બકા મજા પડી જશે”. આ બધા મેસેજ ચાલુ હતા એમાં સંદીપના એક મેસેજ થી ગ્રુપમાં અચાનક શાંતિ થઈ ગઈ.
સંદીપએ કહ્યું “આપણાં ક્લાસ ના બે મુખ્ય નમૂના અમીત અને મીત ક્યાં છે. ? એમણે પણ આ રી યુનિયનમાં બોલાવવા પડશે. નહિતર આપણો ક્લાસ જેમ એ બંને વગર અધૂરો હતો એમ આ રીયુનિયન પણ એ બને વગર અધૂરું થઈ જશે”
“અરે હાં,ક્યાં છે એ બંને. ? કોઇની પાસે એમનો નંબર હોય તો એમણે આ ગ્રુપમાં જોડો” દીપએ કહ્યું.
“એ બંનેનો નંબર કોઈ પાસે નથી, ખબર નહીં ક્યાં છે બંને. હમણાં છાપાંમાં વાચ્યું મીત તો લેખક બની ગયો છે અને સારી એવી બૂકો લખે છે” રવિએ કહ્યું.
“અદિતિ પાસે તો હશે જ નંબર” રિધ્ધીએ કહ્યું.
પણ જેવુ બધાને આશા હતી અદિતિએ આ વાતનો કઇં જવાબ જ ના આપ્યો. ત્યાં દિવ્યાએ કહ્યું “ મારા ફેસબુકમાં મીત છે અને મારી રેગ્યુલર એની સાથે વાતો થાય છે, પણ એનો નંબર મારી પાસે નથી. મારી જ્યારે છેલ્લી એની સાથે વાત થઈ ત્યારે તેને કહ્યું હમણાં તે મુંબઈ છે અને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં અમદાવાદ આવવાનો છે. તેની કોઈ બૂકની જાહેરાત માટે,તો હું એક વખત મીતને આપણાં રી યુનિયન વિશે વાત કરીશ”.
“સારું અને અમીતને કોણ કહેશે. ?” સંદીપએ કહ્યું.
“અમીતને હું જાણ કરી દઇશ ” અદિતિએ કહ્યું.
“બસ તો બધુ સેટ થઈ ગયું,બસ હવે જલ્દીથી ૫ સપ્ટેમ્બર આવે અને આપણે બધા ભેગા થઈએ” રવિએ આટલું કહીને ગ્રુપનું નામ પણ બદલી નાખ્યું,અને હવે વી. ડી. ના નમૂના ગ્રુપના બદલે રી યુનિયન ઓફ નમૂના થઈ ગયું.
આ આખી ગ્રુપની ચેટ પૂરી થયા પછી સૌથી વધુ કોઈ કશું વિચારી રહ્યું હતું તો તે હતી દિવ્યા. કારણકે સ્કૂલ પૂરી થયા પછી અમીત,મીત અને અદિતિ સાવ ગાયબ જ થઈ ગયા હતા. ધોરણ ૧૦ના બોર્ડના રિઝલ્ટ વખતે અદિતિ સાથે બનેલી જોરદાર ઘટના, પહેલાતો રિજલ્ટમાં તે ગણિત વિષયમાં નાપાસ થઈ તેવું જોવા મળ્યું અને ત્યારબાદ પાછળથી પેપર ખોલાવતા અને રી-ચેક કરાવતા ખબર પડી કે અદિતિ ગણિતમાં પાસ જ નહીં, પણ તેને ગણિતમાં ૯૫ માર્કસ આવ્યા છે. આની સાથે જ અદિતિએ સ્કૂલમાં જ નહિ પરંતુ સમગ્ર અમદાવાદમાં પ્રથમ નંબર મેળવ્યો છે. ત્યારબાદ બધુ બરાબર ચાલી રહ્યું હતું મીત પણ તેની બાકી રહેલા ગણિત વિષયની પરીક્ષા જૂન મહિનામાં આપવાનો હતો. મીતને પાસ કરાવાની જવાબદારી અદિતિએ લીધી હતી અને તેને દરરોજ મીતને ગણિત શીખવાનું શરૂ પણ કરી દીધું હતું.
બધુ બરાબર ચાલી રહ્યું હતું એવામાં અચાનક એક દિવસ અમીત અને મીતની સ્કૂલની કેંટિનમાં કોઈ વાત પર થયેલી મોટી બબાલ. આ ઝગડો એટલો મોટો થયો કે ત્યારબાદ મીત તો સ્કૂલ અને અમદાવાદ મૂકીને તેના મામાને ત્યાં મુંબઈ રહેવા જતો રહ્યો હતો. ધોરણ ૧૨ પછી તો અમીત અને અદિતિ પણ સાવ ગાયબ જ થઈ ગયા હતા. દિવ્યા અદિતિ ની ખાસ મિત્ર હતી, પણ છેલ્લા ૧૦ વર્ષ માં અદિતિ ક્યાં છે શું કરે તેની તેને કઇ પણ માહિતી નહતી. તેને લગ્ન કર્યા છે કે નહીં, તે નાની હતી ત્યારે તેને લેખક બનવું હતું. પરંતુ પાછળ થી તેને કોમર્સ લીધું અને કહેતી કે તે CA બનવા માંગે છે. તે CA બની કે નહીં તે હાલ ક્યાં છે તે પણ દિવ્યા નહતી જાણતી, અને એવામાં આજે તેનું કહેવું કે તે અમીતને આ રી યુનિયન વિશે જણાવી દેશે. તો શું અમીત અને અદિતિ સંપર્ક માં છે . ? અને મીત ક્યાં છે. ? મીત અને અમીતનું સમાધાન થયું કે નહીં. ?. કારણકે એ બંને ને રીયા અથવા અદિતિ જ સમજાવી શકે તેમ હતાં. પણ રીયા તો લગ્ન કરી અને લંડન માં સેટ થઈ ગઈ છે,અને તે તો કેટલા સમયથી ભારત આવી જ નથી. તો હજુ અમીત અને મીત વચ્ચે સમાધાન નથી થયું શું. . ? આવા હજારો સવાલો દિવ્યા ના મન માં આવી રહ્યા હતા. છેલ્લા ૧૦ વર્ષ માં લગભગ હજારો વખત દિવ્યાએ અદિતિને ફોન કર્યા,મેસેજ કર્યા પરંતુ દરવખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી. હવે આ રી યુનિયનની સૌથી વધુ જો કોઈ રાહ જોઈ રહ્યું હતું તો તે હતી દિવ્યા.
દિવ્યાએ મીતને ફેસબુક માં જાણ કરી હતી કે ૫ સપ્ટેમ્બર તેમની આખી સ્કૂલબેચ રી યુનિયન માટે મળવાની છે,તો પોતે પણ અમદાવાદમાં હોય તો આ રી યુનિયન માં આવે. આ રી યુનિયન માં અમીત અને અદિતિ પણ આવવાના છે. પરંતુ દિવ્યા ના આ મેસેજ પછી મીતએ દિવ્યાને જવાબ આપવાનું જ બંધ કરી દીધું હતું. એટલે હવે લગભગ મીત આ રી યુનિયન માં આવશે નહીં, તે વાતની જાણ દિવ્યાને થઈ ગઈ હતી.
૫ સપ્ટેમ્બરના રી યુનિયન માટેની બધી મંજૂરી રવિ અને દિવ્યા પહેલાથી જ વી. ડી. હાઇ સ્કૂલ ના પ્રિન્સિપાલ પાસે થી લઈ આવ્યા હતા. આ મંજૂરી આટલી સહેલાયથી મળવાનું એક માત્ર કારણ હતું કે હજુ પણ વી. ડી. હાઇ સ્કૂલ ના પ્રિન્સિપાલ એ જ વ્યાસસર હતા જે અમીત અને મીત ને તેમની ઓફિસની બહાર ઊભા રાખતા. હવે આ રી યુનિયનમાં મજાની વાત એ હતી કે આ રી યુનિયન ની વાત સાંભળી પ્રિન્સિપાલે શિક્ષકદિવસ પર થવાવાળા પ્રોગ્રામમાં પણ દરેક જણાને નિમંત્રણ પણ આપ્યું હતું , અને કહ્યું હતું કે બધા આ પ્રોગ્રામમાં આવે. અધુરામાં પુરૂ વ્યાસસરનું પ્રિન્સિપાલ તરીકે આ છેલ્લું વર્ષ વી. ડી. હાઇ સ્કૂલમાં હતું, ત્યારબાદ તેઓ રિટાયર્ડ થવાના હતા. તો રવિ અને દિવ્યા તેમનાં દ્વારા આપવામાં આવેલા આ નિમંત્રણને ના પણ ના કહી શક્યા. રવિ,દિવ્યા,રિધ્ધી,પંક્તિ,સંદીપ,દીપ અને બીજા પણ વી. ડી. ના નમૂના ગ્રુપના મેમ્બરોએ ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને બીજા બધા માધ્યમોથી ૫ સપ્ટેમ્બરના થવાવાળા રી યુનિયનની વાત તે બેચના લોકો સુધી પહોંચાડી હતી. જેથી રી યુનિયનમાં વધુ ને વધુ લોકો પહોંચી શકે.
જેની રાહ વી. ડી.ના નમૂના ગ્રુપનો દરેક વ્યક્તી જોઈ રહ્યો હતો તે દિવસ , એટલે કે ૫ સપ્ટેમ્બર ના રી યુનિયનનો દિવસ આવી ગયો હતો. આમતો સવારના ૭:૩૦ એટલે કે જે સમયે પહેલા સ્કૂલની શરૂવાત થતી તે સમયે જ બધા લોકો વી. ડી. હાઇ સ્કૂલમાં પોહચવાના હતા. એટલે સવારના લગભગ ૬ વાગ્યાથી જ ગ્રુપમાં મેસેજની શરૂવાત થઈ ગઈ હતી. કોઈએ કહ્યું “ હું આટલી ઉત્સુક તો સ્કૂલ જવા માટે પણ ક્યારે નહતી જેટલી હમણાં છું ”. તો કોઈએ કહ્યું “કેટલા વર્ષો પછી આજે ઊગતા સૂર્યને જોઈ રહ્યો છું , થેન્ક-યૂ વી. ડીના નમૂના”. તો કોઈએ કહ્યું “હું તો એ રાહ જોઈને બેઠી છું કે હમણાં રિક્ષાવાળા અંકલ આવશે અને હોર્ન મારશે એટલે જલ્દીથી મમ્મી ભાગીને મને રિક્ષામાં ચડાવશે”. તો કોઈએ કહ્યું “આવી ગયો રી યુનિયન નો દિવસ,બસ હવે બેક ટુ સ્કૂલ”. તો કોઈએ કહ્યું “મારા માટે ટિફિન અને પાણીની બોટલ કોઈ લઈ આવશે. ?”. તો કોઈએ કહ્યું “ હવે વાતો જ કરશો કે સ્કૂલ આવો પણ છો. ? અને હાં હોમવોર્ક વાળી નોટ-બૂક લેવાનું ભુલશો નહીં”.
આ બધા વચ્ચે રવિએ કહ્યું કે “ સ્કૂલ નો દરવાજો ૭:૩૦ બંધ થઈ જશે તો એની પહેલા બધા આવી જજો”.
દિવ્યાએ કહ્યું “ અને હાં,સ્કૂલમાં શિક્ષક દિવસ નિમિતે પ્રોગ્રામ છે અને પ્રિન્સિપલ સર ખાસ આગ્રહ હતો તો આપણે તેમાં પણ જવાનું છે તો બધા સમયસર પહોંચી જજો”.
ધીરે-ધીરે વી. ડી. હાઇસ્કૂલ પાસે બધા ભેગા થવા લાગ્યા. સ્કૂલ આવતા છોકરા-છોકરીઑ પણ આ જોઈને હેરાન હતા કે આટલા બધા લોકો સ્કૂલના ગેટની અંદર શું કરે છે. એક છોકરાએ તો રવિને જઈને પૂછી પણ લીધું કે “તમે, બીએડવાળા છો . . ?”. રવિએ હસતાં-હસતાં કહ્યું કે “ ના આજે અમે પણ અહી ભણવા આવ્યા છીએ”.
વી. ડી. હાઇસ્કૂલના નમૂના ધીરે-ધીરે આવી રહ્યા હતા અને એકબીજા થી ગળે મળી રહ્યા હતા. આવતાની સાથે જ જાણે બધા ને સ્કૂલના એ કિસ્સાઓ યાદ આવી રહ્યા હોય તેમ એક બીજા ને કહેવા લાગ્યા હતા. કઈ રીતે તેઓ સ્કૂલના ૭:૩૦ ના બેલ વાગ્યા પછી જ દીવાલ કૂદીને સ્કૂલની અંદર આવતા. સ્કૂલ ચાલુ હતી ત્યારે કોઈ પણ દિવસે ૭:૩૦ સુધી સ્કૂલમાં ના પહોંચનાર આજે ૭:૧૫ સ્કૂલના મેદાનમાં હતા.
લગભગ બધા આવી ગયા હતા. પરંતુ અદિતિ,અમીત અને મીત હજુ સુધી નહતા આવ્યા. દિવ્યા બસ એજ રાહ જોઈને બેઠી હતી કે ક્યારે અદિતિ આવે અને તે અદિતિ ને ૧૦ વર્ષ ની વાતો તેને કહે. તે ક્યાં છે. ? શું કરે છે. ? કેમ અદિતિ એના ફોન અને મેસેજ ના જવાબ નથી આપી રહી. ? વગેરે વગેરે આવા હજારો સવાલો તે તેના મગજ માં પહેલાથી જ ગોખીને આવી હતી. જેવી અદિતિ મળે એટલે બસ તેને કઈ જ દેવું છે એ વાત સાથે દિવ્યા સ્કૂલના ગેટની સામે રાહ જોઈને ઊભી હતી.
પણ ઘણી એવી વાર થઈ ગઇ હતી પરંતુ અદિતિ આવી નહતી. આથી હવે દિવ્યાને એવું લાગી રહ્યું હતું કે ૧૦ વર્ષના સવાલો ના જવાબો તેને ક્યારે નહીં મળે. કારણકે હવે બસ સ્કૂલનો ગેટ બંધ જ થવા જઇ રહ્યો હતો અને ક્લાસ માં દરરોજ વહેલી આવનારી અદિતિ હજુ સુધી આ રી યુનિયનમાં આવી નહતી. દિવ્યાને પણ હવે એમ થઈ રહ્યું હતું કે આ રી યુનિયન ની અડથી મજા જતી રહી છે. કારણકે અમીત,મીત અને અદિતિ સિવાય આ રી યુનિયન અધૂરું હતું તે દિવ્યા અને વી. ડી. ના દરેક નમૂના જાણતા હતા.
આ બધા વચ્ચે દિવ્યાએ જોયું કે બસ હવે સ્કૂલ નો દરવાજો બંધ જ થવા જઈ રહ્યો હતો અને એવામાં એક ગાડી સ્કૂલ ના ગેટ માં અંદર આવી. જેવી ગાડી સ્કૂલ ના મેદાનમાં આવી પહેલા તેમાથી અદિતિ અને ત્યારબાદ એજ ગાડીમાથી અમીત ઉતર્યો. આ જોતાની સાથે જ દિવ્યાની આંખો મોટી અને મન માં ઉઠી રહેલા સવાલો માં એક વધુ સવાલ ઉમેરાય ગયો. અદિતિ અને અમીત એક સાથે કઈ રીતે. . . ???
લગભગ બધા લોકો સ્કૂલના મુખ્ય કહેવાતા એવા પ્રાથના હૉલમાં આવી ગયા હતા. દરવખતની જેમ આ વખતે પણ પ્રાથના પછી સ્કૂલનો શિક્ષક દિવસ પરનો ખાસ કાર્યક્ર્મ શરૂ થવાનો હતો. દરવખત ની જેમ આ વખતે પણ કોઈ એક ચીફ-ગેસ્ટ શાળાની અંદર શિક્ષક બનેલા છોકરા-છોકરીઓ ને પ્રોત્સાહિત કરવાના હતા. દિવ્યા વારે ઘડીએ અદિતિ ની સામે જોઈ રહી હતી. પરંતુ અદિતિ કદાચ જાણી જોઈને દિવ્યાથી નજર નહતી મળાવી રહી. થોડીવાર થઈ એટલે કાર્યક્ર્મ શરૂ થયો અને વારાફરતી બધા લોકો અલગ-અલગ પ્રસ્તુતિ સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા. રી યુનિયન માં આવેલા લગભગ બધા સદસ્યો સ્કૂલના અલગ-અલગ ભાગો પર જઈને પોતાની યાદોને તાજા કરી રહ્યા હતા. કોઈ ક્લાસરૂમમાં તો કોઈ ક્લાસરૂમની બેન્ચ પર, કોઈ સ્કૂલના ગ્રાઉંડમાં, તો કોઈ સ્કૂલની કેન્ટીનમાં, તો કોઈ સ્કૂલના સ્ટાફરૂમમાં રી યુનિયન માં આવેલા બધા સદસ્યો લગભગ સ્કૂલની દરેક જગ્યા પર જઈને તેમની ૧૦વર્ષ પહેલાની યાદોને પાછી જીવંત કરવામાં મશગુલ હતા. આ બધા વચ્ચે દિવ્યાએ જોયું કે અમીત જાણે કોઈને શોધી રહ્યો હતો,એટલે દિવ્યા અમીત પાસે ગઈ અને બોલી “મીત,આ રી યુનિયન માં નથી આવવાનો”.
“તને કઈ રીતે ખબર. ?” અમીતએ કહ્યું.
“મારી તેની સાથે ફેસબુક પર વાત થઈ હતી” દિવ્યાએ કહ્યું.
“સારું” અમીતએ કહ્યું.
“હજુ તારા અને મીત વચ્ચે સમાધાન નથી થયું. ?” દિવ્યાએ પૂછ્યું.
“સમાધાન ની અપેક્ષા ત્યાં હોય જ્યાં બંને પક્ષ સામે-સામે બેસીને વાત કરે. લગભગ છેલ્લા ૧૦ વર્ષથી હું તેને સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યો છું. પણ ભાઈ છે કે નહતો મારો ફોન ઉપાડે છે,ના મેસેજ નો જવાબ આપે છે. વચ્ચે મને ખબર પડી હતી કે તે અમદાવાદમાં છે તો હું તે હોટલ માં પોહચી ગયો હતો જ્યાં તેનો પ્રોગ્રામ હતો,ત્યાં પણ ૨કલાક તેની રાહ જોયા પછી રિસેપ્શન પર મેસેજ આવ્યો કે ભાઈ બહુ વ્યસત છે કોઈને નહીં મળે. મને તો ખબર નથી પડી રહી કે આટલી શું નારાજી. હાં હું માનું છું કે એ સમય પર બંને જણા વચ્ચે મગજમારી થઈ પણ સમય જતાં બધુ ભૂલી જવું જોઈએ,જેમ હું અને અદિતિ ભૂલી ગયા છીએ” અમીત બોલી રહ્યો હતો અને દિવ્યા તેની વાતો પરથી તારણ લગાડી રહી હતી કે ખરેખર અમીત મીતને અને તેની દોસ્તીને બહુ જ યાદ કરી રહ્યો છે.
“અમીત તું ને અદિતિ એટલે તમે બંને જણા સાથે રહો છો. . ?” દિવ્યાએ કહ્યું.
હજુ તો અમીત કઈ જવાબ આપે તે પહેલા એક જાહેરાત થઈ કે દરેક વ્યક્તી જે શાળાના અલગ અલગ જગ્યા પર છે, કૃપયા કરી પ્રાથના હૉલમાં આવે. આપણે આ પ્રોગ્રામને બસ હવે પૂરો કરવા જઈ રહ્યા છીએ,અને આપણે જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા આપણાં આજના ચીફ-ગેસ્ટ જે કોઈ કારણોથી મોડા પડ્યા છે તે પણ બસ આવી જ રહ્યા છે. જેવી આ જાહેરાત થઈ એટલે બધા શાળાના મુખ્ય હૉલ એટલે કે પ્રાથના હૉલમાં પહોંચી ગયા.
આમ તો આ શિક્ષક દિવસ શિક્ષકો માટે હોય છે પરંતુ આ વખતે આ શિક્ષક દિવસ અમુક લોકો માટે બહુ જ ખાસ છે. આજથી દસ વર્ષ પહેલા તમે લોકો જ્યાં બેઠેલા છો ત્યાં જ બેસતા અને વી. ડી. હાઇસ્કૂલમાં જ ભણતા વિદ્યાર્થીઑ આજે રી યુનિયન માટે અહી મળ્યાં છે. તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે,અને બીજી વાત કે જેમનો ફોટો અને જેમનું નામ સ્કૂલના ચમકતા સિતારાઓ ના બોર્ડ પર લાગેલું છે. જેમણે ૨૦૦૯ની બોર્ડ ની પરીક્ષામાં માત્ર આપણી સ્કૂલમાં જ નહીં,પરંતુ આખા અમદાવાદમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું તેવા અદિતિબેન પણ અહીં આવેલા છે. હું તેમનાં રી યુનિયન ગ્રુપના સદસ્યો ને પ્રિન્સિપાલ સરની ઈચ્છા અને તેમની એક વિનંતી કહેવા માંગુ છું કે તમારા માથી કોઈ એક અહીં સ્ટેજ પર આવે અને દસ વર્ષ પહેલાના સ્કૂલના તેમના અનુભવ વિશે કહે. રી યુનિયન ગ્રુપના સદસ્યના અનુભવો પછી આપણે બધા જેની રાહ જોઈ રહ્યા છીએ એવા આપણાં આજના ચીફ-ગેસ્ટ પણ ટૂંક જ સમય માં આપણી વચ્ચે ઉપસ્થિત હશે. જેવી આ જાહેરાત થઈ એટલે બધાની ઈચ્છાથી અને આગ્રહથી અમીત સ્ટેજ પર પોતાના ૧૦ વર્ષ પહેલાના અનુભવ કહેવા સ્ટેજ પર ચડ્યો.
સ્ટેજ પર પોહચ્યાં પછી અમીત થોડીવાર માટે કશું બોલી ના શકયો, બસ તેની સામે બેઠેલા સ્કૂલ યુનિફોર્મમાં આવેલા છોકરા-છોકરીઓ ને જોઈ રહ્યો. થોડીવાર તો તેને લાગ્યું કે તે પાછો ૧૦ વર્ષ પહેલા એજ યુનિફોર્મમાં મીતની સાથે છેલ્લે બેઠો બેઠો મસ્તી કરી રહ્યો છે. તેને લાગ્યું હમણાં તે લાઇન માં આગળ બેઠેલા કોઈ છોકરાને માથામાં ટપલી મારશે અને પછી આંખ બંધ કરી અને પ્રાથના કરવાનો ઢોંગ કરશે. હમણાં શિક્ષક પોતાને અને મીત ને પ્રાથના ગૃહ ની બારે કાઢી મૂકશે અને પછી બને જણા બારે લીમડા નીચે જઈને ગપાટાં મારશે. અમીત હજુ આ બધા વિચારો માં હતો અને અચાનક તેને ભાન થયું કે આ વાતોને ૧૦ વર્ષ વીતી ગયા છે અને આ ૨૦૦૯ નહીં પરંતુ ૨૦૧૯ છે. ત્યારબાદ અમીત એ ભારી અવાજે બોલવાની શરૂવાત કરી. . .
“શાળા” આ નામ નથી દુનિયા છે આપણી. જ્યાં દરેક વ્યક્તી રોતા-રોતા આવે છે,અને જીવનના છેલ્લા શ્વાસ સુધી શાળાના દિવસો ને યાદ કરીને રડે છે. બધાને પોતાના સ્કૂલ-બસ અથવા રિક્ષાવાળા અંકલ તો યાદ જ હશે,એ જ તો હતા જે આપણાં રથના સારથી બનીને આપણને રણ-મેદાન સુધી મૂકવા આવતા. લગભગ એવું કોઈ નહીં હોય જે પોતાના સ્કૂલના પહેલા દિવસે રડ્યું નહીં હોય, અને સાથે-સાથે એવું પણ કોઈ નહીં હોય જે સ્કૂલના છેલ્લા દિવસે રડ્યું નહીં હોય. લગભગ બધા ટીચરના આપણે ફોઇબા બની ગયા હતા,એમના અલગ-અલગ નામ રાખવા એ આપણી નાની પરંતુ મહત્વની જીત આપણે માની રહ્યા હતા. દર સોમવારે પેટમાં દુખે છે નું બહાનું,લેશન તો કર્યું છે પણ બૂક ઘરે ભૂલી ગયો છું નું બહાનું,શનિવારે પીટી ના કરવી પડે એટલે પગમાં દુખે છે નું બહાનું,આ બધા બહાના ઓને રાષ્ટ્રીય બહાના જાહેર કરી દેવા જોઈએ. રિસેસ પહેલા ચાલુ ક્લાસમાં નાસ્તો ના કરવો એજ તો સૌથી મોટું ચૂનોતી ભર્યું કાર્ય હતું,અને જેમાં લગભગ બધા કોઈને કોઈ વાર ફેલ થયું હતું. સવાલ ધીરજનો નહતો,બસ મમ્મી નાસ્તો જ એટલો જબરદસ્ત બનાવતી હતી કે હાથ ડબ્બા સુધી પહોંચ્યાં વગર રહી નહતો શકતો. ચાલુ ક્લાસ માં મીંડી-ચોક્ળી, બૂક-ક્રિકેટ, કાગળના ડૂચાં એકબીજા પર ફેકવા,ટીચર બોર્ડ તરફ મોઢું ફરાવે એટલે અવનવા અવાજ કાઢવા અને ચોક-ડસ્ટરથી ક્રિકેટ રમવાની મજા આ બધામાં લગભગ આપણે મહારત મેળવી લીધી હતી. મિત્રો ગણિતના લેક્ચર માં વિજ્ઞાનનું લેશન અને સમાજવિદ્યાના લેકચરમાં ઊંઘવાની મજા શબ્દોમાં કહેવી શકય નથી. સૌથી વધુ મજા તો ચાલુ લેકચરમાં ટોઇલેટ જવાની હતી અને પછી અડધોથી વધુ લેકચર કઇ રીતે બહારે રહેવું તેની યોજનામાં નીકળી જતો. બધા ક્લાસમાં રહેલી એક હોશિયાર છોકરી, જે શિક્ષકોની ચમચી અને ક્લાસની અંદર રહેલા રાવણો માટે વિભિષણ સમાન હતી. ક્લાસની દરેક વાતો આ વિભિષણ સ્ટાફરૂમ સુધી પોહચાડતી હતી. આવતી કાલે રજા છે ની જાહેરાતમાં રાડા-રાડી કરવાની જે મજા હતી તે તો અદભૂત હતી. આ બધા વચ્ચે ક્લાસમાં બધા છોકરાઑને સૌથી વધુ ડરવાની લાગતી વાત અને સૌથી મોટી કહેવાતી સજા હોતી કે બે છોકરીઓની વચ્ચે બેસવાનું. રક્ષાબંધનના દિવસે પોતાના કહેવાતા ક્રશ પાસે રાખડી ના બંધાવવી એ ગોલ્ડ મેડલ મેળવ્યા જેટલી ખુશી સમાન માનવામાં આવતી. પેન્સિલ થી પેન માં કન્વર્ટ થવાવાળી ખુશી તો શું હતી તેની તો ચર્ચા જ શક્ય નથી,અને હાં પાછું દરરોજ નવા મિત્ર પાસેથી બૉલપેન માંગવી એ કળા તો આપણાં ખૂનમાં હતી. એક ઉધરશમાં A અને બે ઉધરશમાં B ની કોડ ભાષા,રબર પાસ કરીને જવાબ પાસ કરવા,મોસ્ટ આઈ એમ પી કહેવાતા સવાલોની કાપલી-ચિટ્ટ બનાવવી,તું આટલું વાચજે,હું આટલું વાચીશ ની મંત્રણા. અને છેલ્લે પરીક્ષા હૉલની બહાર નીકળીને દુનિયાનું સૌથી મોટું જૂઠું બોલવું કે “મારૂ પેપર સાવ ખરાબ ગયું છે” આ બધુ જાણે કાલે જ થયું હોય તેવું લાગી રહ્યું છે. આખા શાળા જીવનમાં ખાલી એક જ દિવસ એવો આવતો જ્યારે સ્કૂલ જવાની ખુશીમાં રાત્રે નીંદર પણ આવી મુશ્કેલ બની જતી અને તે દિવસ એટલે કે આપણો બર્થડે. એ દિવસે રાજા જેવી ફીલિંગ આવતી,ક્લાસમાં બધાને એક-એક ચોકલેટ અને આપણાં જીગરજાન કહેવાતા મિત્રોને ૨ ચોકલેટ આપવી એની તો વાત જ નિરાલી હતી. પછી શિક્ષક આપણને આખી સ્કૂલમાં ચોકલેટ વહેચવા માટે એક સાથીદાર સિલેક્ટ કરવા કહેતા,જેમાં આપણે આપણાં સૌથી વધુ કહેવાતા બેસ્ટ-ફ્રેન્ડને એ શરત પર મોકો આપતા કે,એ પણ એના બર્થડેના દિવસે આપણને જ ચોકલેટ વહેચવા લઈ જશે.
આવી તો લગભગ અઢળક વાતો દિમાગમાં શાળાની યાદો નામક ફોલ્ડરમાં સેવ છે,જેને યાદ કરીને આંખમાં આસું સિવાય કશું નથી મળી રહ્યું. આ બધુ જાણે કાલની વાત હોય તેવું લાગી રહ્યું છે, મિત્રો તમારી જેમ જ અમે પણ ક્યારે ૧વાગે રજાનો બેલ વાગે અને ક્લાસ માથી બહાર ભાગ્યે ની રાહ જોતાં હતા. પણ આજે એમ થઈ રહ્યું છે કે આ બેલ વાગે જ નહીં,હમેશા માટે અહીં જ રોકાય જવાનું આજે મન થાય છે. શાળામાં હતા ત્યારે એવું લાગતું કે જલ્દી મોટા થઈ જઈએ અને આ વિશાળ દુનિયામાં ઉડીએ. પરંતુ આજે એમ થાય છે કે ભગવાન મારી પાસે રહેલું બધુ લઈલે અને મને પાછો બાળક બનાવી આપે,જેથી હું આ શાળામાં પાછો ૭ ને ૩૦એ આંખો ચોરતા-ચોરતા સ્કૂલ યુનિફોર્મમાં તમારી સાથે બેસી શકું. આપણાં બધાને આપણું શાળા જીવન યાદ આવે છે એનું કોઈ એક માત્ર કારણ હોય તો તે છે આ શાળા જીવન દરમ્યાન બનાવેલા મિત્રો. આ મિત્રો સાથે આપણી પહેલી મુલાકાત પણ રડતાં-રડતાં થાય છે અને જ્યારે આપણે શાળા જીવન પૂરું કરીયે છીએ ત્યારે છેલ્લી મુલાકાત પણ રડીને જ કરીયે છીએ. આ મિત્રો ફકત ૭:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધીના મિત્રો નહિ પરંતુ જીવનભર યાદ રહે છે. બની શકે આમની સાથે આપણી કોઈને કોઈ કારણથી બોલાચાલી , બબાલ , જગડો થયો હોય,પરંતુ એક વિનંતી હું દરેક લોકોને કરીશ કે જેમ આપણે આપણું હોમવોર્ક ઘણી વખત કરતાં ભૂલી જઈએ છીએ. તેવી જ રીતે આ નાની બબાલ,જગડા ભૂલી અને પાછા મિત્રો બની જવું જોઈએ. કારણકે સમય તો સમયનું કામ કરે છે પછી ક્યારે આપણે એ બેસ્ટ-ફ્રેન્ડ ને મળીશું તેની ખાતરી નથી રહેતી. આટલું કહી અને અમીત ભીની આંખે સ્ટેજની નીચે ઉતરી ગયો.
ખરેખર શાળાનું મહત્વ તો શાળા મૂક્યા પછી જ સમજાય છે,આશા કરીયે કે આપણે પણ આવા રી યુનિયન કરીયે. હવે જેની આપણે બધા રાહ જોઈ રહ્યા હતા,એવા આજના આપણાં ચીફ-ગેસ્ટ આવી ગયા છે. દરવર્ષે જેવો ૫ સપ્ટેમ્બરના દિવસે અહી આવે છે,આપણી જ સ્કૂલના ભુતપૂર્વ વિદ્યાર્થી, આપણી શાળામાં જ ભણીને આગળ આવેલા અને તેવો એટલા તોફાની હતા કે જેનું શું કહેવું. તેમની મજા ની વાત કહું તો તેઓ ધોરણ ૧૦ની બોર્ડ ની પરીક્ષામાં નાપાસ થઈ અને આ શાળા છોડી જતાં રહ્યા હતા. પણ હાલ તેઓ લેખક છે અને તેમની વાર્તાઓ ધૂમ મચાવી રહી છે. હાલમાં લેખન ક્ષેત્રે સારી એવી નામના મેળવનાર આપણી શાળાનું નામ રોશન કરનાર એવા મીત સર આપણી વચ્ચે આવી ચૂક્યા છે. હું પ્રિન્સિપાલ સરને વિનંતી કરીશ કે તેવો સાલ ઓઢાઢી તેમનું સન્માન કરે.
જેવુ એન્કરે આ જાહેરાત કરી એટલે રી યુનિયનમાં આવેલા દરેક વી. ડી.ના નમૂના અને ખાસ કરીને અમીત, અદિતિ અને દિવ્યાની આંખો પહોળી થઈ ગઈ.
( ક્રમશ: )
તમે મારી આવનારી વાર્તાઓ અને તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook અને Instagram દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.
મારો કોન્ટેક્ટ નંબર છે 9978004143