STORYMIRROR

Rayththa Viral ( R V )

Inspirational

3  

Rayththa Viral ( R V )

Inspirational

Destiny અશક્ય શબ્દમાં જ શક્ય-૧

Destiny અશક્ય શબ્દમાં જ શક્ય-૧

14 mins
400


“૨ કટિંગ આપજે ભાઈ” વૈભવએ ઓર્ડર આપતા કહ્યું.

“શું ભાઈ કેમ આજે આટલો ખુશ-ખુશ લાગે છે ? કઈ થયું છે. ?” વૈભવએ અંદર-અંદર ખુશ થઈ રહેલા અને પોતાની બાઇકની સામે જોઈને આનંદ લઈ રહેલા પાર્થને જોઈને પૂછ્યું.

“કઈ નહીં ભાઈ, આજ તો મને આ બાઇક પર અભિમાન થઈ આવ્યું છે” પાર્થએ કહ્યું.

“ઓહો,પાછું શું કર્યું આજે આ બાઇકએ. . ?” વૈભવએ પૂછ્યું.

“સાંભળ મજા આવશે. તો થયું એવું કે. . . હું દરરોજની જેમ બપોરે આપણાં પેલા હાઇવે પર આંખમાં ચશ્મા,નવા નિયમ મુજબ માથા પર હેલ્મેટ,અને કાનમાં એયરફોન સાથે ઘર તરફ લગભગ ૫૦ની સ્પીડ પર આવી રહ્યો હતો. એટલામાં પાછળથી કોઈ ગાડીના હોર્નનો મને અવાજ આવ્યો. પેલા મને એવું લાગ્યું કે હું રસ્તાની વચ્ચે છું એટલે બાઇકને થોડી બાજુ પર કરી અને એટલે એક સુંદર અને જબરદસ્ત પીળારંગની સ્પોર્ટગાડી મારાથી આગળ થઈ ગઈ. થોડીવાર થઈ મને ખબર ના રહી,ક્યારે હું એ પીળારંગની સ્પોર્ટગાડીથી આગળ થઈ ગયો. આ વખતે ફરી એને મને હોર્ન વગાળવાનું શરૂ કર્યું,આ વખતે પણ બાઇક બાજુ પર કરી અને પ્રેમથી સાઇડ આપી દીધી. હવે આ વખતે એ પીળારંગની ગાડીએ મારી પાસેથી જોરદાર કટ માર્યો,તેને મારેલા અચાનક કટ અને તેની સ્પીડ પણ એટલી જોરદાર હતી કે મારી બાઇક પડતાં-પડતાં રહી ગઈ. આ રીતે કટ માર્યા પછી પેલી ગાડીવાળીએ ગાડીનો કાચ નીચો કર્યો અને ઊંધો અંગુઠો બતાવ્યો” પાર્થ બોલી રહ્યો હતો.

“ઓહ એટલે તે પીળારંગની ગાડીવાળી હતી,અને એને તારી મશ્કરી કરી એવું. ?” વૈભવએ હસતાં-હસતાં કહ્યું

“ભાઈ સાંભળ વાત હવે શરૂ થાય છે. જેવુ એને આવું કર્યું એટલે આપણી અંદર રહેલો સિંઘમ ફિલ્મનો જઇકાંત શિકરે જાગી ગયો. પછી શું હતું કોઈ પણ જાતની પૂર્વ-સૂચના વિના રેસ-૪ ની શરૂવાત થઈ. ભાઈ આમ તો આવી રોડ પરની અચાનક શરૂ થવાવાળી ઘણી રેસોમાં આપણે ભાગ લીધો હશે. ક્યારેક કોઈ બાઇકવાળા સાથે,તો ક્યારેક સ્કૂટી વાળી સાથે,ઘણીવખત તો એસટીની બસો સાથે પણ આપણી આવી અચાનક શરૂ થનારી અને ઇગોને સંતોષવા વાળી રોડ રેસ થતી જ હોય છે. પણ આ વખતે સવાલ ઉંધા બતાવેલા અંગૂઠાનો હતો. પછી. . . ” પાર્થ બોલતા-બોલતા અટકી ગયો.

“પછી,પછી શું થયું ” પેલા ચા વાળા ભાઈ ચા આપતા-આપતા ઉત્સુકતાની સાથે પૂછી બેઠા.

“પછી શું હતું ભાઈએ જે બાઇકને લીવર દીધું છે,બોસ તમે માનશો નહીં આટલી ઝડપથી બાઇક તો,મારી જિંદગીમાં નથી ચલાવી. થોડીવાર થાય તો હું આગળ અને થોડીવાર થાય તો એ આગળ. જ્યારે એ આગળ થાય ત્યારે મને ફરી પેલો ઊંધો અંગુઠો યાદ આવે અને ભાઈના પગ ધડા-ધડ ગેર પાડવા માંડે. એક સમય એવો આવ્યો કે બને જણા સાથે-સાથે હતા. તેની પાસે ગાડી હોવાને લીધે તેનું જીતવું લગભગ નિશ્ચિત જેવુ થઈ ગયું હતું. પરંતુ ત્યારે રસ્તાની વચ્ચે ઊતરે છે. . . “બિલાડી”. બસ આ બિલાડી આપણાં માટે જીતની ખુશી લઈને આવી હતી. પેલીએ બિલાડીને જોઈને ગાડીને બ્રેકમારી અને તેને બ્રેક મારતા જોઈને આપણે બાઇકને લીવર આપ્યું. જ્યારે મને એવું લાગ્યું કે હું જીતી જ ચૂક્યો છું ત્યારે ભાઈએ હેલ્મેટ કાઢ્યું અને પાછળ ફરીને એક જોરદાર વિનર જેવો લૂક આપ્યો અને ત્યારે એક અદભૂત સંતોષ મનને થયો. ખરેખર આજે આ બાઇકના હોત તો આપણી હાર નિશ્ચિત હતી” પાર્થએ બાઇક પર હાથ ફેરવતા કહ્યું.

“વાહ મજા પડી ગઈ એટલે તમે પેલી પીળારંગની ગાડીવાળીને હરાવી દીધી એમને” ચા વાળા ભાઈએ કહ્યું.

“હોય કઈ,હરાવી જ પડેને. સવાલ જઇકાંત શિકરેના ઇગોનો હતો” વૈભવએ ફરી મસ્તી કરતાં-કરતાં કહ્યું.

“ચલ ભાઈ ૯ વાગે છે આમ પણ મોડુ થઈ ગયું છે,મમ્મી ઘરે રાહ જોતી હશે. આજે તો મલ્હાર પાસેથી મસ્ત વાર્તા સાંભળવાની છે” પાર્થએ કહ્યું.

“ભાઈ મને એક વાત કેજે તું રોજ તારા દાદા પાસેથી વાર્તાઑ સાંભળે છે,અને જેટલા હું તારા દાદાને ઓળખું છું એ મસ્ત મોજીલા માણસ છે. એમની વધુ પડતી વાર્તાઑ તારું સિંગલ જીવન દૂર કરવાની જ હશે. તું રોજ એમની પાસેથી આટલી લવ સ્ટોરી સાંભળે છે તો તારા જીવનમાં લવની એન્ટ્રી કેમ નથી થઈ હજુ . ?” વૈભવએ પાર્થની મસ્તી કરતાં કહ્યું.

“આવશે ભાઈ આપણો પણ સમય આવશે. ચલ દાદા ઊંઘે પહેલા હું ઘરે જાઉં છું. આજે તો એમની જ લવ સ્ટોરી સાંભળવાની છે”પાર્થએ ઉત્સુક થતાં કહ્યું.

“અરે વાહ,આ વાર્તા તો જોરદાર હશે ભાઈ” વૈભવએ કહ્યું.

“હાં ભાઈ એટલે જ હું પણ બહુ ઉત્સુક છું” પાર્થએ કહ્યું.

***

એક સમયે હીરાના મશહૂર વ્યાપારી અને અદભૂત ઝવેરી એવા મલ્હાર ઝવેરીનો એકનો એક પોત્ર એટલે પાર્થ ઝવેરી. પાર્થ હાલ ૧૨માંની પરીક્ષા આપી અને વેકેશનનો આનંદ લઈ રહ્યો હતો. દાદા પોત્રના સબંધની તો વાત જ નિરાલી હોય છે. એક જીવનની મુખત્વે બધી પરીક્ષામાથી નીકળી ચૂક્યા હોય છે. જ્યારે એક આ અજાણી દુનિયામાં પોતાની સફરની શરૂવાત કરી રહ્યું હોય છે. દાદાએ પોત્રને માત્ર એના પપ્પાના મારથી બચાવે છે એટલું નહીં. ઘણી વખત જીવનની સાચી દિશા બતાવવાનું કામ પણ દાદાનો અનુભવ અને તેમના વિચારો કરે છે. સાથે-સાથે દાદા માટે પણ પોત્રો ઘણું બધુ મહત્વ ધરાવે છે. મારા મતે દાદાને પોત્રો એટલા માટે વધુ ગમે છે,કારણકે જ્યારે તેના પોતાના સંતાન આ દુનિયામાં આવે છે. ત્યારે તેઓ કુટુંબ,ઘર અને સમાજની જવાબદારીઑમાં એટલા વ્યસત હોય છે. એમને ખબર જ નથી રહતી,ક્યારે એમના સંતાનો મોટા થઈ ગયા. કહેવાય છે કે સૌથી અદભૂત અને મજાનો કોઈ સબંધ હોય તો,તે છે દાદા અને પોત્રાનો સબંધ. આવો જ અદભૂત સબંધ હતો મલ્હાર અને પાર્થનો.

હીરાના વ્યાપારમાં ધૂમ મચાવી ચૂકેલા મલ્હાર ઝવેરી હાલ ખાટલીની ખાટ ગણી રહ્યા હતા. મલ્હાર માત્ર સુરતમાં જ નહીં,પરંતુ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બારે પણ માત્ર પોતાના કામથી પ્રખ્યાત હતા. મલ્હારએ આખા હીરાના વ્યાપારમાં એવી છાપ ઊભી કરી હતી કે હીરાના બોકસ પર MM નો લોગો જોઈને માણસો માલ લેવા માટે પડા-પડી કરતાં. પણ સમય જતાં મલ્હાર યુવાન છે, માથી યુવાન હતો થઈ ગયો. હવે MM મર્ચંડ પેલા જેટલી પ્રખ્યાત પણ નહતી રહી અને મલ્હાર ઝવેરીની નિવૃતિ પછી તો જાણે લોકોનો વિશ્વાસ MM મર્ચંડ પર અડથો થઈ ગયો હતો. મલ્હાર હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા,તેમનો છોકરો અને પાર્થના પપ્પા એટલે કે અજય ઝવેરી MM મર્ચંડને નવી-નવી ઉચાયો પર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

 ***

“મમ્મી દાદા ક્યાં છે. ? ” પાર્થએ ઘરમાં પ્રવેશતાની સાથે જ દાદાના નામની બૂમ પાડી.

“તારા દાદા ઉપર અગાશી પર છે” મલ્હારની મમ્મીએ કહ્યું.

“ઓહો તો ભાઈબંધ અહી છે. કેમ ભાઈબંધ આજે આમ અગાશીમાં ચાંદને જોઈ રહ્યા છો. લાગે છે દાદીની યાદ આવી રહી છે. . ? ” પાર્થએ મલ્હારની મજાક કરતાં કહ્યું.

“આવો આવો મારા સિંગલ રાજા આવો” મલ્હારએ પણ પાર્થની મજાક કરતાં કહ્યું.

“બસને દાદા,હજાર વખત તમને ના પાડી છે. આ સિંગલનું મેણું ના મારશો,આપણો પણ દાયકો આવશે,આપણી પણ કોઈ દિવસ ગર્લ-ફ્રેન્ડ હશે. ત્યારે તમે પણ કહેશો કે તારી દાદી કરતાં પણ જોરદાર ગોતી છે તે. ” પાર્થએ કહ્યું.

“બેટા તારા દાદાએ પ્રેમ લગ્ન કર્યા,તારા પપ્પાએ પણ પ્રેમ લગ્ન કર્યા. પરંતુ મને લાગે છે આ ઝવેરી પરિવારની પરંપરાને તું તોડીશ. અને હાં બકા,તારી દાદી જેવી તો મળવી અશકય છે” મલ્હારએ કહ્યું.

“ભાઈબંધ તમે જ કહો છો ને, ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’ રહેલું છે. એટલે જે દિવસે તમે આ સિંગલ રાજાની રાણીને જોશો ત્યારે કઈ જ નહીં બોલી શકો. અને હાં મને એક વાત યાદ આવી,તમે મને કહ્યું હતું કે મારા આ બર્થડે પર તમે મને તમારી અને દાદીની લવ સ્ટોરી કહેશો” પાર્થએ કહ્યું.

“હાં,મને યાદ છે” મલ્હારએ ઉધરસ ખાતા-ખાતા કહ્યું.

“તો ભાઈબંધ,મારો જન્મદિવસ ગયો એને એક અઠવાડિયું થયું. તમે હજુ સુધી વાર્તા નથી કરી” પાર્થએ ઉદાસ થતાં-થતાં કહ્યું.

“એટલે નક્કી તારે એ વાર્તા સાંભળવી જ છે. ? હાં અમારી લવ સ્ટોરી છે થોડી ફિલ્મી,પણ આ તો અમારા જૂના સમયની લવ સ્ટોરી છે. જેમાં ના તો ફેસબુક હતું કે ના તો વોટસ-એપ હતું,અને સૌથી મહત્વનું ત્યારે તો ફોન જ નહતા. તને ખબર છે ટીવી પણ આખા ગામમાં એક જ હોતું અને એ પણ બ્લેક એન્ડ વ્હાઇટ. કોઈ છોકરી સાથે વાત કરતાં ગામનું કોઈ જોઈ જાય તો પણ આવી બન્યું સમજવાનું. ” મલ્હારએ પોતાના સમયમાં ખોવાતા-ખોવાતા કહ્યું.

“ભલે કઈ પણ હોય મારે આ વાર્તા સાંભળવી જ છે. તમે બહુ દાદીના વખાણ કરો છે,તારી દાદી આવી હતી,તારી દાદી આવી હતી. મને પણ ખબર પડે કે તમે અને દાદી કઈ રીતે મળ્યા,કઈ રીતે આ લવ સ્ટોરીની શરૂવાત થાય. અત્યારે તો વ્યકતી ને વ્યકતીથી વાત કરવાના ઘણા બધા માધ્યમો છે. સંદેશા વ્યવહાર બહુ જ સરળ છે. પરંતુ તમારા સમયે તો પત્ર વ્યવહાર હતો,કમ્યુનિકેશન માટે બહુ જ મર્યાદિત વસ્તુઓ હતી,છતાં તમે અને દાદી એકબીજાના પ્રેમમાં પડ્યા,અને આગળ જતાં લગ્નગ્રંથિમાં જોડાયા. આવી અલગ અને જૂના સમયની લવસ્ટોરી સાંભળવાની મજા જ કઇંક અલગ હોય. હવે આજે તો કોઈ પણ ભોગે વાર્તા સાંભળવી જ છે”પાર્થએ જીદની સાથે કહ્યું.

“એટલે સિંગલ રાજા આજે જીદે ચડ્યા છે” મલ્હારએ ફરી પાર્થની મજાક કરતાં કહ્યું.

“દાદા મજાક ના કરો મને સાચે વાર્તા સાંભળવાની ઉત્સુકતા છે. તમે આની પહેલા પણ પપ્પા અને મમ્મીની લવ સ્ટોરી કહી હતી એમાં પણ મજા આવી હતી ” પાર્થએ કહ્યું.

“સારું ચલ તને વાર્તા કહું. પણ મારી એક શરત છે” મલ્હારએ કહ્યું.

“વાર્તામાં શેની શરત. . ? ” પાર્થએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“શરત એવી છે કે વાર્તા કહેતા-કહેતા મને ઊંઘ આવવા લાગી,તો આગળની વાર્તા હું કાલે કહીશ. પછી તું જીદ નહીં કરે કે આગળની વાર્તા હમણાં ને હમણાં કહો. બોલ મંજૂર છે તો જ વાર્તા કહું. . ? ” મલ્હારએ શરત મુક્તા કહ્યું.

“મંજૂર છે,તમે વાર્તા ચાલુ તો કરો” પાર્થએ ઉત્સુકતાની સાથે કહ્યું.

“સારું સાંભળ,તો વાર્તા એમ છે કે,ફલાણા ગામમાં એક હતો ગરીબ બ્રહ્માણ. . . ” આટલું કહી અને મલ્હાર પાર્થની સામે જોવા લાગ્યો.

“દાદા મહેરબાની,મજાક ના કરો. સાચે હું આ વાર્તા સાંભળવા માટે બહુ ઉત્સુક છું” પાર્થ આજીજી ના ભાવે બોલ્યો.

“સારું સારું,રડીશ નહીં કહું છું. સાંભળ” આટલું બોલી મલ્હારએ હસતાં-હસતાં વાર્તાની શરૂવાત કરી.

***

તો વાત એમ છે કે અમે પહેલા મુંબઈમાં રહેતા હતા. ત્યારે આટલા સાધનો,આટલી સુવિધા,આ મોબાઇલ આવું બધુ નહતું. સંદેશો હોય કે વ્યકતી એક જ્ગ્યા પરથી બીજી જગ્યા પર પોહચવા માટે લોકોને દિવસો ના દિવસો લાગી જતાં. અમારી પરિસ્થિતી પહેલાથી થોડી નબળી હતી,પરંતુ સપના નબળા નહતા. પહેલી કહેવત છે ને કે “જમીન પર સૂવું અને સાકડ શું કામ ભોગવવી”. જો સપના જ જોવા છે તો ઊચા જોવાના,નીચા સપના જોઈને પણ શું મતલબ છે. જે સમયે મારા મિત્રો સાઇકલના સપ

ના જોતાં ત્યારે હું એમ્બેસેડર કઈ રીતે ચલાવીશ એની પ્રેક્ટિસ કરતો. સપના મારા ઘણા હતા પણ ખીચામાં પૈસા બહુ જ થોડા.

દિવસ-રાત એક જ ધૂણી લાગેલી હતી કે પૈસા કઈ રીતે કમાઉ. મારા બાપા,એતો જીવ્યા ત્યાં સુધી મજૂરી કરી. તેમણે મને પણ ઘણી વખત કહ્યું કે બેટા આવી જા મારી સાથે. તું તો ભણેલો છે,તને તો આમરા બધા પર ખાલી ધ્યાન રાખવાની નોકરી મળી જશે. મારા બાપાએ આખી જિંદગી એક જ જગ્યા પર કામ કર્યું. હું ભણતો ત્યારથી વિચાર કરતો કે મારા બાપા સવારના ૮ વાગ્યાના જતાં રહે,આખો દિવસ કાળી મજૂરી કરી અને સાંજ પડે અને એમને ૪ આના કે ૫ આના મળે. જ્યારે પેલો શેઠ ગાડીમાં ફરે ખાલી ઓર્ડર કરે અને એની આવક આમના કરતાં હજારો ગણી વધારે. ત્યારે જ મનોમન નક્કી કરી લીધું કે મજા તો શેઠ બનવામાં છે,કોઈ પણ ભોગે બનવું તો શેઠ જ છે.

ભણતર પૂરું કરી અને હું નોકરી શોધવા નીકળી પડ્યો. બનવું મારે શેઠ હતું,પરંતુ ઓર્ડર આપતા પહેલા ઓર્ડર કેમ આપવા એ શીખવું જરૂરી હતું. તો સવાર સાંજ હું અને મારી સાથે મારો ખાસ ભાઈબંધ જનકો. જનકો એટલે જનક પટેલ,જેને હું પ્રેમથી જનકો કહેતો. અમે બંને રોજ સવાર પડે અને ટિફિન લઈ અલગ-અલગ જગ્યા પર નોકરીની શોધમાં નીકળી પડતાં. મારા કરતાં પણ જનકો ભણવામાં બહુ હોશિયાર હતો. પણ કહેવાય છે કે ભણતરની સાથે ગણતર પણ તેટલું જ જરૂરી હોય છે. જનકો ભણ્યો પણ ગણ્યો નહીં,જનકો વ્યવહારમાં સાવ કાચો. જ્યારે મારા કેસમાં ઊંધું હતું,હું જેટલું ભણવામાં નબળો એટલો જ વ્યવહારમાં પાકો. આમ પણ આ સૃષ્ઠિકર્તા નો નિયમ છે કે એકબીજાની જરૂરિયાત વાળા લોકોની ભાઈબંધી બહુ સરળ રીતે થઈ જાય છે. મારા અને જનકાના કેસમાં પણ આવું જ હતું,અમે બને જીગરજાન ભાઈબંધ હતા. જેમકે શોલેના જય અને વીરૂ,હાં એજ સમયની આજુબાજુ શોલે ફિલ્મ પણ નીકળ્યું હતું.

આ બધા વચ્ચે એક વસ્તુ જે રૂટિંગ હતી,એટલે કે જુ-ચોપાટી. આખો દિવસ નોકરી શોધ્યા પછી કઈ ના મળ્યું હોય ત્યારે હું અને જનકો સાંજે જુ-ચોપાટી આવી અને આખા દિવસનો થાક ઓછો કરતાં. હવે તો જુ-ચોપાટી ઘણી બદલાય ગઈ છે,અને સારું એવું ડેવલોપમેન્ટ પણ થયું છે. પરંતુ પેલાની જુ-ચોપાટી ના ફોટો ગૂગલમાં જોજે તો ખબર પડશે,સાવ અલગ હતી ત્યારેની જુ-ચોપાટી. દરરોજના રૂટિંગ મુજબ હું અને જનકો જુ-ચોપાટી પર જતાં,અને ત્યાં જઈને ચકર લગાવતા નારિયળ પાણીપીતા અને ઉછડતા મોજાઑનો આનંદ લેતા. જુ-ચોપાટી પર આવતી મોંઘી-મોંઘી ગાડીઓને પોતાના સપનામાં જોતાં અને તેને અમારી માનતા. ક્યારે હું અને જનકો દરરોજ સાંજે જુ-ચોપાટી પર બેસીને માત્ર અને માત્ર શેઠ બનવાના સપના જોતાં થઈ ગયા,ક્યારે નોકરી શોધતા અમે માત્ર રખડતા થઈ ગયા તેની ખબર જ નારહી.

સમય જઈ રહ્યો હતો,પરંતુ નોકરી નહતી મળી રહી. ઘરમાથી પણ હવે થોડો દબાવ વધી રહ્યો હતો. ધીરે-ધીરે બાપાની સલાહ અને સૂચન,હવે આજ્ઞામાં બદલાય ગઈ હતી. જવાન છોકરો કામ ધંધો કર્યા વગર બસ રખડ્યા કરે,એ કોઈ પણ કાળમાં મંજૂર નહોય શકે. જેમજેમ દિવસો જઈ રહ્યા હતા બાપાનું અલગ જ રૂપ દેખાય રહ્યું હતું,અને જેની બીક હતી એજ થયું. એક રાત્રે જમતા-જમતા બાપાએ છેલ્લું સૂચન આપ્યું કે "હવે બહુ થયું તારું,૧ અઠવાડીયામાં નોકરી શોધી લે નહી તો મારી સાથે આવી જજે. હું અમારા સુપરવાયઝરને કહી અને તને નોકરી આપવી દઇશ". અત્યારના સમયમાં બાપા જેટલા કડક હોય છે તેના કરતાં હજારો ગુણા અમારા સમયમાં હતા. છેલ્લું સૂચન મળ્યા પછી કોઈ પણ જાતના સવાલ જવાબ કરવાની અનુમતિ બચતી નહીં. એ રાત્રે અને આવતી સાત રાત મારા માટે ઊંઘ હરામ થઈ ગઈ,મારે કોઈ પણ ભોગે એ મજૂરીવાળા કામમાં નહતું જવું. મારે તો શેઠ બનવું હતું,પરંતુ શરૂવાત તો ક્યાંક થી કરવાની હતી. જેવી છેલ્લી સૂચના મને મળી તેવું જ કઇંક જનકાના ઘરે પણ થયું. જનકાના બાપા તેનું ભણવાનું પૂરું થયું ત્યારથી કોઈ કરિયાણાની દુકાનમાં નોકરી રહી જવા કહી રહ્યા હતા. પરંતુ તેને પણ મારી જેમ શેઠ જ બનવું હતું,તેથી તે આ નોકરીમાં નહતો જઈ રહ્યો. હવે તો એને પણ છેલ્લી સૂચના મળી ગઈ હતી કે જો સાત દિવસમાં કઈ ના થયું તો પેલી કરિયાણાની દુકાનમાં લાગી જવાનું.

બને જણાએ એકબીજા ને પોતપોતાના બાપાની છેલ્લી સૂચના કહી સંભળાવી. છેલ્લે બને જણાએ નક્કી કર્યું કે,છેલ્લા સાત દિવસ જલ્સા કરી લઈએ. કદાચ પછી અમારા જીવનમાં પણ કાળી મજૂરી વચ્ચે જીવવાનું લખ્યું છે. શેઠ બનવાનું સપનું હવે અશક્ય લાગવા લાગ્યું હતું.

અઠવાડિયું પૂરું થવાને માત્ર એક જ દિવસ બાકી હતો. રોજ કરતાં આજે વાતાવરણ પણ સાવ અલગ હતું,આકાશમાં વાદળાં અને રોજ કરતાં દરિયાના મોજા પણ કઇંક વધુ જ ઊછળી રહ્યા હતા. વાતાવરણ પરથી એવું લાગી રહ્યું હતું કે જોરદાર વરસાદ પડવાનો છે. હું અને જનકો રૂટિંગની જેમ જુ-ચોપાટી પર ચકર લગાવી રહ્યા હતા. એવામાં મારી નજર આલીશાન ગાડીમાથી ઉતરી રહેલી એક છોકરી પર પડી. થોડીદૂર હોવાને લીધે હું એને સ્પષ્ટ ના જોઈ શક્યો. પરંતુ જેમજેમ એ નજીક આવી રહી હતી,તેનો ચહેરો સ્પષ્ટ થઈ રહ્યો હતો. તે એકદમ અમારી સામે આવી અને સામે ઉભેલા નારિયેળ પાણીવાળા પાસે નારિયેળ પીવા ઊભી રહી. થોડીવાર તો હું માત્ર ને માત્ર એને જ જોઈ રહ્યો. એવું સાંભળ્યુ હતું કે સ્વર્ગની અપ્સરા મેનકા એટલી કોમળ,સુંદર અને અદભૂત હતી કે વિશ્વામિત્ર જેવા તપસવી સાધુ પણ તેને જોઈને પોતાની તપસ્યા ભંગ કરી બેઠા. આ છોકરીને જોયા પછી મને પણ લાગ્યું કે મેનકા અપ્સરા જો હશે તો બિલકુલ આવી જ હશે. જ્યારે તેને જોઈ રહ્યો હતો ત્યારે હું ભૂલી ગયો કે મારી આજુબાજુ શું થઈ રહ્યું છે,મારી સામે માત્ર એક જ ચહેરો દેખાય રહ્યો હતો. રાત્રિના અંધકાર જેવા તેના કાળા કેશ,પુનમના ચંદ્ર જેટલો ગોળ તેનો ચહેરો,શરીર એટલું જ જેટલું એક છોકરીને સુંદર દેખાવા માટે જરૂરી હોય,પૈસાનો રૂવાબ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય રહ્યો હતો. નારિયેળ પાણીના પૈસા આપી અને તે પોતાની ગાડીમાં બેસી અને જતી રહી,અને હું એ જતી ગાડીને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી આંખોની નજર જઈ રહી હતી. જતી ગાડીની પાછળ મોટા અક્ષરે 'M' એવું લખ્યું હતું. મને આમ એકી ધારે પેલી ગાડીને જોતા જોઈ જનકો બોલ્યો “ મલ્હાર શું જોવે છે. ?”

“કઈ નહીં ભાઈ,ખરેખર અદભૂત અને કમાલની છોકરી હતી. પતંગિયાની જેમ ફૂલ પરનો રસ ચૂસી અને ચાલી ગઈ" મલ્હાર પેલી છોકરીના ખયાલોમાં ખોવાતા બોલ્યો.

“ઑ મારા બગીચાના માળી પાછો આવીજા. તને ખબર છે એ કોણ છે. ?” જનકએ કહ્યું.

“આટલી સુંદર આટલી કોમળ અને આવી અદાકાર તો નક્કી હિરોઈન જ હોય શકે છે” મલ્હારએ કહ્યું.

“ના ભાઈ. આ સુરતના મશહૂર હીરાના વ્યાપારી જે હાલ મુંબઈના પણ પ્રખ્યાત વ્યાપારી બની ગયા છે,એવા મોહન ઝવેરીની એક ની એક દીકરી મેઘા ઝવેરી છે” જનકએ કહ્યું.

“તને કઈ રીતે ખબર” મલ્હારએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“ભાઈ તેમની ગાડી પાછળનું ચિત્ર જોયુને,જેમાં 'M' બનાવેલું છે. આ 'M' મેઘાના નામ પરથી જ પડ્યું છે. માત્ર આ ચિત્રની એટલી તાકાત છે કે મોટા-મોટા હીરાના વ્યાપારી 'M' જોઈને હીરાનો સોદો કરી નાખે છે” જનકે કહ્યું.

“વાહ મેઘા. નામ પણ તેના જેવુ જ કોમળ છે” મલ્હારએ કહ્યું.

“ઑ કોમળ કુમાર,નામ જ ખાલી કોમળ છે. બાકી બોલવામાં એવી છે કે તીર કરતાં પણ વધુ ઝડપથી આપણને ચીરી નાખે ” જનકે મલ્હારને ચેતવતા કહ્યું.

“કોઈ વાંધો નહીં. આવી સુંદર ગુલાબ જેવી છોકરી હોય તો કાંટા પણ થોડા ખાવા પડે. મારો મતલબ છે કે તીર પણ ખાવા પડે” મલ્હારએ કહ્યું.

“તું સમજી નથી રહ્યો મલ્હાર,એ મેઘા ઝવેરી છે. મુંબઈના સૌથી મોટા અને પ્રખ્યાત વ્યાપારીની છોકરી. જ્યારે તું ” જનક બોલતા બોલતા અટકી ગયો.

“અને હું મલ્હાર ઝવેરી. જે ખૂબ જ ટૂક સમયમાં આ મુંબઈની અંદર પ્રખ્યાત થવાનો છે ” મલ્હારએ કહ્યું.

“કઈ રીતે પ્રખ્યાત થઈશ,એ જરા મને જણાવીશ. . ?” જનકએ કહ્યું.

“એમાં એવું છે,આ થોડું ગુપ્ત છે. બધાને કઈ દઇશ તો પ્રખ્યાત નહિ બની શકું” મલ્હારએ મોઢું ફેરવતા કહ્યું.

“મલ્હાર સમજ આપણે એમની સામે કઈ જ નથી. જ્યાં સુધી ચોપાટી પર બેસીને સપના જોવાની વાત છે,ત્યાં સુધી ઠીક છે. બાકી સપના અને હકીકતમાં ઘણો ફર્ક હોય છે,અને અંતે હકીકતને સ્વીકારવામાં જ બધાની ભલાઈ હોય છે” જનકે મલ્હારને સમજાવતા કહ્યું.

“જનકા કેમ આટલી નબળી વાતો કરે છે. સપના જોઈશું તો જ હકીકતમાં ફેરવવા માટે આત્મબળ મળશે ” મલ્હારએ જનકને સમજાવતા કહ્યું.

“સારું ચલ,હું તારી વાતોમાં આવી પણ જાઉં. પણ આવી સપનાની દુનિયામાં ક્યાં સુધી જીવન જીવશું. અને એટલે જ હવે નક્કી કર્યું છે કે ” જનક બોલતા-બોલતા અટકી ગયો.

“શું નક્કી કયું છે” મલ્હારએ જનકને જોઈને ગંભીર સ્વરમાં પૂછ્યું.

“એજ કે હવેથી હું મારા બાપાની આજ્ઞા મુજબ કરિયાણાની દુકાન પર લાગી જઈશ” જનકએ નિર્ણાયક સ્વરમાં કહ્યું.

“શેઠ આટલી જલ્દી હાર ના માને જનકા” મલ્હારએ કહ્યું.

“કોણ શેઠ. ? આપણે નોકર છીએ મલ્હાર. આપણે ખાલી સપનાઓમાં જ શેઠ બની શકીએ છીએ” જનકાએ કહ્યું.

“જનકા આટલી નબળી વાતો કેમ કરે છે. ચલ માન્યું કે આપણાં સપના આપણી ગજા ઉપરના છે. પરંતુ સપના હકીકત બનશે,એ તું લખીને લઈલે ” મલ્હારએ જનકને આશ્વાસન આપતા કહ્યું.

“નહીં બને. એ તું લખીને લઈલે” જનકએ કહ્યું.

“જનક હવે બહુ થયું. ક્યારનો પ્રેમથી સમજાવું છું,તું સમજી જ નથી રહ્યો” મલ્હારએ થોડા ઊચા સ્વરમાં કહ્યું.

“સારું ચલ હું તારી વાત માની પણ લઉં. પણ કઈ રીતે સપના હકીકત બનશે કહીશ જરા મને” જનકએ કહ્યું.

“અત્યાર સુધી મારી પાસે કોઈ પણ યોજના નહતી. પરંતુ મેઘા ઝવેરીને જોયા પછી અફલાતૂન વિચાર મારા દિમાગમાં આવ્યો છે” મલ્હારએ કહ્યું.

***

“દાદા,કેમ અટકી ગયા બોલો આગળ શું થયું. શું યોજના હતી એ ” પાર્થ ઉત્સુકતાની સાથે પૂછી બેઠો.

“બેટા,હવે આગળની વાર્તા કાલે. આજની કથા અહિયાં પૂરી થાય છે” મલ્હારએ હસતાં-હસતાં કહ્યું.

“આવું ના કરશો દાદા,ખાલી પેલી યોજના કહી દો. બાકીનું કાલે કહેશો તો ચાલશે” પાર્થ આજીજીના ભાવ સાથે બોલ્યો.

“ના દોસ્ત. તું હવે શર્તને તોડી રહ્યો છે,કહ્યું હતું ઊંઘ આવશે પછી આગળની વાર્તા કાલે” મલ્હારએ કહ્યું.

“સારું દાદા,તમે તો મારા કરતાં પણ વધારે જીદી છો” પાર્થએ કહ્યું.


(ક્રમશ:)


તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational