Rayththa Viral ( R V )

Drama

4  

Rayththa Viral ( R V )

Drama

૬ સેમેસ્ટર(યાદો કોલેજની) ભાગ:૧

૬ સેમેસ્ટર(યાદો કોલેજની) ભાગ:૧

16 mins
23.4K


૬ સેમેસ્ટર (યાદો કોલેજની)

(First Time)



First Time જીવનમાં પહેલી વખતનું ઘણું બધુ મહત્વ છે.આપણે બધા જીવનમાં થયેલી દરેક પહેલી વખતની વસ્તુને જીવનભર યાદ રાખીએ છીએ.જેમકે શાળાનો પ્રથમ દિવસ, પહેલી વાર થિયેટરમાં જોયેલું પહેલું પિક્ચર, પહેલો મોબાઇલ, કોઈ ખાસ વ્યકતી પાસેથી મળેલું પહેલું ગિફ્ટ, પહેલું વાચેલું પુસ્તક, પહેલી વખત પૈડાં વગર ચલાવેલી સાઇકલ, પહેલી વખત ક્લાસરૂમની બહાર ઊભા રહીને કરેલી મસ્તી, પહેલી નોકરી, જીવનમાં આવેલી પહેલી છોકરી, પહેલી વાર મનગમતી છોકરી સાથે ફોન પર કરેલી વાતો, પહેલો મિત્ર, બોર્ડની પરિક્ષાનો પહેલો દિવસ, પહેલી વખત એકલા કરેલી મુસાફરી, પહેલી વખત વિમાનમાં બેસવાનો આનંદ, પહેલી વખત શાળા તરફથી થયેલો પ્રવાસ, પહેલો પગાર અને આવેલા પગાર માથી માતા-પિતા માટે લીધેલી વસ્તુઓ, પહેલી વખત પોતાના છોકરાને હાથમાં લઈને મળેલો અદભૂત આનંદ.આ અને આવી તો હજારો પહેલી વખત કરેલી વસ્તુઓ આપણને જીવનના ડગલે અને પગલે યાદ આવતી હોય છે.

આ બધા વચ્ચે એક પહેલો દિવસ અને જેના સ્મરણો આપણે હજારો વખત વાગોળતા થાક્તા નથી.જેને યાદ કરીને કઇંક અલગ જ આનંદની અનુભૂતિ થાય છે,તે દિવસ એટલે કોલેજનો પ્રથમ દિવસ. 

“કોલેજ” આ નામથી લગભગ બધાની ઘણી બધી યાદો જોડાયેલી છે.માત્ર નામ સાંભળતાની સાથે જ,સૌ પોતાના કોલેજ જીવનની અદભૂત યાદોમાં ખોવાય ગયા હશું.આપણાં જીવનનો એવો અનેરો સમયગાળો જેમાં આપણે હજારો કાંડ,લાખો મસ્તી અને અગણિત મિત્રો બનાવ્યા હશે.જેટલી યાદો ક્લાસમાં જઈને નથી બની,તેનાથી દસગણી વધુ યાદો ક્લાસ બઁક કરીને બની છે.કોલેજનું ગ્રાઉંડ,કોલેજની કેંટિન, કોલેજની લાઈબ્રેરી,કોલેજની કમ્પ્યુટર લેબ આ બધુ આપણાં સ્મરણોમાં એવું જબરદસ્ત રીતે ગોઠવાય ગયું છે,જે કદાચ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ નહીં ભૂલાય.જ્યારે પણ કોલેજના મિત્રો સાથે મળે ત્યારે કોલેજની વાતો અને યાદોને વાગોળે નહીં તેવું બને ખરું.કોલેજના એ અદભૂત ૬ સેમેસ્ટર આપણાં માટે યાદોની એવી બૂક છે,જેના સંભારણા કરવાથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.કોલેજના આવા જ એક અદભૂત સફરમાં આજે આપ સૌને લઈ જવા છે.

---------------------------------------------------------------------------------------------------------

કોલેજની વિસ્મરણીય યાદોને ભેગી કરવા નીકળેલો અભિનવ આજે કોલેજના પ્રથમ સેમેસ્ટર અને કોલેજના પહેલા દિવસનો આનંદ લઈ રહ્યો હતો.ધોરણ ૧૨ કોમર્સમાં ૭૨%ની સાથે શહેરની સૌથી સારી કોલેજ વીડી કોલેજમાં તેનું એડ્મિશન થવું એ કોઈ મોટી વાત નહતી.અભિનવ મધ્યમવર્ગીય પરિવારની સાથે-સાથે ભણવામાં અને દેખાવમાં પણ મધ્યમ હતો.અભિનવના પપ્પા ધવલભાઈ ત્રિવેદી ત્યાં સુધી બરોડામાં રિક્ષા ચલાવતા હતા,જ્યાં સુધી અભિનવના ભાઈને કોઈ સારી કંપનીમાં નોકરી નહતી મળી.ધવલભાઈને ૨ છોકરા અને ૨ છોકરીઑ હતી.ધવલભાઈએ પોતાની જવાબદારી મુજબ બંને દીકરીઓ રીયા અને પ્રિયાને ભણાવી અને એમના લગ્ન સારા ઘરમાં કરાવી દીધા હતા.હવે દીકરા વિકાસ માટે છોકરી શોધી રહ્યા હતા.પરંતુ દરવખતે ધવલભાઈ રિક્ષા ચલાવે છે,આ વાતથી છોકરીવાળા લગ્ન માટે હા નહતા કઈ રહ્યા.એટલે છેલ્લે થાકીને ધવલભાઈએ રિક્ષા ચલાવાનું છોડી દીધું.આમ પણ વિકાસ મેડિકલ કંપનીમાં સારી એવી પોસ્ટ પર કામ કરી રહ્યો હતો,અને વિકાસના પગારથી અભિનવનું ભણતર અને ઘર બંને ચાલી રહ્યું હતું.

અભિનવ ઘરમાં સૌથી નાનો હતો એટલે સ્વાભાવિક વાત હતી,અભિનવ સૌનો લાડકો હતો.અભિનવ સ્વભાવમાં સાવ શાંત અને તેને એકલું રહેવું ગમતું.અભિનવ પોતાની મમ્મીથી કઇંક વધુ જ નજીક હતો. મધ્યમવર્ગીય પરિવાર માથી આવતા લગભગ બધા છોકરાઑનું એક સપનું હોય છે.તેને તેના ઘરમાં પૈસાની રેલમછેલ કરવી હોય છે,પરિવારને પૈસાની ક્યારે તંગી ના આવે તે તેનું મુખ્ય ધ્યેય હોય છે.

કહેવાય છે કે મધ્યમવર્ગીય પરિવાર એટલે એવા લોકો જે માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં જીવન વિતાવી દે છે,તેમની ઈચ્છાઓ હંમેશા અધૂરી રહે છે.જ્યારે મધ્યમવર્ગીય પરિવાર સાઇકલ લેવા જેટલી બચત કરે ત્યાં જ માર્કેટમાં બાઇક આવી જાય.અભિનવનું સપનું હતું.તે એના પરિવારની દરેક જરૂરિયાત અને ઈચ્છાઓ પૂરી કરે.‘પોતાના પપ્પા માટે બુલેટ અને મમ્મીના નામ નું મોટું ઘર.બંને બહેનોને એક-એક કાર ભેટમાં અને મોટાભાઈની વર્ષોથી ચાલી આવેલી વિદેશ ફરવા જવાની ઈચ્છા.’ આ અને આવી તો અગણિત ઈચ્છાઓ અભિનવે પૂરી કરવાનું મનમાં નક્કી કરી લીધું હતું.પરંતુ કહેવાય છેને ‘જિંદગી હર કદમ એક નઇ જંગ હૈ’. અભિનવની આ કોલેજની સફર પણ કઇંક અદભૂત અને અલગ-અલગ ઘણી વાતોથી યાદગાર જવા જઈ રહી હતી.


---------------------------------------------------------------------------------------------------------

First Sem (First Day)


“મમ્મી હું કોલેજ જાઉં છું.” અભિનવએ કહ્યું.

“અભિનવ ચલ આજે કોલેજનો પહેલો દિવસ છે,તો હું તને મૂકી જાઉં.” વિકાસએ કહ્યું.

“સારું.” અભિનવ આટલું કહી અને વિકાસની પાછળ બાઇક પર બેઠો.

“અભિનવ કોલેજમાં ખોટા જગડા-બબાલ ના કરતો.કોઈ સિનિયર ખોટી રીતે હેરાન કરે તો,ડર્યા વિના મને અથવા તારા ક્લાસના પ્રોફેસરને કઈ દેજે.આ કોલેજના 3 વર્ષ બહુ જ મહત્વના છે,આમાં તોફાન-મસ્તી, અવનવા મિત્રો આ બધુ કરજે.પરંતુ સાથે-સાથે યાદ રાખજે આ 3 વર્ષ તારા જીવનમાં બહુ મોટો ભાગ ભજવશે.” વિકાસએ અભિનવને શિખામણ આપવાનું શરૂ કર્યું.

વિકાસની આ દરેક શિખામણને અભિનવ ખૂબ જ ધ્યાનથી સાંભળી અને દરેક વાતની પાછળ હમ્મ,હાં,ધ્યાન રાખીશ આવા શબ્દો બોલી અને તે શિખામણને વધાવી રહ્યો હતો.

“સારું ચલ આવી ગઈ તારી કોલેજ All-the-best.” વિકાસ આટલું કહી અને પોતાની ઓફિસ જવા નીકળ્યો.

અભિનવ કોલેજના વિશાળ કેમ્પસમાં દાખલ થયો.તેના ચહેરા પર એક અલગ જ પ્રકારની ખુશી છલકી રહી હતી.ચારેતરફ નજારો ફરાવતો અભિનવ ધીરે-ધીરે કોલેજમાં દાખલ થઈ રહ્યો હતો.શાળામાં તો માત્ર જન્મદિવસ અથવા વિદાય સમારોહમાં જ રંગીન કપડાં પહેરવા મળતા.પરંતુ કોલેજના કેમ્પસમાં આટલા બધા છોકરા-છોકરીઓ પાછળ બેગ લટકાવી અને રંગબેરંગી કપડામાં મસ્તી મજાક અને અવાજો કરી રહ્યા હતા.આ વાતાવરણથી અભિનવ બહુ જ જલ્દી જોડાય જવાનો હતો.પરંતુ આજે પહેલો દિવસ હતો અને અભિનવ માટે આ બધુ પહેલી વાર થઈ રહ્યું હતું.એટલે તેને કઇંક અલગ જ આનંદ આવી રહ્યો હતો.આમ તો કોલેજનો સમય સવારના ૯ વાગ્યાનો હતો.પરંતુ અભિનવ પહેલો દિવસ છે,તે ધ્યાનમાં રાખીને આજે થોડો વહેલો આવી ગયો હતો.અભિનવની સાથે અભિનવના અમુક મિત્રોએ પણ આજ કોલેજમાં એડ્મિશન લીધું હતું,આથી અભિનવ તેમણે શોધી રહ્યો હતો,એવામાં તેની નજર તેના ખાસ મિત્ર રોહન પર પડી.રોહન અને અભિનવ લગભગ બાળપણથી સાથે જ મોટા થયા હતા.બંનેએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પણ સાથે જ લીધું હતું.

“અભિ,આપણે બંને એક જ ક્લાસમાં આવ્યા છે.” રોહનએ અભિનવને કહ્યું.

“વાહ,આ સારું થયું ભાઈ.” અભિનવએ ખુશી વ્યકત કરતાં કહ્યું.

હજુ તો અભિનવ અને રોહન કઈ આગળ વાત કરે,તે પહેલા પાર્કિંગમાં અચાનક ખૂબ જ ભીડ ભેગી થવા લાગી.ભીડને ભેગી થતાં જોઈ અને બંને જણાએ મનોમન એવો અંદાજો લગાડ્યો કે નક્કી ત્યાં જગડો થયો છે.અભિનવને આ જગડા-મગજમારી બહુ ઓછું ગમતું એટલે તેને તે વસ્તુ પરથી તરત જ ધ્યાન હટાવી લીધું.જ્યારે બીજું બાજુ રોહનને આવા મફતના મનોરંજન બહુ જ ગમતા,એટલે તેને અભિનવને કહ્યું “ચલને ત્યાં જઈએ.” પહેલા તો અભિનવએ ના પડી.પરંતુ રોહનના વધુ પડતાં આગ્રહને કારણે અભિનવને ત્યાં ના છૂટકે જવું પડ્યું.

પાર્કિંગમાં થઈ રહેલો જગડો વી.ડી કોલેજમાં B.comના છેલ્લા વર્ષમાં પોહચેલા સમીર એન્ડ ગેંગનો હતો.સમીર એન્ડ ગેંગ એવા ૫ જણાથી બનેલી હતી,જેવો છેલ્લા ૨ વર્ષથી વીડી કોલેજની અંદર પોતાની ધાક જમાવીને બેઠા હતા.આ ગેંગનો લીડર સમીર હતો.જેના પપ્પા બહુ મોટા બિજનેસમેન અને સાથે-સાથે કોલેજના ટ્રસ્ટી પણ હતા.બસ આજ એક માત્ર કારણ હતું,જેના લીધે સમીર કઇંક વધુ જ હવામાં ઊડી રહ્યો હતો.

આજના આટલા ટેક્નોલોજી અને વિકસિત સમાજમાં આવી કોલેજ ગેંગ હોય તેવું માનવું થોડું અજીબ હોય શકે છે.પરંતુ સમીર એન્ડ ગેંગ એટલા માટે પ્રચલિત હતી,કારણકે કોલેજની દરેક સ્પોર્ટ એક્ટિવિટીમાં કોલેજને જીતાડી અને યુનિવર્સિટિ લેવલ પર કોલેજનું નામ રોશન કરી રહી હતી.પરંતુ આ ગેંગ છેલ્લા ૨ વર્ષમાં એક પણ વાર કોલેજની સૌથી મોટી અને પ્રખ્યાત એવી સ્ટોક-માર્કેટ કિંગની પ્રતિયોગિતા જીતી નહતી શકી.આ ટુર્નામેંટ તેની અંદર જ એક અદભૂત અને મજાની ટૂંર્નામેંટ હતી. 

પાર્કિંગમાં ચાલી રહેલો જગડો દર કોલેજની ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ માટેનો હતો.છેલ્લા ૨વર્ષથી વીડી કોલેજ યુનિવર્સિટિ લેવલ પર ચાલી રહેલી ક્રિકેટની ટુર્નામેંટ જીતી રહી હતી,અને આ ટુર્નામેંટ જીતવા પાછળનું એક માત્ર કારણ હતું સમીર.સમીર એક જબરદસ્ત બેસ્ટમેન અને સાથે-સાથે ટીમનો કેપ્ટન પણ હતો.ચાલી રહેલો જગડો સમીરની ગેંગ અને અમનની ટીમ વચ્ચે હતો.

અમન પણ સમીરની સાથે B.comના ત્રીજા વર્ષમાં પ્રવેશિયો હતો.અમન પણ સારો ક્રિકેટર અને શાનદાર બેસ્ટમેન હતો.પહેલા સમીર અને અમન વચ્ચે સારી દોસ્તી હતી,પરંતુ કોઈ કારણસર બંને વચ્ચે જગડો થયો.આજ જગડા સ્વરૂપે કોલેજમાં બે જુથનું નિર્માણ થયું.જેમાં એક જુથ સમીર એન્ડ ગેંગ અને બીજું અમન ની ટીમ.બહુ જ જબરદસ્ત રીતે ચાલેલા આ જગડાનો અંત એ વાત પર થયો કે કોલેજની આવનારી સ્ટોક-માર્કેટ કિંગની પ્રતિયોગિતા જે ટીમ જીતશે.તે જ યુનિવર્સિટિ લેવલ પર થવાવાળી ક્રિકેટ ટુર્નામેંટમાં વીડી કોલેજની ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરશે.

“ભાઈ,આ સ્ટોક-માર્કેટ કિંગની પ્રતિયોગિતા શું છે.?” અભિનવએ પૂછ્યું.

“વધારે જાણકારી તો મને પણ નથી.પરંતુ આ પ્રતિયોગિતા શેરબજારને ધ્યાનમાં રાખીને થાય છે,અને ખાસ કરીને આ પ્રતિયોગિતા કોમર્સના વિધ્યાર્થીઓ માટે રાખવામા આવે છે.જેથી તેવો શેરબજાર વિશે જાણકારી મેળવી શકે.આ પ્રતિયોગિતા સોમવાર થી શુક્રવાર સુધી ચાલે છે.આ પ્રતિયોગિતામાં અમુક ટીમ વચ્ચે અમુક પૈસાના ભાગ રૂપે સિક્કા(Coin) વેચી દેવામાં આવે છે.દરેક ટીમ તેમણે મળેલા સિક્કા માથી અઠવાડીયા દરમ્યાન શેરબજારમાં શેર ની લે-વેચ કરે છે.અઠવાડિયાના અંતે જે ટીમના શેર વધુ પૈસા પર હોય અથવા જે ટીમએ પોતાની પાસે મળેલા સિક્કા માથી વધુ સિક્કા બનાવ્યા હોય,તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.આ સમગ્ર પ્રતિયોગિતા કોલેજ સુધી જ સીમિત છે,આમાં સાચા પૈસાની કોઈ લેતીદેતી થતી નથી.” રોહનએ કહ્યું.

“વાહ,ભાઈ આ તો મજેદાર રમત છે.”અભિનવએ કહ્યું.

“હાં,ભાઈ.” રોહનએ કહ્યું. 

“હાં,અને ચલ હવે ક્લાસ શરૂ થવાનો છે.” અભિનવએ કહ્યું.

---------------------------------------------------------------------------------------------------------

“પહેલા દિવસમાં આમ તો વધુ પડતાં લેકચર માત્ર અને માત્ર પરિચય(Introduction) આપવામાં જ જતાં હોય છે.” રોહનએ ક્લાસમાં જતાં અભિનવને કહ્યું.

“હાં ભાઈ.હમણાં કોનો લેક્ચર છે.?” અભિનવએ પૂછ્યું.

“કમ્યુનિકેશન સ્કિલ્સ નો છે,કોઈ રીનામેડમ લે છે.ભાઈ સિનયર પાસેથી સાંભળ્યુ છે,રીનામેડમ બહુ જ કડક કાયદા વાળા છે.પરંતુ દરવખતે તેમના લેકચર માથી કઈ ને કઈ શીખવા મળે છે.એમના લેકચરમાં ધ્યાન રાખજે.” રોહનએ કહ્યું.

“હાં ભાઈ.જો મેડમ આવ્યા.”આટલું કઈ અને અભિનવ અને આખો ક્લાસ ગૂડ-મોર્નિગ કહેવા ઊભો થયો.

“ગૂડ-મોર્નિંગ.પહેલા દિવસના પહેલા લેકચરમાં આટલી બધી સંખ્યા બહુ સમય પછી જોવા મળી છે.સારું છે,આ વખતે કઇંક અલગ બેચ આવી છે.ચાલો બધા પરિચય(Introduction) આપવાનું શરૂ કરો.આ પરિચય (Introduction) માં તમારું નામ,તમને ધોરણ ૧૨માં કેટલા ટકા(%) આવ્યા હતા અને તમે બધા કોમર્સના વિધ્યાર્થીઓ છો.તો સાથે એક સવાલનો પણ જવાબ આપવો પડશે.સવાલ એવો છે કે “તમને બધાને કોઈ ને કોઈ કાર તો પસંદ હશે જ.તમારે એટલું જણાવાનું છે,કેટલા સમયમાં તમે પોતાના પૈસાથી તમને ગમતી કાર લઈ શકો છો.” અને હાં આ પરિચય આપતી વખતે કોઈપણ મને અંદર અંદર વાતો કરતાં નજરે પડ્યું,તો સીધા ક્લાસની બહાર કાઢી નાખીશ.આ પહેલો દિવસ છે,એટલે ક્લાસની બહાર અને આગળથી મારા લેકચરમાં વાતો,મસ્તી,અવાજો આવું કરનારાની ૭ દિવસની હાજરી જશે અને અસાઇમેંટ ૨ વખત લખાવની સજા મળશે.” રીનામેડમએ કડક સ્વરમાં પોતાનો પરિચય આપી દીધો. 

“ભાઈ,આ મેડમ તો સાચે ખતરનાખ લાગે છે.” અભિનવએ કહ્યું.

“લાગે છે નહીં ભાઈ છે જ.હવે વાતો ના કરાવ નહીતર સાચે બહાર કાઢી નાખશે.” રોહનએ કહ્યું.

સૂચના મુજબ વારાફરતી બધા પોતાનો પરિચય આપવા લાગયા હતા.પરિચયમાં પૂછાયેલા સવાલો લગભગ સામાન્ય હતા.પરંતુ તેમાં અપાતા જવાબો થોડા અવનવા હતા.નામ અને માર્કસ સુધી વાંધો નહતો,પરંતુ જ્યારે વાત રીનામેડમ દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ આપવાની આવતી.ત્યારે કોઈએ કહ્યું..“હું ૨ વર્ષમાં,કોઈએ કહ્યું ૬ મહિનામાં કોઈએ કહ્યું ૧ વર્ષમાં મારા પોતાના પૈસાની ગાડી લઈ લઇશ.” જ્યારે બધા જવાબ આપી રહ્યા હતા,ત્યારે અભિનવએ રીનામેડમની સામે જોયું અને તેને રીનામેડમના ચહેરાના હાવભાવથી એવો અંદાજો લગાડ્યો કે રીનામેડમને આ બધા જવાબમાથી કોઈ પણ જવાબ પસંદ નથી આવી રહ્યા.તેમના આ સવાલ પૂછવા પાછળનો હેતુ કઇંક અલગ જ છે.

આ બધા વચ્ચે એક અવાજ એવો ગુંજ્યો.જેને સમગ્ર ક્લાસ અને રીનામેડમ નું ધ્યાન તે દિશા તરફ કરી મૂક્યું.મારૂ નામ ત્રિશા શાહ છે.મને ધોરણ ૧૨માં ૯૫% આવ્યા છે.અને મને મારા પૈસાથી કાર ખરીદવામાં ૭ વર્ષ લાગી જશે.

આ વખતે રીનામેડમએ પહેલી વાર સામે સવાલ કર્યો.“કેમ તને કાર ખરીદવામાં ૭ વર્ષ લાગશે..?” ત્યારે ત્રિશાના જવાબથી રીનામેડમના ચહેરા પર કઇંક અલગ જ સ્મિત આવી ગયું.ત્રિશાએ કહ્યું “મેડમ,હું આવનારા ૭ વર્ષમાં એટલા પૈસા કમાવા જઈ રહ્યું છું.જેનાથી હું માત્ર એક કાર નહીં પરંતુ આખો કારનો શૉ-રૂમ ખરીદી લઇશ.અને મારૂ સપનું કાર નહીં કારનો શૉ-રૂમ ખરીદવાનો છે.”

“ઠીક છે,ખૂબ સરસ.મારો આ સવાલ પૂછવા પાછળ નો આજ હેતુ હતો.આપણાં ગુજરાતીમાં એક સરસ કહેવત છે,“જમીન પર સૂવું અને સાકડ શું કામ ભોગવવી.” સપનું જોવું જ છે,તો કઇંક મોટું જોવો.” રીનામેડમએ કહ્યું.

“ત્રિશા શાહ.ભાઈ શું જોરદાર છોકરી છે.” રોહનએ અભિનવને કહ્યું.

“હાં,ભાઈ.જેવુ અદભૂત તેનું નામ છે,તેવી જ અદભૂત એ પણ છે.સોનેરી વાળ,બ્રાઉન આંખો,પિન્ક રંગનું તેનું ટી-શર્ટ,બોલવાની અદા,બોલતી વખતે હાથ સાથે કરેલા ચાળા.બધુ જ કઇંક અલગ છે,પહેલી વાર કોઈ છોકરી એક જ નજરમાં આંખોમાં બેસી ગઈ છે.ભાઈ આ છોકરી આપણાં કોલેજ સફરની સૌથી મોટી ભેટ છે.” અભિનવ અને રોહન અંદર અંદર વાતો કરી રહ્યા હતા.

“ત્રીજી બેન્ચ પર બેઠેલો પેલો પીળા રંગના ટી-શર્ટ વાળો છોકરો અને તેની બાજુ વારો બંને ક્લાસની બહાર નીકળી જાવ.” રીનામેડમએ કહ્યું.

હજુ તો અભિનવ અને રોહન પોતાનો પરિચય પણ આપી નહતા શક્યા.તેની પહેલા જ રીના મેડમએ બંનેને બહાર નીકળવાનું કઈ દીધું.અભિનવ અને રોહન માટે બહુ જ શરમ દાયક પળ આવીને ઊભી રહી ગઈ.હજુ તો કોલેજનો પહેલો દિવસ અને એમાં પણ પહેલો જ લેકચર.આ પહેલા લેકચરમાં જ ક્લાસની બહાર નીકળવું પડ્યું.ક્લાસની બહાર નીકળી અને પહેલા તો રોહન અને અભિનવ કોલેજના ગ્રાઉન્ડમાં આવેલા લીમડાના ઝાડ નીચે જઈને બેઠા.થોડી વાર બંને વચે મૌન રહ્યું અને પછી બંને જણા એકબીજા સામે જોઈને જોરજોરથી હસવા લાગ્યા.

“ભાઈ,આતો આપણાં કોલેજ જીવનની જબરદસ્ત શરૂવાત થઈ છે.” રોહનએ કહ્યું.

“હાં,ભાઈ આવું તો સપનામાં પણ નહતું વિચાર્યું.પહેલા દિવસે અને પહેલા લેકચરમાં જ ક્લાસની બહાર નીકળવું પડશે.” અભિનવએ કહ્યું.

“આ બધુ પેલી ત્રિશાના લીધે થયું.” રોહનએ કહ્યું.

“હાં ભાઈ.પણ ગમે તે કહીયે તે છોકરી હતી અદભૂત.‘મારૂ નામ ત્રિશા શાહ છે.’ કેટલા મીઠા સ્વરમાં પોતાનો પરિચય આપ્યો.યાર સાચે આંખોમાં ઉતરી ગઈ.” અભિનવએ કહ્યું.

“ઑ ભાઈ.ત્રિશાના બહુ વખાણ કરે છે.પહેલીવાર તું કોઈ છોકરીના આટલા વખાણ કરે છે.સાવ શાંત રહેવા વાળો વ્યકતી આજે કઇંક અલગ જ રંગમાં રમે છે.” રોહનએ અભિનવની મસ્તી કરતાં કહ્યું.

“કઈ નથી ભાઈ.ચલ હવે બીજો લેકચર શરૂ થવાનો છે.હવે આ લેકચરમાં શાંતિ રાખજે,અને ભણવા દેજે.” અભિનવએ કહ્યું.

પહેલા દિવસના વધુ પડતાં લેકચર પરિચય અને બીજી ખોટી વાતોમાં જ જતાં હોય છે.અભિનવને પણ પોતાનો પરિચય આપવાનો અવસર મળ્યો.પરંતુ જેવુ તેને અપેક્ષિત હતું.ત્રિશાએ તેના દ્વારા અથવા તો એમ કહીયે કોઈ પણ છોકરા દ્વારા અપાઈ રહેલા પરિચયમાં જરા પણ રસ ના બતાવ્યો.ત્રિશા ક્લાસની સૌથી હોશિયાર અને ખૂબસૂરત છોકરી હતી,દૂર-દૂર સુધી તેના સામે કોઈ નહતું.આજ વાતનું ત્રિશાને ખૂબ જ અભિમાન હતું.અભિનવએ કોલેજના પહેલા જ દિવસે એક વસ્તુ ધ્યાનમાં લીધી.ત્રિશા કોઇની પણ સાથે નહતી બેસતી.અથવા તો એમ કહ્યે કે કોઈ ત્રિશાની સાથે નહતું બેસતું.

---------------------------------------------------------------------------------------------------------

હવે ધીરે-ધીરે કોલેજના દિવસો પસાર થઈ રહ્યા હતા.આ પસાર થઈ રહેલા દિવસોમાં અભિનવ ત્રિશા માટે કઇંક વધુ જ વિચારવા લાગ્યો હતો.ચાલુ લેકચરમાં વધુ પડતું ધ્યાન તેનું ત્રિશા તરફ જ રહેતું.લેકચર વચ્ચે આવતા ફ્રી સમયમાં પણ અભિનવ ત્રિશાને જોવાનું એક પણ મોકો ચૂકતો નહતો.ત્રિશા સાથે કઈ રીતે વાત શરૂ થઈ શકે,તેના અલગ-અલગ ઉપાયો શોધી રહ્યો હતો.તેને થયું ક્લાસના અસાઇમેંટ માંગવાના બહાને તે ત્રિશાથી વાત કરી શકશે.પરંતુ પાછળથી ખબર પડી કે આ યોજના પહેલાથી જ ક્લાસ ૫ છોકરા વાપરી ચૂક્યા હતા.તેમણે ત્રિશા તરફથી એ જવાબ મળ્યો હતું કે “સોરી,હું મારા નોટ્સ કોઈના સાથે વહેચતી નથી.”

ત્યારબાદ દરેક સામાન્ય છોકરાની જેમ જ અભિનવએ ત્રિશાને Instagram પર શોધી.ત્રિશાનું અકાઉંટ પ્રાઇવેટ હતું,આથી લગભગ ૧ મહિના ના અથાક વિચાર-વિમર્શ પછી અભિનવએ ત્રિશાને request મોકલી.પણ જેનો તેને ડર હતો તેજ થયું.ત્રિશાએ અભિનવની request ના સ્વીકારી અને ત્રિશાની હજારો પેન્ડિંગ પડેલી request લિસ્ટમાં વધુ એક નામ અભિનવનું પણ જોડાય ગયું.

કોલેજના દિવસો હવે ઝડપથી પસાર થઈ રહ્યા હતા.અભિનવ પોતાના કોલેજ સફરને ખૂબ જ સારી રીતે માણી રહ્યો હતો.હવે ક્લાસમાં તેનું પણ એક સારું ગ્રુપ બની ગયું હતું.ચાલુ ક્લાસમાં તોફાન-મસ્તી,ક્લાસની બેન્ચ પર અવનવા ચિત્રો,લેકચરમાં બીજા મિત્રની હાજરી પુરાવી,અડધા લેકચરમાં પાછળના દરવાજાથી બહાર નીકળી જવું.આવી તો હજારો યાદો તે દર બીજા દિવસે બનાવી રહ્યો હતો.શાળામાં ચૂપચાપ રહેવા વાળો અભિનવ કોલેજમાં ક્યારે મસ્તીખોર થઈ ગયો,તેની તને ખબર જ ના રહી.શાંત રહેવા વાળો અભિનવ હવે ઘણો બદલાય રહ્યો હતો.આ બદલાવ ખુદ અભિનવને પણ પસંદ આવી રહ્યો હતો.

બીજી તરફ ત્રિશા.ત્રિશા પોતાના જીવનમાં નક્કી કરેલા ધ્યેયને પામવા દરરોજ તનતોડ મહેનત કરી રહી હતી.ક્લાસમાં ત્રિશાના મિત્રોમાં માત્ર ૨ જ વ્યકતી હતા.એક કાજલ અને બીજી પ્રિયા.આ બંનેમાં પ્રિયા ત્રિશાની જેમ જ ખૂબ હોશિયાર હતી,અને પ્રિયાની ખાસ મિત્ર કાજલ હતી.આથી બધા લોકો વાતો કરતાં કે ત્રિશાએ સામે ચાલી અને પ્રિયાને એટલા માટે મિત્ર બનાવી છે,કારણકે પ્રિયા હોશિયાર છે.

કોલેજના પ્રથમ સેમેસ્ટરની Mid-Exam(સેમેસ્ટરની વચે લેવાતી પરીક્ષા) લેવાઈ ગઈ હતી.તેનું રિજલ્ટ જેવુ બધાને અપેક્ષિત હતું,તે મુજબ જ હતું.ત્રિશાનો ક્લાસમાં અને કોલેજમાં પ્રથમ નંબર આવ્યો.બીજો નંબર પ્રિયાનો જે માત્ર ૬ માર્કસથી જ ત્રિશાથી પાછળ હતી.અભિનવ અને રોહન આ પરીક્ષામાં માત્ર પાસ થયા હતા.ત્રિશાનું લક્ષ્ય હવે પહેલા સેમેસ્ટરના અંતે થવાવાળી યુનિવર્સિટિની પરીક્ષામાં ક્લાસમાં જ નહીં,પરંતુ આખી યુનિવર્સિટિમાં પ્રથમ આવું હતું.ત્રિશા જાણતી હતી કે પ્રિયા તેનાથી માત્ર ૬ માર્કસ જ પાછળ છે,એટલે આ વખતે તેની મહેનત પણ તેવી જ જોરદાર હશે.આથી ત્રિશાએ પ્રથમ નંબર માટે દિનરાતની મહેનત ચાલુ કરી દીધી હતી.

ત્રિશાની એક વાત અભિનવ અને લગભગ આખા ક્લાસના ધ્યાનમાં આવી હતી.ત્રિશાને પહેલા નંબરથી કઇંક અલગ જ લગાવ હતો.તે જે પણ કાર્ય કરતી,તેને તેમાં હમેશાં પહેલું(First) જ આવું પસંદ હતું.કોઈપણ કાર્યને તે ત્યાં સુધી નહતી છોડતી,જ્યાં સુધી તે કાર્યને સંપૂર્ણપણે પૂરું ના કરીલે.ત્રિશાનું આ Never Give-up attitude(ક્યારે હાર ના માનવી) કોલેજના દરેક પ્રોફેસરને ગમવા લાગ્યું હતું.હવે તો ત્રિશા ક્લાસ જ નહીં,પરંતુ સમગ્ર કોલેજની વાતો અને ચર્ચા નું વિષય બની ગયું હતું.કોઈ લોકો ત્રિશાની તારીફ કરતું,તો કોઈ ત્રિશાની વિરુદ્ધ વાતો કરતું.પરંતુ વાતો હમેશાં ત્રિશાની જ થતી.કોલેજની છોકરીઑ પણ હવે ત્રિશાથી થોડી ચિડાવા લાગી હતી.પરંતુ ત્રિશાનો કોઈ તોડ નહતો.ત્રિશા ભણવામાં તો હોશિયાર હતી જ,સાથે સાથે દેખાવમાં પણ જબરદસ્ત અને અદભૂત હતી.

---------------------------------------------------------------------------------------------------------

યુનિવર્સિટિની પરીક્ષા શરૂ થઈ.આમતો પરીક્ષામાં નકલ કરવાના અલગ અલગ રસ્તા દરેક વ્યકતી શોધી જ લે છે.કોઈ આગળ પાછળ માથી જોઈને લખે છે,કોઈ IMP કહેવાતા પ્રશ્નોની કાપલી બનાવે છે.કોઈ બાથરૂમ જવાના બહાને બાથરૂમમાં રાખેલી ચોપડી માથી જોઈને લખે છે.પરંતુ આ બધાથી અલગ એક એવો પણ વર્ગ હોય છે.જે માત્ર રોલ નંબર લખવા જ પરીક્ષા હૉલમાં જાય છે.જેટલી ઝડપથી પરીક્ષક પેપર આપે છે.આ અદભૂત કહેવતો વર્ગ તરત જ જવાબવહીની પાછી પરીક્ષકને આપે છે.આ બધુ જોતાં એક નવો નિયમ આવ્યો,કે પરીક્ષામાં આવડે નહીં છતાં પણ પેપર શરૂ થયાના એક કલાક પછી જ ક્લાસની બહાર કોઈ નીકળી શકશે.આ એક કલાકમાં આ અદભૂત કહેવતો વર્ગ ટાઇમપાસ કરવાના હજારો બહાના શોધી લે છે.જાણી જોઈને એવું વર્તન કરે,જેથી પરીક્ષકને એવું લાગે કે,નક્કી આની પાસે ચિટ(કાપલી) છે.પછી જ્યારે તે છોકરાને ચેક કરવામાં આવે,ત્યારે તેની પાસેથી કઈ ના નીકળે.સવાલ પેપર ની એવી તો જબરદસ્ત ભૂંગળી પરીક્ષા હૉલમાં બેઠા-બેઠા જ બનાવી નાખે,અને પછી એજ સવાલ પેપરના નાના ટુકડા કરી અને આખા પરીક્ષા ખંડમાં ઉડાડે.

અચ્છા,આ બધાથી અલગ એક એવો હોશિયાર લોકોનો વર્ગ હોય છે.જે બહાર આવી અને આખું પેપર ચર્ચા કરે છે.આપેલા દાખલાનો આ જવાબ આવે,આ રીતથી આ દાખલાને કરવાનો હતો,મારે તો સમય જ ખૂટી ગયો,અને આ વખતે પેપર અઘરું પૂછાયું હતું.આવા શબ્દો હોશિયાર છોકરાના મોઢે સાંભળ્યા પછી,કઇંક વધુ જ હોશિયાર એવા છોકરાઑ મોટે મોટેથી હસવા લાગતાં.કારણકે જિંદગીમાં ક્યારે પણ સમય ખૂટી ગયો,આ વાત બોલવાનો એમનો મોકો જ નહતો મળ્યો.વધુ હોશિયાર કહેવાતા લોકો જ્યારે ક્લાસની બહાર નીકળી રહ્યા હોય,ત્યારે પોતાની સાથે બીજા ૪-૫ જણાને ઉકસાવીને બહાર ખેચી લાવે.ભૂલથી પણ આ વર્ગનો કોઈ મિત્ર અંદર પેપર લખતો જોવા મળે,તો એ મિત્ર નું બહાર સ્વાગત કઇંક અલગ જ રીતે જ કરવામાં આવે.આવા તો હજારો કાંડ અને તોફાન પરીક્ષા સમયે થતાં હોય છે.પરંતુ કોલેજની વાતો જ્યારે યાદ કરવામાં આવે,ત્યારે આ પરીક્ષાની વાતોને યાદ કરવાની એક અલગ જ મજા હોય છે.

પહેલા સેમેસ્ટરની યુનિવર્સિટિની પરીક્ષા આવા જ હજારો કાંડ અને મસ્તી સાથે પૂરી થઈ.ત્રિશા અને પ્રિયા પણ દરેક પેપર પૂરું થયા પછી એકબીજા સાથે મળી અને ચર્ચા કરતાં અને બંને એકબીજાને એક જૂઠું હમેશા બોલતા.“યાર,મારૂ પેપર એટલું સારું નથી ગયું.લાગે છે આ વખતે તું પહેલો નંબર લઈ જઇશ.” કહેવાય છે આ વાકય હોશિયાર છોકરા-છોકરીઓ એટલા માટે વાપરે છે.જેથી તેમની સામે રહેલો તેમનો પ્રતિદ્વંદી તેની મહેનત ઓછી કરી નાખે.

---------------------------------------------------------------------------------------------------------


પરીક્ષા બાદ હવે વારો હતો રિજલ્ટનો.મિડ-એક્જામમાં પ્રિયા માત્ર ૬ માર્કસથી જ ત્રિશાથી પાછળ હતી.એટલે આ વખતે તેને મહેનત કરવામાં કોઈ કસર બાકી નહીં રાખી હોય.બીજી તરફ ત્રિશાએ પણ પહેલો નંબર મેળવવા માટે તનતોડ મહેનત કરી હતી.આથી આખી કોલેજ જાણતી હતી કે પહેલા નંબર માટેનો જંગ આ વખતે ખરાખરી નો હતો.

“પ્રિયા,રિજલ્ટ આવી ગયું છે.ચેક કર્યું..?” કાજલએ પ્રિયાને ફોન પર કહ્યું.

“ના..!! ક્યારે આવ્યું રિજલ્ટ તે ચેક કર્યું..? તારું શું રિજલ્ટ આવ્યું.?”પ્રિયાએ એકી સાથે સવાલો પૂછવાનું શરૂ કરી દીધું.

“મારૂ છોડ તારો ક્લાસમાં ચોથો નંબર આવ્યો છે.!!” કાજલએ પ્રિયાને ચોકાવતાં કહ્યું.

“શું..?? ના હોય.મારો ચોથો નંબર કઈરીતે આવી શકે..? ત્રિશાનું રિજલ્ટ શું આવ્યું..?” પ્રિયાએ પૂછ્યું.

“ત્રિશાનો ત્રીજો નંબર આવ્યો છે.” કાજલએ કહ્યું.

“એટલે ત્રિશાનો પણ પહેલો નંબર નથી આવ્યો.?” પ્રિયાએ આશ્ચર્યની સાથે પૂછ્યું.

“હાં,એજ તો.!!” કાજલએ કહ્યું.

“કાજલ તે બરાબર રિજલ્ટ ચેક કર્યું છેને..? આ કઈ રીતે બની શકે..?” પ્રિયાને કાજલની વાતો પર વિશ્વાસ નહતો આવી રહ્યો.

“હાં,પ્રિયા બે-બે વખત રિજલ્ટ ચેક કર્યું.પહેલા તો મને પણ ખબર નહતી.આમાં તો માત્ર માર્કસ જ બતાવે છે .કોનો કયો નંબર આવે છે,તે નથી બતાવતા.પરંતુ થોડીવાર પહેલા જ આપણાં ક્લાસના વોટસ-એપ ગ્રુપમાં બધા અચાનક અભિનવ અને રોહનને અભિનંદન આપી રહ્યા હતા.પછી જ્યારે એમનું રિજલ્ટ ખોલ્યું ત્યારે મારી પણ આંખો મોટી થઈ ગઈ.અભિનવ અને રોહન બંનેને તારા અને ત્રિશા બંને કરતાં વધારે માર્કસ આવ્યા છે.અભિનવનો પહેલો નંબર અને રોહનનો બીજો નંબર આવ્યો છે.” કાજલએ પ્રિયાને ઝટકો આપતા કહ્યું.

“શું...” પ્રિયાએ કહ્યું.


( ક્રમશ...)

To Be Continued…


તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.

 


Rate this content
Log in

Similar gujarati story from Drama