છ કલાક અને એ...
છ કલાક અને એ...


ઘરની બાલ્કનીમાં એ સ્થિર હતો પણ. એ દરિયાના મોજાને એકી ટશે જોયા કરતો હતો. દરિયાના મોજા કરતા પણ મોટા મોટા મોજા એના મનમાં ઉછળી રહ્યા હતા કદાચ. ક્યારેક એની સામે સુલોચનાબેનના બેડરૂમનું દ્રશ્ય ઉપસી આવતું તો ક્યારેક પ્રિયંકાનો ચહેરો. અને આ બધામાં પોતાના વાળ સરખા કરતો કરતો ક્યારેક એ પોતાને પણ કલ્પી લેતો. એનું મન ત્રણ પૈડાની રીક્ષા બની ગયું હતું. અને આ સમય એની પરીક્ષા લેતો હતો.
એની પાસે હવે છ કલાક હતા નિર્ણય લેવા માટે, કે પછી છજ કલાક હતા પરીક્ષાનું પરિણામ જાહેર કરવા માટે. પ્રિયંકા સુલોચનાબેન સાથે રહેવા માંગતી ન હતી, એની શરત હતી કે ઘરમાં સુલોચનાબેન રહેશે ક્યાંતો એ પોતે. અને સુલોચનાબેનનો સ્વભાવ દિવસે દિવસે વિચિત્ર થતો જ જતો હતો એમાં કોઈ શંકા ન હતી. એક દીકરા તરીકે મા પ્રત્યેઅને એક પતિ તરીકે પ્રિયંકા પ્રત્યે, એનું ખેંચાણ વધતું જ જતું હતું. એક પેકેટ સિગારેટ પીવાય ચુકી હતી. પણ, વિચારોની મથામણમાં ચાલતી જિંદગીની પરીક્ષા પતી નહોતી. એનું મન માને વૃદ્ધાવસ્થામાં પોતાનાથી દૂર કરી વૃદ્ધાશ્રમમાં મુકવા તૈયાર ન હતું, બીજી તરફ પ્રિયંકા પત્ની પછી પણ પ્રેમિકા હતી, એને પણ કેમ કરી છોડાય ! અને આ બધામાં એ પોતે. એની ટ્રાન્સફરનો ઓર્ડર આવ્યો હતો, એણે આ શહેર છોડી જવાનું હતું. હવે વિચાર કોનો કરવો, પોતાનો ? પ્રિયંકાનો ? કે પછી માનો ?
એક સમયે એવું પણ નક્કી કર્યું કે એ શહેર છોડી, પ્રિયંકાને લઈને ચાલ્યો જાય, પણ મા ? પછી એણે વિચાર્યું કે મમ્મીને પણ લઈને જાય, તો પણ તો આનું આજ. પ્રિયંકા અને મમ્મીમાંથી મમ્મીને લઈને જાય તો એનો પત્ની પ્રેમ અને ફરજ નડ્યા. દરિયાના મોજા સીધા હતા પણ એ મનમાં સર્જાતા જિંદગીના સમય સાથેના સવાલોના જવાબો મેળવવામાં અટવાયેલો હતો. એક સમયે એવો પણ વિચાર કર્યો કે ટ્રાન્સફર માટે નંનો ભણી લે ઓફિસમાં. પણ શું આ રીતે એની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું ? એણે આ દરમ્યાન બીજી બે સિગારેટ પતાવી દીધી હતી. સમય હવે માત્ર બે કલાકનો જ બચ્યો હતો.
એના પ્રશ્નપત્રમાં સવાલો ઓછા થતા જ ન હતા, ને જવાબો નિષ્ફળ પરિણામ તરફ આગળ વધતા હતા. એ રૂમમાં જઈ આરામ ખુરશી પર ટેકવાયો. બે ઘડી આંખ બંધ કરી બધું જ ભૂલી જવા પ્રયત્ન કર્યો. ચાર વાગ્યા હતા ત્યારે. થાકેલા મગજ અને ગૂંચવાયેલા મન સાથે એ નિંદરમાં સરકી ગયો. ઘર શાંત હતું, પ્રિયંકા બેડ પર સૂતી હતી અને સુલોચનાબેન એના રૂમમાં અને એ ખુરશી પર.
અચાનક એલાર્મ વાગ્યું એના મોબાઈલનું, એ ઝબકીને જાગ્યો, છ વાગી ગયા હતા. કંઈ પણ વિચાર કર્યા વગર એ ઉભો થયો, ન્હાવા ગયો, તૈયાર થયો અને ઓફિસબેગ સાથે કપડાથી ભરેલી ટ્રોલી લઈ નીકળી ગયો. ટેક્સી પકડી અને ગયો...
છ વર્ષ થઈ ગયા છે. પ્રિયંકા, સુલોચનાબેનને સચવાય તેટલું સાચવીને રાખે છે. અને એ ફરી પાછો ઘરે આવવા ટ્રાન્સફર માટે પ્રયત્નો કરે છે. જિંદગીની પરીક્ષાના સવાલોના જવાબ હંમેશા પોતાની પાસે જ હોય છે એવું નથી હોતું, ક્યારેક સમય સૌથી સફળ પરિણામ આપી શકે છે, એવું એને સમજાઈ ગયું છ વાગ્યાના એ એલાર્મના રણકાર સાથે.