ચાલક કે ચમત્કાર
ચાલક કે ચમત્કાર
“અરે ગોપાલ, આ બાજુ ક્યાં જાય છે. આપણે એરપોર્ટ જવાનું છે. જમણી બાજુથી સીધા જઈએ તો તરત આવી જશે. આ તો લાંબો અને ભરચક ટ્રાફિકવાળો રસ્તો છે.” સૂર્યકાંતે એના ડ્રાઈવરને કહ્યું. ગોપાલ કહે, “સાહેબ, એ રસ્તો થોડા દિવસ પહેલાં બંધ હતો. હમણાં મને આઈડિયા નથી, તેથી આ રસ્તે ગાડી લીધી. આપણે પહોંચી જઈશું, ચિંતા ન કરો.” ટ્રાફિક વચ્ચેથી હંકારતાં ગાડી એરપોર્ટ પહોંચી. સૂર્યકાંતનો દીકરો આજે અમેરિકાથી આવવાનો હતો. આજે દસ વર્ષ બાદ મહેશ ભારત આવી રહ્યો હતો. ત્યાં માસ્ટર્સ કરવા ગયા પછી, એણે ત્યાંની જ ગોરી મેમ સાથે લગ્ન કરી લીધાં હતાં. પરિવારની ગેરહાજરીમાં એનું સાંસારિક જીવન શરૂં પણ થઈ ગયું. એને પાંચ વર્ષનો એક બાબો પણ હતો.
શાહ પરિવારમાં આજે આનંદનો ઉત્સવ હતો. સૂર્યકાંતે બે દિવસ પહેલાં તેના જૂનાં ડ્રાઈવરને બોલાવીને સૂચના આપી હતી કે બુધવારે આપણે એરપોર્ટ જવાનું છે. ગોપાલ તેમને ત્યાં વીસ વર્ષથી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. પરિવારમાં વડીલ જેવું જ એનું સ્થાન હતું. બંને જણા વાતો કરતાં હતાં, ત્યાં જ મહેશ, તેની ગોરીયણ પત્ની અને બાબો આવી પહોંચ્યા. સૂર્યકાંત તો રાજીના રેડ થઈ ગયા. તેમણે મહેશને છાતીસરસો ચાંપી દીધો. સૂર્યકાંતે કહ્યું, “મહેશ, બેટા, કોઈ તકલીફ તો નથી પડી ને ? પ્લેનમાં બધું બરાબર હતું ને ?” મહેશ બોલ્યો, “પપ્પા, એવરીથિંગ ઈઝ ફાઈન. આ તમારી વહુ મેરી, આ તમારો પૌત્ર માઈકલ અને મારું નામ પણ હવે મહેશ નથી રહ્યું, મેં મારું નામ બદલીને મેથ્યુઝ કરી દીધું છે. ત્યાં જમાના પ્રમાણે ચાલવું પડે. ઘરે મમ્મી અને બધા કેમ છે ?” ગોપાલ વચ્ચે બોલ્યો, “સાહેબ, તમે બધા ઘરે ચાલો. ત્યાં જઈને શાંતિથી વાતો કરીશું. ત્યાં બધા તમારા સ્વાગત માટે રાહ જોઈને ઊભા છે.”
સૂર્યકાંતે પણ કહ્યું કે ગોપાલની વાત સાચી છે, બધા ચાલો. ગોપાલે બધો સામાન લઈને ગાડીમાં મૂક્યો અને બધા ગાડીમાં બેઠાં. સૂર્યકાંત, ગોપાલની બાજુમાં આગળ બેઠાં. મેથ્યુઝ અને તેનો પરિવાર પાછળ બેઠો. એરપોર્ટની બહાર ગાડી નીકળીને મુખ્ય રસ્તા પર આવી. વાહનના પુષ્કળ ટ્રાફિક વચ્ચે ગોપાલ તેની કુશળતાથી ગાડી હંકારતો હતો. રોંગ સાઈડથી એ ઓવરટેઈક પણ કરતો હતો. ગાડીની ઝડપ પણ ગમે ત્યારે વધતી ઓછી થતી હતી. મેથ્યુઝની અકળામણ વધતી જતી હતી. વાહનોના ઘોંઘાટ અને સતત અનિશ્ચિતતા વચ્ચે એને જીવનું જોખમ લાગતું હતું. આખરે બધા સહીસલામત બંગલે પહોંચ્યા.
ત્યાં પહોંચીને સૌથી પહેલાં મેથ્યુઝે એના પપ્પાને બોલાવીને કહ્યું, “પપ્પા, આ ગોપાલકાકાને હવે વિદાય આપી દો તો સારું. મને તો તેમનું ડ્રાઈવીંગ જોઈને બહુ બીક લાગી. તમે ચાલાકવિહીન ગાડી કેમ લઈ લેતાં નથી. રોબોટ જ કારનું સંચાલન કરે અને તમને સહીસલામત નિર્ધારિત સ્થળે પહોંચાડી દે.” સૂર્યકાંતે કહ્યું, “એવું કેવી રીતે બને ? ડ્રાઈવર વગર રોબોટ કેવી રીતે ગાડી હંકારી શકે ?” મેથ્યુઝ હવે પપ્પાને સમજાવવા લાગ્યો, “પપ્પા, હવે ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે. રોબોટીક્સ લગભગ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે. રોબોટ દ્વારા સંચાલિત કાર હવે પરદેશમાં સામાન્ય બાબત થઈ ગઈ છે. શહેરના નકશાની માહિતી કારમાં પહેલેથી જ ફીટ કરેલી હોય છે. તમે માત્ર પહોંચવાની જગ્યાનું સરનામું ટાઈપ કરીને આદેશ આપો એટલે તમને ટ્રાફિકના બધા નિયમો પાળીને રોબોટ ચોક્કસ જગ્યાએ પહોંચાડી શકે છે.”
સૂર્યકાંત વિચારમાં પડી ગયા. તેમને એક વિચાર એ પણ આવી ગયો કે રોબોટ તો બધા નિયમો પાળશે, પરંતુ બાકીના અહીના ડ્રાઈવરો નિયમ વિરુદ્ધ ગાડી ચલાવે તો રોબોટ શું કરશે...! તે સ્તબ્ધ થઈને બેસી રહ્યાં. આ વાત તો તમામ ચાલકો નિયમાનુસાર વાહન ચલાવતાં દેશોમાં જ ચાલે, એવું એમને લાગ્યું.
