માતાનું ઋણ
માતાનું ઋણ
નેહાને આજથી ત્રીસ વર્ષ પહેલાના દિવસો યાદ આવી ગયા. નેહા પરણીને એક રૂઢિચુસ્ત પરિવારમાં આવી હતી. ઈશ્વરકૃપાથી એક જ વર્ષમાં પ્રસૂતિનો સમય થયો. નેહાના સાસુ-સસરાએ તો એડવાન્સમાં પુત્રજન્મની ખુશીમાં પેંડા મંગાવી રાખેલા. નાનકડા નગરમાં તેમના પરિવારનું નામ મોખરે હતું. નેહા અને મનીષને ઈશ્વરે જોડિયા દીકરીઓની ભેટ આપી. મનીષ તો પુત્ર કે પુત્રી, જે હોય તે સ્વીકારવા તૈયાર હતો પરંતુ તેમના માતાપિતાએ ઘર માથા પર લીધું. નેહાને ન કહેવાના વેણ કહ્યાં.
છઠ્ઠે દિવસે તેમને પોતાના ઘરે બોલાવવાના બદલે નેહાના પિયરમાં મોકલી આપ્યાં. મનીષ તેમના માતાપિતાના નિર્ણય સામે લાચાર હતો. ખુશ હતી તો એક નેહા, જેણે બે નાનકડી પરીઓને જન્મ આપ્યો હતો. નેહા ભણેલી હતી. એ આમ લાચાર થઈને બેસી રહે, એવી ન હતી. તેણે પિયરના ફળિયામાં પુત્રીના જન્મની ખુશીમાં પેંડા વહેંચીને એક સ્પષ્ટ મેસેજ આપી દીધો કે દીકરો-દીકરી એક સમાન છે. નેહાના પિતાજીનું નેહા નાની હતી, ત્યારે જ અવસાન થયું હતું. નેહાના મમ્મીએ જ તેને મોટી કરી પરણાવી હતી.
નેહાએ મનીષને અનેક વખત કહ્યું, “મને અને તમારી બંને દીકરીઓને આવીને લઇ જાઓ.” પણ મનીષ તેના માતાપિતા સામે વામણો પુરવાર થયો હતો. બંને વચ્ચે એક મોટી ખાઈ ઉભી થઇ ગઈ હતી. નેહાએ ગામની નિશાળમાં એક નાની નોકરી શોધી કાઢી અને બંને બેટીઓને માતાપિતા એમ બંનેનો પ્રેમ આપીને શ્રેષ્ઠ રીતે ઉછેરવા માંડી. તેને મનીષ અને તેના માતાપિતાના ઈરાદાઓની ખબર પડી ગઈ હતી. હવે ત્યાં જવાનો અને અપમાન સહન કરવાનો કોઈ અર્થ ન હતો. નેહાએ બંને દીકરીઓને ખૂબ લાડમાં અને કાળજીપૂર્વક મોટી કરી, ભણાવી ગણાવી નોકરીએ લગાડી. સારા મુરતિયા જોઇને બંનેને સમાજમાં જ સારા ઘરે પરણાવીને પોતે જાણે નિવૃત્ત થઈ ગઈ.
હવે નેહાની દેખરેખ રાખનાર કોઈ ન હતું. બંને દીકરીઓ અવારનવાર આવીને અટકેલા કામો પતાવી જતી. એક વાર નેહાને અચાનક ગભરાટ થઈ આવ્યો. દવાખાને લઇ જનાર પણ કોઈ ન હતું. એ મનોમન બંને દીકરીઓને યાદ કરી રહી, કદાચ કોઈ આવી જાય. સવારનો સમય હતો. નેહાનો શ્વાસ ઉંચો થઈ ગયો હતો. એટલામાં જ બારણામાં કાર આવીને ઉભી રહી. બંને દીકરી એકસાથે કારમાંથી ઉતરીને ઘરમાં ગઈ. “મમ્મી, મમ્મી, ક્યાં છે તું ? હેપ્પી મધર્સ ડે મોમ..” નિયંતા મમ્મીના રૂમમાં પહોંચી અને તેને તરત જ ખ્યાલ આવી ગયો કે મમ્મીની તબિયત ઘણી ખરાબ છે. તેઓએ એક પણ મિનિટ બગાડ્યા વિના મમ્મીને લઈને ગાડી હાંકી મૂકી.
આજે અહી હોસ્પિટલમાં આવ્યાને એક અઠવાડિયું થયું. હવે નેહા જોખમની બહાર હતી. બંને દીકરીઓએ સાચા અર્થમાં મધર્સ ડે ઉજવ્યો હતો. અણીના ટાણે આવીને મમ્મીનો જીવ બચાવીને બંને દીકરીઓએ માતાનું ઋણ ઉતારવાની તક ઝડપી લીધી હતી. એટલામાં નિયતિ રૂમમાં આવી અને કહેવા લાગી, “મોમ, હવે તારે એકલીએ કશે રહેવાનું નથી. તું હવે અમારી સાથે રહેશે.” નેહાની બંને દીકરીઓએ તેને પુત્રની ખોટ લાગવા દીધી ન હતી. નેહાની આંખમાંથી હર્ષના આંસુ વહી રહ્યાં હતાં. સામે તેની બંને દીકરીઓનો હર્યોભર્યો પરિવાર જોઇને તેણે ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો.
