આહાર એ જ ઔષધ
આહાર એ જ ઔષધ
“મમ્મી, મગની દાળ કેવી રીતે ખવાય ? શું તું પણ, મને નહિ ભાવે. મને કંઈક મસ્ત બનાવી આપ અથવા લાવી આપ ને.” મોન્ટુએ પ્રતીક્ષાને કહ્યું. મમ્મી ખીજવાઈ ગઈ, “મોન્ટુ, તારા આવા નાટકના લીધે જ તું માંદો પડ્યો છે. ડોકટર અંકલે કહ્યું છે તે જ ખાવાનું છે. હવે તેમના જણાવ્યા મુજબ જ ભોજન લેવાનું છે.” મોન્ટુનું મોઢું પડી ગયું. નાનપણથી તેને અનાજ, કઠોળ કે લીલા શાકભાજી ભાવતાં નહિ. તેની મમ્મીએ પણ તેને લાડમાં ઉછેર્યો, અને તેને ભાવતાં ભોજન બનાવી ખવડાવ્યા કર્યા. સવારે સેન્ડવીચ, બપોરે પાંવ-ભાજી કે પિઝા અને સાંજે મેગી કે બર્ગર જેવા ફાસ્ટ ફૂડને રવાડે મોન્ટુ ચઢી ગયો હતો. એટલે સુધી કે એણે ધીમેધીમે તમામ પ્રકારના પોષક આહારમાં નખરા કરવાના શરૂં કર્યા. શરૂઆતમાં તો એના મમ્મી-પપ્પાને ખ્યાલ જ ન આવ્યો. પણ મોન્ટુનું શરીર લેવાતું ગયું. સાવ સુકલકડી બાંધો અને વ્યાયામના અભાવે, તેની શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. પોષણયુક્ત આહારના અભાવે તેનું વજન પણ ખાસ્સું ઘટી ગયું.
એક દિવસ સવારમાં તેને ખેંચ આવવા લાગી. ઘરના બધા સભ્યો ગભરાઈ ગયા. તેને તાત્કાલિક ડોકટરને ત્યાં લઈ ગયા. ડોકટરે તરત જ સારવાર શરૂં કરી. સાંજે રિપોર્ટ આવ્યાં ત્યારે ડોકટરે તેના મમ્મી અને પપ્પાને બોલાવ્યા અને કહ્યું, “જુઓ, મોન્ટુના શરીરમાં લોહી ઓછું છે. પ્રોટીન તો જેટલું હોવું જોઈએ તેનાં કરતાં અડધું જ છે. રક્તકણોમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. તે કુપોષણનો શિકાર બન્યો છે અને એનું કારણ એની ખોટી આહારટેવો હોઈ શકે.” આટલું બોલીને ડોકટર પાણી પીવા માટે અટક્યા. પ્રતિક અને પ્રતીક્ષા એક બીજા તરફ જોવા માંડ્યા. તેમને તરત જ આખી સમસ્યા સમજાઈ ગઈ. પ્રતિકે કહ્યું, “ડોકટર સાહેબ, તમારી વાત સાચી છે, અમે તમારી વાત અને મુશ્કેલીની ગંભીરતા સમજીએ છીએ. તમે એને હાલના તબક્કે સારવાર ચાલુ જ રાખો. સાંજ સુધીમાં સાંજ સુધીમાં બાકીના રિપોર્ટ્સ આવતાં જ કુપોષણની માત્રા ખબર પડશે.”
ડોકટરે કહ્યું, “જુઓ, તમે બંને ભણેલા-ગણેલા લાગો છો. બાળકની જીદને દરેક વખતે સંતોષવી એ એના પોતાના માટે જ હાનિકારક છે. ખોરાક બાબતે આજકાલના બધા જ બાળકો ખોટી ધારણાઓ અને માન્યતાઓને કારણે યોગ્ય અને પૂરતો ખોરાક લેતાં નથી. જેને પરિણામે ગંભીર રોગમાં સપડાય જાય છે. જંક ફૂડના અતિશય સેવનને લઈને તેઓ સ્વાદ પારખવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનીજ દ્રવ્યો અને વિટામીન, એમ પાંચ પ્રકારના ઘટકોનું સમતુલન શરીરમાં અનિવાર્ય છે.” ડોકટરે મોન્ટુને પણ સમજાવ્યો. એને પણ પોતાની ભૂલ સમજાઈ. ‘આહાર એ જ ઔષધ’ એ સત્ય મોન્ટુને સમજાઈ ગયું. તેણે સામે ચાલીને મમ્મીને કહ્યું, “મમ્મી, હવે હું રોજ તમારી સાથે શાક-રોટલી-દાળ-ભાત ખાઈશ.” પ્રતિક અને પ્રતીક્ષાના મુખ પર સ્મિત રેલાઈ રહ્યું...!
